વેદાંતકેસરી વીર સ્વામી વિવેકાનંદની ઉપદેશ આપવાની પદ્ધતિ અત્યંત વિલક્ષણ હતી.
ઉપદેશ આપવા માટે કોઈ કોઈવાર એ એવી વિશેષ પદ્ધતિ અખત્યાર કરતા જે સામેની વ્યક્તિને અથવા તો શ્રોતાવર્ગને અચૂક અસર કરતી. એની અસર નીચે આવીને માણસો મંત્રમુગ્ધ જેવા બની જતા. વિવેકાનંદના પ્રભાવનું એ પણ એક કારણ હતું. એને લીધે અસંખ્ય લોકો એમની તરફ આકર્ષાતા અને એમના માર્ગદર્શનને માટે એમની આજુબાજુ ટોળે વળતા.
આવો, સ્વામી વિવેકાનંદની ઉપદેશ આપવાની એ અસાધારણ પદ્ધતિની જરાક ઝાંખી કરી લઈએ.
અમેરિકામાં એકવાર સ્વામી વિવેકાનંદજી પ્રવચન કરી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણને માટે ગોપીઓના હૃદયમાં જે પરમપ્રેમનો અણર્વ ઉછાળા મારી રહ્યો હતો તેનું વર્ણન કરતા પ્રસંગો એમની આગળ બેઠેલા શ્રોતાજનોને સંભળાવી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ મથુરા જઈ રહ્યા છે ત્યારે ગોપીઓ પ્રેમના પારાવાર ડૂબી ગઈ છે. એમનો પ્રેમ એટલો બધો પ્રબળ છે કે એની કલ્પના પણ ના કરી શકાય. કોઈ ગોપી કૃષ્ણ ભગવાનના રથના પૈંડાને પકડીને ઊભી રહી છે, કોઈ એમને ના જવા માટે વિનવી રહી છે, તો કોઈ આળોટી કે આક્રંદ કરી રહી છે. પ્રેમના એ અનેકવિધ પ્રદર્શન વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ તટસ્થરૂપે શાંતિપૂર્વક ઊભા રહ્યા છે. કેટલું સુંદર દૃશ્ય છે અને છતાં પણ કેટલું બધું કરૂણ ?
સ્વામી વિવેકાનંદ કૃષ્ણ ને ગોપીઓના એવા પવિત્રતમ પ્રખર પ્રેમનું વર્ણન કરી રહ્યા હતા, અને પ્રેમને ચિત્રિત કરતા કેટલાક પૌરાણિક પ્રસંગો વર્ણવી રહ્યા હતા, ત્યારે શ્રોતાજનોમાંના કેટલાકે પ્રશ્ન કર્યો કે સ્વામીજી, આવો ઉત્કટ પ્રેમ શું માનવહૃદયમાં પ્રકટ થઈ શકે ખરો ? આ તો શાસ્ત્રોની વાતો છે. એટલે સાંભળવી ઘણી સારી લાગે છે. પરંતુ એમની વાસ્તવિકતામાં સંદેહ થાય છે.
સ્વામીજી તે દિવસે તો એ વિષય પર ખાસ કાંઈ બોલ્યા નહિ. એમણે માત્ર એટલું જ કહ્યું કે ઉચિત અવસર આવશે ત્યારે મારી મેળે જ હું આ વિષય સમજાવીશ.
એ વાતને કેટલાક દિવસ વીતી ગયા. પછી એક વખત સ્વામી વિવેકાનંદજી પોતાના નિત્યક્રમ પ્રમાણે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે પ્રવચનને અધવચ્ચે જ પડતું મૂકીને એ હોલની બહાર દોડી ગયા. પ્રવચનમાં બરાબર રંગ જામ્યો’તો તે જ વખતે વિવેકાનંદજી જતા રહ્યા એટલે શ્રોતાજનો વિહ્ વળ બની ગયા, બેચેન બની ઊઠ્યા, અને નિરાશ થયા. વિવેકાનંદને દોડતા જોઈને તે પણ દોડવા લાગ્યા, ને વિવેકાનંદની પાસે આવીને હોલની બહાર ઊભા રહ્યા.
વિવેકાનંદે પૂછ્યું: 'તમે મારી પાછળ પાછળ કેમ દોડી આવ્યા ?’
'તમારા પ્રેમ તથા જ્ઞાનથી પ્રેરાઈને અમે દોડી આવ્યા. તમારી પાછળ ખેંચાયા વિના અમે રહી શક્યા જ નહિ.’ શ્રોતાજનોએ જવાબ આપ્યો.
'મારા પ્રેમમાં કે જ્ઞાનમાં એવું શું છે ?’
'તે તો અમે જ જાણીએ છીએ, એ અનુભવવાની વસ્તુ છે, બોલી બતાવવાની નથી. વાણી એનું પૂરેપૂરું વર્ણન નહિ કરી શકે. તમે હોલમાંથી વિષયને અધૂરો મૂકીને બહાર નીકળ્યા એટલે અમારાથી અંદર રહી શકાયું જ નહિ. અમે દોડી આવ્યા વિના રહી જ ના શક્યા.’
વિવેકાનંદે કહ્યું : 'મારા પ્રેમ અને જ્ઞાનની અસર તમારા પર આટલી બધી ભારે થઈ છે પરંતુ એ પ્રેમ અને જ્ઞાન તો છેક સાધારણ છે. મારા કરતાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રેમ તથા જ્ઞાનભંડાર તો ખૂબ જ વધારે હતો. તે તો જ્ઞાન તથા પ્રેમની મૂર્તિ હતા. આવા શ્રીકૃષ્ણનો વિરહ ગોપીઓ કેવી રીતે સહી શકે ? ગોપીઓ તો એમને સાચા દિલથી ભજતી હતી. માટે જ શ્રીકૃષ્ણને મથુરા જતા અટકાવવા માટે એમણે પોતાના પ્રેમનું વિવિધ પ્રકારે પ્રદર્શન કરવા માંડ્યું. એમાં ના સમજાય તેવું, અતિશયોક્તિ ભર્યું કે શંકાસ્પદ શું છે ?’
શ્રોતાજનો શાંત ચિત્તે સાંભળી રહ્યા. એમના મનનું સમાધાન થયું.
વિવેકાનંદે ઉપસંહાર કરતાં કહ્યું, તે દિવસે ગોપી પ્રેમ વિશેના મારા પ્રવચન દરમિયાન તમે જે શંકા કરેલી તેનો મેં આજે ઉત્તર આપ્યો. તમારી શંકા ટળી ગઈ જાણીને મને આનંદ થાય છે.’
શંકાસમાધાનની કેટલી બધી શાંત, સરસ છતાં સચોટ પદ્ધતિ ?