મૃગની યોનિ પૂરી થયા પછી ભરતજીને મનુષ્યયોનિની પ્રાપ્તિ થઈ અને એમનો જડભરત તરીકેનો વ્યવહાર શરૂ થયો. એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા અને પૂર્વજન્મોની સ્મૃતિ ચાલુ રહેવાથી જડની જેમ જીવવા લાગ્યા. સંસારમાં ફરીવાર આસક્તિ ના થાય તેનું ધ્યાન રાખતા. તે આત્મવિચારમાં હંમેશ મગ્ન રહેતા હતા.
એક વખતની વાત છે.
સિંધુ તથા સૌવીર દેશનો રાજા રહૂગણ તત્વને જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને મહર્ષિ કપિલના આશ્રમ તરફ જવા નીકળ્યો. રસ્તામાં ઈક્ષુમતી નદીને કિનારે તેને પાલખી ઉપાડનારા એક સુદૃઢ માણસની જરૂર પડી. અધિકારીઓએ જડભરતને હૃષ્ટપૃષ્ટ, યુવાન ને મજબૂત અંગવાળા જોઈને, તેમને પાલખી ઉપાડવા યોગ્ય માનીને પકડી આણ્યા. જડભરત જો કે પાલખી ઉપાડવાનું જાણતા નહિ છતાં પણ પાલખી ઉપાડીને આગળ વધ્યા.
જડભરતની ચાલ બીજા બધા પાલખી ઉપાડનારાથી જુદી પડતી તેથી પાલખી વાંકીચૂંકી થઈ જતી. એ જોઈને રાજા રહૂગણને રોષ ચઢ્યો.
એણે જડભરતની મશ્કરી કરતાં કહેવા માંડ્યું: 'મને લાગે છે કે તું થાકી ગયો છે. કેમ કે તેં એકલે હાથે જ પાલખી ઉપાડી છે. તારૂં શરીર નબળું છે, વૃદ્ધાવસ્થા તને ઘેરી વળી છે તથા તારા સોબતીઓ પણ તારા જેવા તો નથી જ.’
રાજાએ એવી રીતે મશ્કરી કરી તો પણ જડભરત તો શાંત જ રહ્યા.
પરંતુ પાલખી ફરી ઊંચીનીચી ને વાંકીચૂંકી થવા લાગી એટલે રાજા અતિશય કોપાયમાન બનીને બોલી ઊઠ્યો: 'અરે તું શું કરે છે ? જીવતાં જ મરેલો છે કે શું ? મારો અનાદર કરીને મારી આજ્ઞા નથી માનતો ? યમદેવ સર્વે મનુષ્યોને શિક્ષા કરે છે તેમ હું પણ તને પ્રમાદીને શિક્ષા કરીશ ત્યારે જ તું સીધો થઈશ.’
રાજા રહૂગણનાં એવાં અનેકવિધ અસંબદ્ધ વચનો સાંભળીને જડભરતજીએ છેવટે મુખ ઉઘાડ્યું ને કહેવા માંડ્યું: 'રાજા ! તેં જે કહ્યું તે સાચું છે. તેં મારી મશ્કરી કરી છે એમ હું નથી માનતો. ભાર નામે કોઈ પદાર્થ હોય, તેને ઉપાડનારા શરીર સાથે તેને કોઈ સંબંધ હોય, અને એ શરીર સાથે મને સંબંધ હોય, તો તેં જે કહ્યું છે તે મારી મશ્કરીરૂપે કહ્યું છે એમ હું માની શકું, પરંતુ ખરેખર તેવું નથી. વળી તું કહે છે કે હું પુષ્ટ નથી તે પણ બરાબર છે કેમકે જ્ઞાનીઓ આત્માને પુષ્ટ કહેતા નથી. જે અજ્ઞાની હોય છે એ જ એવું કહેતા હોય છે. પુષ્ટ તો શરીર છે, હું નથી. આત્મામાં સેવક તથા સ્વામી ભાવનો અભાવ છે. એટલે એને આજ્ઞા કરવાનું કે આજ્ઞાનુસાર ચાલવાનું કશું જ નથી રહેતું. સ્વામી અને સેવકના ભેદ વ્યવહાર પૂરતા જ મર્યાદિત છે. વાસ્તવિક રીતે જોઈએ તો એવા કોઈ ભેદની હયાતિ જ નથી. છતાં પણ તને જો રાજા તરીકેનું અભિમાન હોય તો તું આજ્ઞા કરી શકે છે. હું જડ કે ઉદ્ધત જેવો લાગું છું પરંતુ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચૂક્યો છું. મને શિક્ષા કરવાથી કશો જ હેતુ નહિ સરે.’
એ પ્રમાણે બોલી જડભરતે ફરી પાલખી ઉપાડવા માંડી.
પરંતુ એમના શાસ્ત્રસંમત, જ્ઞાનયુક્ત વચનોએ રાજાની આંખ ઉઘાડી નાખી, એનો અહંકાર ઓગાળી નાખ્યો, અને એનું હૃદય પરિવર્તન કરાવી દીધું. એને ખાતરી થઈ કે આ તો કોઈ અસામાન્ય પ્રજ્ઞાવાન, અનુભવસિદ્ધ મહાપુરૂષ છે.
પાલખી પરથી નીચે ઊતરીને એ જડભરતનાં ચરણોમાં પડ્યો.
'મારા ઉદ્ધતાઈભર્યા વર્તનને માટે ક્ષમા માગું છું.’ એણે કહ્યું: 'તમે આટલા બધા મહાન હશો તેની મને ખબર નહિ. તમે કોણ છો ? તમે જનોઈ ધારણ કરો છો માટે બ્રાહ્મણ તો છો જ. તમે શું દત્તાત્રેય છો, કપિલ મુનિ છો, કે કોઈ સિદ્ધ છો ? હું મહર્ષિ કપિલની પાસે જ જીવનના શ્રેયનું સાધન જાણવા માટે જઈ રહ્યો છું. તમારા જેવા અનુભવી મહાપુરૂષ મને માર્ગમાં જ મળી ગયા તેને મારું સદ્ ભાગ્ય સમજું છું. મને જીજ્ઞાસુ જાણીને ઉપદેશ આપવાની વિનંતિ કરું છું.’
રાજાએ અજ્ઞાત અવસ્થામાં જડભરતની જે અવગણના કરી તેથી જડભરતજી ગુસ્સે ના થયા. કારણ કે એ સાચા જ્ઞાની હતા. સાચા જ્ઞાનીઓ બધી દશામાં આત્માની નિષ્ઠા જાળવી રાખીને શાંત કે સ્વસ્થ રહેતા હોય છે. બીજો બોધપાઠ આ પ્રસંગમાંથી એ લેવાનો છે કે કોઈને નીચ, અધમ કે હલકટ માનીને કોઈની કદી અવગણના ના કરવી. સૌની સાથે નમ્રતા ભરેલો, પ્રેમમય વ્યવહાર રાખવો.
જડભરતે એ પછી રહૂગણને ઉપદેશ આપ્યો.