કેળવણી એટલે
કેળવણી સમસ્ત જીવનને કેળવવાની સાધના અથવા કળા છે. એ દ્વારા સંપૂર્ણ વ્યક્તિત્વ કેળવાય છે. તન, મન, વચન અને કર્મ બધું જ. એ માનવને માનવતાથી મંડિત કરે છે, એની અંદરની દિવ્યતાને બહાર લાવે છે અને સ્વધર્મમાં પ્રતિષ્ઠત બનાવે છે. કેળવણી એ નરમાંથી નારાયણ બનવાનો, પુરૂષમાંથી પુરૂષોત્તમપદે પહોંચવાનો સેતુ છે.
કેળવણી વિશે આઝાદી પહેલા અને પછી વિભિન્ન વિચારો થયા છે. આજે તો કેળવણી પરિવર્તન માગે છે. કેળવણીમાં ફેરફારની જરૂર છે, એમ કહેવાની ફેશન થઈ ગઈ છે. નવી કેળવણીની જરૂર છે, કેળવણીમાં સુધારો કરવો છે, પણ કેવી જાતનો સુધારો ? આનું સ્પષ્ટ ચિત્ર કે ચોક્કસ આયોજન થતું નથી તે કમનસીબી છે.
આજે કેળવણીમાં પરિવર્તન લાવી, નવા તંત્રને સુયોજિત, સ્પષ્ટ વિચારધારાથી યુક્ત બનાવવાની યોજનાની જરૂર છે. એકવાર કેળવણીના પરિવર્તનની દિશા નક્કી થઈ ને તેનું આયોજન ઘડાયું તો તેના અમલીકરણ માટે ઘણું ઘણું કરવાનું રહે છે.
વેદ ઉપનિષદ કાળથી વિદ્યાને અમૃતત્વનો સેતુ કહી છે. સેતુ એવી વસ્તુ છે જેને સહારે રામ સમુદ્ર પાર કરી શક્યા. લંકા જીતી શક્યા અને સીતાનું સંમિલન થયું. કેળવણી-વિદ્યા એ સેતુ છે. સારા મનથી ને સદબુદ્ધિથી સંસારની વિષમતાને પાર કરી જવાય છે. ત્યાર પછી શાંતિ ને સિદ્ધિરૂપી સીતા પ્રાપ્ત થાય છે.
ભગવાન શંકરાચાર્ય આ વિદ્યા - કેળવણીને વર્ણવે છે. શંકરાચાર્યની કેળવણીની વ્યાખ્યા આજના જેવી નથી. આજે તો વિદ્યાનું ફળ શું ? કેળવણી શાને માટે ? કેળવણી લીધા પછી શું સાધવાનું ? એમ પૂછાય છે. કેળવણી લીધા પછી અસત્યમાંથી નિવૃત્ત થવાનું તેમ શંકરાચાર્ય કહે છે. આજે ચારે બાજુ અસત્યો છે, ભ્રષ્ટાચાર છે, ષડયંત્રો છે, જીવનમાં ડગલે ને પગલે અસત્ય છે, સંસારના પદાર્થ પણ અસત્ય, અનિત્ય, ક્ષણભંગુર છે. આપણે વિષયોના, રસોના, રૂપોના, મમતાનાં, આકર્ષણોમાં બંધાયેલા છીએ અને તેને કારણે જ પરમ સત્તાનું જ્ઞાન નથી થતું. આપણે અસત્યોથી, અસત્ પદાર્થોમાંથી મન ઉપરામ કરવાનું છે. સત્યની સત્તાને ઓળખીને સમગ્ર જીવનને સત્યમય કરવાનું છે. આ કેળવણીની ખરી વ્યાખ્યા છે. માનવ અનીતિ, દાનવતા, રાવણત્વથી બચે અને માનવતાથી મંડિત બની મુક્ત શ્વાસ લે તે કેળવણીનું કે વિદ્યાનું મહાન લક્ષ્ય હોવું જોઈએ.
