દયાનંદ સરસ્વતીના બોલવાથી એમનો રસોઈયો એમની આગળ આવી ઊભો રહ્યો.
એના દિલમાં આશંકા અને આકુલતા હતી. પહેલાં જેવી પ્રસન્નતા ન હતી.
‘બોલ ભાઈ ! તેં મને ઝેર આપ્યું છે ને ? આજે પાછું ઝેર આપ્યું છે ને ?’
રસોઈયો ધ્રૂજવા લાગ્યો. અને થયું કે સ્વામીજી બધું જાણી ગયા અને હવે આવી બન્યું.
ત્યાં તો મહર્ષિ દયાનંદ ફરી બોલ્યા. ‘તેં મને કોના કહેવાથી ઝેર આપ્યું ? પેલી વેશ્યાના કહેવાથીને ?’
રસોઈયાએ સંમતિસૂચક માથું હલાવ્યું.
'શું આપવાનું કહેલું ?’
'સો રૂપિયા’
એટલી નાનકડી રકમને માટે તેં કેટલો મોટો અપરાધ કર્યો તે તું જાણે છે ? ઘણો ભયંકર અપરાધ. તેં ભારતીય સંસ્કૃતિની, સમસ્ત દેશની તથા માનવતાની ભારે કુસેવા કરી. હજુ હું જીવતો રહેત તો લોકોને ઘણો લાભ થાત. પરંતુ હવે મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. મારો જીવનદીપ ઓલવવાની હવે તૈયારી છે. તું તેમાં નિમિત્ત બની ગયો. આ વખતે હું નહિ બચી શકું એવું મને સ્પષ્ટ દેખાય છે. તારે હાથે ભારે અમંગલ કામ થઈ ગયું.’
રસોઈયો શરમ તથા દુઃખનો માર્યો નીચે જોઈ રહ્યો. એને પશ્ચાતાપ થયો. પોતે આ શું કર્યું ?
એક વાર તો પેલી વેશ્યાના કહેવાથી પોતે સ્વામીજીને ભોજનમાં ઝેર આપ્યું હતું. તે વખતે દૈવયોગથી સ્વામીજી બચી ગયા'તા. એ પછી એવું હલકટ કામ કરવા બદલ પોતાના દિલમાં ડંખ પણ થયેલો, અને એ બધું ભૂલી જઈને આવું અધમ કામ પાછું કેવી રીતે કરી શકાયું. હવે શું થશે, કેવું કરૂણ પરિણામ આવશે ?
એના મનમાં વિચારોનાં મોજાં પેદા થવા લાગ્યાં.
એટલામાં તો સ્વામીજી બોલ્યા : 'ભાઈ ! આ વખત હવે વિચાર કરીને બેસી રહેવાનો નથી. મારું તો જે થવાનું હતું તે થઈ ગયું. તેનો તો કોઈ ઉપાય નથી. પણ હવે તું તારૂં સંભાળી લે. તારા જીવનને બચાવી લે. સવાર પડતાં, મારા શરીરનો અંત આવ્યાના સમાચાર મળતાં, મારા ભક્તો તથા પ્રશંસકો અહીં ભેગા થશે, અને તને જીવતો નહિ છોડે. એટલા માટે લે આ ચાવી, પેલી પેટીને ઉઘાડીને એમાં જે રકમ છે તે લઈ લે. તેમજ તારાથી જેટલે પણ દૂર જઈ શકાય એટલે દૂર તું અત્યારે ને અત્યારે જ ચાલ્યો જા. વિલંબ ના કર.’
એટલું કહીને એમણે રસોઈયા તરફ પેટીની ચાવી ફેંકી.
રસોઈયાની આંખમાંથી આંસુનો વરસાદ વરસવા લાગ્યો.
એને થયું કે વરસો સુધી સાથે રહ્યો તો પણ પોતે આવા મહાન સંતશિરોમણિને ઓળખી ના શક્યો. પોતે કેટલો મોટો અપરાધ કરી બેઠો છે. છતાં પણ આ મહાપુરૂષ તેને કેટલી બધી શાંતિપૂર્વક ક્ષમા આપી રહ્યાં છે ! એટલું જ નહિ પણ એને કોઈ જાતની હાનિ ના પહોંચે એ માટેની કોશિશ પણ કરી રહ્યા છે! કેટલી બધી મહાનતા, ઉદારતા ને ઉદાત્તતા !
પરંતુ આ વખત વિચાર કરવાનો નથી એમ સમજીને રસોઈયાએ પેટી ખોલી. એમાંથી રકમ કાઢી, અને મહર્ષિ દયાનંદના ચરણમાં પ્રણિપાત કરીને ફરીવાર પશ્ચાતાપ કરતો ચાલી નીકળ્યો.
એ કયી બાજુ ગયો તે ઈશ્વર જાણે, પરંતુ એ કોઈને મળ્યો તો નહિ જ.
એ જ રાતે મહર્ષિ દયાનંદે પ્રણવનો ઉચ્ચાર કરતાં શરીરત્યાગ કર્યો.
મહાપુરૂષોના દિલમાં પોતાનું બૂરૂં કરનારને માટે પણ ભલાઈની કેવી ભાવના હોય છે તેનો આ પ્રસંગમાં સુંદર પડઘો પડે છે. ઈશુ તથા સોક્રેટિસ અને ગાંધીજીએ પોતાને નુકસાન પહોંચાડનારને માટે પણ જેવી રીતે પ્રેમ ને ક્ષમાનો પવિત્ર ભાવ ધારણ કર્યો તેવી રીતે મહર્ષિ દયાનંદે પણ રસોઈયાનું સારું જ ચાહ્યું. સારું ચાહ્યું એટલું જ નહિ પણ સારું કર્યું પણ ખરૂં. વેર વેરથી નથી શમતું પરંતુ પ્રેમથી શમે છે, અને બુરાઈ બુરાઈથી નથી મટતી પરંતુ ભલાઈથી મટે છે એ સંદેશ સનાતન છે. એ સંદેશને એ માનવજાતિના મંગલને માટે મૂકી ગયા છે. માનવજાતિ એ સંદેશ પ્રમાણે ચાલે એટલી જ વાર છે.