if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મેં પસંદ કરેલા વિષયનું શીર્ષક વાંચીને કોઈને થશે કે શું આપણે ફરીવાર મધમાખી બનવાનું છે અથવા તો મધમાખીના શરીરમાં પ્રવેશ કરવાનો છે ? માનવશરીરનો મહીમા સત્પુરુષો તથા સત્શાસ્ત્રોએ વિવિધ રીતે વર્ણવી બતાવ્યો છે. એ શરીર જેને તેને અને જ્યારે ત્યારે નથી મળતું. એની શક્તિ ને શક્યતા ઘણી મોટી છે. તુલસીદાસે રામાયણમાં એને ‘સાધનાધામ’ તથા ‘મોક્ષનું દ્વાર’ કહ્યું છે. એની મદદથી પોતાના અને બીજાના હિત માટેનો પુરુષાર્થ કરી શકાય છે. એવા સુંદર, સર્વોત્તમ શરીરનો ત્યાગ કરીને મધમાખીના કે એવા બીજા કોઈ હીન ગણાતા શરીરનો સ્વીકાર કરવાના પ્રસ્તાવ પર વિચાર પણ કોણ કરે ?

સાચું છે, એવા વિચારો કે મનોભાવોની સાથે આપણે અવશ્ય સંમત થઈશું. આપણે પોતે પણ માનવશરીરને મૂકીને મધમાખીના શરીરમાં પ્રવેશવાનો પ્રસ્તાવ કોઈની આગળ રજૂ નથી કરતા. આપણે તો મધમાખી બનતાં શીખવાની વાત જ કરી રહ્યા છીએ. એટલે માનવ તરીકે શ્વાસ લેતા રહીને, માનવ તરીકેનું અલગ અસ્તિત્વ મટાડી દીધા વગર, મધમાખી પાસેથી ગુણ ગ્રહણ કરી, એની જેમ જીવનમાં જરૂરી ફેરફાર કરવાની સૂચના જ આપી રહ્યા છીએ. એટલે એ સંબંધી અન્યથા ને નિરર્થક ભય રાખવાનું કોઈ કારણ નથી.

ત્યારે મધમાખી પાસેથી આપણે સૌએ કયો ગુણ ગ્રહણ કરવાનો છે ? કોઈ વળી બોલી ઉઠશે કે તમે પણ ખરા નીકળ્યા ! માણસ જેવો માણસ મધમાખી જેવા તુચ્છ જંતુ પાસેથી કોઈ વિશેષ ગુણ કે ઉપદેશ ગ્રહણ કરે એ વિચાર જ કેટલો બધો શરમજનક ને હાસ્યાસ્પદ લાગે છે ? માણસ જો મધમાખીને ગુરુ કરશે તો એનું ગૌરવ શું રહેશે ?

પરંતુ એની દલીલ નિરાધાર છે. કવિ દલપતરામે કહ્યું જ છે કે, ‘લેવી નાના પાસેથી પણ ચાતુરીની વારતા’ એ પ્રમાણે સાધારણ લાગતા પ્રાણી કે પદાર્થની પાસે પણ જો કોઈ જીવનોપયોગી પ્રેરક સંદેશ મળે તો તેને ગ્રહણ કરવામાં હરકત ના હોવી જોઈએ. સારી વાત તો દરેક પાસેથી શીખી શકાય છે. દત્તાત્રેયે પણ મધમાખીને ગુરુ કરીને એની પાસેથી પરિગ્રહ અથવા મમતા ના કરવાનો પદાર્થપાઠ પ્રાપ્ત કરેલો. એ હકીકત શ્રીમદ ભાગવતમાં વિસ્તારથી વર્ણવેલી છે. મધમાખીઓએ તૈયાર કરેલું મધ એમના કામમા ના આવ્યું અને બીજાઓએ લૂંટી લીધું, એ જોઈને દત્તાત્રેયને સર્વ પ્રકારના પુરુષાર્થો તથા પરિગ્રહો પરથી વૈરાગ્ય થયો. પરંતુ આપણે તો મધમાખી પાસેથી એક બીજી જ વાત શીખવાની છે. મધમાખી ફૂલ પર બેસે છે અને મધ એકઠું કરે છે એટલે કે સાર ગ્રહણ કરે છે. એવી રીતે આપણે સૌએ સારગ્રાહી થવાનું છે. મધમાખીએ તૈયાર કરેલા મધપૂડાને જોઈને આપણને કેટલું આશ્ચર્ય થાય છે ? એ મધપૂડાની પાછળ એનો કેટલો બધો એકધારો ઉદ્યમ રહેલો છે ? એવી રીતે જો આપણે પણ સંસારમાંથી શુભ ગ્રહણ કરીએ અને એવી સંચિત સૌરભમાંથી મધપૂડા જેવું રસવંતુ મધુમય જીવન તૈયાર કરીએ તો કેટલો લાભ થાય ? પ્રત્યેક વ્યક્તિ જો પોતાની મેળે સર્વોત્તમ જીવનનો મધપૂડો તૈયાર કરે તો જીવન સ્વર્ગસુખદ બની જાય એમાં સંદેહ નથી. ત્રિગુણાત્મકા પ્રકૃત્તિમાંથી પેદા થયેલી આ સૃષ્ટિ એકસરખી ને એકસરખા સ્વરૂપવાળી નથી. એમાં ફેરફાર થયા જ કરે છે, તેમજ એ શુભ તથા સત્યનું જ દર્શન તેમજ ગ્રહણ કરવાની ટેવ પાડવી આવશ્યક છે. સંસારમાં સર્વત્ર ને સૌમાં વત્તા ઓછા પ્રમાણમાં કાંઈ ને કાંઈ શુભ તો હોય છે જ. દુષ્ટ તથા અધમ કહેવાતા મનુષ્યોમાં પણ કેટલાક સારા ગુણો જોવા નથી મળતા એમ નહિ. એ શુભ અથવા સદગુણોનું દર્શન કરતાં શીખવાની તથા એ મનુષ્યો વિશે અંતિમ અભિપ્રાય આપતાં પહેલાં એમની પ્રત્યે આંખમીંચામણ નહિ કરવાની અને એમાંથી કોઈ ને કોઈ જીવનોપયોગી સંદેશ ગ્રહણ કરવાની કળામાં કુશળ બનવાની જરૂર છે. મધમાખી બનતાં શીખવાનું કહીને આપણે એ જ હકીકત તરફ અંગુલિનિર્દેશ કરવા માંગીએ છીએ.

