લગ્નની સમસ્યા - 1

 લગ્નની પ્રથા માનવના જીવનમાં ઓછું મહત્વ નથી ધરાવતી. સ્ત્રી કે પુરુષ સૌના જીવનમાં તે અસર પહોંચાડે છે. ગામડાં ને શહેરમાં લગભગ બધે સ્થળે તે પ્રચલિત થઇ ચૂકી છે ને લોકો તેમાં રસ લે છે. જીવનની એક અનિવાર્ય આવશ્યકતા તરીકે મોટી સંખ્યામાં લોકો તેનો સ્વીકાર કરે છે ને તેના વિના જીવનમાં નીરસતા પણ અનુભવે છે. સરોડાનું નાનું સરખું ગામ પણ એમાં અપવાદરૂપ ન હતું. પોતાના બાળકો વહેલી તકે પરણીને ઠેકાણે પડી જાય તેની ચિંતા સૌને રહ્યા કરતી. પરિણામે છેક નાની વયમાં સગાઇ કરવાની ને પછી વિના વિલંબ લગ્ન લેવાની પદ્ધતિ લગભગ સર્વસામાન્ય થઇ પડેલી. માબાપ ને કુટુંબીજનો બાળકોનાં લગ્નની જેટલી ચિંતા કરતા તેટલી તેમની વિદ્યા ને સુધારણાની પણ ના કરતાં. બાળકોના લગ્નનો જેટલો ઉત્સાહ તેમના દિલમાં હતો તેટલો તેમના શીલસંસ્કાર માટે ભાગ્યે જ જોવા મળતો. એટલે મારા અભ્યાસકાળ દરમ્યાન કુટુંબીજનો ને ગામનાં પ્રતિષ્ઠિત માણસોએ મારા લગ્નની વાત ઉપાડી લીધી. મુંબઇના નિવાસ તથા સાત્વિક સ્વભાવને લીધે ગામમાં મારી સુવાસ સારી પેઠે ફેલાઇ ચૂકેલી. તેથી સારાં સારાં કુટુંબો મારા લગ્નના વિષયમાં રસ લેવા માંડ્યાં. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે લગ્ન કરવાની મારી બિલકુલ ઇચ્છા નથી ત્યારે તેમને નવાઇ લાગી. વાત ખરેખર નવાઇ પમાડે તેવી જ હતી. કેમ કે મારું વલણ ગામના પરંપરાગત વલણથી તદ્દન વિરોધી હતું. ગામના લાંબા ઇતિહાસમાં કોઇએ સ્વેચ્છાથી લગ્ન કરવાની ના પાડી હોય તેવો પ્રસંગ ભાગ્યે જ જડે તેમ હતો. દેવું કરીને ને લાગવગ લગાડીને પણ લગ્ન કરવા ને કરાવવામાં મહત્તા ને મોટાઇ માનનારા માણસોને મારી વાત તદ્દન નવી લાગે તે સમજી શકાય તેમ હતું.

લગ્ન વિના કોઇ રહી શકે જ નહિ ને લગ્ન વિનાના જીવનમાં સાર પણ નહિ એવી માન્યતાવાળા માણસો મારી વાતને આશ્ચર્યથી સાંભળે તે સ્વાભાવિક હતું. કન્યા ના મળવાથી છેવટે કોઇને કુંવારા રહેવું પડે અથવા વરની અછતને લીધે કોઇ કન્યાને બે-ચાર વરસ વધારે રાહ જોવી પડે એ વાત તેમની સમજમાં આવી શકે તેમ હતી. પરંતુ સર્વપ્રકારની અનુકૂળતા હોવા છતાં પણ કોઇ વ્યક્તિ લગ્ન કરવાની ના પાડે તે વાત તેમની સ્વીકૃત નિયમાવલીની બહારની હતી. એથી લગ્નજીવનમાં પડવાની મારી 'ના'એ તેમનામાં ભારે ઉહાપોહ જગાવ્યો, પોતપોતાની બુદ્ધિ પ્રમાણે તેમાંના કેટલાક વાતો પણ કરવા માંડ્યા. કોઇ કહેવા માંડ્યા કે 'એ તો હવે મુંબઇ ગયા ને અંગ્રેજી ભણવા માંડ્યા. એટલે કાંઇ ગામડાંની કન્યા ગમે ? એ તો કોઇ શહેરની છોકરી સાથે લગન કરશે.' તો કોઇએ અંગ્રેજી ભણતરનો જ દોષ કાઢવા માંડ્યો. 'અંગ્રેજી ભણતર ભણે એટલે બુદ્ધિ જ બગડી જાય. માણસનું મન જ બદલાઇ જાય.' કોઇ ડાહ્યા વડીલોએ વરસોનાં અનુભવને વહેતો મૂકવા માંડ્યો, 'અરે ભાઇ, તમે જાણો નહિ. જુવાન છોકરા શહેરોમાં જાય એટલે એવું જ થાય. પણ લગ્ન વિના તે કોઇ રહી શક્યું છે ? એ તો વખત જશે તેમ એની મેળે ઠેકાણે આવશે ને માની જશે.' તો કોઇએ કહેવા માંડ્યું કે, 'કોઇ છૂપો રોગ હશે નહિ તો પરણવાની ના કેમ પાડે ?' કોઇકે એમ પણ જણાવ્યું કે 'હમણાં એનું બધું ધ્યાન ભણવામાં લાગેલું છે. ત્યાંથી ધ્યાન હઠાવી લે તો ભણવાનું બગડે ને ? એટલે ના કહે છે. પણ પાછળથી જરૂર હા કહેશે.' એમ લગ્નનો એક જ વિષય વિવિધ રીતે ચર્ચાવા માંડ્યો.

