if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પેલા સુપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિતમાં લોકમાનસથી ને દુન્યવી પરિસ્થિતિથી પૂર્ણ પરિચિત કવિએ સ્વાનુભવના સરસ સારગર્ભિત શબ્દોમાં કહ્યું છે કે પ્રત્યેક પર્વતીય પ્રદેશમાં માણેક નથી પાકતું, હરેક હાથી મોતીથી મંડીત નથી હોતો, દરેક વનમાં ચંદનના વૃક્ષો નથી હોતાં, અને એવી જ રીતે સંતપુરૂષોનું દર્શન પણ ઠેર ઠેર નથી થતું.

शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजेगजे।
साधवो न हि सर्वत्र,  चंदनं  न  वने वने ॥

એમાં આપણે એટલો સુધારો કરી શકીએ કે महर्षिः न हि सर्वत्र । એટલે કે સંતપુરૂષોનું દર્શન તો દુર્લભ છે જ, પરંતુ એવા સુદુર્લભ સંતોમાં પણ રમણ મહર્ષિ જેવા મહાપ્રતાપી આત્મનિષ્ઠ મહર્ષિવર્યનું દર્શન કાંઈ સહેલાઈથી નથી થતું. એ થાય અથવા ના પણ થાય. માનવજાતિના આધ્યાત્મિક ઈતિહાસમાં એ પ્રકટે છે જ કોઈક વિરલ ધન્ય કાળે, કેટલાક યુગો પછી. પ્રત્યેક પર્વતીય પ્રદેશમાં કદાચ માણેક પાકે, હરેક હાથી મોતીથી મંડીત બની જાય, દરેક ઉપવનમાં ચંદનનાં સુગંધીદાર શીતળ વૃક્ષો પેદા થાય, ને સંતપુરૂષોનું દર્શન ઠેર ઠેર સુલભ બને, તોપણ મહર્ષિ રમણ જેવા મહાપુરૂષ એમાં ભાગ્યે જ મળે. એમની યોગ્યતા એટલી બધી અસાધારણ હતી.

