ભગવાન રમણ મહર્ષિ

જન્મ અને શૈશવ

સુખસંપત્તિ કે સાનુકૂળતા એમને માટે બાધક બને છે અથવા એમના જન્મ તથા વિકાસની વચ્ચે આવે છે એવું પણ નથી સમજવાનું, જીવનના આધ્યાત્મિક વિકાસને માટે કષ્ટ, આપત્તિ, અછત કે પ્રતિકૂળતા આવશ્યક અથવા અનિવાર્ય છે એમ પણ નથી માનવાનું, પરંતુ આ એક ઐતિહાસિક સત્ય છે અને એ સત્યનું દર્શન મહર્ષિ રમણના જીવનમાં પણ થઈ રહે છે. રમણ મહર્ષિનો જન્મ પણ કોઈ સંગેમરમરના વિશાળ રમણીય રાજપ્રાસાદમાં નહિ, કોઈ લક્ષ્મીનંદનના મહામૂલ્યવાન મધુમય મહેલમાં નહિ, પરંતુ સાધારણ મઢૂલીમાં જ, મદુરાથી ત્રીસેક માઈલ દૂર આવેલા તિરૂચ્ચુલી ગામમાં ઈ.સ. ૧૮૭૯ના ડિસેમ્બરની ત્રીસમી તારીખે થયેલો. એમનું અસલ નામ વેંકટરામન હતું.

        * * *          * * *          * * *          * * *

એમનો જન્મ બીજાં બાળકોના જન્મ કરતાં વિલક્ષણ હતો એવું ન હતું. એ ઘડી ને પળ સંસારના ધાર્મિક ઈતિહાસમાં ધન્ય હતી. જ્યાં એ પ્રતાપી પુરૂષનું પ્રાકટ્ય થયું એ ધરતી ધન્ય હતી, ઘર ધન્ય હતું ને પરિવાર ધન્ય હતો. એમનાં મમતાળુ માતાપિતા થવાનું જેમને સૌભાગ્ય સાંપડ્યું એ આત્માઓ પણ ખરેખર કૃતાર્થ હતા. । कुलं पवित्रं जननी कृतार्था, वसुंधरा पुण्यवती च तेन । પરંતુ એ વખતે એમને એ ધન્યતા કે કૃતાર્થતાનો ખ્યાલ પણ ક્યાં હતો ? એમને કલ્પના પણ ક્યાં હતી કે નાની સરખી મઢૂલીમાં જીવનની અનેકવિધ જટિલતાઓની વચ્ચે જન્મેલા આ સાધારણ લાગતા શિશુને ભવિષ્યમાં અસાધારણ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અને એ એક આદર્શ મહર્ષિ બનીને અનેક અવિદ્યાગ્રસ્ત આત્માઓનો પ્રેરક, પ્રકાશક અને પથપ્રદર્શક થશે ? એમને શી ખબર કે આ નાનો સરખો પૃથ્વીના પ્રવાસે આવેલો બાળક અનેકનો હિતચિંતક, સુખશાંતિદાયક અને એથીયે આગળ વધીને આરાધ્યદેવ બનશે ? જો કોઈએ એમની આગળ આવીને એ વખતે ભાવિ શક્યતાનો નિર્દેશ કર્યો હોત તો એને એ ભાગ્યે જ માનત-ના માનત, અને એવો નિર્દેશ કરનારની વાતને હસી કાઢત. એમના ચિત્તતંત્ર પર એની પ્રતિક્રિયા જરા પણ સારી ના પડત. એમનામાંથી કોઈ અધ્યાત્મપ્રેમી હોત તો એને એવી ભવિષ્યવાણી ગમત ને પ્રસન્નતા પૂરી પાડત, પરંતુ એ પણ આટલા બધા લોકોત્તર ઉજ્જ્વળ ભવિષ્યમાં તો વિશ્વાસ ભાગ્યે જ રાખત. એ વખતે એમને કોઈ કહેત કે આ બાળક એક દિવસ ભારત અને ભારતની બહારના અગણિત આધ્યાત્મિક જિજ્ઞાસુઓને પ્રેરણા પાશે, પથપ્રદર્શન કરશે, શાંતિ આપશે, ને સર્વોત્તમ અવસ્થાએ આસીન થશે, તો એ આશ્ચર્યચકિત બની જાત અને એ વાતને હસી કાઢત. એ બાળક પોતે પણ એને ભાગ્યે જ માનત. પ્રકૃતિએ જેના પર પ્રખર પરંપરાગત પડદો પાથરી દીધો છે એ આત્માને જ્યાં લગી એ રહસ્ય પડદો હઠે નહિ ત્યાં લગી ક્રાંતદૃષ્ટિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? ને બધાને-મનુષ્યમાત્રને એ દિવ્યદૃષ્ટિની પ્રાપ્તિ જન્મની સાથે સહેલાઈથી થઈ જતી હોત તો જીવન, જગત અને આત્મવિકાસની સાધનાનું આટલું આકર્ષણ કે માહાત્મ્ય રહેત ખરૂં ? જીવનનાં રહસ્યોની ગુપ્તતામાં જે રસ અને આનંદ હોય છે તે કેટલીક વાર એના પ્રાકટ્યમાં નથી હોતો. એ રહસ્યજ્ઞાનને માનવ મોટે ભાગે નથી પચાવી શકતો. એને અધકચરી અપૂર્ણ દશામાં જાણીને એ સંવાદીને બદલે વિસંવાદી બની જાય છે. જે અલ્પજ્ઞ ને અપૂર્ણ છે તે આગળપાછળની સઘળી હકીકતોને કેવી રીતે જાણી શકે ? એવું જ્ઞાન જીવનના ધારણપોષણ માટે અનિવાર્ય છે એવું થોડું છે ?

