ઈશ્વરની અસીમ શક્તિમાં તમને વિશ્વાસ છે કે નહિ એ મુદ્દો ખાસ મહત્વનો છે. જો એવી શક્તિમાં તમને વિશ્વાસ હશે, તો તમારું કામ સરળ થઈ રહેશે. આધ્યાત્મિક જીવનમાં એવો જાગ્રત, અખંડ અથવા અચળ વિશ્વાસ મહામૂલ્યવાન કડીરૂપ થઈ પડશે. એ પ્રેરણા આપશે ને શક્તિસંચાર કરશે. તમને થશે કે એક મહાન શક્તિની મીટ તમારા પર સદાયે મંડાયેલી છે અને એ તમને મદદ કરવા તૈયાર છે. એ તમને હંમેશા જુએ છે, સાંભળે છે, તથા માર્ગદર્શન આપે છે. સુખને દુઃખની, મહેફીલની ને મુસીબતની બધી જ પળોમાં એ તમારી પાસે છે. એની આગળ તમે તમારા હૃદયને રજૂ કરી શકો છો અને એની મદદ પણ મેળવી શકો છો. તમને ખાતરી થશે કે જીવનના આ જટિલ પ્રવાસમાં તમે સાવ એકલા નથી પરંતુ એ મહાશક્તિનો તમને સાથ છે અને એવો સાથ છે જેનો કદી પણ અંત આવે એમ નથી.
પછી તમારું જીવન સહેતુક કે સાર્થક થઈ રહેશે. તમે યંત્રની પેઠે, જીવવાને ખાતર કે કોઈ પણ જાતના ધ્યેય વિના નિરર્થક નહીં જીવો. તમારા શ્વાસપ્રશ્વાસ કીંમતી બનશે ને તમારું શરીરધારણ સફળ થયેલું લાગશે. એ શક્તિની વધારે ને વધારે પાસે પહોંચવા અથવા એ શક્તિ સાથે સીધો સંબંધ બાંધીને એને ઓળખવા કે એનો અપરોક્ષ અનુભવ કરવા માટે તમે કોશિશ કરશો, અને એવી રીતે જીવનને ધન્ય બનાવશો.
એ શક્તિમાં કેવળ બૌદ્ધિક વિશ્વાસ નહીં ચાલે. એથી વિશેષ હેતુ નહિ સરે. એ વિશ્વાસ હૃદયના ઊંડાણનો જોઈશે. તો જ તે જરૂરી લાભ પહોંચાડી શકશે એ યાદ રાખો.
- શ્રી યોગેશ્વરજી