શંકરાચાર્યે વરસો પહેલાં એમના વિખ્યાત વેદાંતગ્રંથ વિવેકચૂડામણિમાં કહ્યું છે કે, ત્રણ વસ્તુઓ ખરેખર દુર્લભ છે અને ઈશ્વરનો અનુગ્રહ અથવા દૈવની અનુકૂળતા હોય તો જ પ્રાપ્ત થઈ શકે તેવી વિરલ છે. એક તો મનુષ્યત્વ, બીજું મુમુક્ષત્વ અને ત્રીજું મહાપુરુષનો સમાગમ. જગતમાં બીજી બધી વસ્તુઓ સર્વસામાન્ય છે અને સહેલાઈથી મળી શકે એમ છે, પરંતુ આ ત્રણ વસ્તુઓ કોઈક જ ઠેકાણે ને કોઈકના જ જીવનમાં મળતી હોય છે. તુલસીદાસે કહ્યું છે તેમ સુત, દારા તથા લક્ષ્મી તો પાપીની પાસે પણ હોઈ શકે પણ પેલી શંકરાચાર્યે કહેલી ત્રણ દુર્લભ વસ્તુઓ તો કોઈ વિરલ પુણ્યશાળીને જ પ્રાપ્ત થતી હોય છે. શંકરાચાર્યે એવો નિર્દેશ કરતો શ્લોક વિવેકચૂડામણિમાં વરસો પહેલાં લખ્યો છે છતાં પણ એનું મહત્વ આજે પણ એવું જ તાજું છે અને એ શ્લોક આજે જ લખાયો હોય એવું લાગ્યા કરે છે.
શંકરાચાર્યના જમાનામાં જેવી પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિ આજે પણ કાયમ છે. એટલે એ શ્લોકનો સંદેશ આજે પણ એવો જ સનાતન છે.
શંકરાચાર્યે કહેલી ત્રણ દુર્લભ વસ્તુઓમાં પહેલી દુર્લભ વસ્તુ મનુષ્યત્વ છે. મનુષ્ય શરીર તો પ્રાપ્ત થયું અને મનુષ્ય તરીકે ઓળખાયા પણ ખરા. પરંતુ એટલાથી જ કંઈ મનુષ્યત્વ આવ્યું એમ ના કહી શકાય. મનુષ્યશરીર પ્રાપ્ત થવું એ એક વાત છે અને મનુષ્યત્વથી પંડિત થવું એ જુદી વાત છે. બધા જ મનુષ્યો મનુષ્યત્વથી સંપન્ન નથી હોતા. એમના જીવનમાં વધારે ભાગે દાનવતાનું દ્વંદ્વયુદ્ધ ચાલતું હોય છે અને એ માનવતાના ગુણધર્મોથી વંચિત હોય છે. બહારના રૂપરંગ અથવા તો આકાર પરથી એમને કહેવાને ખાતર માનવ કહી શકાય ખરા, પરંતુ અંદરખાનેથી જોતાં અને મૂલવતાં એમને માનવનાં મહામૂલ્યવાન મહિમાવાળા નામથી સંબોધવાનું મન ભાગ્યે જ થતું હોય છે.
બાહ્ય રૂપરંગથી મનુષ્ય થયા એટલે કાંઈ સાચા અર્થમાં માનવ થોડું જ થવાય છે ? સાચા અર્થમાં માનવ થવા માટે તો માનવતાના ગુણધર્મો જોઈએ, મનુષ્યત્વ જોઈએ, તેમજ દાનવતાના દુર્ગુણો ને દુષ્કર્મોથી સંબંધ વિચ્છેદ થયો હોવો જોઈએ. ત્યારે જ મનુષ્યત્વની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. મોટાભાગના માણસોના જીવનનું પૃથ્થકરણ કરવામાં આવે તો શું દેખાશે ? સ્વાર્થ, લાલસા, કૂડકપટ, કઠોરતા, નિર્દયતા, રાગદ્વેષ, સંકુચિતતા, બીજાને સમજવાની વૃત્તિનો અભાવ, બીજાના ભોગે માલદાર બનવાની પ્રવૃત્તિ અને જાણે કે દુન્યવી વસ્તુઓના સંગ્રહને માટે જ ધર્મ-અધર્મ કે નીતિ-અનીતિના વિચારને તિલાંજલિ આપીને સતત શ્રમ કરવા માટે શરીર ધારણ કર્યું હોય એવો જીવનવ્યવહાર. એમની વાણી કડવી હોય છે. એમના વિચારો વિકૃત તથા નુકસાનકારક હોય છે અને એમનું વર્તન વિપથગામી હોય છે. બીજાનું હિત કરવાની, પ્રમાણિકતાથી ચાલવાની ને બીજાને ઓછા કે વત્તા પ્રમાણમાં મદદરૂપ થવાની ભાવના, લાગણી કે વિચારણા એમની અંદર ભાગ્યે જ દેખાય છે. સત્ય ને શુભની સાથે તો એમણે છૂટાછેડા જ લીધા હોય છે. જીવન શાને માટે મળ્યું છે અને એનો વધારેમાં વધારે સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો વિચાર એ નથી કરતા. એવા વિચારમાં એમને રસ જ નથી હોતો. એમના કર્મો એમને માટે તથા જે સમાજમાં એ રહે છે તે સમાજને માટે પણ અમંગલ હોય છે. સંક્ષેપમાં કહીએ તો ગીતાના સોળમા અધ્યાયમાં વર્ણવેલી આસુરી સંપત્તિના એ પ્રતિનિધિ હોય છે. એવા આસુરી સંપત્તિના મૂર્તિમંત સ્વરૂપ જેવા મનુષ્યો સંસારમાં ઘણા છે અને એમણે મનુષ્યત્વની પ્રાપ્તિ કરવાનું બાકી છે એ હકિકતનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. માણસે સૌથી પહેલાં તો માનવતાની માવજત કરવાની અથવા તો મનુષ્યતાને કેળવવાની જરૂર છે. તેની વિના સુખશાંતિમય જીવન ને જગતની રચના આકાશકુસુમ સમી અશક્ય જ થઈ પડવાની.
