આ જગતમાં જન્મ પામી
આ જગતમાં જન્મ પામી કૈંક પ્રાપ્ત કર્યું,
મહત્તાના માર્ગ પર જેણે પ્રયાણ કર્યું;
શિખર પર સિદ્ધિતણા જે થઈને આરૂઢ,
ખજાનો પામી ગયા જીવનમહીં ને ગૂઢ,
તે બધા શ્રદ્ધા તણા ઉત્સાહથી ભરપૂર,
મઢેલા આશાથકી કર્તવ્યમાં ચકચૂર,
હતા ધીરજ ત્યાગ હિંમતથી ભરેલા શૂર,
ધ્યેયમાં લાગી ગયા બીજું ગણીને ધૂળ.
મહત્તાનો માર્ગ મુશ્કેલી ભરેલો છો,
કાંકરા કંટકથકી તેમજ મઢેલો હો,
વિપત્તિના વાદળાં ગરજી રહેલાં હો,
છતાં સિદ્ધિના શિખર પર હોય ચઢવું તો,
ઢાલ ધીરજની લઈ તલવાર ત્યાગતણી,
થઈ ‘પાગલ’ યુદ્ધ કર વિશ્વાસ પ્રાણ વણી.
(૨૮-૮-૧૯૫૭, બુધવાર)
– © શ્રી યોગેશ્વરજી