ઈશ્વરના પૂર્ણ કૃપાપાત્ર સંતપુરૂષની સહાયતાથી બીજા કોઈને ઈશ્વરનું દર્શન થઈ શકે ખરૂં ? જરૂર થઈ શકે.
ઈશ્વરની પરિપૂર્ણ કૃપાપ્રસાદની પ્રાપ્તિ કરી ચૂકેલા, કોઈ વિરલ સમર્થ સંતપુરૂષ પોતાની કૃપાથી બીજાને પણ ઈશ્વરદર્શન કરાવી શકે છે, એ વાત ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં સુપ્રસિદ્ધ છે. ભારતનો છેલ્લા શતકના સમય જેટલો જ આધ્યાત્મિક ઈતિહાસ જોઈએ તો પણ, એ વાતની પ્રતીતિ થયા વિના નથી રહેતી. એ ઈતિહાસમાં એક એવા જ ઉજ્જવળ ઉદાહરણનો પરિચય થાય છે.
એ ઉદાહરણ છે મહાપુરૂષ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવનું.
શ્રી રામકૃષ્ણ પરમહંસદેવે પોતાના વિશેષ અનુગ્રહથી સ્વામી વિવેકાનંદને જગદંબાનું સાક્ષાત દર્શન કરાવ્યું હતું. એટલે જ નહિ પરંતુ જગદંબાની સાથે વાર્તાલાપ કરવાનો લાભ પણ આપ્યો હતો. એ હકીકતનો સ્વામી વિવેકાનંદ જેવા પ્રખર બૌધિક પ્રતિભાવાળા પુરૂષે પોતાના શ્રીમુખે સ્વીકાર કર્યો છે. કલકત્તામાં દક્ષિણેશ્વરનાં ગંગાતટ પરના સુંદર સ્થાનમાં બનેલો એ પ્રસંગ ભારતના ભૂતકાલિન આધ્યાત્મિક ઈતિહાસનો એક મહામૂલ્યવાન, ગૌરવપ્રદ, અમર અને પ્રેરણાદાયક પ્રસંગ છે.
એવા અસાધારણ, પ્રાણવાન પ્રસંગો ઈતિહાસના પાનાં પર બહુ ઓછા નોંધાયા છે એ સાચું છે, અને એમાં કાંઈ વિસ્મય પામવા જેવું પણ નથી, કારણ કે એક તો સાચી આધ્યાત્મિક વૃત્તિથી વિભૂષિત માનવો જ ઓછા મળે છે. તેમાં વળી એ વૃત્તિને સુરક્ષિત રાખીને ને સુદૃઢ કરીને આગળ વધનારા માનવો તો એથી પણ ઓછા મળે છે. એવા અલ્પસંખ્યક મનુષ્યોમાં પણ ઈશ્વરદર્શનનો આનંદ મેળવનારા કવચિત્ જ હોય છે. અને ઈશ્વરદર્શી મહાપુરૂષોમાં પણ બીજાને ઈશ્વરનું દર્શન કરાવી શકે એવા પુરૂષવિશેષ કોઈક વિરલ જ હોય છે. તે મળે અથવા મળે તો પણ પરિસ્થિતિ એવી હોવાથી, એવા મહાપુરૂષોએ કોઈ બીજાને દર્શન કરાવ્યાના પ્રસંગો પણ કોઈક વિરલ જ છે. પોતાને માટે ઈશ્વરદર્શન કરવાનું જ જ્યાં મુશ્કેલ હોય, ત્યાં બીજાને ઈશ્વરદર્શનનો લાભ આપવાનું તો સહેલું ક્યાંથી જ હોય ?
એવો જ એક બીજો પ્રસંગ ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાયલો છે. તે પ્રસંગ મહારાષ્ટ્રના મહાન સંત એકનાથ અને એમના મહાસમર્થ ગુરૂદેવ શ્રી જનાર્દન સ્વામીનો છે. જનાર્દન સ્વામીએ પણ પોતાની વિશેષ કૃપાથી એકનાથજીને ઈશ્વરદર્શનનો આનંદ આપ્યો હતો.
એ પ્રસંગ પણ ભારે કીંમતી ને પ્રેરણાસ્પદ હોવાથી વિચારવા જેવો છે.
એકનાથજીના જીવન ચરિત્ર દ્વારા જાણવા મળે છે કે એકનાથજીએ છ છ વરસના લાંબા વખત લગી એમના ગુરૂ જનાર્દન સ્વામીની તનમનથી દિનરાત સેવા કરી. સેવાને જ પરમ સાધન સમજનારા એકનાથે સેવા કરતાં પાછું વાળીને ના જોયું.
