ભગવાન રમણ મહર્ષિ

પ્રારંભ

ભગવાન રમણ મહર્ષિ ! એમના અસંખ્ય અનુયાયીઓની ભક્તિભાવથી ભરપૂર ભાષામાં કહીએ તો  ભગવાન રમણ મહર્ષિ ! કેવળ ભારતના નહિ, સમસ્ત સંસારના આધ્યાત્મિક ક્ષેત્રના મહાપુરૂષ. એમના નામને તથા જીવનકાર્યને કોણ નથી જાણતું ? હવે તો એ આખી અવનીમાં દિશાપ્રદિશાને પાવન કરતું ફરી વળ્યું છે.

અંધકારના અનંત આવરણનો અંત આણવા જેવી રીતે પાવન પ્રકાશપુંજ પ્રભાકરનું પ્રાકટ્ય થાય છે તેવી રીતે જનતાના અંતરમાં ફેલાયલા અજ્ઞાનાંધકારને દૂર કરવા આ અવનીતલ પર એમનો આવિર્ભાવ થયો. એમણે જગતને જ્યોતિ આપી. એવી અસાધારણ અમૂલખ જ્યોતિ જે કદી બુઝાય નહિ : કાળ જેનો નાશ ના કરી શકે : જેનાં પવિત્ર પ્રકાશકિરણો માનવના મલિન મ્લાન અંતરાત્માને આલોકિત કરે, જીવન ધરે, અને જેની મૂલ્યવાન મદદથી માનવ પોતાના મૂળભૂત વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને જીવનને પ્રશાંતિથી પુલકિત કરે, સફળ કે સાર્થક બનાવે : જેના સુધાપ્રદાયક સુખકારક સંસ્પર્શથી એની સાધનાવિષયક ભાતભાતની ભ્રાંતિઓ દૂર થાય, સંશયવૃત્તિઓ શમી જાય અને એનું વ્યક્તિત્વ વિરાટ તથા કૃતાર્થ થાય.

એ અલૌકિક મહાકાર્યને કરવા માટે જ એ અવનીમાં આવેલા, કહો કે એમનું અવતરણ થયેલું. સ્વર્ગના સુભગ સરસ પાવન પ્રદેશમાંથી પ્રાદુર્ભાવ પામીને ભગવતી ભાગીરથીએ જેમ પૃથ્વીને નવજીવન અર્પ્યું અને અક્ષય પ્રેરણા પાઈ, તેમ એમણે અનેકના જીવનમાં પ્રેરણા ભરી અને અનેકની સંજીવની બનીને આત્માની રસહીન વાટિકાને મહેકતી કરી, આધ્યાત્મિકતાના વસંતાવતાર સરખા એ સમર્થ સંત માનવતાના મંગલ માટે અતીતકાળમાંથી કરુણા તેમ જ પ્રેમથી પ્રેરાઈને ઊતરી આવ્યા હોય એવા અનેરા લાગતા. અવનીના આત્મિક જીવનની જ્યોતિ જેવા એ મહાપુરૂષ ‘संभवामि युगे युगे’ ના ગીતાવચનની સ્મૃતિ કરાવતા આ પાર્થિવ પૃથ્વી પર પ્રકટ થયા છે એવું એમના સંપર્કમાં આવતાવેંત લાગ્યા વિના રહેતું નહિ.

છેલ્લા કેટલાય કાળથી ભારતમાં એક જાતની ઘોર જડતા કે તંદ્રા પ્રસરેલી. એ તંદ્રાને તોડીને ભારતની પ્રજાને એની ભૂતકાલીન ગૌરવગરિમાનો સંદેશ આપનારા સત્પુરૂષો ઈશ્વરના અનુગ્રહરૂપે પૃથ્વી પર પ્રકટવા માંડ્યા. એને પરિણામે ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં ક્રાંતિકારી પરિવર્તન થયું ને રામકૃષ્ણ પરમહંસદેવ, મહર્ષિ દયાનંદ, શ્રદ્ધાનંદ, રાજા રામમોહન રાય, તિલક, ટાગોર, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, પ્રણવાનંદ, યોગાનંદ, અરવિંદ અને મહાત્મા ગાંધી જેવા જ્યોતિર્ધરોની પ્રભાવોત્પાદક પુણ્યમયી પરંપરા પ્રકટ થઈ. એ પરંપરાને પોતાના પરમશ્રેયસ્કર જ્યોતિર્મય જીવનથી સુશોભિત કરવાનું અને એ રીતે મૂંઝવણમાં મુકાયેલી માનવજાતિને જીવનવિકાસની સાધનાનો મહામૂલ્યવાન મંત્ર સંભળાવવાનું મહાકાર્ય શ્રી રમણ મહર્ષિ કરી ગયા, ને કરી રહ્યા છે. એવા મંગલમય મહામંત્રના ઉદગાતારૂપે જ એમનો આવિર્ભાવ થયો.

