મનુષ્ય માત્ર ભૂલને પાત્ર - એ કહેવત આપણે ત્યાં પ્રાચીનકાળથી પરંપરાગત રીતે ચાલી આવે છે. કહેવત નાની છે છતાં ગુણવત્તાની અથવા સત્વશીલતાની દૃષ્ટિએ મોટી છે. એ સૂચવે છે કે મનુષ્ય જ્ઞાત અથવા અજ્ઞાત રીતે, એક અથવા બીજા કારણથી ભૂલ કરે છે. જ્યાં સુધી એ પૂર્ણતા પર નથી પહોચ્યો, મુક્ત કે સંપૂર્ણ નથી બન્યો, પરિશુદ્ધિની પરિસીમા પર નથી પહોંચ્યો, ત્યાં સુધી એની અંદર કોઈ ને કોઈ પ્રકારની ત્રુટિ કહેવાની. અને એ ત્રુટિને લીધે ભૂલ પણ થયા કરવાની.
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર એ સાચું હોવા છતાં એ ભૂલને સમજીને સુધારી શકે છે, અને એણે ભૂલને સમજીને સુધારવી જોઈએ, એ પણ એટલું જ સાચું છે. જે ભૂલ પકડીને સુધારવાનો પ્રયત્ન કરવાને બદલે ભૂલનું પુનરાવર્તન કર્યા કરે છે, એ મનુષ્ય દયાપાત્ર અને આદર્શ મનુષ્ય ના કહી શકાય. વિવેકી મનુષ્ય એક વાર, બે વાર, ત્રણ વાર ભૂલનો ભોગ બન્યા પછી પણ એ ભૂલને સુધારી લે છે. એનું પુનરાવર્તન નથી થવા દેતો. એ આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન કરે છે, ક્રમે ક્રમે આગળ વધતાં એવી અવસ્થા પર પહોંચે છે જ્યારે એનાથી કોઈ ભૂલ જ નથી થતી. એ સત્યને, ન્યાયને, નીતિને, માનવતાને મંગલ માર્ગે પગલાં ભરે છે. મનુષ્યમાંથી મનુષ્યોત્તમ બને છે.
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે એ વાતને સમજીને જેણે ભૂલ કરી હોય, અથવા જે ભૂલ કરતા હોય તેમનો તિરસ્કાર ના કરીએ, તેમને ઉતારી ના પાડીએ. એમનું અપમાન પણ ના કરીએ. એમના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ. એમને સહાનુભૂતિથી સમજવાની કોશિશ કરીએ, મદદ પહોંચાડીએ, બને તો ફરી વાર ભૂલના ભોગ ના બનવાનું પરિબળ પૂરું પાડીએ. કેટલાયને અનિચ્છાએ, નિરૂપાયે, સંજોગોને વશ થઈને, ભૂલના ભોગ બનવું પડ્યું હોય છે. એને માટે એમને ખેદ પણ થતો હોય છે, પીડા પહોંચતી હોય છે, પશ્ચાતાપ થાય છે. એમને તિરસ્કારવાથી કોઈ હેતુ નહિ સરે. એમને આશ્વાસન આપવું, પથપ્રદર્શન કરવું આવશ્યક છે. એવી રીતે જ એમની સેવા થઈ શકશે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે એ સાચું હોવા છતાં એ ભૂલમાંથી મુક્તિ મેળવી શકે છે એ પણ એટલું જ સાચું છે. સંસારના આધ્યાત્મિક ઈતિહાસનું અવલોકન કરવાથી જણાય છે કે, જેમને જીવનમાં અનેક પ્રકારની ત્રુટિઓ તથા દોષો હતા તે જાગ્રત બન્યા, દોષોમાંથી મુક્તિ મેળવીને મહામાનવ - આદર્શ માનવ બન્યા ને પ્રશાંતિ પામ્યા. સૂરદાસે પોતાના પદમાં ગાયું છે કે -
અજામિલ ગીધ વ્યાઘ ઈનમેં કહો કોન સાધ,
પંછી કો પદ પઢાત, ગણિકા કો તારી
દીનન દુઃખ હરન દેવ સંતન હિતકારી.
જીવનને ત્રુટિરહિત, દોષરહિત કરવા માટે ઈશ્વરનું શરણ લઈએ, પ્રાર્થના કરીએ, સત્સંગનો રસ કેળવીએ, આત્મસુધારનો સંકલ્પ સેવીએ, અને ભૂલ કરનારાને ક્ષમા કરીને ત્રુટિરહિત જીવન જીવવાનો અવસર પૂરો પાડીએ તો જીવન બદલાઈ જાય, અધિકાધિક ઉપયોગી અને આશીર્વાદરૂપ થાય.
- શ્રી યોગેશ્વરજી