બીજી દુર્લભ વસ્તુ મુમુક્ષુત્વ છે. મુમુક્ષુત્વ એટલે મુક્ત થવાની, પૂર્ણ બનવાની, પરમશાંતિની પ્રાપ્તિ કરવાની કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની તીવ્ર ઈચ્છા. સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવીને પરમ સુખશાંતિનો આસ્વાદ લેવાની એવી અદમ્ય ઈચ્છા પણ કોઈની અંદર જ પેદા થાય છે ને જોવા મળે છે. મનુષ્યત્વની પ્રાપ્તિ કદાચ થઈ જાય કિન્તુ મુમુક્ષુત્વનું પ્રાગટ્ય થવું મુશ્કેલ છે. માણસ વિદ્વાન, જ્ઞાની કે પંડિત હોઈ શકે, શાસજ્ઞ પણ બની શકે, યોગી ઉપાસક કે ભક્ત પણ થઈ શકે, એ બધા કઠિન કહેવાતા પદને પ્રાપ્ત કરી લે, તો પણ મુમુક્ષુ ન બની શકે. એ મુમુક્ષુ હોય અથવા ન પણ હોય. મુમુક્ષુ થવાનું કામ મુશ્કેલ છે.
એ મુમુક્ષુત્વનું સ્વરૂપ કેવું છે તે જાણો છો ? ખૂબ જ ભૂખ લાગે અથવા તરસ લાગે અથવા ચારે તરફથી આગ સળગે, તો તેમાંથી છૂટવા માટે કેવી ઉત્કટ ઈચ્છા થાય છે ? અશાંતિ અને અલ્પતામાંથી નિવૃત્ત થવાની તથા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની એવી ઉત્કટ ઈચ્છા અથવા તો એથી પણ વધારે ઉત્કટ ઈચ્છાને મુમુક્ષુત્વ કહી શકાય. એ ઈચ્છા ક્ષણભંગુર અથવા અલ્પજીવી ન હોવી જોઈએ. મુક્ત થવાની એવી તીવ્ર ઈચ્છા અત્યંત દુર્લભ છે, એમ કહેવાય છે, તે સંપૂર્ણ સાચું છે ને કોઈકના જીવનમાં જ જાગી ઊઠે છે. માનવસમાજનું વિહંગાવલોકન કરીએ તો એ વસ્તુની પ્રતીતિ સહેલાઈથી થઈ શકે છે.
માનવતાના ગુણધર્મોથી અલંકૃત થવાય અને મુક્ત, પૂર્ણ, પ્રશાંતિપ્રાપ્ત કે પરમાત્માદર્શી થવાની ઉત્કટ ઈચ્છા પણ જાગી ઉઠે, પરંતુ એ ઈચ્છાનો અમલ કરવા માટેના યોગ્ય કાર્યક્રમની જ ખબર ના હોય તો ? એ ઈચ્છા ભાગ્યે જ ફળવતી બની શકે. એ ઈચ્છાને સફળ કરવા માટેની સાધના બતાવનાર સ્વાનુભવી મહાપુરુષ પણ જોઈએ. એવા મહાપુરૂષ દ્વારા અવારનવાર માર્ગદર્શન મળવાથી કામ સરળ બની જાય. પરંતુ એવા સ્વાનુભવી મહાપુરૂષ કાંઈ જેને તેને ને જ્યાં ત્યાં મળે છે ? એ સહેલાઈથી નથી મળતા. માટે તો શંકરાચાર્યે કહ્યું છે કે એવા મહાપુરૂષનો સમાગમ દુર્લભ છે. ત્રીજી દુર્લભ વસ્તુ તરીકે એ એનો ઉલ્લેખ કરે એ બરાબર જ છે.
સ્વાનુભવી સાચા સત્પુરૂષો જીવનના સંરક્ષકનું કામ કરે છે એ સાચું છે. એમના સાંનિધ્યમાં માણસને હૂંફ મળે છે, સુખશાંતિનો અનુભવ થાય છે, પ્રકાશ સાંપડે છે, અને જીવનપથના પ્રવાસ પર અવનવી પ્રેરણાથી પ્રેરિત થઈને પ્રયાણ કરાય છે. ઈશ્વરની કૃપાથી એવા સત્પુરૂષોનો સહવાસ સરળ બને છે. જેને એવો સહવાસ સાંપડી જાય છે તેને પછી જીવનના ઉદ્ધારની ચિંતા રહેતી નથી. એવા સત્પુરૂષોની સંખ્યા આજે ઓછી થઈ છે, છતાં પણ તે છે જ નહિ એવું નથી સમજવાનું. તે મળી શકે છે. છેવટે તો માણસે પોતે જ એવા સત્પુરૂષ થઈ જવાનું છે. પણ આરંભમાં એમની સંગતિ ને સહાયતા લગભગ અનિવાર્ય હોય છે અને આશીર્વાદરૂપ થઈ પડે છે.
મનુષ્યત્વ, મુમુક્ષુત્વ ને મહાપુરૂષના સંશ્રયની એ ત્રણે દુર્લભ વસ્તુઓને સુલભ કરીને અથવા તો એમાંથી કોઈ એકનો પણ આધાર લઈએ તો જીવન સુખી થાય તથા કૃતાર્થ બની જાય.
- શ્રી યોગેશ્વરજી