if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રમણ મહર્ષિ વિરલ મહાપુરૂષ હતા. સંસારના ચિત્રવિચિત્ર વિશાળ વનમાં આવીને એમણે એમનાં આગમનના ઉદ્દેશને નિત્ય નિરંતર નજર સમક્ષ રાખ્યો એટલું જ નહિ, એની પૂર્તિ માટે બધાં જ ચક્રો ગતિમાન કર્યાં. એમનું ધ્યેયલક્ષી જીવન પદ, પ્રતિષ્ઠા, પ્રમદા જેવાં વિવિધરંગી પ્રલોભનોથી મુક્ત રહીને ધ્યેયની દિશામાં જ કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર વહેવા માંડ્યું ને છેવટ સુધી વહેતું જ રહ્યું. પોતાના મૂળભૂત ઉદ્દેશની સિદ્ધિ કરીને જ એણે સંતૃપ્તિ કે શાંતિ મેળવી. એ જીવનને વિદ્વત્તા વીંટી ના શકી, પાંડિત્ય પરવશ ના કરી શક્યું, અશાસ્ત્રીય ઘોર તપ રૂંધી ના શક્યું, ને સામાન્ય અસામાન્ય સિદ્ધિની લાલસા એના વેગમાં વિક્ષેપ ના પાડી શકી. એ પરિપૂર્ણતાની પ્રાપ્તિની અને એને માટેની અનવરત, સમજપૂર્વકની સાધનાની દિશામાં સદાકાળ વહેતું જ રહ્યું.

રમણ મહર્ષિ જેવા વીતરાગ પૂર્ણતાપ્રાપ્ત મંગલમય મહાપુરૂષ આધ્યાત્મિક જગતના જાજ્વલ્યમાન ઈતિહાસમાં જવલ્લે જ જડે છે. એવા અસાધારણ સુયોગ્યતા સંપન્ન જ્યોર્તિધર જ્યારે ત્યારે ને જ્યાં ત્યાં નથી થતા. વરસો કે યુગો પછી એ એકાદવાર જ આવિર્ભાવ પામે છે. મૂંઝાયેલી માનવજાતિમાં આશા તથા શ્રદ્ધાના નવા સંદેશનો સંચાર કરી અને અંધકારાવૃત્ત અવનીના અંતરમાં અભિનવ પ્રકાશના પરમપાવન કિરણો ભરીને નૈસર્ગિક નિયમાનુસાર એક દિવસ એ વિદાય થાય છે પરંતુ એમની સૌરભ અનંતકાળને માટે અમર બની જાય છે. જેમને એમનું દર્શન કરવાનુ સદ્દભાગ્ય સાંપડ્યું હશે તે સુપરિચિત હશે કે એવા સત્પુરૂષો પૃથ્વી પર કોઈક ધન્ય કાળે, ધન્ય ઘડી-પળે જ પ્રકટતા હોય છે. એ આત્મિક શક્તિના અક્ષય ભંડાર બનીને પોતાનું કાર્ય કરે છે. મહાત્મા ગાંધીજીના સંબંધમાં સુવિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કહેલું કે ભાવિ પ્રજાના માનવામાં પણ નહિ આવે કે આવા અદ્દભુત આત્મશક્તિથી સંપન્ન મહાપુરૂષ આપણી પૃથ્વી પર પાર્થિવ રૂપે માનવ શરીરમાં શ્વાસ લેતા કે ફરતા’તા. એ જ વિધાન શ્રી રમણ મહર્ષિના સંબંધમાં પણ સાચું ઠરે છે. ભવિષ્યની પેઢીઓને ને જેમણે એમના સુખદ સંપર્કમાં આવવાનું સદ્દભાગ્ય નથી મેળવ્યું એવા આજના પ્રજાજનોને એમની જીવનકથા આશ્ચર્યચક્તિ કરનારી લાગશે. પરંતુ મહાત્મા ગાંધીજીની જેમ એ મહાપુરૂષ તાજેતરમાં આપણા જ જમાનામાં થઈ ગયા એ એક હકીકત છે.

