ભગવાન કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું છેઃ
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्नति ।
स्थित्वा स्यामंतकालेङपि ब्रह्मनिर्वाण मृच्छति ॥
હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે. એને પામ્યા પછી માનવને મોહ નથી થતો, અગ્નિને ઉધઈ નથી લાગતી, મહામણિને મેલ નથી લાગતો. લોઢું પારસના સ્પર્શે સુવર્ણ બની જાય તે પછી તેને કાટ નથી ચઢતો. તેવી રીતે સ્થિતપ્રજ્ઞનું મન અને અંતર અહર્નિશ નિર્મોહ રહે છે.
એ શ્લોકના ઉત્તરાર્ઘમાં જણાવવામાં આવ્યું છે કે એ બ્રાહ્મી સ્થિતિમાં અથવા સ્થિતપ્રજ્ઞ દશામાં જીવન દરમ્યાન સ્થિતિ ના કરી શકાય અને જો જીવનનાં અંત સમયે, અંતકાળે પણ પ્રતિષ્ઠિત બની શકાય તો પરમાત્માના અલૌકિક અનુગ્રહથી મુક્તિનો મહાનંદ મેળવીને કૃતાર્થ થવાય છે.
એ વિધાનમાં ઉદારતા થતા વિશાળતા ટપકે છે. પૂર્ણતાના પ્રવેશદ્વારને, મુક્તિના મંગલમય મંદિરને, સદાને માટે, સૌ કોઈને સારું ખુલ્લું રાખવામાં આવ્યું છે. સમસ્ત જીવન દરમ્યાન કોઈ કારણે કોઈ સાધના ના થઈ હોય તો પણ કશું જ બગડી ગયું નથી. જીવન છે, છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી હાથમાં બાજી છે. માટે હિંમત હારવાને બદલે, આશાને છોડવાને બદલે જીવનની સુધારણાનો, આત્મિક વિકાસનો અંતિમ પ્રામાણિકતાપૂર્વકનો પ્રયત્ન કરી લો. એવું એમાં અજ્ઞાત આશ્વાસન આપવામાં આવ્યું છે.
જીવન જાગૃતિપૂર્વકની સાધના સિવાય એમને એમ જ વહી ગયું હોય તો પણ છેક છેલ્લી ઘડીએ જાગીને પરમાત્માની કૃપા મેળવી શકાય છે. એ સંબંધમાં મહારાજા પરીક્ષિતનું ઉદાહરણ ઉત્તમ છે. પરીક્ષિતને શમીક મુનીના સુપુત્ર શ્રૃંગીનો શાપ મળ્યો ત્યારે એમની પાસે વિશેષ વખત નહોતો રહ્યો. તો પણ એ સમયને સુવર્ણસમય સમજીને એમણે સ્વનામધન્ય સંતશિરોમણી શુકદેવજીના શ્રીમુખથી ભાગવતનું શ્રવણ કરીને અંતકાળે ભગવાનમાં સ્થિતિ કરી અને મુક્તિ મેળવી. એવી રીતે અંતકાળે ભગવાનમાં સ્થિતિ કરીને કોઈ પણ ધન્ય બની શકે છે.
'અંતકાલેઙપિ' એટલે 'અંતકાળે પણ' શબ્દોનો બીજો પણ અર્થ છે. જીવન દરમ્યાન તપવ્રત સાધના અથવા આરાધનાથી ઉત્તમ સ્થિતિની પ્રાપ્તિ કરી હોય એમણે પણ અંતકાળે જાગ્રત રહેવું જરૂરી છે. અંતકાળ જો કોઈ કારણે બગડી જાય તો મુક્તિને મેળવવામાં મુશ્કેલી ઊભી થાય છે. એવા પુરુષોએ અંતકાળને પણ જીવનનો સોનેરીકાળ સમજીને સાવધાન રહેવું જોઈએ. ભાગવતમાં રાજર્ષિ ભરતનું ઉદાહરણ જોવા જેવું છે. ભરતજીને અંતકાળે મૃગશાવકમાં આસક્તિ અથવા મમતા થવાથી તે કર્મ-ધર્મ-સાધનાત્મક અનુષ્ઠાન અને પરમાત્માની નિષ્ઠામાંથી ચલિત થઈ ગયા તો એમને મુક્તિ મળવાને બદલે પુનર્જન્મ લેવો પડ્યો. એટલે મહાનતાના ગમે તેવા સુમેરુ શિખર પર પહોંચ્યા પછી પણ મનોવૃત્તિ તથા નિષ્ઠા છેવટ સુધી પરમાત્મામાં જ જોડાયેલી રાખવાની આવશ્યકતા છે. સાધકે શરૂઆતમાં જાગ્રત રહેવું પડે છે અને પાછળથી આત્મજાગૃતિ એને માટે સહજ બની જાય છે. જીવનમાં સ્વાભાવિક રીતે જોડાયેલી કે સહજ બનેલી જાગૃતિથી મોહ નથી થતો. મોહ થવાનો સંભવ નથી રહેતો.
- શ્રી યોગેશ્વરજી