* * *          * * *          * * *          * * *

રમણ મહર્ષિના આવિર્ભાવ વખતની અને એમની પ્રખ્યાતિ પહેલાંની તત્કાલિન પરિસ્થિતિ કેવી હતી એનું વિહંગાવલોકન કરવાનું રસપ્રદ થઈ પડશે. એવું વિહંગાવલોકન અસ્થાને નહિ ગણાય. એ વખતની ધાર્મિક અથવા આધ્યાત્મિક પરિસ્થિતિ સાથે આપણે સવિશેષ સંબંધ હોવાથી આપણે એનું ઊડતું અવલોકન કરી લઈશું. રમણ મહર્ષિના પ્રાકટ્ય અથવા એમની પ્રખ્યાતિ પહેલાં ભારતમાં દેશવિદેશનું પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરનારી લોકોત્તર વિભૂતિઓનો આવિર્ભાવ થઈ ચૂકેલો. એમણે આત્મિક સાધનાના ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરીને સિદ્ધિ મેળવેલી, જનતાના વિશાળ વર્ગનું ધ્યાન પોતાના પ્રત્યે આકૃષ્ટ કરેલું, ને ધર્મ, સાધના તથા સંસ્કૃતિની શ્રેષ્ઠતમ સેવા કરીને ભારતના ભૂતકાલીન ગૌરવમાં અભિવૃદ્ધિ કરેલી. વરસો ને યુગો પછી ભારતમાં એક એવી અસાધારણ વિભૂતિનો જન્મ થયેલો જેણે ભારતીય આધ્યાત્મિક સાધનાનાં સમસ્ત અંગોપાંગોને એમની ખૂબી સાથે જીવનમાં ઉતારેલાં; જે ભારતીય સાધનાના સંપૂર્ણ પ્રતીક હતા, ને ભારતના જ નહિ, વિશ્વના આધ્યાત્મિક મહાપુરૂષોમાં સૌથી વિલક્ષણ હતાં-શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ. એ આધ્યાત્મિકતાના અસાધારણ અવતાર બનીને અવનીમાં આવેલા એમ કહીએ તો ચાલે. વરસો સુધી મૂક રહીને, વિજનમાં વસીને, અવિશ્રાંત સુદીર્ઘ સાધના દ્વારા એમણે જે સિદ્ધિ મેળવી તેના પ્રભાવથી કેશવચંદ્ર સેન, બલરામ બોઝ ને વિવેકાનંદ જેવા અસંખ્ય અસાધારણ આત્માઓ એમની તરફ આકર્ષાયા. નરેન્દ્રમાંથી વિવેકાનંદનો જન્મ જ એ રીતે શક્ય બન્યો. એ વેદાંતકેસરી વીર વિવેકાનંદે પોતાના ગુરૂના અનુગ્રહથી  અલંકૃત થઈને પરદેશમાં ભારતીય ધર્મ અને આધ્યાત્મિકતાના ગૌરવને નવપલ્લવિત કર્યું ને પોતાના લોકચુંબકીય વ્યક્તિત્વથી ભારતના વિલુપ્ત થતા જતા મહિમાને પુનર્જીવિત બનાવ્યો. એ ઘટનાક્રમ હજુ તાજા જ હતા. એમના પદચિહ્નો પર ચાલીને અમેરીકામાં જીવંત ઈસામસીહ તરીકે ઓળખાયેલા સંયમમૂર્તિ સ્વામી રામતીર્થે તેમ જ મહાગુરૂ યુક્તેશ્વરની કૃપાપ્રસાદી પામેલા યોગાનંદે દેશના નામને પરદેશમાં રોશન કર્યું. ભારતની ભૂમિ પર પ્રકટ થયેલા રામકૃષ્ણદેવના સમકાલીન એક બીજા મહર્ષિએ  દેશની સાંપ્રત દશા અથવા દુર્દશાથી દુઃખી થઈને, પ્રેમ તથા કરૂણાથી પ્રેરાઈને, સર્વોપયોગી સર્વતોમુખી અભ્યુત્થાનના અભિનવ મંત્રોને વહેતા કરેલા. એ મહામેઘાવી મહાપુરૂષ મહર્ષિ દયાનંદ હતા. એમના રાષ્ટ્રીય અસ્મિતાથી પ્રેરાયેલા પ્રચંડ સેવા કાર્યની ચિરસ્થાયી અસરો ચોતરફ પડવા માંડેલી.

રમણ મહર્ષિની શાંત એકાંત આત્મસાધના મંદગતિએ છતાં ચોક્કસ રીતે આગળ વધી રહેલી ત્યારે એમના જ સમકાલીન એવા એક બીજા પરમ પ્રતાપી મહાનક્ષત્રનો ઉદય ભારતના જ નહિ, સમસ્ત સંસારના આસમાનમાં થઈ ચૂકેલો. મહાત્મા ગાંધીરૂપી એ મહાનક્ષત્રે એ વખતનાં બીજાં બધાં જ નક્ષત્રને ગૌણ અથવા નિસ્તેજ કરી નાખેલાં. એ મહાનક્ષત્રનો પુનિત પ્રકાશ સમાજનાં સર્વે ક્ષેત્રોમાં ફરી વળેલો, પરંતુ રાજકીય ક્ષેત્રને એણે વધારે આલોકિત કરેલું. પોતાના પુરોગામીઓ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરીને એ આગળ વધેલા ને કેટલાંક ક્ષેત્રોમાં એમનાથી પણ આગળ વધી ગયેલા. એમનું લોકસેવારત, મોહક વ્યક્તિત્વ લોકમાનસને મુગ્ધ કરી રહેલું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણમાં જાગૃતિની એક નૂતન લહરી ફરી વળેલી.