        * * *          * * *          * * *          * * *

ત્યારે વેંકટરામનનો-ભવિષ્યના રમણ મહર્ષિનો જન્મ થઈ ચૂક્યો. કુદરતના કોઈક કર્મપ્રધાન કાનૂનાનુસાર કે ઈશ્વરની અચિંત્ય પરમ રહસ્યભરી મહામહિમામયી શક્તિની સુનિશ્ચિત યોજના કે લીલા  પ્રમાણે એ મહાન આત્માનો આવિર્ભાવ થયો. એમના જન્મ વખતના ગ્રહો મંગલ હતા કે અમંગલ, એમના આવિર્ભાવનો અવસર શુભ હતો કે અશુભ, અનુકૂળ હતો કે પ્રતિકુળ, અને એમના ચારૂ પ્રાકટ્યનું ચોઘડિયું ઉત્તમ હતું કે અનુત્તમ, એ પ્રશ્ન જ ક્યાં રહે છે ? એવા પ્રશ્નો અથવા એવી કુતુહલવૃત્તિ તો સર્વસામાન્ય આત્માઓના સંબંધમાં જ સંભવે અને શોભી શકે. જે જન્માંતરના સર્વશ્રેષ્ઠ સાધના સંસ્કારોના સમુચ્ચય સાથે સૃષ્ટિની સફરે આવતા હોય એમના સંબંધમાં નહિ. એમનો તો જન્મ જ પૃથ્વીને પાવન કરે, ગ્રહનક્ષત્રને મંગલતા ધરે, ઘડી તથા પળને પ્રતિષ્ઠા ધરે, ચોઘડિયાને ઉત્તમ અથવા અનુકૂળ કરે. મહર્ષિના સંબંધમાં એવું જ થયું. એમના પ્રાકટ્યની ઘડી, પળ તેમ જ વિપળ શુભ બની ને મંગલ ઠરી. એક મહાન આત્માએ પૃથ્વી પર પ્રકટ રીતે શરીર ધારીને શ્વાસ લેવાનો આરંભ કર્યો એથી સમસ્ત પ્રકૃતિ પ્રસન્ન કે પુલકિત બની. પૃથ્વી પ્રફુલ્લી ઊઠી. સંસ્કૃતિ, ધર્મ, સાધના અને આધ્યાત્મિકતાથી અલંકૃત અવનીના આત્માને શાંતિ વળી.

