આવકાર

'પ્રકાશના પંથે' એ મહાત્મા યોગેશ્વરજીની આત્મકથા છે. પ્રારંભમાં જ લેખકે કહ્યું કે પોતે એ આત્મકથા સત્યને વફાદાર રહીને, કીર્તિની કે ધનસંપત્તિની ઇચ્છા રાખ્યા સિવાય, અભીપ્સુઓને તેથી માર્ગદર્શન મળે, સહધર્મીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી લખી છે. એમાં કોઇ કપોળ-કલ્પના નથી, અતિશયોક્તિ નથી, પણ એક નક્કર આધ્યાત્મિક આત્મ-ઇતિહાસ છે. આવા ગ્રંથોનું મૂલ્ય ઘણું હોય છે, તે બીજાઓને પ્રકાશને પંથે જવાની પ્રેરણા પૂરી પાડે છે. એટલે એ એક પરોપકાર બુદ્ધિથી લખાયેલી આત્મકથા છે. પોતાને નાનપણથી, મુંબઇ અનાથ બાળકોના આશ્રમમાં હતા ત્યારથી, રોજનિશી લખવાની ટેવ પડી હતી; એટલે એક આધ્યાત્મિક દસ્તાવેજ તરીકે જ આપણે એનું મૂલ્ય આંકવાનું છે. એક અંગ્રેજ કવિએ ઠીક જ કહ્યું છે કેઃ

Lives of great men all remind us,
We can make our lives sublime,
And departing leave behind us
Foot prints on the sands of time.

બરાબર છે. આ મહાકાળના પથ ઉપર મૂકેલા એક સાધક મહાત્મા યોગીના પદચિન્હો છે, જેથી બીજા સાધકોને તેમાંથી ઘણું ઘણું જાણવાનું મળે, પોતાના અનુભવોને આ મહાત્માના અદભૂત ગણાય તેવા અનુભવો સાથે સરખાવવાનું સદભાગ્ય મળે, નિરાશાને ખંખેરી નાખી પૂર્ણતાના પથ ઉપર આગળ વધવાના ઉત્સાહ, પ્રેરણા, હિંમત અને બળ મળે.

લેખક એક બહુ જ ઊંચી કોટિના ગદ્ય લેખક અને કવિ છે. સાહિત્ય પ્રત્યેની અભિરુચિ અને કાવ્યલેખનનો આત્મ-આવિષ્કારનો અદ્વિતીય માર્ગ તેમને નાની ઉંમરથી જ, મુંબઇમાં હાઇસ્કૂલમાં અને કોલેજમાં ભણતા હતા ત્યારથી જ સ્વયં પ્રાપ્ત થયો હતો. એટલે આત્મકથાના સાહિત્યના ક્ષેત્રમાં તે આવો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીજીએ, વેંદાતના અદ્વૈત માર્ગના ઓલિયા શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ (તેમની આત્મકથા અપ્રગટ છે), શ્રી ઇંદુલાલ યાજ્ઞિકે વગેરે મહાપુરુષોએ આત્મકથાઓ લખી છે. પણ લેખક કહે છે તેમ દરેક જણ જે રંગે રંગાયેલો હોય તે રંગની વસ્તુ જ તેની કૃતિઓમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થાય. રાજકારણી પુરુષો રાજકારણ વિશે જ વધારે લખે, સાહિત્યસર્જકો સાહિત્ય વિશે જ વધારે લખે અને તેની છણાવટ કરે, મણિભાઇ દ્વિવેદી જેવા ગૂઢ અભેદ માર્ગના સફરીઓ આત્મ-નિમજ્જન કરે, અને યોગેશ્વરજી જેવા મહાત્માઓ આધ્યાત્મિક દર્શનો, સંત મહાત્માઓના મિલનો અને કેવળ 'મા' પર શ્રદ્ધા રાખી, પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે, અંદરની 'મા'ની પ્રેરણાના અવાજ અનુસાર વિવિધ સાધનામાર્ગોમાં ઝંપલાવે, પૂર્ણતા પ્રાપ્ત કરવા ભગીરથ વ્રતો, ઉપવાસો, પ્રાર્થના, તપસ્યાઓ કરે અને તે બધી વસ્તુઓનું ચિત્રણ આત્મકથામાં કરે એ સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીજી, જેમની અસર લેખક ઉપર નાનપણથી જ ઘણી માત્રામાં પડી હતી, અહિંસા, સત્યાગ્રહ અને ભારતની આઝાદી અને વિશ્વશાંતિ માટે એક અનોખો માર્ગ શોધી કાઢે, જીવનમાં અજમાવીને તે સાધનની અસરકારકતા સ્પષ્ટ કરી બતાવે તે સ્વાભાવિક છે.