શંકરાચાર્ય કહે છે જ્ઞાન કયું ? જ્ઞાન એ છે કે જે ઈન્દ્રિયોને શાંત કરતા શીખવે, મન પર પ્રભુત્વ મેળવતાં શીખવે. આજના માનવની સામે પ્રલોભનો છે, આકર્ષણો છે. બાહ્ય પદાર્થોથી, ભૌતિક સુખાકારીથી માનવ આકર્ષાય છે. માનવ તેનો પ્રતિકાર કરી શકતો નથી. માનવ જો પ્રતિકારશક્તિ જન્માવે તો સમસ્ત જીવનને કેળવી શકે છે. કેળવાયેલો માનવ અન્યના સુખ માટે જીવતો થાય છે. અન્યના શ્રેયમાં, ઉત્કર્ષમાં ને સમુત્થાનમાં પ્રવૃત્ત થાય છે. આ કેળવણીનું કામ છે.
કેળવાયેલો પોતે માયાના બંધનોમાંથી મુક્ત થાય છે. અશાંતિમાંથી શાંતિમાં પ્રતિષ્ઠિત બને છે, અને એવા હજારોને બંધનમાંથી મુક્તિ અપાવે છે, ત્રસ્ત જીવોને શીતળ છાયા પ્રદાન કરાવે છે. ઉજડાયેલા વેરાન જીવોના જીવનમાં હરિયાળી ક્રાંતિ આણે છે. માનવ બલિદાન અને સમર્પણ માટે શક્તિ રેડવા બહાર આવે તે કેળવણીનું કામ છે.
આવી વિદ્યાથી વિભૂષિત સંયમી, સદાચારી માનવ માનવતાનાં મૂલ્યોવાળો બને છે. કેળવણીમાં જો આ આવે તો બધી ઉચ્છૃંખલતા દૂર થાય છે.
પહેલાના જમાનામાં આખલાઓ હતા - અત્યારે પણ છે, બીજા સ્વરૂપે. આ આખલાઓને પલોટવામાં આવતા અથવા નાથવામાં આવતા. આમ કરી તેને કેળવાતા, પરિણામે તેમની પાસેથી સારું કામ લઈ શકાતું. આમ માનવનું મન, બુદ્ધિ, ઈન્દ્રિયો આખલા જેવા છે. તેને કેળવવા પડે, નાથવા પડે ને કયા માર્ગે જવું તે શીખવવું પડે. આ કામ કેળવણીનું છે.
કેળવણીમાં જુદાજુદા વિષયો જેવા કે ઈતિહાસ, ભૂગોળ અને ભાષા શીખવવામાં આવે છે. પરંતુ વિષયો ભણાવવા તે મહત્વનું લક્ષ્ય નથી. માનવની શક્તિઓનો સંપૂર્ણ વિકાસ થાય, માનવ આદર્શ બની રાષ્ટ્રને ઉપયોગી બને એ મહત્વનું લક્ષ્ય છે.
આજે દેશમાં અનેક યુનિવર્સિટીઓ અને કોલેજો છે, દર વર્ષે અનેક સ્નાતકો, ડબલ ગ્રેજ્યુએટો ને ડિગ્રીધરો મોટી સંખ્યામાં બહાર આવે છે, પરંતુ ઉપર વર્ણવ્યા તેવા કેળવાયેલા સ્નાતકો કેટલા ? તેવા વિદ્યાવ્યાસંગી કેટલા ?
આજે ભણતર વધ્યું છે, પરંતુ નીતિમત્તા, ચારિત્ર્યનિર્માણનું સ્તર નીચે ઊતર્યું છે. આઝાદી પહેલાં ગાંધીજીએ કેળવણીમાં આમૂલ ક્રાંતિ આણી હતી. તેમણે દેશવાસીઓને સમર્પિત થવાની, ફનાગીરી, મરી ફીટવાની, પોતાના સ્વાર્થને નગણ્ય ગણવાની, રાષ્ટ્રને ઊંચે લાવવાની જે કેળવણી શીખવી હતી તેનો આજે હ્રાસ થયો છે. એ સમયે દેશભાવનાના રંગે આખો દેશ રંગાયેલો હતો. આજે દેશભાવના વિસરાઈ છે એવું અમારા જેવા તટસ્થોને લાગે છે.