        * * *          * * *          * * *          * * *

એમના પ્રારંભિક જીવનમાં કોઈ વિલક્ષણતા હતી ખરી ? મોટા ભાગના મહાપુરૂષો આગળ પર મહાપુરૂષો થયા હોય છે, એમનો જીવનવિકાસ વ્યવસ્થિત રીતે ચાલતો હોય છે, પરંતુ એમના શૈશવમાં ખાસ ઉલ્લેખનીય અસાધારણતા નથી હોતી. મહર્ષિના શૈશવના સંબંધમાં મોટે ભાગે એવું જ હતું. એ શૈશવ બીજા સામાન્ય શૈશવના જેવું જ હતું. વિદ્યાર્થીદશા દરમિયાન એમનો સ્વભાવ શાંતિપ્રિય દેખાતો. બીજાં બાળકોની જેમ તોફાને ચઢવાને બદલે એ શાંતિથી એક બાજુ બેસી રહેતા. એને એમની અસાધારણતા માનવી હોય તો માની શકાય. હા, એમની સ્મરણ શક્તિ ખૂબ જ તીવ્ર હોવાથી વાંચેલું એમને તરત જ યાદ રહી જતું. બીજા સામાન્ય વિદ્યાર્થીઓની પેઠે એમને વારંવાર વાંચવું, રટવું કે ગોખવું ના પડતું. કળીમાંથી જ સુમનની સુંદર સૃષ્ટિ થાય છે એ ન્યાયે શૈશવમાં વારસારૂપે સાંપડેલી એમની એ અદ્દભુત સ્મરણશક્તિ ઉત્તરોત્તર વધતી જ ગઈ.

નાનપણના એ દિવસોની એમની એક અન્ય વિલક્ષણતા પણ યાદ રાખવા જેવી છે. એ એકદમ જલદી જોતજોતામાં નિદ્રાધીન બની જતા ને નિદ્રા લેતા પણ ઘણી. નિદ્રાવસ્થામાં તેમના મિત્રો કેટલીક વાર તેમને ઘરની બહાર જુદે જુદે ઠેકાણે લઈ જતા તોપણ તેમને તેની ખબર ના પડતી. તેમના માયાળુ મિત્રોને જ નહિ પરંતુ મોટેરાઓને પણ એ જોઈને આશ્ચર્ય થતું. એ અવસ્થા નિદ્રાની હતી કે પ્રબળ પૂર્વ સંસ્કારોના પરિણામ સ્વરૂપ સ્વાભાવિક રીતે જ સાંપડનારી યોગનિદ્રાની એની ખબર સામાન્ય માનવોને શી રીતે પડી શકે ? એમણે તો પોતાની અનુભૂતિના આધાર પર એનું અનુમાન કરવાનું જ શેષ રહે. મહર્ષિનો આ વર્તમાન જીવનનો વિકાસ જોતાં એક હકીકતની ખાતરી થયા વિના રહેતી કે પૂર્વજન્મના પ્રખર પુરૂષાર્થની પરંપરાના પરિણામરૂપે શરૂઆતથી જ એ ઘણા સુંદર સંસ્કારોને લઈને આવેલા. એને લીધે એમને કેટલીક વિશેષ વસ્તુઓ વારસામાં મળેલી. કેટલાંક બાળકોને પૂર્વસંસ્કારના પરિણામરૂપે નિર્વિચાર દશાની પ્રાપ્તિ થાય છે તો કેટલાકને યોગનિદ્રાની, ભક્તિની, અધ્યાત્મપ્રેમની કે આત્મવિચારની પ્રાપ્તિ થતી હોય છે. રમણ મહર્ષિ એવા જ એક વિલક્ષણ બાળક હતા. એમનું શરીર સાધારણ અને નાનું હોવા છતાં એની અંદરનો આત્મા અસાધારણ અને મોટો હતો. પૃથ્વીપરના દીર્ઘકાલીન પ્રવાસ દરમિયાન ક્રમેક્રમે સત્વશીલ બનતાં ને પરિપુષ્ટ થતાં એ વર્તમાન કાળની વિશદ અવસ્થાએ પહોંચ્યો હશે એવી કલ્પના સહેજે કરી શકાય છે.