એવી સતત નિષ્ઠાપૂર્વકની સેવાથી જનાર્દન સ્વામી છેવટે પ્રસન્ન થયા, અને એકનાથને કહેવા માંડ્યા, 'એકનાથ ? તેં મારી તનમનથી મુક્ત રીતે સેવા કરી છે. તારી સેવાથી હું પ્રસન્ન થયો છું. તને મારા ઈષ્ટદેવનું દર્શન કરાવું.’
ગુરૂના શબ્દો સાંભળીને એકનાથના આનંદનો પાર ન રહ્યો. કાંઈ પણ બોલ્યા વિના ભાવવિભોર બનીને એ શાંતિથી ઊભા રહ્યા.
ત્યાં તો ગુરૂએ ફરી કહ્યું : 'કાલે સાંજે મારા નિત્યનિયમ પ્રમાણે હું મારી ઉપાસનાના ઓરડામાં બેસું ત્યારે તું ત્યાં આવી પહોંચજે. હું તને ભગવાન દત્તનું દર્શન કરાવીશ.
એકાએક થયેલી એ ગુરૂકૃપાથી એકનાથનું અંતર ઉછાળા મારી રહ્યું.
બીજે દિવસે સાંજના સમયે એકનાથ પોતાના ગુરૂ જનાર્દન સ્વામીની પાસે પહોંચ્યા, તો એમણે શું જોયું ? પોતાના ગુરૂ શાંતિપૂર્વક ઉપાસનામાં મગ્ન બનીને બેઠા હતા, ત્યાં થોડા જ વખતમાં દત્તાત્રેય ભગવાન એમની આગળ પ્રગટ થયા. દત્તાત્રેય ભગવાનના દર્શનથી એકનાથને અનેરો આનંદ મળ્યો.
એમની સાથે એક ગાય પણ હતી. પોતાના હાથમાંનું કમંડલ એમણે ગાયની નજીક મૂક્યું તો તે દૂધથી આપોઆપ ભરાઈ ગયું.
દત્તાત્રેય ભગવાને એ દૂધનું પાન કર્યું અને પ્રસાદ તરીકે બીજું દૂધ જનાર્દન સ્વામીને આપ્યું. પછી શેષ રહેલા દૂધનો આસ્વાદ લેવા માટે એકનાથને પણ પોતાની પાસે બોલાવ્યા.
એકનાથે અમૃતમય દૂધનો પ્રસાદ લીધો. એથી એમને પરમ શાંતિ મળી.
દત્તાત્રેય ભગવાને એના મસ્તક પર હાથ મૂક્યો તો એમને દિવ્યદર્શનની પ્રાપ્તિ થઈ. એમને દત્તાત્રેય ભગવાન, જનાર્દન સ્વામી અને પોતાની અંદર જે ભેદભાવ દેખાતો હતો તે ભેદભાવ દૂર થયો, ને ત્રણેમાં એક જ સ્વરૂપનું દર્શન થયું. ત્રણે જાણે અંદરથી તથા બહારથી એક જ હતા. કેટલું ધન્ય હતું એ દર્શન ?
દત્તાત્રેય ભગવાને એકનાથને અનેરો આશીર્વાદ આપ્યો. અને પછી એ સસ્મિત ત્યાંને ત્યાં જ અદૃશ્ય થઈ ગયા.
એકનાથના જીવનમાં એક અવનવા પ્રેરણા પ્રકરણનો પ્રારંભ થયો. એમને અલૌકિક શાંતિ તો મળી જ, પરંતુ એમની આખી દૃષ્ટિ જ ફરી ગઈ. જે ગુરૂના પ્રતાપથી આવો અલૌકિક અનુભવ શક્ય બન્યો હતો તે સદ્ ગુરૂના અમુલખ અનુગ્રહને એ કેવી રીતે ભૂલી શકે ? તુલસીદાસના શબ્દોમાં કહીએ તો એ ગુરૂ એમને માટે કોઈ સામાન્ય કે અસામાન્ય માનવ નહોતા રહ્યા, કિન્તુ કૃપાસિંધુ નરરૂપ હરિ થઈ ચૂક્યા હતા.
એ ગુરૂને એમણે કૃતજ્ઞતાના ભાવથી ભરાઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં.
ગુરૂ જનાર્દન સ્વામીએ એમને પ્રસન્નતાપૂર્વક આલિંગન આપ્યું ત્યારે એમના જેવો કૃતાર્થ ને સુખી આત્મા સંસારમાં બીજો કોઈ ન હતો.