આજે દેશમાં ઠેર ઠેર બધાં જ ક્ષેત્રોમાં ‘ઉત્પાદન વધારો’નો જપ જપાય છે. પણ માનવતા વધારો - તેનો વિચાર કોઈ નથી કરતું. મનુષ્યતા, રાષ્ટ્રીયતા, બલિદાનની ભાવના જે ગાંધીજીએ, સરદાર પટેલે, વધારવા કહ્યું હતું તે આજે વધારવાની જરૂર છે. આ ભાવના નહીં વિકસી તો કેળવણીના બીજા વિષયો આપણને સમુન્નત નહીં બનાવી શકે.
જર્મની, ઝેકોસ્લોવેકિયા અને બીજા રાષ્ટ્રો સમૃદ્ધ થઈ શક્યા તે આપણી આંખ સામે જોઈએ છીએ, કારણ કે તેમણે યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જગાડી, દેશ માટે સમર્પિત થવાની ભાવના જગાડી.
શિક્ષકબંધુઓ, અધ્યાપકો, સર્વ કેળવણીમાં છે. તે એવા મંદિરના દેવતાઓ છે કે જેમના હાથે રાષ્ટ્રનું મૂલ્યવાન કામ થવાનું છે. અધ્યાપકોએ એવા બનવાનું છે કે તેઓ જ્યાં બેઠા છે તે સ્કૂલ નહીં, રાષ્ટ્રનું મંગલ મંદિર બને અને તે મંદિરના વિદ્યાર્થીઓ જીવતા દેવતાઓ બને. અધ્યાપકોનું જીવન એવું આદર્શ બનવું જોઈએ. જેના વડે ભાવિ પેઢી નિર્માણ થવાની છે તે આદર્શ અને રાષ્ટ્રપ્રેમી બને.
દરેકે આજે એવું વિચારવાની જરૂર છે કે હું ગમે તે ક્ષેત્રમાં હોંઉ, ડોક્ટર, ઈજનેર, વકીલ, અધ્યાપક ગમે તે હોઉં પણ દેશ સમુન્નત બને, દેશની તરક્કી થાય, દેશની શાન વધે તેવાં કાર્ય કરવાની જરૂર છે.
કેળવણીનું ક્ષેત્ર એવું પવિત્ર ક્ષેત્ર છે કે તેમાં ઘણું સારું કાર્ય થઈ શકે છે. ત્યાગના, બલિદાનના પાઠો યુવાનોને શિખવી, એમાં વારિસિંચન કરી તેને સાદગીના, સયંમના ને શિસ્તના સંસ્કાર આપી ભવિષ્યમાં ઘણું કામ લઈ શકાય. જો શિક્ષકો દસ વર્ષ આવું ઊમદા કાર્ય આ યુવાન ઉછરતી પેઢી સાથે લે તો સ્વરાજ્યનું સ્વપ્ન, સુરાજ્ય બનાવવા માટેનું સ્વપ્ન છે તે સિદ્ધ થાય.
જેને ક્યાંય નોકરી ન મળી, જે ક્યાંય ચાલી ન શકે, જે બધેથી પાછો પડે તે શિક્ષક બને-આવી સમાજની માન્યતા ખોટી છે. શિક્ષણક્ષેત્રમાં ઉત્તમ ને અનુશાસનવાળા મનુષ્યો હોવા જોઈએ. આ ક્ષેત્ર ઉત્તમ છે એમ સમજી તેમાં આવવું જોઈએ. સમાજની-સરકારની યોજનાઓ પણ એવી જોઈએ. આ ક્ષેત્રમાં આવનારાઓને જરા પણ તકલીફ, મુસીબત ન પડવી જોઈએ.
આપણો દેશ આઝાદ થયો ત્યારથી નેતાઓ દેશના યુવાનો પાસેથી રાષ્ટ્રીયતાની ને સેવાભાવનાની અપેક્ષા રાખે છે. પંડિત જવાહરલાલ નહેરુ પોતાના વીલમાં લખે છે કે 'મને ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રત્યે માન છે, આનું કારણ આ સંસ્કૃતિપ્રેમ મને વારસામાં મળ્યો છે. દેશના હિમાલય, ગંગા અને પવિત્ર ગ્રંથો પ્રત્યે મને માન છે' - નહેરુજીની આ ભાવનાનો પ્રાર્થનાઓમાં નિત્ય ઉચ્ચાર કરવાનો વિચાર શ્રી એમ. સી. ચાગલાએ રજૂ કર્યો હતો. પરંતુ હું કહું છું કે આના નિત્ય પાઠથી શું મળવાનું છે ? આપણી શાળાઓમાં થતી પ્રાર્થનાઓ જીવંત નથી, તે તો રૂઢ છે. બાળકોને તે કરવી પડે છે, માટે કરે છે. જો પ્રાર્થનામાં આવવાનું મરજિયાત કરીએ તો પછી જુઓ ! આ બધું રૂઢ બની જાય છે. આપણે નહેરુજીના મનમાં સંસ્કૃતિનું જે ગૌરવ ઉદભવ્યું તેના જેવી યોજના ક્યાં બનાવી છે ?