ભારતવર્ષ પાસે સંસારની આગળ ગૌરવપૂર્વક, એની સનાતન સંસ્કૃતિના પ્રતીક સરખું મૂકવા જેવું શું છે ? એનાં ભીમકાય કારખાનાં ? ના. ઔદ્યોગિક અન્વેષણક્ષેત્રો ? ના. એના બંધો અને એની ચિત્તાકર્ષક ઐતિહાસિક ઈમારતો ? ના. તો શું એના બૌદ્ધિક પ્રતિભાયુક્ત, આત્મિક અનુભવથી અલંકૃત, જ્ઞાનગરિમાથી ભરેલાં, વેદ અને ઉપનિષદ સરખાં સુંદર શાસ્ત્રો ? હા. એમની અંદર એની સંસ્કૃતિ સમાયલી છે. એમાં એનું અંતર ધબકી રહ્યું છે. એટલે એમને ભારતવર્ષના અમર આત્માના અક્ષય વારસા તરીકે સંસારની સમક્ષ સંપૂર્ણ  સંતોષ સાથે ગૌરવપૂર્વક અવશ્ય મૂકી શકાય. પરંતુ એથીયે અધિક ગૌરવયુક્ત,એની સનાતન સર્વમંગલ સંસ્કૃતિનું સાચું ને સમ્યક્ તથા સંપૂર્ણ પ્રતિનિધિત્વ તો રમણ મહર્ષિ, ગાંધીજી અને અરવિંદ જેવા એને ખોળે પ્રકટેલા કૃતકામ મહાપુરૂષો કરે છે. એમના અસાધારણ જ્યોતિર્મય જીવનમાં એના અમૂલખ જીવનસંદેશનો પડઘો પડે છે. એમને આપણે માનવજાતિના મંગલ માટે રજૂ કરી શકીએ અને એમનામાંથી પ્રેરણા મેળવીએ. આજના વૈજ્ઞાનિક અન્વેષણોના ને અદ્દભુત અવકાશયાત્રાના યુગમાં પણ આત્મબળથી ઓપતા એવા મહાપુરૂષોની પ્રેરણા માનવજાતિને માટે એટલી જ આવશ્યક છે. એમના જીવનનો વારંવારનો વિચાર અને એમના આદેશોનો આચાર આપણા જીવનને જ્યોતિર્મય કરનારો બની શકે તેમ છે. એમાં તિલમાત્ર સંદેહ નથી. માનવજાતિના ઈતિહાસના આવા મહત્વના સમયે, સંસારમાં એક બાજુએ આસુરી વૃત્તિઓનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે, દૈવી પ્રકૃતિના પ્રતિનિધિ જેવા એવા લોકોત્તર પુરૂષોનું પ્રાકટ્ય સાચેસાચ આશીર્વાદરૂપ છે ને માનવજાતિના સુંદર વર્તમાનની ને સુખશાંતિમય ભાવિની આશા જગાવે છે.

ભારતવર્ષની સંસ્કૃતિ સનાતન કહેવાય છે એ સંસ્કતિનો સર્વનાશ કેમ નથી થયો ને અવનીતલ પરની અસંખ્ય સંસ્કૃતિઓનો વિલય થવા છતાં એ કેમ અમૃતમય રહી છે એ પ્રશ્નનો પ્રત્યુત્તર રમણ મહર્ષિ જેવા મહાપુરૂષના વ્યક્તિત્વનો વિચાર કરવાથી આપોઆપ મળી રહે છે. ભારતીય ધર્મ ને સંસ્કૃતિનો-સાધનાનો સનાતન પુણ્યપ્રદીપ જ્યારે જ્યારે મંદ પડવા માંડ્યો છે ત્યારે એની અંદર પ્રાણસંચાર કરીને એને નવજીવન પ્રદાન કરનારા મહાપુરૂષોનું પ્રાક્ટય થયું જ છે. એમણે સંસ્કૃતિના શાશ્વત સંદેશને વહેતો કરીને એને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એવા સાંસ્કૃતિક જ્યોતિર્ઘરો, આત્મવિકાસની અદ્દભુત સાધનાના સુમેરૂ શિખર પર પહોંચેલા મહામાનવોની પ્રેરણાપ્રદાયક પરંપરા ભારતમાં છેલ્લાં બસો વરસોમાં પ્રકટતી રહી છે. મહર્ષિ દયાનંદ અને ભગવાન રામકૃષ્ણ પરમહંસ એ પરંપરાના અગ્રદૂત હતા. એ પરંપરાના પ્રતાપી ગ્રહનક્ષેત્રોમાં રમણ મહર્ષિનું સ્થાન પણ આગવું, અગત્યનું અને અચળ છે. એવા મહાન જાજ્વલ્યમાન જ્યોતિર્ધરના જીવનનો વિચાર અત્યંત આશીર્વાદ રૂપ થઈ પડશે. એમનું પાર્થિવ સ્થૂલ શરીર આજે હયાત ના હોવા છતાં એમના સંત્સંગનો આસ્વાદ પ્રેરણા આપનારો બની રહેશે.