પણ યોગેશ્વરજીની આધ્યાત્મિક સાધનાની એક વિશેષતા છે. તે પરમાત્મ તત્વને પ્રાપ્ત કરી, તેમાં વિલીન થઇ જવાની વાતને પસંદ કરતા નથી. તેમને 'કારક' મહાપુરુષોનું અવતારી કાર્ય ખૂબ ગમે છે. પોતાના યુગને અનુરૂપ બની, વિશ્વજીવનને વધારે આધ્યાત્મિક, પરિપૂર્ણ, વિશુદ્ધ, શાંતિમય અને સમૃદ્ધ બનાવવામાં પોતાને ઇશ્વરનિર્ણીત ભાગ ભજવવાનો છે, તે નિયતિ તરફ હંમેશા કારક-કોટિના મહાત્માઓનું ધ્યાન રહેતું હોય છે. પરમાત્માએ તેમને અમુક મિશન સોંપ્યું હોય છે, તેઓ વિશ્વનિયંતાના કમિશ્નરો હોય છે. તે કાર્ય કરવામાં જો તેઓ આનાકાની કરે, તેને પૂર્ણરૂપે સિદ્ધ ન કરે, તો પરમાત્માની આજ્ઞાનો ભંગ કર્યો ગણાય. એટલે આવા મહાપુરુષો ગીતાનો નિષ્કામ, અહંતારહિત, દિવ્ય કર્મયોગ આચરવામાં આનંદ અને કૃતાર્થતા માણતા હોય છે. આ બાબતમાં યોગેશ્વરજીનું દ્રષ્ટિબિંદુ શ્રી અરવિંદના દૃષ્ટિબિંદુને બહુ જ મળતું આવે છે તે નોંધવું અસ્થાને નહિ ગણાય.
 
