if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

‘સામ્યવાદીઓ શું આત્મસાક્ષાત્કારમાં માને છે ?’ કોઈએ મને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછનારા ભાઈ અમેરિકન હતા.

મેં એનો ઉત્તર આપતાં કહ્યું કે, સામ્યવાદીઓ આત્મામાં જ માને છે કે કેમ એ વિવાદાસ્પદ છે. મોટાભાગના લોકોને લાગે છે કે તે આત્મા જેવી કોઈ વસ્તુમાં જ નથી માનતા તો પછી આત્માના સાક્ષાત્કારમાં તો માને જ કેવી રીતે ? ઈશ્વર કે પરમાત્મામાં પણ કેવી રીતે માને ? આત્મા, પરમાત્મા કે ઈશ્વરમાં અને એના સાક્ષાત્કારમાં માનનારે હૃદયની નિર્મળતા અથવા સત્વસંશુદ્ધિમાં માનવું જોઈએ. હૃદયની શુદ્ધિ, એની શુદ્ધિનો આગ્રહ અને ન્યાય, નીતિ, ધર્મ તથા અંતરંગ સાધનાના વિશ્વાસ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર ના થઈ શકે. ઈશ્વરના સાક્ષાત્કારરૂપી સર્વોત્તમ સાધ્યમાં તેમજ ઈશ્વરમાં માનનારે એ સાધ્યની સિદ્ધિમાં સહાયભૂત થનારાં શુદ્ધ સાધનોનો આગ્રહ પણ રાખવો જોઈએ. ઈશ્વરનો સાક્ષાત્કાર છળકપટમાં રાચનારાં, અસત્ય અને અન્યાય તથા અત્યાચારનો આશ્રય લેનારાને કદી પણ નથી થતો. એને માટેનું ઉમેદવારીપત્રક ભરનારે દાનવતાના દુર્ગુણોથી મુક્ત થવાની કોશિશ કરતા રહીને, માનવતાના મહાગુણોથી મંડિત થવાનો આગ્રહ રાખવો જોઈએ. જોરજુલમ, ધામધમકી, ભય, દ્વેષ ને હિંસામાંથી નિવૃત્તિ મેળવીને સરળતા, નિષ્કપટતા, નિર્ભયતા, પ્રેમ અને અહિંસામાં પ્રતિષ્ઠિત થવું જોઈએ. સર્વ પ્રકારની આસુરી વૃત્તિ, પ્રવૃત્તિ તથા સંપત્તિની સાથે છૂટાછેડા લઈને અથવા તો સંબંધવિચ્છેદ કરીને દૈવીવૃત્તિ, પ્રવૃત્તિ તથા સંપત્તિના ઉપાસક થવું જોઈએ. એવી રીતે જીવનની સંપૂર્ણ અને મૂળભૂત શુદ્ધિ થાય અને સ્વભાવનું ઉર્ધ્વીકરણ થાય, તેમજ આત્મા, પરમાત્મા કે ઈશ્વરમાં અડગ શ્રદ્ધા થાય, ત્યારે જ ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારની સિદ્ધિ થઈ શકે છે. જીવનનાં દૈવી સંપત્તિનાં એ મૂળભૂત તત્વોની માવજતમાં અને માનવતાની અભિવૃદ્ધિ તથા સાધનની શુદ્ધિમાં પણ સામ્યવાદીઓ માને છે કે નહિ, તેમજ માને છે તો કેટલા પ્રમાણમાં એ એક સમસ્યા છે. આત્મસાક્ષાત્કારની વાત તો ઘણી આગળની વાત છે.

છતાં પણ સામ્યવાદીઓ તદ્દન નાસ્તિક છે અથવા તો પૂરેપૂરા માન્યતા વગરના છે એવું હું નથી માનતો. તે બિલકુલ વિશ્વાસ ધરાવતાં જ નથી એવું નથી. તે પણ મનુષ્યો છે, તેમને પણ હૃદય અથવા અંતરાત્મા છે, અને એ અંતરાત્માનો અવાજ અથવા વિશ્વાસ છે. એ વિશ્વાસ કયી વૃત્તિ, વ્યક્તિ ને કયા વિચારોમાં લાગેલો છે એ જુદી વાત છે, પરંતુ એનું અસ્તિત્વ છે એ વાત ચોક્કસ છે, અને કોઈક વાર એનું દિગ્દર્શન થઈ રહે છે.