        * * *          * * *          * * *          * * *

રમણ મહર્ષિની સાધના જ્યારે સંપૂર્ણતા પર પહોંચીને સોળે કળાએ ખીલી ઊઠેલી ત્યારે ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં એક બીજી નોંધપાત્ર ઘટના બની. ઈશ્વરના આદેશને અનુસરીને પરમ મેઘાવી, પ્રખર રાષ્ટ્રપ્રેમી તથા રાષ્ટ્રહિતચિંતક મહાયોગી શ્રી અરવિંદે પોંડીચરીને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. સમુદ્રતટવર્તી એ સુંદર સ્થળમાં એ પૂર્ણયોગનું અનુષ્ઠાન કરવા લાગ્યા. એમની વિચારધારા અને આદર્શ નિષ્ઠાથી આકર્ષાઈને દેશવિદેશમાંથી અનેક આધ્યાત્મિક સંસ્કારસંપન્ન આત્માઓ એમના દર્શને આવવા માંડ્યા અને એમની પાસે એકઠા થયા. પોંડિચરી એ મહાપુરૂષનું સાધનાનિષ્ઠાન બનવાથી સ્વલ્પ સમયમાં જ સંસારમાં સુપ્રસિદ્ધ બની ગયું. એ મહાપુરૂષે ત્યાં રહીને પ્રેરણાના જે પરમ પ્રવાહોને વહેતા કર્યા તે ચિરસ્મરણીય બની રહ્યા. દક્ષિણનો એ સમસ્ત પ્રદેશ એ સંતદ્વયને લીધે સંજીવ બની ગયો. એ બધો કાળ ભારતના આધ્યાત્મિક ઈતિહાસનો સુર્વણકાળ હતો એવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી થતી.

        * * *          * * *          * * *          * * *

મહર્ષિના પ્રાકટ્ય અથવા એમની પ્રખ્યાતિ સમયે દક્ષિણ ભારતની દશા કેવી હતી ? દક્ષિણ ભારતનો પ્રદેશ આચાર્યોના ઉત્તમોત્તમ નમૂનારૂપ સુંદર ચિત્તાકર્ષક ગગનચુંબી ગૌરવાન્વિત ગુંબજવાળાં વિશાળ સ્વચ્છ મંદિરોનો, હિમાલયની સ્મૃતિ કરાવનારી પર્વતમાળાનો, સરિતાઓનો અને નયનાભિરામ સપાટ લીલાંછમ મેદાનોનો પ્રદેશ હતો. એ પ્રદેશમાં જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓનો સંતોષકારક વિકાસ થયેલો. આચાર્યોએ પાવન પ્રદેશને પોતાના પ્રાદુર્ભાવથી વધારે પવિત્ર કરેલો. ભૂતકાળમાં ત્યાં તિરૂવલ્લુર, યોગી સદાશિવ બ્રહ્મ તથા પંચદશીના રચયિતા સુપ્રસિદ્ધ સ્વામી વિદ્યારણ્ય મુનિએ પોતાની જીવનલીલા કરીને અનેક આત્મિક પંથના પ્રવાસીઓને પ્રેરણા પાયેલી. એમની અસરો ત્યાં જીવતી હતી. ત્યાંની પ્રજાના અંતરમાં ધર્મના શુભ સંસ્કારો અન્ય પ્રદેશોની પ્રજાની સરખામણીમાં સારા હતા. પરંતુ ધર્મ મોટે ભાગે સાંપ્રદાયિક તેમ જ કેવળ બાહ્ય ક્રિયાકાંડ પૂરતો જ મર્યાદિત બની ગયેલો. દક્ષિણ ભારતના પ્રદેશોની ગરીબી, નિરક્ષરતા, ધાર્મિક અજ્ઞતા ને પછાત પરિસ્થિતિનો લાભ લઈને ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ ત્યાંના વિભિન્ન વિસ્તારોમાં થાણાં સ્થાપેલાં ને વટાળપ્રવૃત્તિને વધારી દીધેલી. સાધના મોટે ભાગે સદ્દગંથોના સ્વાધ્યાયમાં ને બહારના નિરર્થક વિધિવિધાનમાં જ અટવાઈ ગયેલી. કર્મકાંડનું ક્ષેત્ર આવશ્યકતા કરતાં વિશેષ વ્યાપક બનેલું અને જાતિભેદને ખૂબ જ મહત્વનું સ્થાન મળેલું. આત્માના અમર સંદેશનું અને આત્મસાક્ષાત્કારની સરળ સચોટ સર્વોપયોગી સાધનાનું વિશેષતયા વિસ્મરણ થયેલું ને પ્રજા મોટે ભાગે બાહ્યાડંબર, પાઠપૂજા, વરઘોડા ને બાહ્ય વિધિવિધાનમાં જ કેદ બનેલી.

