જીવનના ઝંઝાવાતોથી શાને કાજ ડરે
જીવનના ઝંઝાવાતોથી શાને કાજ ડરે,
સંકટ તેમજ મુસીબતોમાં શાને કાજ મરે;
સંતતણું શરણું લે તારાં સંકટ દૂર કરે,
જીવન શાંત કરી દે તેમજ પરમાનંદ ધરે.
દુઃખ દર્દ ચિંતાથી સાધક, શાને કહે રડે,
નિરાશ થાયે નિષ્ફળતા ને અશ્રુ આહ વડે ?
સંતતણું શરણું લે તારા સંકટ દૂર કરે,
સલામતી ને સાફલ્યથકી જીવન પૂર્ણ ભરે.
પ્રલોભનોથી પાર કરીને કરશે ધન્ય તને,
કૃપા કરીને જશે નિરંતર દોરી ધ્યેય કને;
પ્રભુસ્વરૂપ ગણીને તેની સાથે પ્રેમ કરે,
‘પાગલ’ બન તો સત્વર તારા ક્લેશ સમસ્ત હરે.
(૨૨-૮-૧૯૫૭, ગુરુવાર)
– © શ્રી યોગેશ્વરજી