ઉષઃકાળ

ઉષઃકાળ કેટલો બધો આકર્ષક, આહલાદક અને સુંદર હોય છે ?  દિવસમાં એક જ વાર આવતા એ અદભૂત આનંદદાયક ઉષઃકાળ વખતે આકાશમાં ઊંડી શાંતિ અને આનંદ છવાઈ જાય છે. અમૃતલોકની અદ્રષ્ટ દેવી ઉષા પૂર્વ દિશામાં રમણીય રંગોળી પૂરે છે. એથી આખુંય આકાશ અવનવું બને છે. અનોખા રૂપરંગ ધરે છે. પ્રભાતના પ્રથમ પ્રહરમાં ક્યાંક સુમધુર શ્રવણમંગલ સંગીતની સ્વાદુ સુરાવલિ છૂટે છે. એનો આસ્વાદ માણતાં પવનની લલિત લહરીઓ લાસ્ય નૃત્ય કરે છે. પંખીઓની પંક્તિ નવજીવનના, પ્રમાદના પરિત્યાગના, અભિનવ પુરૂષાર્થના, સંપ, સંગઠન ને સનાતન સ્નેહના સંદેશા સંભળાવતી, દેવદૂતની જેમ સ્વતંત્રતાનું જયગાન ગાતી નીકળી પડે છે. સાગર પોતાના ઉત્તુંગ તરંગોમાં અંતરની ઊર્મિની અભિવ્યક્તિ કરતાં હિલાળે ચઢે છે. મંદિરોમાં આરતી, આરાધના, ઘંટનાદ થાય છે. ગોવાળો ગાયો સાથે વનવિહારે નીકળે છે. ખેડૂતો અવનવી આશા, શ્રદ્ધા, મહાત્વાકાંક્ષા સાથે ખેતરને માર્ગે આગળ વધે છે. ક્યાંક નવજીવનનો સંદેશો આપતું નિનાદ જગાવતું બ્યુગલ વાગે છે. પ્રકૃતિની તંદ્રા દૂર થઈ ગઈ છે. એણે રાતભર કેટકેટલો પ્રખર, પ્રસન્નતાપૂર્વકનો પુરૂષાર્થ કર્યો છે ત્યારે ઉષઃકાળનો આ અનોખો અવસર આવી પહોંચ્યો છે. રજની વીતી ગઈ છે ને અવનવી આકાંક્ષાઓ, પ્રેરણાઓ, શક્યતાઓ અને પ્રકાશ રશ્મિઓના પાર્ષદ જેવું પ્રભાત પુનઃ પ્રગટ થયું છે.

પ્રભાતના આ પ્રવિત્ર પરમાણુઓનો, પ્રભાતની આ પરમ પ્રસન્ન, પ્રેરક પવન લહેરીઓનો લેવાય એટલો લાભ લો. આબોહવા અનુકૂળ છે. વાયુમંડળમાં તાજગી ફરી વળી છે. આ અનુપમ આહલાદક અવસરની અવજ્ઞા નથી કરવાની. એને આળસમાં નથી વીતાવવાનો. નવી નવી યોજનાઓ ઘડવાની છે. સૌની સુખાકારી, શાંતિ, સમુન્નતિ તથા સ્વતંત્રતાના સંકલ્પો કરવાના છે. રાષ્ટ્રીય અભ્યુત્થાનના પુનિત પંથે પ્રમાણિકતાપૂર્વક પ્રયાણ કરવાનું છે. શંકા, ભ્રાંતિ, અહંતા, મમતા, રાગદ્વેષ, વિસંવાદ, પૂર્વગ્રહોને પરિત્યાગીને મોહનિદ્રાની નાગચૂડમાંથી મુક્તિ મેળવવાની છે.

દેશ આપણો છે, આપણે માટે છે, આપણું સર્વકાંઈ દેશને માટે છે. એને અધિકાધિક સ્વસ્થ, શાંત, સમૃદ્ધ, શક્તિશાળી ને યશસ્વી બનાવવા આપણા ક્ષેત્ર દ્વારા, આપણી શક્તિની મર્યાદામાં રહીને, સંયુક્ત રીતે પ્રયત્ન કરવાનો છે. દેશની શાનને વધારવાની છે. ખેડૂતો, ખેતમજૂરો, કારખાનામાં કામ કરનારાઓ, વિદ્યાર્થીઓ ને વિદ્યાગુરુઓ, ડોક્ટરો, વકીલો, ન્યાયમૂર્તિઓ, વેપારીઓ, સૈનિકો ને સેનાનાયકો, સૌએ સર્વજનસુખ અને સર્વજનહિતના મંગલ મહામંત્રને જપવાનો છે. વીસ મુદ્દાના આર્થિક કાર્યક્રમનો ઉષઃકાલ દેશમાં પ્રગટ થયો છે એનો સૌએ લાભ લેવાનો અથવા અમલ કરવાનો છે. એ કાર્યક્રમ સમાજમાં સર્વત્ર, આપણી આજુબાજુ ફેલાયેલા દુઃખ, દૈન્ય, અંધકાર અને ભેદભાવનો અંત આણવા માટે આપવામાં આવ્યો છે. એનો એકનિષ્ઠ અમલ અનેક રીતે આશીર્વાદરૂપ બનશે. દેશમાં નવી પ્રેરણા, પ્રસન્નતાની અવનવી પવનલહરી પ્રગટાવશે, અંધકારનો અંત આણીને પાવન પ્રકાશના કિરણોને ફેલાવશે. સમાજની સુખદ કાયાપલટ કરશે.

ઉષાની પાછળ જેમ સૂર્ય પ્રગટે છે તેમ શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ, સર્વહિત સંસિદ્ધિના સ્વર્ગીય સૂર્યોદયની સૃષ્ટિ કરશે. ઉષઃકાળનો આવો અવસર ફરી ફરી નથી આવતો. રાષ્ટ્રના જીવનમાં, એના પ્રતિતિરૂપી લલિત લલાટમાં, લાંબે વખતે એકાદ વાર જ આવે છે. એને વ્યર્થ વેડફી નાખવાને બદલે એનો પૂરેપૂરો લાભ લઈએ. એનો લાભ લેવાથી દુઃખની રાત્રિ દૂર થશે, પ્રસન્નતાનું પરિપૂર્ણ પ્રગતિસૂચક પ્રભાત પ્રગટી ઉઠશે, અને આપણે આઝાદીના આરંભથી સેવેલા સુખ તથા સમૃદ્ધિના સ્વપ્નો સાકાર બનશે. એમને આપણે જ સાકાર કરી શકીશું - તમે અને અમે બધા જ. આપણો પારસ્પરિક સ્નેહ, સંપ, સદભાવ, સહયોગ આવશ્યક છે.

રજની જશે ને પ્રભાત ઉઘડશે, સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોના વદન મનોહર, હૈયે વસ્યા ચિરકાળ ...
...જે મેં ખોયા હતા ક્ષણવાર.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.