પરંતુ બધા માણસો એવી રીતે મધમાખી જેવા નથી બની શકતા. કેટલાક અથવા મોટાભાગના માણસો એવા હોય છે કે, બીજાનું સારુ નથી જોઈ શકતા, સારું બોલી કે લખી નથી શકતા. અને એથી આગળ વધીને બીજાની અંદર જે શુભ હોય તેની ચર્ચા-વિચારણા કરવાને બદલે જે થોડુંક પણ અશુભ હોય તેની જ ચર્ચા કર્યા કરે છે અને બીજામાં કશું અશુભ જેવું ના હોય તો પણ, પોતાની સ્વભાવસહજ પરંપરાગત અશુભ જોવાની ખાસીયતને લીધે, ના હોય ત્યાંથી અશુભ શોધી કે જોડી કાઢીને પણ વાણી તથા કલમ દ્વારા તેનો પ્રચાર કરતા ફરે છે. એવા માણસોની ગુણગ્રાહકતા તદ્દન બુઠ્ઠી થઈ ગઈ કે મરી ગઈ હોય છે. એમની આંખ અને એમના અંતરમાં અમીને બદલે વિષ વ્યાપ્યું હોય છે, તે જ બધે ઠલવાયા કરે છે. કોઈને માટે વખાણના કે કદરનાં બે શબ્દો બોલવાનો અવસર આવશે તો પણ તે પછી તરત જ એમના વિરુદ્ધનું કાંઈક કહી બતાવશે ત્યારે જ એમને ચેન પડશે. વિરોધ, ટીકા કે નિંદાનાં થોડાં વાક્યોથી જ એ પોતાના વક્તવ્યની પૂર્ણાહુતિ કરશે. એ પદ્ધતિ જ એમને પસંદ પડશે, મીઠી મધ જેવી લાગશે ને બીજી પ્રશસ્તિની પદ્ધતિ એમને માફક જ નહિ આવે. કાગડાની જેમ એમનું મન હંમેશા બુરાઈનો જ આશ્રય લે છે અને બુરાઈમાં જ આનંદ માને છે.

કોઈ વાર કોઈ સ્વાર્થ હેતુની સિદ્ધિ થતાં, કોઈ વાર કોઈ પૂર્વગ્રહને લીધે, સંકુચિતતાને પરિણામે સાચી વસ્તુ સમજી શકવાની શક્તિના અભાવને લીધે, પ્રકૃતિને લીધે, કે એવા બીજા કોઈ કારણને લીધે માણસ મધમાખી જેવો બનીને બીજાના ગુણ નથી જોઈ શકતો. કારણ ગમે તે હોય, પણ બીજાના ગુણ ના જોવાની ને ના મૂલવવાની એ વૃત્તિ તથા પદ્ધતિ આવકારદાયક કે કલ્યાણકારક તો નથી જ એ સાચું છે. સમજુ માણસે એ વૃત્તિ કે પદ્ધતિનો અંત આણ્યે જ છુટકો છે. કોઈ વાર એવું પણ બને છે કે એક વાર બીજાના ગુણ જોનાર તથા તેને માટે પેટ ભરીને પ્રશંસા કરનાર પાછળથી તેનું ઘસાતું બોલે છે તથા તેની વિરુદ્ધ પ્રચાર કરે છે. એની પાછળ નાનું કે મોટું, સાચું કે ખોટું - કારણ ગમે તો હોય, પરંતુ એ પણ માનવમનની નબળાઈનો જ એક પ્રકારનો પડઘો પાડે છે. જરૂર વગર કાયમ માટે કોઈની પ્રશંસા જ કર્યા કરવી એવું કહેવાનો આપણો ઉદ્દેશ જરા પણ નથી, આપણે તો એ હકીકત પ્રત્યે ધ્યાન ખેંચવા માગીએ છીએ કે માણસે ટીકાખોર વૃત્તિ ને નિંદાની પ્રવૃત્તિનો રસ કાયમને માટે છોડી દેવો જોઈએ. એ વૃત્તિ કદી પણ કલ્યાણકારક નથી થઈ શકતી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.