રમણ મહર્ષિ આત્માની અખંડ અનુભૂતિમાં વાસ કરતા હોવા છતાં છેક જ સાદા અને સરલ હતા. એમનું જીવન પ્રકાશમય ને પારદર્શક હતું. એ શિશુ જેવા નિખાલસ ને નમ્ર હતા. પૂર્ણતામાં પ્રતિષ્ઠિત અને પૂર્ણપણે પ્રતિષ્ઠત હોવા છતાં અક્કડ અથવા અહંકારયુક્ત ન હતા. એમણે ધર્મના મૂળભૂત સત્વને અથવા સારતત્વને જીવનમાં ઉતારેલું તોપણ એ કોઈ વિશેષ ધર્મ કે સંપ્રદાયના ન હતા. એમણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો ને સત્યનો કોઈ પ્રચલિત ધર્મ કે સંપ્રદાય નથી હોતો. એમના વેશ કે જીવનક્રમ પાછળ કોઈ આશ્રમનું પરંપરાગત બંધન ન હતું. એ મુક્ત હતા ને જીવનભર મુક્ત જ રહ્યા. એ સત્યની સનાતન સાધનાના સંપૂર્ણ સંસ્કરણ હતા એમ કહીએ તો ચાલે. એમની વાણી ઓછું બોલતી પરંતુ એમનું જીવન વિશેષ બોલતું અને અસરકારક ઠરતું. દેશમાં આજે સમાજની કાયાપલટ કરવા માગનારા નાનામોટા પુરૂષો અનેક છે એ એક સારી વાત છે; પરંતુ એમનામાંના મોટા ભાગના પુરૂષો પોતાની અંતરંગ યોગ્યતા પ્રત્યે સજાગ નથી એ એટલું જ કમનસીબ ને કરૂણ છે. સમાજની કાયાપલટ કેવળ મહત્વાકાંક્ષાથી, ઉત્સાહથી ને પ્રવચનોથી તથા બીજી પ્રવૃત્તિઓથી નથી થઈ જવાની. એને માટે આત્મિક સાધનાની કે તપની પણ આવશ્યકતા છે. એવી તપસ્યા ને સાધના વિના સેવાપથમાં આવતાં પ્રલોભનોનો સફળતાપૂર્વક સામનો નથી કરી શકાતો, જરૂરી શક્તિલાભ નથી થતો, ને નક્કર સેવા પણ નથી કરી શકાતી. ભગવાન રમણ મહર્ષિના જીવનમાં એ સુંદર સંદેશ સમાયેલો છે કે બીજાની સેવા કરવા ઈચ્છનારે પોતાની સેવા કરવી પણ એટલી જ આવશ્યક છે . સમાજમાં ક્રાંતિ કરવા માગનારે ને બીજાની કાયાપલટની કામનાવાળાએ પોતાની અંદર ક્રાંતિ કરવી ને પોતાની કાયાપલટ કરવી અનિવાર્ય છે. પોતાના અંતરાત્માને આલોકિત કર્યા સિવાય બીજાના અંતરાત્માને આલોકિત નહિ કરી શકાય. આધ્યાત્મિક અભ્યુત્થાનના કલ્યાણકારક કાર્યમાં એ મંત્રનું મહત્વ ઘણું મોટું છે, કારણ કે એ મંત્રશક્તિના મૂર્તિમંત રૂપ જેવો માનવ પોતાના આદર્શ જીવન ને કાર્ય દ્વારા સમાજને વધારે ઉપયોગી થઈ શકે છે ને ચિરસ્થાયી અસરો ઊભી કરેછે. રમણ મહર્ષિ એના અસાધારણ પ્રતીકરૂપ છે.