ભારત જ નહિ, સમસ્ત સંસાર એમને માટે ગૌરવ લઈ શકે છે. શાશ્વત સુખશાંતિની અભિલાષા રાખતી ને ખોજ કરતી, સંત્રસ્ત બનેલી, ભૌતિક ઉત્કર્ષને જ જીવનનું સારસર્વસ્વ સમજતી, અનેક પ્રકારની નાનીમોટી સમસ્યાઓમાં અટવાયેલી અને એ સમસ્યાઓનું નિરાકરણ કરવા મથતી માનવજાતિને માટે એમનો સંદેશ આજે પણ એટલો જ અનુકરણીય અને આશીર્વાદરૂપ છે, જેટલો એમના જમાનામાં હતો, અને ભવિષ્યમાં પણ અંનતકાળને માટે આશીર્વાદરૂપ થઈ પડશે. સનાતન સત્ય દેશકાલાતીત હોવાથી એને યુગનાં બંધન નથી નડતાં. એ સર્વકાળ તથા સર્વસ્થળને માટે એકસરખું ઉપયોગી હોય છે ને શ્રેયસ્કર ઠરે છે. એ દ્રષ્ટિએ એમના જીવનને ને જીવનસંદેશને વિચારવાનું કાર્ય કલ્યાણકારક થઈ પડશે. આજના માનવને  એ અનુપ્રાણિત કરશે કે પ્રકાશ ધરશે. અસંખ્ય અંધકારાવૃત્ત અંતરો એથી આલોકિત બનશે. એનું ચિંતન, મનન કે પરિશીલન સાધનામાં રસ ધરાવતા પૂર્ણતાના પંથના પ્રવાસીઓ માટે ઉપયોગી ઠરશે.

* * *          * * *          * * *          * * *

પરદેશી પ્રવાસીઓ ભારતદર્શનની ભાવનાથી પ્રેરાઈને આવે છે અને ભારતના તાજમહાલ જેવાં સુંદર પ્રતીકો, દક્ષિણ ભારતનાં સ્થાપત્યકળાથી સુશોભિત મંદિરો, ગગનચુંબી વિશાળ ઘુમ્મટો, ઉદ્યોગો, નૃત્યો અને એવી વસ્તુઓનું દર્શન કરીને મુગ્ધ બને છે. એ બધું ભારતનું દર્શન છે એની ના નહિ, પરંતુ એનું સાચું દર્શન કેવળ મંદિરો, બંધો અને ઐતિહાસિક અવશેષો તથા કારખાનાંઓમાં ને વૈજ્ઞાનિક સંશોધનક્ષેત્રો અથવા અન્વેષણ-કેન્દ્રોમાં નહિ પરંતુ એના સાંસ્કૃતિક પ્રતિનિધિ જેવા સ્વાનુભવસંપન્ન સત્પુરૂષોમાં રહેલું છે એની ખબર એમને ભાગ્યે જ હોય છે. જેમણે પણ રમણ મહર્ષિનું દર્શન કર્યું છે તેમણે જાણ્યું છે કે એમના રૂપમાં ભારતનું વરસોથી વિલુત્પ થઈ ગયેલું સાંસ્કૃતિક અથવા આધ્યાત્મિક ગૌરવ ફરીવાર પ્રકાશિત બની ઉઠેલું. એમનું વ્યક્તિત્વ દેવદુર્લભ, દર્શનીય અને દેશને માટે ગૌરવપ્રદ બનેલું.

