સ્ત્રીશક્તિની આવશ્યકતા
ધ્રુવની માતા સુનીતિને ભારત નથી ભૂલ્યું. તુલસીદાસને તુલસીદાસ કરનારી એની સ્ત્રી રત્નાવલિ ઈતિહાસમાં અમર છે. રામકૃષ્ણ પરમંહસના વિકાસમાં શારદાદેવીનો ફાળો પણ કાંઈ ઓછો ન હતો. એ જો વચ્ચે આવત તો રામકૃષ્ણ કદાચ આટલા મહાન ના બની શક્યા હોત. કસ્તૂરબાએ ગાંધીજીને આપેલો સહકાર ભારતીય સ્વતંત્રતાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયલો છે. છત્રપતિ શિવાજીને એની માતા જીજીબાઈએ બાળપણથી જ બહાદૂરીનું પિયૂષપાન પાયેલું. આગળ પર પણ એણે એને પ્રકાશ પૂરો પાડ્યો. રામાયણ અને મહાભારત ગ્રંથોમાંથી ને વીર પુરૂષોના જીવનમાંથી પ્રેરક કથાવાર્તા સંભળાવીને તથા અનેક રીતે ઉત્સાહ પૂરો પાડીને શિવાજીને શૂરવીર કરવામાં એણે અગત્યનો ભાગ ભજવી બતાવ્યો. મોટા થતાં શિવાજીએ શૂરવીર ને ધર્મપરાયણ બનીને પ્રજાની રક્ષાને માટે બનતા બધા જ પ્રયત્નો કર્યા અને ખોવાયેલા રાજ્યને પાછું મેળવ્યું. શિવાજીના એ પુરૂષાર્થમાં જીજીબાઈના સંસ્કારસિંચનનો ફાળો કાંઈ ઓછો ન હતો. એવાં બીજાં અનેક ઉદાહરણ આપી શકાય. પરંતુ એમનું તાત્પર્ય એ જ છે કે સ્ત્રીએ પુરૂષના જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
આજના સંક્રાંતિકાળમાં દેશને આવશ્યકતા છે એવી સ્ત્રી-શક્તિની, જે પુરૂષની પ્રગતિમાં સહાયક શાય, જે પતિને વિલાસી બનાવવાને બદલે મોહનિદ્રામાંથી જગાડી કર્તવ્યનું ભાન કરાવે, જરૂર છે એવી જનેતાઓની જે પોતાના પુત્રપુત્રીઓને પારણાંમાંથી જ પ્રેરણા પાય, જે એમને ગળથૂથીમાંથી જ બહાદૂર બનવા, પવિત્ર જીવન જીવવા, નીતિ, ન્યાય કે નેકીના નિયમોને વળગી રહેવા, લોકસેવક થવા અથવા આદર્શ માનવ બનીને જીવનનો ઉત્તમ ઉપયોગ કરવા દિક્ષા આપે. માતાઓ ધારે તો એ દિશામાં ઘણું કરી શકે તેમ છે. એ જ્યાં છે ત્યાં રહીને, પોતાના બાળકોને ઉત્તમ ને નીડર બનાવવાની કોશિશ કરી, ઘરને વિદ્યાલય બનાવી શકે છે. માટે જ માતાને શિક્ષક કરતાં પણ શ્રેષ્ઠ કહી છે. રાષ્ટ્રના નવનિર્માણનો કે રાષ્ટ્રની સુદૃઢતાનો પાયો એ સરળતાથી નાખી શકે છે. પરંતુ એને માટે સૌથી પહેલાં તો એણે પોતાની જાતનું ઘડતર કરવું પડશે. ઉત્તમ અથવા આદર્શ, સંયમી ને શક્તિશાળી બનવું પડશે. ત્યારે જ એ બીજાને માટેની પ્રેરણાદાયી દેવી થઈ શકશે. માતા તરીકે, બહેન તરીકે, સ્ત્રી તરીકે, કુમારિકા તરીકે, શિક્ષિકા કે સેવિકા સ્વરૂપે - બધી રીતે એ એના પોતાના વ્યક્તિત્વને સર્વોત્તમ બનાવીને જ બીજાને ઉપયોગી થઈ શકશે, વ્યક્તિત્વનો અનાદર કરીને અથવા સ્ત્રી મટીને તો નહિ જ.
એક બીજી વાત પણ કહી દઉં ? અઢારેક વરસની બ્રહ્મવાદિની ગાર્ગીએ જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યને શાસ્ત્રચર્ચા માટે આહવાન કર્યું. બુદ્ધ ધર્મના પ્રચારની ધગશથી, અશોકની પુત્રી સંઘમિત્રાએ પોતાના ભાઈ મહેન્દ્રની સાથે આજીવન કૌમાર્યવ્રતનો નિશ્ચય કરીને લંકા તરફ પ્રયાણ કર્યું. શંકર અને મંડનમિશ્રની ચર્ચા વખતે મંડનમિશ્રની સ્ત્રી ભારતીએ બંનેની ઈચ્છાઅનુસાર અધ્યક્ષપદ ગ્રહણ કર્યું. ઝાંસીની રાણીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઝઝુમવાના સંકલ્પ સાથે સંગ્રામમાં ઝંપલાવ્યું. ઉચ્ચ શિક્ષણ પામેલી કેટલીય કન્યાઓ કલકત્તાના દક્ષિણેશ્વરમાં લોકસેવાનું વ્રત લઈને સમાજને ઉપયોગી થવાની અભિલાષાથી આજે પણ તાલીમ મેળવે છે.
એવાં ઉદાહરણ પણ કેટલાંય છે. એનો સાર પણ એ જ કે તમને પણ તેવી રીતે જીવનના કોઈયે રૂચિકર ક્ષેત્રમાં આગળ વધવાની ને બીજાને ઉપયોગી થવાની ઈચ્છા થાય છે ખરી ? તમારામાં પણ પ્રચંડ સ્ત્રીશક્તિ પડેલી છે. એ સુષુપ્ત દશામાં હોય તો એને જગાડી તથા પ્રબળ બનાવી બીજાને માટે હિતકારક બની શકો છો. એ કામ તમારા હાથમાં છે. તમારી પાસે પણ સમાજ ઘણી મોટી આશા રાખે છે. ધારો તો તેને પૂરી કરી શકો છો. એવી સ્ત્રી-શક્તિની આજે આવશ્યકતા છે.
- શ્રી યોગેશ્વરજી