ભારતવર્ષના ને સમસ્ત સંસારના અતીતકાળના ઋષિઓની પરંપરામાં અત્યંત ગૌરવપૂર્વક વિરાજી શકવાની યોગ્યતાવાળા એ મહાપુરૂષના મંગલમય જીવનમાંથી આજના જગતને ઘણું જાણવાનું મળશે. આજના સમસ્ત સંસારને એમાંથી જીવનોપયોગી ભાથું જડશે. એનો આત્મા આલોકિત બનશે. એ મહર્ષિની વાણી આજે પણ વાતાવરણમાં ગુંજી રહી છે. એમના અમીમય જ્યોતિર્મય નેત્રો આજે પણ પ્રકાશનાં પાવન રશ્મિ રેલી રહ્યાં છે. સંક્ષુબ્ધ માનવને એ આજે પણ પોતાના વિશિષ્ઠ પ્રગતિપથ પર નિમંત્રી રહ્યા છે. એમનો લાભ લઈને માનવ આજે પણ કૃતાર્થ થઈ શકે છે.

* * *          * * *          * * *          * * *

આધ્યાત્મિક સાધનાના સર્વોચ્ચ શિખર પર પહોંચેલા એ મહાત્મા પુરૂષને મારા પરમ પ્રેમપૂર્વક પ્રણામ છે, વારંવાર પ્રણામ છે ! ભારતના ઉપનિષદ્કાલીન પ્રાતઃસ્મરણીય આર્ષદ્રષ્ટા  ઋષિમુનિઓના અલૌકિક અનુભવવારસાને જીવંત રાખનારા એ મહર્ષિએ એમની પ્રકાશમય પરંપરાને વધારે પ્રકાશિત કરેલી. એમને અલંકૃત કરવાની શક્તિ અથવા સુયોગ્યતાથી એ સંપન્ન હતા. એ સાચા  અર્થમાં મહર્ષિ હતા.

વૈદિક કાળના કોઈક લોકકલ્યાણ કામનાવાળા ઋષિનો એમના રૂપમાં આર્વિભાવ થયો હોય એવું એમને અવલોકતાં અને એમના અધિકાધિક સંપર્કમાં આવવાથી અનુભવાતું. ભારતવર્ષના આધ્યાત્મિક ગૌરવને દિશાપ્રદિશામાં-દેશવિદેશમાં ફરીવાર વહેતું કરનાર એ વીતરાગ પરમાત્મનિષ્ઠ પરમાત્મપરાયણ પરમાત્મસદૃશ મહર્ષિનું  સ્મરણમનન માનવજાતિને આત્મવિકાસના માર્ગે પ્રેરિત કરનારૂં ને શ્રેયસ્કર થઈ પડશે. આજે દેશની દશા દયનીય છે, માનવજાતિની અવસ્થા પણ અશાંત, અસ્વસ્થ ને કરૂણ છે, ત્યારે એવા મહાપુરૂષના મંગલમય માર્ગદર્શનની આવશ્યકતા છે. એમના અનુગ્રહની આવશ્યકતા છે. આજે અને સર્વકાળને માટે એમનો સંદેશ સનાતન હોવાથી કામનો થઈ પડે તેમ છે. સંસારને એમાંથી પ્રેરણા મળે તેમ છે. અંધકારથી આવૃત્ત અંતરોને પ્રકાશ સાંપડે તેમ છે. આપણે એ સંદેશનુ સ્મરણ કરીને એમને પ્રેમપૂર્વક પ્રણામ કરીને પ્રાર્થીશું કે એમના આશીર્વાદ સમસ્ત, શોકસંતપ્ત સંસાર પર ઉતરે ને મૂંઝાયેલા માનવો એમની મારફત માર્ગદર્શન મેળવીને પોતાના જીવનને જ્યોતિર્મય ને સંસારને સ્વર્ગીય કરે.