લેખકને જગતની ઉત્ક્રાંતિમાં, આધ્યાત્મિક વિકાસમાં ખૂબ રસ છે. એટલે પ્રસંગોપાત, એક આધ્યાત્મિક વિવેચકની આંતરદૃષ્ટિ વડે, તે અંગુલિનિર્દેશ કરતા જ રહે છે. અત્યારે ભારતમાં કયા કયા ક્ષેત્રમાં શું શું ચાલી રહ્યું છે અને શું થવું જોઇએ, તેમાં કયા કયા સુધારા થવા જોઇએ તેનું આનુષંગિક વિવેચન પણ તે આ આત્મકથામાં કરતા રહ્યા છે. પોતે અમદાવાદ અને ધોળકા વચ્ચેના સરોડા ગામમાં જનમ્યા. શૈશવ ત્યાં પસાર થયું. એટલે ગામડાંની અત્યારની દશા, ગામડાં અને મુંબઇ જેવી નગરી વચ્ચેનો તફાવત, ગામડાંની સંકુચિત દૃષ્ટિ, આ બધાંની તે છણાવટ કરી લે છે, અને ગામડાંને કેળવણીની, વીજળીની, પાણીની વગેરેની સગવડ મળે અને એ દેશના વિકાસમાં પોતાનો યોગ્ય ફાળો આપી શકે, તે માટે તેમાં થવી જોઇતી ઉન્નતિ તરફ લેખક આંગળી ચીંધે છે. તેમના પિતા શ્રી મણિલાલ ભટ્ટનો ખેતીનો ધંધો એટલે તે પ્રકારના જીવનમાં આવતા મુખ્ય ગુણો સ્વાશ્રય, સહિષ્ણુતા, જાતમહેનત અને પ્રકૃતિની ગોદમાં રહેવાનું સદભાગ્ય એમની લેખક નોંધ લે છે. નિરાધાર બાળકોનો અનાથાશ્રમ, ત્યાંનુ વાતાવરણ, ગૃહપતિમાં બાળકો પ્રત્યે સહાનુભૂતિનો અભાવ, પરિણામે બાળકો પર પડતા અનિષ્ટ પ્રત્યાઘાતો વગેરેની નોંધ લઇ, ગૃહપતિ કેવો હોવો જોઇએ તેનું પણ તે સુરેખ ચિત્ર ચીતરે છે. ચિતા જોતાં તેમને જીવનની ક્ષણભંગુરતાના અને વૈરાગ્યના વિચાર આવે છે. મુંબઇમાં હાઇસ્કૂલમાં ગીતાના ખાસ વર્ગો લેવાતાં એટલે ગીતાનો મહિમા તે ગાઇ લે છે, અને બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણો તેમના મનમાં ઘર કરી જાય છે, તે મુજબ જીવન ઘડવાની અદમ્ય પ્રેરણાના પિયૂષ પાય છે. છાત્રાલયમાં પ્રેતયોનિનો પ્રસંગ નીકળતાં, તે પ્રેતયોનિ જેવી સુક્ષ્મ જગતની યોનિનો નિર્દેશ પણ કરે છે. એક બેન સાથેના પ્રસંગ સમયે, તે સ્થૂળ દેહને અને તેના વિનાશી સૌંદર્યને ન જોતાં દરેકમાં આત્મદર્શન કરવાની જરૂરિયાત તરફ સાધકોનું ધ્યાન દોરે છે. લગ્નસમસ્યાનો વિષય પોતાના જીવનમાં ઉભો થતાં તેઓ સમજાવે છે કે ઉચ્ચ આધ્યાત્મિક આદર્શવાળા મહાપુરુષ માટે લગ્નજીવન અનિવાર્ય નથી, અને સમજપૂર્વક દાંપત્યજીવન જીવવામાં આવે તો તે ક્રમેક્રમે માણસને આત્મપ્રાપ્તિ કરવામાં સહાયક બને છે તેનો ઉલ્લેખ તે કરી લે છે.