પશ્ચિમી સભ્યતા, વિચારધારા ને રીતરસમનો પ્રભાવ દેશના બીજા પ્રદેશોની પેઠે એ પ્રદેશમાં પણ પડેલો ને પ્રબળ બનેલો. શરીરસુખ તેમ જ લૌકિક સુખોપભોગની લાલસા પ્રજામાં વધતી જતી’તી. સાથે સાથે એક એવો આધુનિક વિદ્યાપ્રાપ્ત, ડિગ્રીધારી, સુશિક્ષિત વર્ગ પણ તૈયાર થતો જતો’તો જેને ભારતીય ધર્મ, તત્વજ્ઞાન, શાસ્ત્રો ને સંસ્કૃતિમાં સંપૂર્ણ શ્રદ્ધા ન હતી, જે ભાતભાતની શંકાકુશંકાઓથી ઘેરાઈ ગયેલો ને કિંકર્તવ્યવિમૂઢ થયેલો, જેને પશ્ચિમી સભ્યતા પ્રત્યે વધારે સહાનુભૂતિ હતી. મીઠો પક્ષપાત હતો ને ભારતીયતા પ્રત્યે તિરસ્કાર. ભારતના વિભિન્ન વિભાગોમાં એ વિકૃત, વિરોધી, વિઘાતક પ્રવાહ પ્રકટી ઊઠેલો ને પ્રસરવા માંડેલો. એના પ્રત્યુત્તરરૂપે ભારતના વિભિન્ન પ્રદેશોમાં કેટલાક પ્રતાપી પુરૂષો પ્રકટ થયેલા. એમણે પોતપોતાની રીતે કાર્ય પણ કરેલું. એમનામાંના કેટલાક કાર્ય કરી રહેલા પણ ખરા. પરંતુ દક્ષિણ ભારતના ઐતિહાસિક અગત્ય ધરાવતા પ્રદેશને પણ એવા એક પ્રતાપી પુરૂષની આવશ્યકતા હતી. એવી પ્રજાની વચ્ચે અંધકારમાં સૂર્ય પ્રકટે તેમ, રમણ મહર્ષિ  જેવા પરમ પ્રતાપી પુરૂષનું પ્રાકટ્ય આવશ્યક હતું.

        * * *          * * *          * * *          * * *

ભારતની આધ્યાત્મિક વિકાસભૂમિ એ વખતે વણખેડાયલી નહોતી પડી. ભારતના વિભિન્ન પ્રદેશોમાં જુદા જુદા સંતો કાર્ય કરી રહેલા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ ને બંગાળમાં એમનું વર્ચસ્વ વધારે હતું. એ સંતોનો પ્રકાશ ત્યાં પ્રજાના પ્રાણને અનુપ્રાણિત કરતાં સોળે કળાઓ ખીલી ઊઠેલો. હિમાલયની પુણ્યભૂમિ તો વરસોથી યોગી કે તપસ્વીઓ અને આત્મારામ મુનિઓની વિહારભૂમિ હતી જ. એ ભૂમિએ આદિકાળથી જ આત્મવિકાસની અક્ષય સાધનાનું અધિષ્ઠાન બનીને સમગ્ર સંસારનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરેલું. સિદ્ધપુરૂષોની અને આદર્શ સાધકોની પ્રામાણિક પરંપરાને ચાલુ રાખનારા સંતો ત્યાં વારાફરતી થતા જ રહેલા. પરંતુ દક્ષિણના પ્રદેશને માટે એવું ન હતું. આચાર્યો, સંતો, સિદ્ધો ને જનતાને જીવન પ્રદાન કરનારા જ્યોતિર્ધરોની પ્રાણવાન પરંપરા ત્યાં કેટલાય વખતથી તૂટી ગયેલી. એ પરંપરાને સાંધવાનું ને શોભાવવાનુ કાર્ય કોઈ સાધારણ માનવથી નહોતું થાય એવું. એને માટે એક મહામાનવની જરૂર હતી. એ આવશ્યકતાને અનુલક્ષીને જ શ્રી રમણ મહર્ષિ પ્રકટ થયા. ઈતિહાસે લાંબે વખતે પલટો ખાધો. ભારતીય ધર્મ, સંસ્કૃતિ કે સાધનાના કેન્દ્રબિંદુ તરીકે દૂર દક્ષિણના ભુલાયેલા ગૌરવવાળા પ્રદેશને પુનઃ પ્રસ્થાપિત કરીને મહિમામય બનાવવા માટે એણે રમણ મહર્ષિના લલાટે તિલક કર્યું. એથી અધિક સુયોગ્ય પસંદગી બીજી કોઈ ભાગ્યે જ થાત.