મારી વાતને સ્પષ્ટ રીતે સમજવા એક ઉદાહરણ આપું. પ્રમુખ આઈઝનહોવરના વખતમાં ક્રુશ્વોવે અમેરિકાની મુલાકાત લીધી ત્યારે એક નાનો છતાં સુંદર યાદગાર પ્રસંગ બન્યો. એ પ્રસંગ મારી દૃષ્ટિએ ઘણો મૂલ્યવાન છે અને મને અવારનવાર યાદ આવે છે.

અમેરિકાના પ્રમુખે ક્રુશ્ચોવને એક ચર્ચમાં દર્શન કરવા માટે આવવાનું કહ્યું તો ક્રુશ્ચોવે હસીને ના પાડી. તેમણે કહ્યું કે હું મંદિરમાં દર્શન કરવા નથી જતો એટલે તમે એકલા જઈ આવો. હું બહાર રહું છું.

અને ખરેખર ક્રુશ્ચોવે મંદિરમાં પ્રવેશ ના કર્યો.

અંદર જવાને બદલે બહાર રહેવાનું જ એમણે પસંદ કર્યું.

અમેરિકન પ્રમુખ મંદિરમાં એકલા જ દાખલ થયા.

એ પછી આગળ વધતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રુઝવેલ્ટની કબર આવી.

અમેરિકન પ્રમુખે અંદર આવવા માટે ક્રુશ્ચોવની સંમતિ માંગી તો ક્રુશ્ચોવે ઉત્તર આપ્યો કે આ તો મારા મિત્રની કબર છે. વિશ્વયુદ્ધમાં તે મારી સાથે હતા ને મારી પડખે રહીને લડ્યા છે. એટલે મને એમના પ્રત્યે પ્રેમ છે, અને આદરભાવ છે. એટલે એમની કબરને મારી અંજલિ આપવા માટે હું અવશ્ય આવીશ.

એમ કહી ક્રુશ્ચોવે કબરમાં પ્રવેશ કર્યો, કબરની આગળ ઘૂંટણીયે પડીને એને એમણે આદરભાવ અને અનુરાગની અંજલિ આપી.

એ પ્રસંગની માહિતી મળી ત્યારે મને થયું કે ક્રુશ્ચોવ અવિશ્વાસુ નથી, તે શ્રદ્ધાભક્તિ વગરના છે અને કશામાં માનતા નથી એવું પણ નથી. સમસ્ત સામ્યવાદ અને એના ઉપાસકો, આરાધકો કે અનુયાયીઓ વિશે એવું જ સમજવાનું છે. ઉપર ઉપરથી જોતાં તે અવિશ્વાસુ અને અમાન્યતાવાળા દેખાય છે, પરંતુ ઊંડા ઊતરીને તપાસીએ તો શ્રદ્ધાભક્તિ રાખે છે, આદર કે પૂજ્યભાવ રાખે છે, અને સન્માનની નજરે જુએ છે. ફક્ત એમના સિદ્ધાંત તથા દેવતા કે ઈશ્વર જુદા છે. તે રામ ને કૃષ્ણ, બુદ્ધ ને મહાવીર, તથા ઈશુ ને જરથુસ્તને ઈશ્વર નથી માનતા. તે તેમને માર્ગદર્શન નથી આપતા, અને પ્રકાશ તથા પ્રેરણા પણ પૂરી નથી પાડતા. તે તેમના જીવનના શાસક, તારક કે ઉદ્ધારક બનીને તેમના હૃદયમાં સ્થાન ધારણ નથી કરતાં. તેમના શાસક, તારક, ઉદ્ધારક, દેવતા કે ઈશ્વર તો માર્ક્સ છે, લેનિન છે અને એવા બીજા છે. એમના ઉપદેશ કે સંદેશને એ વેદવાક્ય માને છે. એમનાં સ્મૃતિચિન્હો આગળ ઘૂંટણીએ પડે છે, અને એમને સર્વેસર્વા સમજીને, પોતાના જીવન ને સમસ્ત જગતના જીવન, અધિશ્વર તેમજ તારણહાર માનીને અંજલિ આપે છે. એટલે એમની અંદર ઈશ્વરવાદની ભાવના છે. એ ભાવના કામ પણ કરી રહી છે. ફક્ત એ ભાવનાના ઉપાસ્ય દેવ જુદા છે એટલું જ. અને એમ તો આસ્તિક કે ઈશ્વરવાદી કહેવાતાં મહીમંડળના બધા જ મનુષ્યો ઈશ્વરના એક જ રૂપ અને નામને ક્યાં માને છે ? જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના જુદા જુદા દેવતા અને ઈશ્વરોની જેમ સામ્યવાદી સંપ્રદાયના પણ ભિન્ન-ભિન્ન દેવતા કે ઈશ્વર હોય એ સાવ સ્વાભાવિક છે. એમાં ના સમજાય તેવું કશું જ નથી. જગતને ઉત્પન્ન કરનાર, પાળનાર ને વિનષ્ટ કરનાર ઈશ્વરની શક્તિમાં સામ્યવાદીઓ નથી માનતાં, પરંતુ પોતાના દેવતાઓમાં સંસારને પેદા કરવાની, પાળવાની અને વિરોધી તત્વોનો નાશ કરવાની શક્તિ છે એવું તો તે માને જ છે, અને એ શ્રદ્ધાથી પ્રેરાઈને જ તે સામ્યવાદના પ્રચારના કામમાં પડેલા છે. સામ્યવાદ વૈજ્ઞાનિક સંશોધનમાં માને છે એટલે એ સંશોધનને અંતે, સૃષ્ટિ એક જ ચૈતન્યતત્વમાંથી પ્રકટીને એક જ ચૈતન્યતત્વને આધારે ટકી રહી છે, અને છેવટે એમાં લય પામે છે, એ વૈદિક સત્યનો સાક્ષાત્કાર અને સ્વીકાર કરે તો નવાઈ નહિ. એવી રીતે સામ્યવાદ ઈશ્વરવાદના પુરાતન ને સનાતન સિદ્ધાંતનું સમર્થન કરશે. શબ્દોમાં કદાચ ફેર પડશે પરંતુ ભાવ એક જ હશે.