હિમાલય તો યોગેશ્વરજીનું ઘર-સાચું ઘર છે. ત્યાંના અનેક સ્થાનો, પર્વતમાળાઓ, પવિત્ર ગંગા નદી વગેરેનું કાવ્યમય વર્ણન કરતાં કરતાં અત્યારે તીર્થસ્થાનોમાં જે અસ્વચ્છતા, ભ્રષ્ટાચાર, સડો વ્યાપી ગયાં છે તેમની સામે પણ લેખક લાલ બત્તી ધરે છે. દીલ્હીની એક હોટેલમાં પોતાને અનુભવ થતાં લાયસન્સ મેળવીને ચલાવાતી વેશ્યાગિરી પર, કુમળી છોકરીઓ પર થતાં અત્યાચારો પર, તેવી કન્યાઓને ખરીદીને બળજબરીથી તેમની પાસે કરાવવામાં આવતાં વ્યભિચાર પર કઠોર પ્રહારો કરે છે. યાત્રાસ્થાનોમાં ધનિકો વધારે પૈસા આપે તેમને ભગવાનની મૂર્તિનો ચરણસ્પર્શ, આરતી વગેરે કરવાની છૂટ મળે, તે દુકાનદારીની પ્રથા પર પણ તેમનું દિલ ઊકળી ઊઠે છે. તેમાં તો માણસની આંતરસ્થિતિ, વિશુદ્ધિ જ નિર્ણાયક તત્વો ગણાવા જોઇએ. કવિ ન્હાનાલાલના મિલનપ્રસંગે તેમની અપદ્યાગદ્ય શૈલીનું સ્પષ્ટીકરણ કરતાં લેખક-વિવેચક કહે છે કે મુખ્ય બાબત તો તે પોતાના કાવ્યોમાં શું કહે છે તે છે, શૈલીની વાત ગૌણ છે, વસ્તુ પર કૃતિનું મૂલ્ય અંકાવુ જોઇએ. આ રીતે હિમાલયમાંના એક અનુભવ પરથી તેઓ ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો વગેરેની અર્ધદેવ, અર્ધમાનવ યોનિઓ પર પણ પ્રકાશ પાડે છે. આમ લેખક મુખ્યત્વે આધ્યાત્મિક યોગસાધના કરનાર મહાત્મા હોવા છતાં, આનુષંગિક રીતે સમાજસુધારક, વિવેચક, અંગૂલિનિર્દેશક તરીકે દેશના પુનરુત્થાન માટે વારંવાર દેખા દે છે.

હિમાલય માટે મહાત્મા યોગેશ્વરને અસીમ આકર્ષણ ને પ્રેમ છે. ત્યાં તેમને અનેક આધ્યાત્મિક દર્શનો પ્રાપ્ત થયા છે. રામનું (દશરથાચલ પર), બુદ્ધનું, સિદ્ધ મહાપુરુષોની મંડળીનું, આત્મજ્યોતિનું, લક્ષેશ્વર મહાદેવની કુટિયામાં પ્રકાશનું અને સમૂહ સંગીતનું, રમણ મહર્ષિનું, જ્ઞાનેશ્વરનું, જમનોત્રીના માર્ગમાં આવેલી ધર્મશાળામાં સો મહાત્માઓનું જે યોગેશ્વરજીનું સ્વાગત કરે છે, દક્ષીણેશ્વરમાં કુમારી રૂપે 'મા'નું, લેખકના મૂલાધાર ચક્ર પર અંગૂઠો દબાવી તેમને સમાધિની અનુભૂતિ કરાવનાર અવધૂત મહાત્માનું, હનુમાનજીનું, પોતાના જ દિવ્ય દર્શનનું, આલંદીમાં જ્ઞાનેશ્વરનું અને નિવૃતિનાથનું, નર-નારાયણનું, ઓગણીસ કન્યાઓએ (રિદ્ધિ, સિદ્ધિ, અષ્ટયોગ સિદ્ધિઓ અને નવનિધિઓ) તેમને પુષ્પહારો પહેરાવ્યાનું, જગદંબાનું, ત્રણ વામન સનકાદિકોનું - આમ અનેક આધ્યાત્મિક દર્શનો આ મહાન સાધક યોગેશ્વરજીને થયા છે તે તેમની યોગસાધનાની ઉચ્ચ દશાની સાબિતિઓ છે. છતાં પોતે તટસ્થતાપૂર્વક કહે છે કે દરેક સાધકને આવા દર્શનો થાય જ એવું કાંઇ આવશ્યક નથી. તે તો સાધકની રુચિ, સ્થિતિ, ઇચ્છા પર આધાર રાખે છે.