પરંતુ મારી ખરી મનોદશાની ખબર કોને પડે ? ચૌદ વરસની વયથી મારા જીવનમાં જે જાગૃતિ આવી તેને પરિણામે મારામાં સુષુપ્ત આત્મિક સંસ્કારોની પરંપરા પ્રકટવા માંડી. તેણે છેલ્લા ચારેક વરસમાં મારી કાયાપલટ કરી નાખી. તેના ફળરૂપે મારામાં પવિત્ર ને સંયમી જીવન જીવીને ઇશ્વરનો સાક્ષાત્કાર કરવાની મહત્વકાંક્ષા જાગી ઉઠી. તે દશામાં મને ઇશ્વર અને આત્મિક ઉન્નતિ વિનાની બીજી વાતોમાં રસ જ પડતો નહિ, તે વાત તેમની કલ્પનામાં કેવી રીતે આવી શકે ? શિક્ષા, સમજણ ને સભ્યતાનો દાવો કરનારા ને ગર્વ રાખનારા શહેરી માણસો પણ તે વાતને ભાગ્યે જ સમજી શકે તેમ હતા. તો આ તો બહારના સંસ્કાર અને સંપર્કથી રહિત, નિરક્ષર જેવા ને પોતાની મર્યાદિત દુનિયામાં જીવનારા ગામડાંના માણસો. તેમની બુદ્ધિમાં તે કેવી રીતે ઉતરી શકે ? એટલે તેમને માટે તે આશ્ચર્યજનક થઇ પડે તે સ્પષ્ટ હતું. પણ મને તેથી દુઃખ થતું નહિ. સમય મળતાં તેમની આગળ મારા હૃદયને ખુલ્લું કરવાનો હું પ્રયાસ કરતો ને તેમની પાસે મારું દૃષ્ટિબિંદુ રજૂ કરતો. છતાં તેની ધારી અસર થતી નહિ. તેમના પરંપરાગત સંસ્કારો પ્રબળ હતા. તેમની દૃષ્ટિ પણ ટૂંકી ને સંકુચિત હતી. તેથી મારી વાતને તે ભાગ્યે જ સમજી શકતા.

પરંતુ પ્રકાશના પંથના પ્રવાસની મારા જીવનની અત્યાર સુધીની કથા વાંચનાર વ્યક્તિ મારી તે વખતની સ્થિતિને સહેલાઇથી સમજી શકશે. તે વખતની મારી મનોદશાનો ઉડતો ખ્યાલ અત્યાર સુધીની કથા પરથી આવી શકે છે. તે વખતે મેં પ્રત્યેક સ્ત્રીમાં જગદંબાના સ્વરૂપનું દર્શન કરવાની ટેવ પાડેલી. તેને લીધે મારું મન નિર્મળ થઇ ગયેલું. તે ઉપરાંત જે બેનનો મેં આગળ પર ઉલ્લેખ કર્યો છે તેના લાંબા સંબંધે મારા માટે પવિત્રતાની પ્રયોગશાળાનું કામ કર્યું. તેણે મારા જીવનને તાવી, તપાવી ને વધારે વિશુદ્ધ કર્યું. એટલે લગ્નની જરૂર મારે માટે જરાપણ રહી ન હતી. લગ્નની જરૂર માણસને શા માટે પડે છે ? તેની જરૂર પડવાનું સૌથી મોટું કારણ તો એ છે કે માણસ જીતેન્દ્રિય નથી ને જીતેન્દ્રિય થવાનો નક્કર પ્રયાસ કરતો નથી. શરીરના સુખની વાસના તેને વળગેલી છે. તેનો ત્યાગ કરવાની તેની ઇચ્છા પણ ભાગ્યે જ હોય છે. સ્ત્રી ને પુરુષ એકમેકનો સંસર્ગ ને શરીરસંબંધ ચાહે છે. એટલે કે કામદેવતાનું રાજ્ય સંસારમાં કાયમ છે. એ દશામાં લગ્નની અનિવાર્યતા વધી પડે છે. સંસારમાં એ પરિસ્થિતિ વધારે પ્રમાણમાં રહેવાની. એટલે લગ્નની જરૂર પણ વધારે ભાગના સ્ત્રી પુરુષોને રહેવાની. ભવિષ્યની વધારે ભાગની પ્રજા સંયમી ને પ્રભુપરાયણ બનશે તો લગ્નની જરૂર આજના જેટલી નહિ રહે. જોકે તેવો યુગ આવશે કે કેમ અને આવશે તો ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પણ એકાદ કે વધારે વ્યક્તિને માટે તો તેવો યુગ આજે ને કોઇયે કાળે આવી શકે છે.

