કાગડા જેવા કે કૂતરા જેવા
એકવાર અમે કાગડાઓને થોડુંક ખાવાનું નાખ્યું. એને અવલાકીને એક કાગડો આવ્યો. એણે ખાવાનું શરૂ કરતાં પહેલાં એના જાતિજનોને કાગ-કાગ કરીને નિમંત્રણ આપ્યું. થોડી વારમાં કેટલાક કાગડાઓ આવી પહોંચ્યા. એકમેકને નિહાળીને સૌ ઉત્સાહિત બન્યા, આનંદમાં આવી ગયા અને નાચવા માંડ્યા. પછી સૌએ કોઈ પ્રકારના ક્લેશ સિવાય, સંપ અને સહયોગની સદભાવનાથી પ્રેરાઈને ખાવા માંડ્યું. પોતાનું કાર્ય પૂરું કરીને કાગડાઓ કોઈયે પ્રકારના કોલાહલ વિના વિદાય થયા.
બીજે દિવસે અમે કૂતરાને રોટલો નાખ્યો. કૂતરાએ એને પગ નીચે દબાવી રાખ્યો અને આજુબાજુ જોયું કે કોઈ બીજો કૂતરો તો આવતો નથીને ? એક કૂતરો આવતો દેખાયો તો એણે એના તરફ ઘૂરકવા ને ભસવા માંડ્યું. એણે પગને રોટલા પર જ દબાવી રાખ્યો. બીજો કૂતરો નિરુપાય તથા લાચાર બનીને એક તરફ ઊભો રહ્યો ને વિદાય થયો ત્યારે જ એને નિરાંત વળી.
માનવોની પ્રકૃતિ પણ એવી દ્વિવિધ છે. એક પ્રકારનાં માનવો ભેગા મળીને ખાવામાં, પોતાની પાસે જે કંઈ છે તેનો સદુપયોગ કરવામાં, એ દ્વારા બીજાને સુખશાંતિ પહોચાડવામાં, સંતોષ આપવામાં માને છે. એમની વૃત્તિ અને પ્રવૃત્તિ એવી જ હોય છે. બીજી જાતના માનવો એકલપેટા થવામાં, અધિકાર જમાવવામાં, સ્વાર્થી બનવામાં અને પોતાની જ સુખશાંતિ સમૃદ્ધિનો વિચાર કરવામાં આનંદ માને છે. એમની પ્રકૃતિ એવી જ હોય છે. એ પ્રકૃતિના માનવો યેનકેનપ્રકારેણ ધની બનવાની, લાંચરુશ્વતની, અનાચારની, ભેળસેળની અને અન્ય અનૈતિક સમાજવિરોધી પ્રવૃત્તિઓ કર્યા કરે છે.
આપણે ત્યાં શિક્ષણ વધતું જાય છે, સાહિત્ય વધતું જાય છે, પુસ્તકાલયો, સ્વાધ્યાયમંડળો અને સત્સંગભવનો વધતાં જાય છે, પરંતુ સંસ્કાર વધે છે ? આપણે કેળવાતા જઈએ છે ? આપણા જીવનમાં માનવતાની માવજત થતી જાય છે કે માનવતાનો મૃત્યુઘંટ વાગે છે ? આપણો વ્યવહાર પેલા કાગડા જેવો છે કે કૂતરા જેવો ? સૌના સુખમાં સુખી બનવાની, સૌને સુખ પહોંચાડવાની, સૌના દુઃખમાં દુઃખી થવાની અને અન્યને દુઃખી ના કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિનો આધાર લઈએ તો જીવનનું કલ્યાણ કરી શકીએ. ત્યારે જ આપણે સુસંસ્કૃત કહેવાઈએ. આપણી સાંસ્કૃતિક પરંપરા આપણી પાસેથી એવી આશા રાખે છે.
- શ્રી યોગેશ્વરજી