હિમાલયમાં અને ઇતર સ્થાનોમાં લેખકને અનેક સંતમહાત્માઓનું પણ મિલન થયું છે. પરમ કૃપાળુ 'મા' જ તે બધું ગોઠવતી હોય છે. વાળમાંથી દૂધ કાઢનાર એક બાવાનું, ભિક્ષુ અખંડાનંદનું (નડીયાદ, અમદાવાદમાં), સ્વામી શિવાનંદનું (ઋષિકેશમાં), વડોદરામાં રણમુક્તશ્વર મહાદેવને મેડે રહેતા શાંતાનંદનું કે મગર સ્વામીનું, અઢાર વર્ષની ઉંમરના, જડીબુટ્ટીઓના જાણકાર, વસુધારાના વૈરાગીનું, એક ત્રિકાળજ્ઞ મહાત્માનું, વેદબંધુનું, પ્રભુદત્ત બ્રહ્મચારીનું, જમીનથી અધ્ધર પદ્માસનમાં રહેતા અજ્ઞાત મહાપુરુષનું, જોશીજીનું (જે આગલા જન્મમાં એક સ્ત્રી હતા અને ત્યાર પહેલાંના જન્મમાં એક ફકીર હતા), ઉત્તરકાશીમા નાગાજીનું તથા મોતીલાલ બ્રહ્મચારીનું, શ્રી કૃષ્ણાશ્રમનું, તપોવનજીનું, દેવગિરિજીનું, પ્રજ્ઞાનાથજીનું, કુલાનંદજી, મા આનંદમયીનું તથા હરિબાબાનું (સોલનમાં), ચેલના મહાત્માનું, ભગતનું, નેપાલીબાબાનું તથા તેમના ગુરુ ચીનના લામાનું, તૈલંગ સ્વામીનું તથા એક બંગાળી મહાત્માનું વગેરે ... આ બધા સાથેની વાતચીતમાંથી, તેમના દર્શનથી લેખકને જે કાંઇ પ્રાપ્ત થયું તેની તેમણે સમીક્ષા કરી છે. આત્મનિર્ભર, ગુણગ્રાહી સાધકને દત્તાત્રેયે જેમ ચોવીસ ગુરુઓ કર્યા હતા તેમ ગમે ત્યાંથી અને ગમે તેની પાસેથી કાંઇકને કાંઇક શીખવાનું મળી રહેશે; તે બધું 'મા' જ પૂર્વયોજના પ્રમાણે કરાવતી હોય છે. કવિ નાટ્યકાર શેક્સપિયરે બરાબર જ કહ્યું છે કે સાચા જિજ્ઞાસુ માટે વહેતા ઝરણાંમાં ધર્મશાસ્ત્રો છે, પત્થરોમાં પ્રવચનો છે, સર્વત્ર કલ્યાણકારી સામગ્રી છે, આ ગુણગ્રાહીતા વ્યાપક દૃષ્ટિમાંથી સાચી વિનમ્રતામાંથી અને તત્વ-દૃષ્ટિમાંથી જ પ્રાપ્ત થાય છે.

તેમનો જન્મ 1921 પંદરમી ઓગષ્ટે થયો હતો. શ્રી અરવિંદનો જન્મદિન પણ પંદરમી ઓગષ્ટ, 1872, ભારતને આઝાદી મળી 1947ની પંદરમી ઓગષ્ટે, રામકૃષ્ણ પરમહંસદેવે સમાધિ લીધી તે દિન પણ પંદરમી ઓગષ્ટ હતો. આ દિવસ અનન્ય છે.

યોગેશ્વરજી અનંતના યાત્રી છે. જ્ઞાન અને યોગ તેમની સાધનામાં સહકારી છે, પણ મૂળ મુદ્દે તેમનું હૃદય શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના હૃદય જેવું ભક્તહૃદય છે. 'મા'ને પોકારતા તેમની આંખોમાંથી અશ્રુ વહે છે, હૃદય દ્રવી જાય છે, દિલ કકળી ઉઠે છે. 'મા'ના દર્શનની એ તાલાવેલી, એ લગની એ જ એમની સાધકતાની ગુરુચાવી છે. પ્રાર્થનાએ એમના જીવનમાં મહાન ભાગ ભજવ્યો છે, એમ તે પોતે અનેકવાર કહે છે. પ્રાર્થનાનું બળ અમોઘ છે. ચંપકભાઇનો રોગ (ક્ષયરોગ) પ્રાર્થનાથી ગયો, માંદા પડેલાં ગૃહપતિ (અનાથાશ્રમના) તેમની સમૂહ પ્રાર્થનાથી સાજા થઇ ગયા, ટ્રસ્ટીમંડળના સંસ્થાપકની બાબતમાં પણ તેમ જ બન્યું. પણ આંતર વિકાસમાં પણ બાળક જેમ 'મા'ને પોકારે એમ તે હંમેશા 'મા'ને પોકારતા રહ્યા છે. તે જ તેમનું બળ છે, વિજયની ચાવી છે.

