જે જે દિવસો ચાલ્યા જાય
જે જે દિવસો ચાલ્યા જાય,
મિલન આપણું પાસે લાવે, વિરહ કપાતો જાય. ... જે જે દિવસો.
આજકાલમાં વહી જશે સૌ ઓછા પ્રતિપળ થાય;
ફરી મળીશું, અમી ધરીશું, ઉમંગ કેમ ન માય ! ... જે જે દિવસો.
કાયમ માટે હવે મળીશું મટશે દિલની લ્હાય;
અંગાંગ થશે શીતળ પામી સુધાછલેલી છાંય ... જે જે દિવસો.
‘પાગલ’ તેથી ચિંતા ન કરું, બીજો નથી ઉપાય;
વિરહ સહી લેવો આજે તો, ભલે સુકાયે કાય. ... જે જે દિવસો.
(રચના: ૩૦-૭-૧૯૫૭, મંગળવાર)
– © શ્રી યોગેશ્વરજી