ગૃહસ્થાશ્રમ

ગૃહસ્થાશ્રમનો આદર્શ, સુખમય કે સ્વર્ગીય બનાવવાને માટે લગભગ પ્રત્યેક પતિપત્નીની ઈચ્છા હોય છે. પરંતુ ગૃહસ્થાશ્રમ સુખમય, સ્વર્ગીય કે આદર્શ બને કેવી રીતે ? કેવળ ઈચ્છા કરવાથી, આકાંક્ષા સેવવાથી કે ભાવના રાખવાથી જ બધું કામ પૂરું થાય છે ? એ માટે તો પરસ્પરનો સાચી દિશાનો, જરૂરી સમજપૂર્વકનો પુરુર્ષાર્થ જોઈએ. ઘર તથા લગ્નજીવનને સુખમય તથા શાંતિસભર બનાવવાને માટે પતિ તથા પત્ની બંનેની અંદર આવશ્યક ગુણો હોવા જોઈએ. એ ગુણોની આછીપાતળી રૂપરેખા શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કંધના ત્રેવીસમા અધ્યાયમાં આપવામાં આવી છે અને એ પણ એ અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકમાં. એ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, દેવહૂતિએ વિશ્વાસથી, પોતાની પવિત્રતાથી, સ્વમાનથી, મન અને ઈન્દ્રિયોના નિગ્રહથી, સેવાથી, સ્નેહથી તેમજ મધુરી વાણીથી, કામવાસના, દંભ, દ્વેષ, લોભ, અભિમાન તથા દોષોનો ત્યાગ કરીને, પ્રમાદ અથવા આળસ છોડીને નિત્ય ને નિયમિત રીતે કર્તવ્યપરાયણ રહીને પોતાના તેજસ્વી પતિને પ્રસન્ન કર્યા.

દેવહૂતિનું કર્દમ ઋષિ સાથે લગ્ન થયું અને દેવહૂતિ એમની સાથે અત્યારના સુપ્રસિદ્ધ સિદ્ધપુર ક્ષેત્રમાં રહેવા લાગી. એ વખતના દિવસોની સ્મૃતિ એ શ્લોકોમાં અંકિત કરવામાં આવી છે. એ શ્લોકોમાં મનુ અને શતરૂપાની પુત્રી દેવહૂતિના ઉત્તમ વ્યક્તિત્વનો પડઘો તો પડે છે જ, પરંતુ સાથે સાથે ગૃહસ્થાશ્રમનાં રથનાં બે પૈડાં જેવી સ્ત્રી અને પુરુષ બંનેની યોગ્યતા કેવી હોવી જોઈએ એની ગર્ભિત સૂચના પણ મળી રહે છે. ઘરને આદર્શ અથવા સુખી બનાવવાની જવાદારી એકલી સ્ત્રીની જ નથી પરંતુ પુરુષની પણ છે. સ્ત્રી અને પુરુષ બંનેએ એને માટે પ્રયત્નશીલ રહેવાનું છે, એ હકિકતને ખાસ યાદ રાખવાની જરૂર છે. સ્ત્રીને સીતા બનવાનો આદેશ આપવામાં આવે એ બરાબર છે, પણ સાથે સાથે પુરુષે પણ રામ બનવાનું છે. એનો ઈન્કાર કર્યે નહિ ચાલે. સ્ત્રી સીતા બનશે પરંતુ પુરુષ જો રામ બનવાનો પ્રયત્ન કરવાને બદલે રાવણ રહેશે તો ગૃહજીવનને સુખમય બનાવવાનું સ્વપ્નું, સ્વપ્નું જ રહેશે ને વાસ્તવિકતામાં નહિ પલટાઈ શકે. સ્ત્રીની પેઠે પુરુષે પણ લગ્નજીવનને આદર્શ બનાવવા માટે પોતાનો યોગ્ય ફાળો આપવો જોઈએ. એવી આશા એની પાસેથી રાખવામાં આવે છે તે યોગ્ય છે. એ દૃષ્ટિએ જોતાં આ શ્લોકનું મહત્વ ઘણું મોટું છે. કેમકે તેમાંથી સ્ત્રી ને પુરુષનાં આવશ્યક લક્ષણો તારવી શકાય તેમ છે.