હજી તો કેવળ ગુજરાત કે ભારત નહિ, પણ વિશ્વ તેમની પાસેથી ઘણી ઘણી મોટી આશાઓ રાખે છે. તેમનો પણ સંકલ્પ એવો જ છે કે વિશ્વના વિકાસમાં સહાયભૂત થવું, માર્ગદર્શક બનવું. તે પોતે જ પોતાને એક આધ્યાત્મિક પ્રોફેસર માને છે, જગતના દર્દની ચિકિત્સા કરનાર આધ્યાત્મિક વૈદ્ય અથવા ડોક્ટર માને છે. એંધાણ તો એવા જ છે કે તે સંકલ્પ જરૂર ચરિતાર્થ થશે. તેમના પ્રવચનો સાંભળી લોકો ગદ્દગદ્દ અને આશ્ચર્યવિભોર બની જાય છે. તેમની ભાષા સરળ, શિષ્ટ, સંસ્કારી અને મધુર છે. તેમના કાવ્યોમાં પણ તે જ ભાષાશૈલીની અને આધ્યાત્મિકતાની પ્રચુર છાંટ હોય છે, તેમની કલમ કોઇ આધ્યાત્મિક શક્તિથી અણથંભી વહેતી જ રહે છે, તેમની વાગ્ધારાની જેમ. એટલે આ મહાન આધ્યાત્મિક વિભૂતિથી જગતને અનહદ લાભ થશે જ, એવી અમારી દૃઢ માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમ કરો એવી અમારી સાચા દિલની પ્રાર્થના છે. તે પોતે સતત એવી પ્રાર્થના કરતાં જ રહ્યા છે. તેમની પ્રાર્થનાઓ ભૂતકાળમાં અનેક ક્ષેત્રોમાં અનેક રીતે ફળી છે. અને આ સંકલ્પની સિદ્ધિમાં પણ તે ફળશે જ એવી અમારી અતૂટ શ્રદ્ધા છે.

'પ્રકાશના પંથે' એ ગ્રંથની દેણ અનેક ક્ષેત્રોમાં અનેકવિધ છે. સાધકો માટે તે સાધનામાં સહાયક, અમૂલ્ય પથપ્રદર્શિકા છે. સાહિત્યના ક્ષેત્રે એ એક ઉત્તમ આત્મકથા ગ્રંથ છે. દેશના હિતચિંતકો માટે તે અમૂલ્ય સામગ્રીથી ભરપૂર, કાર્યદિશાઓ બતાવનાર, નિર્દેશગ્રંથ છે, તેમના પ્રશંસકો અને પ્રેમીઓ માટે તે તેમના આંતરજીવનમાં ડોકિયું કરાવનાર રહસ્યબારી છે. અમને આ ગ્રંથને આવકારતાં હર્ષ અને ગૌરવ થાય છે. જિજ્ઞાસુઓ, સાહિત્યપ્રેમીઓ, દેશહિતના વિધાયકો આનો પૂરો લાભ ઊઠાવે એવી અમારી નમ્ર પણ આગ્રહભરી વિનંતી છે.

ૐ તત્ સત્

- શાંતિલાલ ઠાકર (એમ. એ, બી. ટી, વિદ્યાભાસ્કર)
ભૂલા ઠાકરની પોળ, નડીયાદ.(તાઃ 16-12-1977)

 

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.