માનવજીવન
દિલ્હીનું સ્ટેશન કેટલું બધું મોટું છે ? ત્યાંથી કેટલી બધી ગાડીઓ ઉપડે છે ? ઉત્તરમાં અમૃતસર, પઠાનકોટ, સિમલા તરફ જવું હોય તો પણ ત્યાંથી જવાય છે. હરિદ્વાર, ઋષિકેશ, બદરીનાથ તરફ આગળ વધાય છે, પશ્ચિમમાં મુંબઈ તરફ જવાય છે, પૂર્વે કલકત્તા અને આસામ તરફ પહોંચવા માટે હાવરા એકસપ્રેસ અને આસામ મેલ મળે છે, તો દક્ષિણમાં છેક નીચે મદ્રાસ, બેંગ્લોર તથા કન્યાકુમારી જવાની ગાડી પણ મળે છે. ત્યાંથી મધ્ય ભારતમાં પણ ઈચ્છાનુસાર સ્થળે જઈ શકાય છે, અને ક્યાંય ના જવું હોય તો પ્લેટફોર્મ પર બેસી શકાય છે અથવા પાછા ઘેર સ્વસ્થાને પહોંચી શકાય છે.
માનવજીવન એવું મહાન વિશાળ જંકશન છે. એમાં પ્રવેશીને, માનવશરીરના પવિત્ર પ્રસિદ્ધ પ્લેટફોર્મ પર પહોંચીને, ઉત્તરમાં જઈ શકાય, ઉર્ધ્વલોકની યાત્રા કરી શકાય; નીચે પણ જઈ શકાય, અધોગતિને પણ નોતરી શકાય. પશુપક્ષી વનસ્પતિની યોનિમાં પણ પ્રવેશી શકાય, અને ક્યાંય અન્યત્ર ના જવું હોય તો ‘પુનરપિ જનનં પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનમ્’ ની ઉક્તિ અનુસાર માનવશરીરને પુનઃ પુનઃ પામીને પ્રાકૃત ભોગાનુભવોમાં જ રહી શકાય. ક્યાં જવું છે - આગળ વધવું છે કે પાછળ પડવું છે, એનો વિચાર માનવે પોતે જ કરી લેવાનો છે અને તદનુસાર પુરૂષાર્થને પ્રારંભવાનો છે. માનવશરીર દેવોનેય દુર્લભ કહેવાય છે. સાધનોનું ધામ અને મોક્ષનું મંગલમય દિવ્ય દ્વાર મનાય છે. સર્વોત્તમ સૌભાગ્યથી સાંપડેલું છે. એને મેળવીને આત્મોન્નતિની દૈવી દુનિયામાં આગળ વધીએ, સન્મુન્નતિ સાધીએ, અને અન્યને માટે પણ ઉપયોગી બનીએ તો કેવું સારું ? આપણે માનવશરીરમાં આવીને એક નિર્ણયાત્મક સ્થળે ઊભા છીએ. જે તરફ જવું હશે તે તરફ જઈ શકાશે. સુખ કે દુઃખ, હર્ષ કે શોક, શાંતિ અથવા અશાંતિ, અભ્યુત્થાન અથવા અધઃપતન - જેની પણ પસંદગી કરીશું તેની પ્રાપ્તિ કરી શકાશે.
ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, ઉદ્ધરેદાત્મનાત્માનમ્ એટલે કે પોતાની જાતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. એ આદેશને અનુસરીને માનવજીવનનો સમ્યક્ સદુપયોગ કરીને ઉત્તરોત્તર આગળ વધજો, પાછળ ના પડતા. નવજીવનને મેળવજો, એનાથી વંચિત ના બનતા.
માનવજીવન શાને માટે મળ્યું છે એનો વિચાર કરો. આ શરીર કેવળ ખાવા, પીવા, ભોગ ભોગવવા, ગમે તેવી પ્રવૃત્તિ કરવા અને એક દિવસ અજ્ઞાત રીતે જન્મીને અજ્ઞાત રીતે અદ્રશ્ય થવા માટે મળ્યું છે ? ના, એને મુક્તિનું મંગલ મંદિરદ્વાર કહ્યું છે. સાધનોનું ધામ ગણ્યું છે. એનો સમ્યક્ સદુપયોગ કરીને સુખી થવાય છે, શાંતિ પમાય છે, બંધનમુક્ત બનાય છે એ તો ખરું જ, પરંતુ સાથે સાથે અન્યને સુખી કરાય છે, શાંતિ અપાય છે, ક્લેશ-પરિતાપ-અજ્ઞાન-બંધનમાંથી મુક્તિ ધરાય છે. એની શક્યતા અને શક્તિ અનંત, અસાધારણ, ધાર્યા કરતાં ઘણી મોટી છે. એને જે જેમતેમ ફગાવી દેશે તે પાછળથી પસ્તાશે તો પણ કશું નહી વળે. માટે અત્યારથી જ ઊઠો. જાગો. ચેતો. એનો સદુપયોગ કરવાનો સંકલ્પ કરીને એની પૂર્તિના પ્રામાણિક પ્રયત્નમાં લાગી જાવ.
- શ્રી યોગેશ્વરજી