* * *          * * *          * * *          * * *

આપણે ત્યાં કેટલાક વિચારકો ને સમાજ સેવકો ક્રાંતિની વાતો કરે છે. સમાજના પુનર્ગઠનને માટે એ ક્રાંતિની ને સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરે છે. એ સિવાય સમાજની નવરચનાની શક્યતા એમને નથી દેખાતી. કેટલાક વિચારોની ક્રાંતિમાં માને છે તો કેટલાક ભાવો તથા સંસ્કારોની ક્રાંતિમાં. ક્રાંતિના એ પ્રવાહો પોતપોતાની રીતે કાર્ય કરતા પ્રબળ ગતિથી ચાલ્યા કરે છે. સંસારમાં એવી ક્રાંતિઓ અને લોહિયાળ ક્રાંતિઓ અનેક થઈ છે. પરંતુ માનવના પાયાના પ્રશ્નોનું સુખદ સમાધાન નથી થયું. એની સમસ્યાઓ શાંત નથી થઈ. પ્રશ્નો દબાયા કે પલટાયા છે અને એક પ્રકારના પ્રશ્નોને ઠેકાણે બીજા નવા પ્રકારના પ્રશ્નો પેદા થયા છે. તોપણ, વિચારોની ક્રાંતિ માનવજાતિના આધ્યાત્મિક ઈતિહાસમાં અત્યંત પ્રાચીન સમયથી-છેક પ્રાગૈતિહાસિક કાળથી જોવા મળે છે. જૂના વિચારો, જૂની પદ્ધતિઓ, પુરાણી પરંપરાઓ અથવા રીતરસમો અને માન્યતાઓની સામે નવા વિચારો પોતાનું સ્થાન મેળવવાના પ્રયત્નો કરતા રહ્યા છે અને નૂતન પરંપરાઓ પોતાના મૂળને સુદૃઢ કરવા મેદાને પડી છે.

રમણ મહર્ષિ જે જમાનાના પ્રતિનિધિ બનીને પ્રકટ થયા તે જમાનો પણ વિચારોની ક્રાંતિનો હતો. એ જમાનાના એક મહાન અસાધારણ ક્રાંતિવીર મહાત્મા ગાંધીએ સમસ્ત રાષ્ટ્રમાં ક્રાંતિની ચિનગારી પ્રકટાવેલી અને પોતાના પ્રખર પારદર્શક વ્યક્તિત્વથી પ્રજાના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલું. એમની પહેલા ભારતીય સંસ્કૃતિ તથા શાસ્ત્રોના અગ્રદૂત બનીને આવેલા મહર્ષિ દયાનંદે ને વેદાંતકેસરી વિવેકાનંદે પણ ક્રાંતિના મંગલમય મંત્રોને વહેતા કરેલા. પરંતુ ગાંધીજીની ક્રાંતિ વધારે વ્યાપક ને વિરાટ હતી. એ સર્વતોમુખી હતી. રમણ મહર્ષિ પણ સૂક્ષ્મ રીતે વિચારતા એક મહાન ક્રાંતિવીર હતા, તોપણ એમને ક્રાંતિ શબ્દ એટલો આર્કષક અને અનુરૂપ નહોતો લાગતો. એમનો સાધનામાર્ગ કેવળ ક્રાંતિનો નહિ કિન્તુ શાંતિનો હતો. એ શાંતિમય ક્રાંતિમાં અને શાંતિ માટેની ક્રાંતિમાં માનતા. એ દ્રષ્ટિએ એ એક સર્વોત્તમ શાંતિવીર હતા. એમની શક્તિ બહારના શાસ્ત્રોમાં નહોતી સમાયેલી. સત્તા, પ્રતિષ્ઠા કે વાણી પૂરતી સીમિત નહોતી. એ અસાધારણ શક્તિ આત્માની અપરોક્ષાનુભૂતિના સીધા પરિણામરૂપ, એમના આચારમાં-અસ્તિત્વના અણુએ અણુમાં મૂર્તિમંત બનેલી. અને એથી જ અજય, અચળ અથવા અખૂટ હતી.એ મહાપુરૂષને બહારની ક્રાંતિ કરતાં પોતાના આત્માની અંદરની ક્રાંતિમાં વિશેષ રસ હતો. શૈશવથી જ એમને એ ક્રાંતિની શિક્ષા લાધેલી. એ શિક્ષાદિક્ષાના સીધા પરિણામરૂપે એ પોતાની મૂળભૂત ક્રાંતિ કે કાયાપલટમાં જ વિશેષ માનતા અને એના પર જોર દેતા.