રમણ મહર્ષિ સમયાનુરૂપ સંદેશ લઈને  આવી પહોંચ્યા. કાદવની અંદરથી જેમ કમનીય કમળ ખીલે ને મેઘાચ્છાદિત ગગનમંડળમાં ચારૂ ચંદ્રકળા ચમકી ઊઠે અને આશ્ચર્યકારક આનંદમાં નાખી દે, તેમ એમનું આગમન આશ્ચર્યકારક અને આનંદદાયક થઈ પડ્યું. એમનો આત્મા જુદાં તત્વોનો બનેલો હતો. એમના પ્રાણમાં જુદાં જ પરિબળો કામ કરતાં. એમનું કલેવર એકદમ અવનવું હતું. એ પ્રદેશના પરંપરાગત, પ્રચલિત પ્રવાહો કરતાં જુદી જ જાતના વિચાર ને ભાવપ્રવાહને લઈને એ પ્રકટ થયા. પોતાની ચારે તરફ ફેલાયલા વહેમ, ભ્રાંતિ અને અજ્ઞાનના અંધકારગ્રસ્ત આવરણને દૂર કરીને એમને પ્રકાશની સૃષ્ટિ કરવાની હતી. કર્મકાંડો તથા બાહ્ય વિધિવિધાનોની અંદર અટવાઈ ગયેલા ને સત્યશોધકોના અધિકાધિક અટવાતા જતા ધર્મના આત્માને એમણે બહાર કાઢવાનો હતો. આત્મજ્ઞાનના પાતાળગત પાતળા પ્રવાહને પુનર્જિવિત કરવાનો ને પરિપુષ્ટ બનાવવાનો હતો. સામાન્ય જનસમૂહને, સાધકોને ને સત્યશોધકોને પરમસત્યની દીક્ષા આપવાની હતી, ને તે માટે સત્યના મૂર્તિમંત સ્વરૂપ બનીને પ્રકાશવાનું હતું. એની સાથે એક બીજું અનેરૂં કાર્ય પણ શેષ હતું : વિશ્વભરમાં ભારતીય સાધના અથવા સત્યોપાસનાના ગૌરવને વધારવાનું. જે કાર્ય- ભારતના સાંસ્કૃતિક ગૌરવને વધારવાનું મહાકાર્ય- તિલક, ગોખલે, ગાંધી, ટાગોર જેવા મહાપુરૂષો દ્વારા ને રામકૃષ્ણદેવ, વિવેકાનંદ, રામતીર્થ, દયાનંદ અને અરવિંદ જેવા સમર્થ સંતો દ્વારા સધાયું તે કાર્ય એમને પણ જ્ઞાતઅજ્ઞાત રીતે કરવાનું હતું. અથવા એમ કહો કે એને માટે એ નિમિત્તરૂપ બનવાના હતા. પરિસ્થિતિ એમની જાણે કે માગણી કરી રહેલી અને એ માગણીને સંતોષવા માટે જ એ પ્રકટ થયા. એમના પ્રાકટ્યથી મહાત્મા તિરૂવલ્લુર, મહાયોગી સદાશિવ બ્રહ્મ, મહાજ્ઞાની વિદ્યારણ્ય મુનિ અને પ્રજાને પ્રેરણા પાતા ઓજસ્વી આચાર્યોની પરંપરા પ્રકાશી ઊઠી ને વધારે સુશોભિત બની. એમને એથી સંતોષ થયો હશે એમાં શંકા નહિ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.