સંસ્કૃતિ શેમાં છે ? આપણા વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, આપણા શંકરાચાર્ય, બુદ્ધ, મહાવીર આચાર્યોની શ્રેણી, આપણા ગુરુ નાનક, સંત તુલસીદાસ જેવા સંતો - આ બધાંના જીવન, કવન ને ઉપદેશમાં સંસ્કૃતિ છે. સંસ્કૃતિમાંથી કોને કાઢી શકીશું ?
આજની કેળવણીમાં આવી કયી સંસ્કૃતિ છે કે જેને લઈને આપણે ગૌરવ લઈ શકીશું ? આજના એમ.એ.વાળાને આપણી સંસ્કૃતિનું, આપણી ગીતાનું જ્ઞાન નથી.
ડો. રાધાકૃષ્ણનના કમિશને સંસ્કૃતિનાં શિક્ષણની વાત કરી હતી. કેળવણી અંગે ત્યાર પછી અનેક કમીશનો નિમાયાં, પરંતુ બધું રૂઢ જ રહ્યું. શિક્ષણ જેવા મહત્વના કામમાં વર્ષો ગયાં, પણ નિર્ણય નથી કરી શક્યા.
બધા કહે છે કે નૈતિક ને સંસ્કૃતિનાં શિક્ષણની જરૂર છે, પરંતુ તે આવતું કેમ નથી - તેની નવાઈ છે. જે ચીલાચાલુ છે, સમય બહારનું છે, જેણે જાણવાની જરૂર નથી તેને આજે હજુ ભણાવવામાં આવે છે. આ બધા માટે શિક્ષણની પદ્ધતિઓમાં પરિવર્તન કરવાની જરૂર છે.
પરીક્ષામાં ચોરીની વાતો છૂટથી થાય છે. તેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો બંને સંડોવાયાની વાતો બહાર આવે છે - જો આમ થતું હોય તો એક વર્ષ ઉઘાડા પુસ્તક સાથે પરીક્ષા રાખો. માત્ર પરીક્ષા જ શું કામ ? અઠવાડિયે વિદ્યાર્થીની ટેવો, સુઘડતા, સ્વચ્છતા, રુચિ જુઓ. તેની સાથે સંવાદ યોજો. વિદ્યાર્થીઓ પ્રત્યે ખુલ્લા બનો, આ પણ કેળવણી છે.
આજના વિદ્યાર્થીઓ ઉચ્છૃંખલ છે, તેમનામાં અશિસ્ત છે એમ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રોફેસર, પ્રિન્સિપાલને પણ સાંભળતા નથી એમ મને કહેવામાં આવે છે. પણ મારો અનુભવ જુદો છે. મને પ્રેમથી વિદ્યાર્થીઓ સાંભળે છે, સમય કરતાં વધુ સાંભળે છે. વિદ્યાર્થીઓ તો સાંભળે, ભણે - જો આપણે રસપ્રદ રીતે તેમને ભણાવીએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે બોલવું, તેમનામાં રસ કેવી રીતે જન્માવવો, વર્તન કેવી રીતે કરવું - આ બધું જાણવા જેવું છે. શિક્ષક એવા બનવા જોઈએ કે વિદ્યાર્થી પિરિયડની રાહ જુએ. જો વિદ્યાર્થીઓને કંટાળો ન આવે તો વર્ગની શિસ્ત એમ જ જળવાય છે.
આ બધા માટે નૈતિક, સાંસ્કૃતિક કેળવણી દાખલ કરવાની અને તે દિશામાં સારા ઉત્તમ માણસોને તેમાં પ્રયોજવાની જરૂર છે.
- શ્રી યોગેશ્વરજી