દેવહૂતિમાં કયાં કયાં વિશેષ લક્ષણો હતાં અને લગ્નજીવનને સુખી બનાવવા માંગનારાં સ્ત્રી-પુરુષોમાં કેવા લક્ષણો હોવા જોઈએ, એનો ઉલ્લેખ આ પ્રમાણે કરી શકાય :

સૌથી પહેલું લક્ષણ તો વિશ્વાસનું છે. પતિ-પત્ની બન્નેને એકમેકમાં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વિના ગૃહજીવન ટકી કે સમૃદ્ધ બની જ ના શકે. પરસ્પરની શંકા-કુશંકાની આંધી ગૃહજીવનને અસ્થિર બનાવી દે છે કે વેરવિખેર કરી નાખે છે. પતિ-પત્નીને એકમેકમાં શંકા ન હોવી જોઈએ.

પરંતુ શંકારહિત, વિશ્વાસપૂર્ણ સ્વચ્છ વાતાવરણ પેદા થાય કેવી રીતે ? સ્ત્રી તથા પુરુષ બંનેનું જીવન પારદર્શક કે પવિત્ર હોય તો જ. સ્ત્રી કે પુરુષમાંથી કોઈ એકનું ચારિત્ર્ય ચોખ્ખું ન હોય તો બન્નેમાંથી કોઈ એકને શંકાકુશંકા સ્વાભાવિક રીતે જ થયા કરે. પરિણામે ગૃહજીવન કથળી જાય. એટલે પવિત્રતાને બીજા લક્ષણ તરીકે ગણાવવામાં આવ્યું છે. પુરુષે પરસ્ત્રી માતા સમાન તથા સ્ત્રીએ પરપુરુષને પિતા સમાન માનીને એકમેકમાં સંતોષ માનતા શીખવું જોઈએ.

એની સાથેસાથે એકમેકના સ્વભાવનો ખ્યાલ રાખીને એકમેકની સાથે સારું વર્તન કરતા શીખવું જોઈએ. એકાંતમાં કે બીજાની હાજરીમાં અપમાનજનક, તોછડાઈભર્યા વર્તનનો ત્યાગ કરવો જોઈએ. લગ્નજીવન અમર્યાદ વિલાસનું લાયસન્સ નથી પરતું વૃત્તિઓને અંકુશમાં રાખવાનું સાધન છે. એમ સમજીને સંયમનું પાલન પણ કરતા રહેવું જોઈએ તથા પ્રેમની વૃદ્ધિ કરવી જોઈએ.

ઘર અથવા લગ્નજીવન અથવા તો વ્યક્તિગત જીવનને સુખી તથા સફળ બનાવવા માટે એક બીજા મૂલ્યવાન મહામંત્રનો ઉલ્લેખ પણ આ સુદંર શ્લોકોમાં કરવામાં આવ્યો છે. એ મહામંત્ર છે મધુર વાણીનો. વાણીમાં એવી શક્તિ છે કે જેથી ઘર અથવા તો જીવન સુધરે છે ને બગડે છે પણ ખરું. વાણી વિરોધીઓમાં સંપ કરાવે છે અને સંપ તથા સુખશાંતિથી રહેનારામાં ફાચર પડાવે છે. વાણી મિત્રો ને દુશ્મનો બંને બનાવી શકે છે, અને સફળતા તથા નિષ્ફળતા અથવા તો જય અને પરાજય બંને પણ અપાવે છે. એ ભૂષણ પણ બની શકે છે ને દૂષણ પણ. તારક પણ થાય છે ને મારક પણ. તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર આધાર રહે છે. પતિપત્નીએ તો મીઠી વાણી બોલતાં શીખવું જ જોઈએ. કટુ વચન તથા ગાળાગાળીને ઘરમાંથી કાયમને માટે વિદાય આપવી જોઈએ તો જ ઘર સુખી થઈ શકે. આજે આપણા ગૃહજીવનના પાયા કથળી ગયા છે કે કથળવા માંડ્યા છે. કારણ કે આવા જીવનોપયોગી મહામંત્રોની ઉપેક્ષા થઈ રહી છે. આપણે એમનાથી વંચિત થતા જઈએ છીએ. એ પરિસ્થિતિમાં પરિવર્તન આણવું પડશે. એ મંત્રોની જીવનમાં પ્રતિષ્ઠા કરવી પડશે. એમને આચરણમાં ઉતારવાના રહેશે. તો જ પરિસ્થિતિ સુધરશે ને આપણા ગૃહસ્થાશ્રમો જે વિખવાદના ઘરરૂપ બની ગયા છે તે શાંતિના સ્થાનરૂપ થઈ જશે.

