if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારત એક વિશાળ દેશ છે. એની આબાદી અસાધારણ છે. એમાં અનેક ધર્મો, સંપ્રદાયો, મતો તથા પંથો પ્રવર્તે છે. સૌ પોતપોતાની અભિરુચિ અને પસંદગી પ્રમાણેના ધર્મ કે સંપ્રદાયનો આશ્રય લે છે. એ બાબતની એમને બંધારણીય અને સાંસ્કૃતિક સ્વતંત્રતા છે. એક સંપ્રદાયના અનુયાયીઓ બીજા સંપ્રદાયના અનુનાયીઓને દબાવે, વગોવે, તિરસ્કારે, હલકાં ગણે, એને બદલે એમની પ્રત્યે પ્રેમ તથા સહાનુભૂતિ રાખે એ ઈચ્છવા જેવું અને આવકારદાયક છે. સર્વધર્મ સમભાવ અથવા સર્વ સંપ્રદાયો પરત્વે આદરભાવ રાખવાની એવી વૃત્તિનો વધારે વિકાસ થાય અને સાંપ્રદાયિક વૈમનસ્ય, ચડસાચડસી તથા કટુતાને દૂર કરવામાં આવે એ ઈચ્છવા જેવું છે. બિનસાંપ્રદાયિકનો અર્થ કોઈએ કોઈ પણ ધર્મનું પાલન ના કરવું એવો નથી થતો; પરંતુ પ્રત્યેકને પોતાના ધર્મનું પાલન કરવાનું પ્રિય છે, માટે બીજાના ધર્મપાલન પ્રત્યે પણ આદર રાખવો જોઈએ એવો થાય છે.

ભારતે લોકશાહી પ્રથાનો સ્વીકાર કરીને લોકશાહીને માર્ગે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. લોકશાહીમાં લોકોની સામૂહિક ઈચ્છાનો આદર થાય છે. એમની સમૂહગત આકાંક્ષાઓને લક્ષમાં લેવાય છે. રાજ્ય મુખ્યત્વે - પહેલેથી છેવટ સુધી લોકોના હાથમાં હોય છે. લોકો એના આત્મા હોય છે. શાસન કોઈ એક જ વ્યક્તિ - પછી તે ગમે તેટલી કુશળ, પ્રભાવોત્પાદક કે શક્તિશાળી હોય તો પણ તેની ધૂન, તેનો આગ્રહ-દુરાગ્રહ કે ગમા-અણગમાને આધીન બનીને નથી ચાલતું. શાસક વ્યક્તિનું મહત્વ એટલું નથી હોતું જેટલું જનસમૂહનું હોય છે. એમાં સૌને વિચારો ને વાણીની, અભિવ્યક્તિની ને વ્યક્તિગત વિકાસની સંપૂર્ણ સ્વત્રંતા હોય છે.  નિર્ણયો લોકોની સંમતિથી લેવાય છે અને લોકો પર લાદવામાં નથી આવતા. એમાં વિરોધ હોય છે ને વિરોધને આવકારવામાં તથા સમય પર સન્માનવામાં આવે છે. વિરોધને શત્રુતા નથી મનાતો અને એને અપમાનિત કરવાનો, દબાવવાનો કે યંત્રણા આપવાનો પ્રયાસ નથી થતો પરંતુ સમજાવવાનો ને જીતવાનો પ્રયત્ન થાય છે. વિરોધ પણ ખંડનાત્મક, લોકશાહી વિરોધી, જવાબદારીના જ્ઞાન વગરનો, કરવા માટે કરાનારો, ઉચ્છ્રંખલ નથી હોતો, પરંતુ જવાબદારીના ભાનવાળો, શિષ્ટ, શિસ્તબદ્ધ અને રચનાત્મક હોય છે. એમાં પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રને પોતાનું સમજે છે. એને માટે ગૌરવ ગણે છે. એની સમુન્નતિને માટે  સમર્પિત બને છે અને એનાં સુખદુઃખને પોતાનાં ગણે છે.

ભારતે સમાજવાદને પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો છે. સમાજવાદના અર્થો ગમે તેવી રીતે કરવામાં આવતા હોય તો પણ એનો એક આદર્શ અર્થ એ છે કે રાષ્ટ્રની પાસે જે કાંઈ છે તેના પર એની પ્રજાનો, સમાજનો અધિકાર છે. એનો ઉપયોગ થોડા મૂઠ્ઠીભર શાસકો, નેતાઓ, શ્રીમંતો, અથવા અમલદારોને માટે નહીં, પરંતુ સર્વ જનસમાજને માટે થવો જોઈએ. Classes ને કાજે નહિ પણ Masses ને કાજે કરવો જોઈએ. એ દ્વારા સૌની સુરક્ષા, શાંતિ, સ્વસ્થતા, સુખાકારી, સમુન્નતિ સધાવી જોઈએ. કોઈ ક્ષુધાર્ત કે બેકાર ન રહે, ઘર વગરનું ના રહે, અશિક્ષિત અને આળસુ ના રહે, દીન-હીન-બદ્ધ-ત્રસ્ત-લાચાર ના બને, અન્યાય-અધર્મ-ભેદભાવ- ભ્રષ્ટાચાર-શોષણ-દુરાચાર-અત્યાચારનો શિકાર ના બને, એનું ધ્યાન રાખવું પડે છે. શુદ્ધ, સ્વતંત્ર, ન્યાયપૂર્ણ, વ્યક્તિનો આદર કરતી સમાજરચના કરવી રહે છે. માનવે સ્વાર્થી કે એકલપેટા બનવાને બદલે સામાજિક વૃત્તિ, વિચારસરણી ને વ્યવહારવાળા બનવું પડે છે. પોતાનું સઘળું સમાજનું સમજીને સમાજને માટે વાપરવા તૈયાર રહેવું પડે છે.

બિનસાંપ્રદાયિકતા, લોકશાહી તથા સમાજવાદ ભારતના ત્રણ મહામંત્રો છે. એમને જીવનમાં અપનાવવા તૈયાર થઈએ તો આપણાં અનેક અનિષ્ટોનો અસરકારક ઈલાજ થાય ને દેશ સુખી બની જાય. આપણે સૌ સમજીએ કે આપણા પર ભારતની શાન તથા સમુન્નતિનો આધાર છે. આપણે જ એના ઘડવૈયા ને ભાગ્યવિધાતા છીએ. આપણે ભારત છીએ. ભારતની ઉન્નતિમાં આપણી સમુન્નતિ સમાયેલી છે, એની અવનતિમાં આપણું અધઃપતન. કાશ્મીર મારું મસ્તક છે ને કન્યાકુમારી મારાં ચરણ. જગન્નાથપુરી ને દ્વારકા બે હાથ તથા વિંધ્યાચળ કમર. દેશની અસંખ્ય સરિતાઓ મારી રક્તવાહિનીઓ છે. આ દેશને ઉપયોગી થવા માટે જ મારું શરીરધારણ છે, મારું સર્વકાંઈ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.