મહર્ષિ જેવા મહાપુરૂષો આપણી પાર્થિવ પૃથ્વી પર શા માટે આવે છે ? કોઈ સેવાભાવનાસભર સંસ્થા સ્થાપવા ? પ્રવચનો દ્વારા જ્ઞાન ફેલાવવા ? સંપ્રદાય રચવા ? શિષ્યો અથવા પ્રશંસકો અને અનુયાયીઓનું નિર્માણ કરવા ? ના. એમનું જીવનકાર્ય એ નથી હોતું. એ બધું અથવા એમાંનું કેટલુંક સ્વાભાવિક કે સહજ રીતે થાય તો ભલે; પરંતુ એમના આગમનનો હેતુ એવો નથી હોતો. એ તો અવનીમાં એક જ આદર્શ માટે આવે છે–જગાડવા, સૂતેલાં માનવઅંતરોને જાગ્રત કરવા, એમને જીવનવિકાસની કેડી બતાવવા, અનુપ્રાણિત કરવા અને એ કેડીએ કરૂણાપૂર્વક આગળ વધારવા. એ માટે એ સૌથી પહેલાં તપે છે, શક્તિસંચય કરે છે, યોગ્યતાનું નિર્માણ કરે છે, અને પછી પોતાના પુરૂષાર્થના પરિણામે પ્રાપ્ત ખજાનો બીજાને માટે ખૂલ્લો મૂકે છે. એમનું જીવન, દર્શન, વર્તન ને સંભાષણ શાસ્ત્રો બને છે, વેદવાક્ય ઠરે છે ને બળ ધરે છે. એ જગાડવા અને આગળ વધારવા જ આવતા હોય છે. એમને શિષ્યો, સંપ્રદાયો, પ્રશંસકો, અનુયાયીઓ, સંસ્થાઓ, ઉપદેશો કે પ્રવચનોમાં રસ નથી હોતો. એ પોતે જ સંસ્થા બને છે અને અનેકને આશ્રય આપે છે. બીજી યુગાનુરૂપ પ્રવૃત્તિઓ એમની દ્વારા થાય તે ભલે, પરંતુ એમનો મૂળ ઉદ્દેશ્ય એ જ હોય છે : પૃથ્વીને આત્મપ્રકાશથી પ્રકાશિત કરવાનો, માનવમનને મધુતાથી મઢવાનો. મહર્ષિ જેવા મહાપુરૂષો એ મહાકાર્ય કરવા માટે જ પધારે છે. મહાકાર્યની આપણે આજે પણ આવશ્યકતા છે. એને માટે આપણે એમના આશીર્વાદ અને મંગલ માર્ગદર્શનની આકાંક્ષા રાખીએ છીએ.

ભારતનું જ નહિ કિન્તુ સમસ્ત સૃષ્ટિનું સૌભાગ્ય છે કે મહર્ષિ જેવા મહાપુરૂષો એમાં પ્રકટ થાય છે ને પોતાનો જીવનસંદેશ સંભળાવે છે. આ અવનીમાં અનેક પ્રકારનાં આસુરી આવરણોની વચ્ચે દૈવી સંપત્તિના મૂર્તિમંત રૂપ જેવા, દેવદૂત સરખા, પરમાત્માના પ્રતિનિધિસમા એવા મહાપુરૂષોનો પ્રાદુર્ભાવ થતો રહે છે એ કાંઈ ઓછું ઉત્સાહવર્ધક અને આશાજનક નથી લાગતું. સમસ્ત, અશાંત માનવજાતિના મંગલની એમાં આશા રહેલી છે. માનવમનને ઊર્ધ્વગામી કરનારો ને જીવનને ઉદાત્ત બનાવનારો એમનો સંદેશ આજે પણ એટલો જ અગત્યનો છે, અને અધિક અગત્યનો છે. આપણને સૌને અનુપ્રાણિત કરે ને સન્માર્ગમાં દોરે એવું ઈચ્છીશું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.