ભાગવતના એ સુદર સારગર્ભિત શ્લોકોમાં એક બીજી વાત પણ સમાવી લેવામાં આવી છે. દેવહૂતિએ પોતાના પતિ કર્દમની સેવાસુશ્રૂષા કરી, પણ કેવી રીતે ?  કામવાસના, લાલસા, દંભ, દ્વેષ, લોભ, મદ, પ્રમાદ, અનિયમિતતા તથા દુર્ગુણોનો ત્યાગ કરીને. એવી રીતે સતત કર્તવ્યપરાયણ રહેવાથી જ એ પતિને પ્રસન્ન કરી શકી. આ વાતને જો વિશાળ અર્થમાં લેવામાં આવે તો એવું કહી શકાય કે પતિ તથા પત્ની બંનેએ પોતપોતાના કર્તવ્યનો વિચાર કરીને વર્તવું. કર્તવ્ય કે ફરજપાલનમાં કોઈએ પણ પ્રમાદી ના બનવું જોઈએ. પત્નીની પેઠે પતિએ પણ કામુકતા, શરીરલાલસા, દંભ, દ્વેષ, લોભ, મદ, પ્રમાદ તથા દુર્ગુણોનો ત્યાગ કરીને વિશુદ્ધ સ્નેહ તથા સેવાભાવથી સંપન્ન થઈને રહેવું જોઈએ. સદવર્તનની આવશ્યકતા એકને જ છે અને બીજાને બિલકુલ નથી એવું નથી સમજવાનું. સુખમય અને આદર્શ જીવન જીવવાનો પુરુષાર્થ જ્યારે બંને પક્ષો તરફથી અને પ્રામણિકપણે  કરવામાં આવે ત્યારે જ તેની કિંમત થાય છે ને તે સફળ પણ ત્યારે જ થાય છે. એક પક્ષને માટે જ્યારે વિશુદ્ધ વર્તનનો આગ્રહ રાખવામાં આવે છે અને બીજો પક્ષ તેની સદંતર ઉપેક્ષા કરે ત્યારે બંનેની વચ્ચેના સુખશાંતિના સુખદ સામ્રાજ્યની સ્થાપના ભાગ્યે જ થઈ શકે. એવો આગ્રહ આકાશકુસુમવત્ નિરર્થક જ થઈ પડે.

ભાગવતના આ શ્લોકો વરસો પહેલાં લખાયા છે પરંતુ એમનો સંદેશ સર્વકાલીન છે. આજે પણ એ શ્લોકમાંથી એવી જ પ્રેરણા પ્રાપ્ત કરી શકાય છે અને ભવિષ્યમાં પણ, માનવનું મન જાગૃત હશે ત્યાં સુધી એવી જ પ્રેરણા પ્રાપ્ત કરી શકાશે. આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં આજના જમાનાને માટે જીવનોપયોગી સંદેશો નથી સમાયો એવું કેવી રીતે કહી શકાય ? એ સંદેશ તો સનાતન છે. કાળના વીતવાની સાથે એ કરમાઈ જાય તો ભલે, પરંતુ વિલુપ્ત તો નથી જ થવાનો. ફક્ત એ સંદેશને શોધી કાઢવાની, સમજવાની ને જીવનમાં ઉતારવાની જરૂર છે. તો આપણા શાસ્ત્રો કેવળ શાસ્ત્રો કે પારાયણ કરવા માટેનાં પુસ્તકો જ ના રહે, પણ જીવનને અવનવો આશીર્વાદરૂપ આકાર આપનારા કે ઘાટ પ્રદાન કરનારા સજીવ સાધનો બની રહે.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.