પરમની સાથેના પ્રેમાલાપની શાબ્દિક અભિવ્યક્તિ એ જ ભજન.
શબ્દના માળખામાં કાવ્યભાવનું આરોપણ કરી ગીત રચી શકાય પરંતુ અંતરની આર્દ્રતાનું સીંચન થયા વિના ભજનનો જન્મ ન થઈ શકે; એ પ્રેમીઓ, ઉપાસકો કે ભક્તહૃદયને તન્મનસ્ક અને ભક્તિરસમાં તરબોળ ન કરી શકે. મીરાં, સૂરદાસ કે નરસિંહનાં ભજનોમાં જોવા મળતી ચોટ તેમાં રહેલી સાહિત્યની પ્રચુરતાને આભારી નહોતી પરંતુ તેમાં છુપાયેલી પરમને પામવાની ને એકાકાર થવાની અભિપ્સાને લીધે હતી.
યોગેશ્વરજીના જ શબ્દોમાં
"કવિની સાથે હોય ભક્તનું હૃદય જરીય ભળ્યું,
ગાવી તેની કેમ મહત્તા, અમૂલખ એ ઐશ્વર્ય મળ્યું."
યોગેશ્વરજીમાં આવા કવિ અને ભક્તહૃદયનો ઉમદા મિલાપ થયો હતો. અદ્વૈત વેદાંતી, વિચારજ્ઞ અને પ્રખર યોગી તરીકે પ્રસિધ્ધ યોગેશ્વરજી ઋજુ, સંવેદનશીલ અને ભક્તિભાવપૂર્ણ નાજુક હૃદયના સ્વામી હતાં. બે દાયકાના એકાંતિક હિમાલયવાસ દરમ્યાન મા જગદંબાની સંનિધિને ઝંખતા પાડેલા હૃદયદ્રાવક પોકારો ભજનોના રૂપે મૂર્ત થયા. યોગેશ્વરજીના ભજનોમાં ભાગવતધર્મી વિરહાતુર ગોપીની પેઠે પોતાના પ્રેમાસ્પદને પામવાની પ્રચંડ તરસને પ્રધાનપણે પેખી શકાય છે. એમણે ભજનો કેવળ લખવા ખાતર નથી લખ્યા. એમના ભજનો ભાટની માફક આંખ મીંચીને કરાયેલી ખોટી ખુશામત કે કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ હૃદયની અમાપ શ્રધ્ધા અને ભક્તિની અભિનવ અભિવ્યક્તિ છે.
Explore Shri Yogeshwarji's bhajans
અહીં એમના 'આરતી', 'અભિપ્સા', 'સાંઈ સંગીત', 'પ્રસાદ' 'આલાપ' તેમજ 'અંતરનો અનુરાગ' નામના ભજનસંગ્રહમાંથી કેટલાંક ભજનો પ્રસ્તુત કર્યા છે. એમાંના વધારે ભાગના ભજનોને અંતે 'પાગલ' નામનો ઉલ્લેખ આવે છે કારણ કે સાધનાકાળ દરમ્યાન તેઓ પોતાને માટે 'પાગલ' ઉપનામ વાપરતા હતા.
પાગલના પ્રેમોદગારોને સમજવા આપણે પણ પ્રભુપ્રેમમાં પાગલ થવું જ રહ્યું.