* * *          * * *          * * *          * * *

એમણે યોગ, સાધના, સિદ્ધિ, સંપૂર્ણતા, આધ્યાત્મિકતા, અથવા સંત મહાત્મા કે મહર્ષિને નામે કોઈ નાનામોટા દાવા ના કર્યા. બીજા પ્રતિષ્ઠાપ્રિય પુરૂષોની પેઠે બીજાને પ્રભાવિત કરવાના ક્ષુલ્લક આશયથી પ્રેરાઈને પોતાની શક્તિની મિથ્યા અતિશયોક્તિભરી ગુલબાંગો ના ફેંકી. કેટલાક કહેવાતા, પોતાની મેળે બની બેઠેલા પરમાત્માના પ્રિય પાર્ષદો, પયગંબરો કે અસામાન્ય અવતારોની પેઠે મિથ્યાભિમાનથી પ્રેરાઈને એમણે જગતનો ઉદ્ધાર કરવાનો ઈજારો ના લીધો અને પોતાને પરમાત્માના એકમાત્ર ઈજારેદાર પણ ના ઠરાવ્યા. એમણે જાહેરમાં આવીને પોતાનું મહત્વ દર્શાવવા અને વધારવા કોઈ જાદુગરી વિદ્યાનો આશ્રય ના લીધો. નાનામોટા દર્શકોની વિશાળ મંડળીને આંજી દેતા ચમત્કારો ના કર્યા અને લોકોને આશ્ચર્યચક્તિ કરનારા પ્રયોગોની પરંપરા પણ ના આરંભી. એમણે તો બનતા મૂક રહીને ને શાંત બેસીને માનવની મૂળભૂત સુષુપ્ત શક્તિને જાગૃત કરવાનું, એના આત્માને આલોકિત કરવાનું ને શક્તિશાળી બનાવવાનું જ કાર્ય કરી બતાવ્યું. એ જીવનભર સીધાસાદા ને સંયમી જ બની રહ્યા. એમણે માનવને આત્મોન્નતિ કરવાનો, આત્મસાક્ષાત્કાર સાધવાનો ને આત્માનુસંધાનમાં સુદૃઢ બનવાનો અથવા સુસ્થિર રહેવાનો સંદેશ પૂરો પાડ્યો. એટલું જ નહિ, એ એના મૂર્તિમંત રૂપ બન્યા. એમનું સમગ્ર જીવન જ એમનો ઉપદેશ બન્યું કે સંદેશ થયું. એમણે આજીવન એક અથવા બીજા પ્રકારે માનવને પોતાના આત્માને ઓળખવાનો ને પોતાનું પરિત્રાણ કરવાનો આદેશ આપ્યો. એને માટે અંતર્મુખ બનવાની સાધનાનો નિર્દેશ કર્યો. સર્વ પ્રકારના બાહ્ય દેખાવ, દંભ, મહત્વ અને સ્વપ્રતિષ્ઠાના માયાવી ખ્યાલથી મુક્ત રહીને એમણે જીવનભર એ સાધનાનું જ સમર્થન કર્યું ને કહ્યું કે એ વિના માનવનું ને માનવસમાજનું પરમમંગલ નથી થવાનું.

એ સાધનાના પુરસ્કર્તા તરીકે એમણે ગુરુભાવને ધારણ કરવાને બદલે બીજાના મમતાળુ માર્ગદર્શક બનવાનું જ પસંદ કર્યું. ગુરૂભાવનું મિથ્યાભિમાન એમને સ્વપ્ને પણ ના સ્પર્શી શક્યું. એ સાધના નૂતન નહોતી, પુરાતન હતી. એનાં મૂળ વેદ અને ઉપનિષદકાળ જેટલાં  અથવા કહો કે એથીય અધિક ઊંડાં હતાં. પોતાની સાધનાપદ્ધતિને સંક્ષેપમાં રજૂ કરતાં  એ અવારનવાર એટલું જ જણાવતા કે તમારી જાતને ઓળખો; હું કોણ એનો સાક્ષાત્કાર કરો. એ સાક્ષાત્કાર  કરી લેશો એટલે તત્ત્વજ્ઞાનવિષયક સઘળી સમસ્યાઓ ઊકલી જશે. સર્વ પ્રકારનું આધ્યાત્મિક સ્પષ્ટીકરણ મળી રહેશે. ઉપનિષદની સુંદર સારગર્ભિત ભાષામાં કહીએ તો आत्मानं विजानीथ । આત્માને જાણો. શંકરાચાર્યના પેલા સુપ્રસિદ્ધ શબ્દોમાં રજુઆત કરીએ તો कस्त्वम् । તું કોણ ? એ જ એમની સાધનાનો મુખ્ય મંત્ર હતો. મૂળ પ્રેરકમંત્ર. એ ધ્રુવપદમાંથી એમના સાધનાત્મક સંગીતની સૃષ્ટિ થયેલી. એમની સાધનાનો એ મધ્યવર્તી વિચાર હતો. એની આજુબાજુ જ એમની સાધનાના વિશાળ વટવૃક્ષનો વિસ્તાર થયેલો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.