માણસની અંદર શરીરસુખની લાલસા કે કામવાસના હોય છતાં તેને લગ્ન કરવાની ઇચ્છા ના થાય તે અસંભવ નથી. કામવાસનાના શક્ય પ્રભાવની સામે તે સલામત રહી શકશે ને ધીરે ધીરે પ્રયાસ કરીને કામથી મુક્તિ મેળવશે. એવો વિશ્વાસ હોવાથી કેટલીક વાર માણસ લગ્નનો આશ્રય નથી લેતો, એવા ઉદાહરણ પણ જગતમાં જોવા નથી મળતા એમ નહિ.

કામવાસનાનું પ્રમાણ જીવનમાં ના હોય અથવા બહુ ઓછું હોય છતાં પણ સરખા મનના સ્ત્રીપુરુષો જીવનભર સાથે રહેવા માટે કેટલીકવાર લગ્ન કરે છે. એ પ્રમાણે લગ્ન કરવાનું કામ ઠીક છે કે કેમ ને તેથી જીવનપર્યંત નિર્મળ રહી શકાય છે કે કેમ તે વાત જુદી છે. તેની ચર્ચામાં ઉતરવું અસ્થાને છે. પણ લગ્નની પ્રેરણાનું એ પણ એક કારણ છે તેની ના નહિ. તે ઉપરાંત, કેટલાકને સંતાનની પ્રાપ્તિ માટે લગ્ન કરવાની ઇચ્છા થાય છે. લગ્ન કરવાના બીજા પણ કેટલાંક નાનામોટાં કારણો હશે. પરંતુ મારે કહેવાની વાત એટલી જ છે કે ઉપર દર્શાવેલા કે બીજા કોઇયે કારણો મને લગ્નજીવનની પ્રેરણા આપી શક્યા નહિ. મારું બધું જ ધ્યાન કામ ને ક્રોધને જીતીને સંપૂર્ણ શુદ્ધ બનાવવામાં લાગી ગયું હતું. વળી પ્રત્યેક સ્ત્રીમાં પરમાત્માનું દર્શન કરવામાં મને આનંદ આવતો. એટલે લગ્ન કરવાની વાત મને પસંદ ના પડી. મારી મનોદશાને ના જાણનાર ગ્રામજનો એ કેવી રીતે સમજી શકે ? તેમની પાસેથી સમજણની આશા પણ કેવી રીતે રાખી શકાય ? તેમાં તેમનો દોષ પણ કેવી રીતે કાઢી શકાય ?

ઇશ્વરની કૃપા મેળવીને મેં એક મહાન યોગી કે સંતપુરુષ થવાનો સંકલ્પ કર્યો. એને માટે અપરિણિત રહેવાની અને સમગ્ર જીવનને આત્મોન્નતિની સાધનામાં લગાડી દેવાની જરૂર હતી. લગ્ન કરવાથી માણસ ઘર, સ્ત્રી, કુટુંબ ને સંતાનમાં ફસાઇ પડે છે, તેના પ્રશ્નોમાંથી ઊંચો આવી શકતો નથી, ને તેના જીવનનો ઘણોખરો અમૂલ્ય સમય એમ ચાલ્યો જાય છે. તેવી રીતે સમયને બરબાદ કરવાની મારી જરાપણ ઇચ્છા ન હતી. મારે તો તેનો સદુપયોગ કરીને મારું તથા બીજાનું મંગલ કરવું હતું. તેથી લગ્ન ના કરવાનો જ મેં નિર્ણય કર્યો. લગ્નનો આશ્રય લઇને કેટલાંક માણસો આત્મિક વિકાસ કરી ગયા છે એ વાતનો મને ખ્યાલ હતો. પરંતુ તેણે પણ મને લગ્નજીવનમાં પ્રેરિત ના કર્યો. કેમ કે પાછળનાં વરસોમાં મને યોગની સાધના કરવાની લગની લાગેલી. તે માટે વરસો સુધી એકાંતમાં રહીને કોઇ મહાપુરુષની દોરવણી પ્રમાણે ચાલવાની જરૂર હતી. એટલે લગ્નનો વિચાર મને આકર્ષી શક્યો નહિ. બ્રહ્મચર્યનું બનતું પાલન કરી, આત્મિક વિકાસની મૂર્તિ બની, સ્વામી વિવેકાનંદ ને મહાત્મા ગાંધીજીની જેમ મનુષ્ય જાતિના મંગલને માટે કામ કરવાના હું સ્વપ્નાં સેવવા માંડ્યો.

 

 

Today's Quote

He is poor who does not feel content.
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.