એક બીજી વાત છે. સામ્યવાદ સંબંધી બીજી ગમે તેટલી વાતો કહેવામાં આવે, પરંતુ એક વાતનો ઈન્કાર નથી કરી શકાય તેમ કે તેની પાસેથી આપણે જનતાના પુનરુત્થાનનો પાઠ શીખવો પડશે. ગરીબ, પદદલીત, દીન, હીન અને દુઃખી તથા સર્વસાધારણની સેવાનો જે સંદેશ એણે અપનાવ્યો છે, તે આપણે અપનાવી લેવો પડશે. સમાજમાંથી અન્યાય અને શોષણ તેમજ ભેદભાવ મીટાવવાની અને સૌને ભૌતિક રીતે સુખી કરવાની તથા તેને માટે સર્વસ્વનો ભોગ આપવાની જે લગન, ભાવના ને વૃત્તિ તેમાં દેખાય છે તે આપણે કેળવવી પડશે. આપણે ત્યાં જનતાના સર્વસાધારણ વર્ગની વરસોથી ઉપેક્ષા થતી આવી છે. તેવી ઉપેક્ષા હવે લાંબો વખત નહિ ચાલે. તેમને બેઠા કરવાનો મંત્ર આપણે એમની પાસેથી શીખવો પડશે. પરંતુ તે માટે તેમની પદ્ધતિઓને આપણે આદર્શ નથી માનતા. તેમના સાધનો સર્વસ્વીકાર્ય નથી થઈ શકતાં. આપણાં સાધનો માનવતાભર્યા પવિત્ર અને ઉત્તમ હશે. સામ્યવાદનો એ સેવાસંદેશ કાંઈ નવો નથી. ભારતીય સંસ્કૃતિએ એ શીખવેલો જ છે અને એ પણ વધારે સરસ અને અસરકારક રીતે. ફક્ત તે ભૂલાઈ ગયો છે. તેને તાજો કરીને જીવનમાં સાકાર કરવાનો છે. ભારતીય સંસ્કૃતિનો સમતાવાદમાંથી પ્રગટનારો સેવાસંદેશ આધુનિક સામ્યવાદના સેવાસંદેશ કરતાં અનેકઘણો વધારે પ્રેરક અને પ્રાણવાન છે. એ વાત વિદ્વાનોને વિદીત છે જ એટલે એ બાબતમાં સામ્યવાદને ગુરુ બનાવવાની જરૂર નથી. તેની અંદરનું જે સેવાતત્વ છે તે પણ ભારતીય જ છે. છતાં પણ એને સમાજના ઉત્કર્ષને માટે સહાયભૂત બનાવવાનું છે. અલબત્ત તેમાં જે નબળાઈઓ પેસી ગઈ છે તેના શિકાર નથી થવાનું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.