સંસારમાં સર્વત્ર કાર્યકારણભાવ કામ કરતો હોવાથી કોઈ પણ વસ્તુ એમ ને એમ બની શકે છે ખરી ? કોઈપણ ઘટના કે પરિસ્થિતિનું નિર્માણ આકસ્મિક અથવા આપોઆપ થતું હોય તોપણ કોઈપણ પ્રકારના કારણ વિના થઈ શકે છે ? ઉપવનમાં પ્રકટેલાં પરિમલ ભરેલાં પુષ્પોની પાછળ જેમ માળીનો પાર વિનાનો પુરૂષાર્થ હોય છે, મૃદુ માખણની સૃષ્ટિની પાછળ ક્રમબદ્ધ ચોક્કસ ક્રિયાપ્રક્રિયા હોય છે, ને જેમ વૃષ્ટિની પાછળ લાંબા વખતની ધીરજયુક્ત સુવ્યવસ્થિત સાધના હોય છે, તેમ મહાપુરૂષોના ઉજ્જ્વળ ધન્ય આદર્શનિષ્ઠ  જીવનની પાછળ વિકાસની સુવ્યવસ્થિત સાધના કે પ્રગતિની પરંપરાગત પ્રક્રિયા હોય છે. રમણ મહર્ષિના જેવી બૌદ્ધિક પ્રતિભા, સાધનાત્મક યોગ્યતા તથા આત્મનિષ્ઠા કાંઈ એકાદ બે દિવસ, મહિના કે વરસમાં નથી પ્રાપ્ત થતી. તેને માટે યુગો તથા જન્મોનું તપ જોઈએ છે.એને સારૂ ચિરકાળની સાધનાની આવશ્યકતા રહે છે. જિંદગીઓના પ્રખર પરિશ્રમ પછી જ માણસ એવી અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે.

        * * *          * * *          * * *          * * *

કોઈ સાધકે પોતાના પૂર્વજન્મોમાં સાધનાનો પ્રખર પુરૂષાર્થ કર્યો છે કે નહિ તેની ખબર સહેલાઈથી, સુસ્પષ્ટતાપૂર્વક, કેવી રીતે પડે ? એના વિશે નિશ્ચિત અને નિર્ભીક અભિપ્રાય કેવી રીતે આપી શકાય ? એના વર્તમાન જન્મ કે જીવનપ્રવાહના નિરીક્ષણ પરથી. અથવા તો એના લક્ષણો પરથી. પૂર્વજન્મોની પ્રખર સાધના પરંપરા સાથે જન્મેલો આત્મા સંસારનાં પ્રલોભનો, વિષયો ને ભોગપદાર્થોમાં ફસાતો, ભાન ભૂલતો કે આસક્ત નથી થતો. સંસારના વિનાશશીલ પદાર્થો એના મનને અને એની બુદ્ધિને સંમોહિત નથી કરી શકતા. પૃથ્વી પર જન્મીને એ બાળપણથી જ જાગી જાય છે ને ધ્રુવ, પ્રહલાદ, જ્ઞાનેશ્વર, અષ્ટાવક્ર, શુકદેવ તથા મીરાંની પેઠે પરમાત્માભિમુખ થાય છે. તેમને પરમાત્માભિમુખ થવા માટે કોઈક વિશિષ્ટ પ્રસંગ કે પરિસ્થિતિની આવશ્યકતા હોય જ છે એવું નથી હોતું. તેમને નૈસર્ગિક રીતે મળેલા વિચાર કે ભાવના વારસાને વધારીને એના અનુસંધાનમાં એ આત્મિક સાધનાના માર્ગે આપોઆપ અને પોતાની મેળે જ આગળ વધ્યે જાય છે ને થોડા સમયમાં જ સિદ્ધિના સુમેરૂ શિખરને સર કરે છે. એથી ઊલટું, જેમના પૂર્વજન્મના સંસ્કારો વધારે કે બિલકુલ બળવાન નથી હોતા તેમને આ જન્મમાં જાગતાં જ વિલંબ લાગે છે. તે ઘણી મોટી ઉંમરે ને માંડ જાગે છે. વર્તમાન જન્મમાં સમજપૂર્વક સુચારૂ રૂપે સાધના કરવાનું ને સંપૂર્ણ સિદ્ધિ મેળવવાનું  તેમને માટે મુશ્કેલ હોય છે. સંસારનું વિષમ વિરોધી વાતાવરણ પણ તેમને પૂરેપૂરા નથી જગાડી શકતું. જુદા જુદા આઘાતો ને પ્રત્યાઘાતો એમના હૈયાને નથી હલાવી શકતા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.