ગંગાકિનારાની કથા
ગંગા કિનારાની રૂપેરી રેતીમાં સૂર્યોદય પહેલાંની વહેલી સવારે રોજ કથા થતી હતી. કહેવાતું કે વ્યાખ્યાતા ઘણા જ વિદ્વાન હતા. ગંગાકિનારે વહેલી સવારની શાંતિમાં રોજ કથા થતી.
ચારે બાજુ ડુંગરની માળા ઊભી હતી ને વચ્ચે મોટું મેદાન હતું. દૂરથી પધારેલા પરિવ્રાજકને સાંભળવા માણસોની મોટી મેદની ત્યાં એકઠી થતી. ઠંડી લહરીઓ ચાલતી હોય ને આકાશમાં ઉષાની પધરામણી થઈ ગઈ હોય ત્યારે કથા થતી. ગંગાકિનારે સૂરજની પધરામણી થતાં સુધી રોજ કથા થતી.
ગંગામાં સ્નાન કરનારો એક શિશુ માનવ મહેરામણનું દર્શન કરતો, ને કથામાં કહેવાતા એક બે શબ્દો કદીકદી પાસેના પંથેથી પસાર થતાં સાંભળતો.
એક વહેલી સવારે તેને એક પરિવ્રાજકનો મેળાપ થયો, ને તેણે પૂછવા માંડ્યું: ‘કેમ, કથામાં તો જાવ છો ને?’
‘કોની કથા?’ શિશુએ સરળતાથી પ્રશ્ન કર્યો.
પરિવ્રાજકે દૂરથી માનવમંડળી તરફ અંગુલિનિર્દેશ કરી બતાવ્યો. શિશુ સમજી ગયો ને તેણે કહેવા માંડ્યું: ‘ગંગાની અનંત કથા આગળ બીજી કયી કથા? ગંગાની અકથ્ય કથાની પાસે બીજા કોની કથા? આ પર્વતો, વૃક્ષો, આકાશ ને પંખીની કથા થઈ રહી છે ત્યાં બીજી કયી કથા? એ કથાને હું સાંભળું છું ને તેમાં મશગૂલ છું.’
‘એ બધી જ કથા મિથ્યા છે. એ બધી જ કથા મિથ્યા.’ પરિવ્રાજક શિશુની વાત સાંભળીને ભવાં ચઢાવીને કહેવા માંડ્યા, ને પેલા પરિવ્રાજકની કથા સાંભળવા માટે માનવ મંડળીમાં જઈને બેસી ગયા.
- શ્રી યોગેશ્વરજી