if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુંદરમય્યરે શરીર છોડ્યું  ત્યારે એમના ત્રણ પુત્રો હયાત હતા : સૌથી મોટા ભાઈ નાગસ્વામી, બીજા ભવિષ્યના મહાપુરૂષ ભગવાન રમણ મહર્ષિ-એ વખતના વેંકટરામન ને ત્રીજા સૌથી નાના ભાઈ નાગસુંદરમ.

એ ત્રણેમાં વેંકટરામન ભારે વિલક્ષણ હતા.

એમનો જન્મ જુદા જ સંજોગોમાં થયો હતો. આર્દ્રા દર્શનનો દિવસ શૈવોને માટે મહત્વનો મંગલમય દિવસ મનાય છે. એ દિવસે શૈવોપાસનામાં માનનારી જનતા ખૂબ જ શ્રદ્ધાભક્તિથી સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન શંકરનું દર્શન ને સ્તવન કરે છે. રાતે દેવમૂર્તિનો વરઘોડો કાઢે છે તથા મધ્યરાત્રિની આસપાસ મૂર્તિને દેવમંદિરમાં પહોંચાડી દે છે. એ પ્રથા પ્રમાણે તિરૂચ્ચુલીના સુંદર દેવમંદિરમાં પૂજા પૂરી થઈ, ઉત્સવની પરિસમાપ્તિ થઈને મૂર્તિને મંદિરના ગોપુરની નીચે રાખવામાં આવી. એ વખતે રાતના એક વાગ્યા પછી વેંકટરામનનો જન્મ થયો. એ મંગલ દિવસે નટરાજે ગૌતમ, વ્યાઘ્રપાદ તેમ જ મહર્ષિ પતંજલિને દર્શનલાભ આપેલો.

વેંકટરામનનું શરૂઆતનું શિક્ષણ તિરૂચ્ચુલીમાં જ થયું. એ અગિયાર વરસની ઉંમર સુધી ત્યાંની નિશાળમાં જ અભ્યાસ કરતા રહ્યા. એ પછી પોતાના પિતાના મૃત્યુ પછી એ પોતાના મોટાભાઈ નાગસ્વામીની સાથે એમના કાકા સુબ્બય્યરને ત્યાં મદુરામાં રહીને વિદ્યોપાર્જન કરતા રહ્યા. મદુરાની સ્કૉટ મિડલ સ્કૂલમાં ને પછી અમેરિકન મિશન હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો.

એ દિવસો એમના તત્કાલીન જીવનના જ નહિ, ભાવિ જીવનના પણ મહત્વના દિવસો હતા. એ દિવસો દરમિયાન ઈ.સ.૧૮૯૫ના ઓગષ્ટ મહિનામાં એક પ્રસંગ બન્યો. એ પ્રસંગ જાણે કે પરમાત્માની પરમશક્તિએ જ ગોઠવેલો. એમને એક વાર અચાનક તિરૂચ્ચુલીનો કોઈક પરિચિત માણસ મળ્યો. એ યાત્રા કરીને પાછો ફરેલો. વેંકટરામને એને પૂછયું કે તમે ક્યાંથી આવ્યા છો ? તો એણે ઉત્તર આપ્યો કે અરૂણાચલથી. વાત છેક જ સાધારણ હતી તોપણ વેંકટરામનને માટે અત્યંત અસાધારણ થઈ પડી. અરૂણાચલનું નામ સાંભળતાં જ એમનું અંતર આનંદથી આપ્લાવિત બની ગયું. એમને રોમાંચ થઈ આવ્યાં. એમનું અંગાંગ નાચી ઊઠયું. શરીરમાં ઝંકૃતિ પેદા થઈ. એમને લાગ્યું કે આ નામ ચિરપરિચિત છે. એના સંબંધી સાંભળ્યું છે તો આજે પણ એનું શ્રવણ મધુમય ને મંગલ લાગે છે. એના સુખમય સંસ્કારો સૂક્ષ્માતિસૂક્ષ્મ બનીને હૃદયમાં ચિરકાળથી સંઘરાયેલા હોય એવું અનુભવાય છે.

એમણે પેલા વૃદ્ધ પ્રવાસીને પૂછ્યું : ‘તમે અરૂણાચલની યાત્રા કરીને તો આવ્યા પરંતુ એ અરૂણાચલ છે ક્યાં ?’

‘તને એટલી ખબર નથી ?’ વૃદ્ધે સ્મિત કરતાં સામું પૂછ્યું.

‘ના. એટલે તો હું એની માહિતી માગું છું.’

વેંકટરામનની અજ્ઞતા દેખીને એ વૃદ્ધ પુરૂષને એના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ પેદા થઈ. એણે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : ‘તને ખબર નથી કે તિરૂવણ્ણામલૈ જ અરૂણાચલ છે ?’

વેંકટરામનને એ સાંભળીને શાંતિ થઈ. એમનું અંતર ભાવવિભોર ને ગદ્ ગદ બની ગયું. એમની જિજ્ઞાસાવૃત્તિ તૃપ્ત થઈ. એમના સુષુપ્ત પૂર્વસંસ્કારો સળવળી ઊઠયા. વૃદ્ધના શબ્દો એમને ખૂબ જ પ્રિય ને સુખદ લાગ્યા. એમને થયું કે જે માહિતી મેળવવાની આવશ્યકતા હતી તે જ માહિતી આવી મળી છે. એવું પણ લાગ્યું કે એ સ્થળવિશેષની સાથે પોતાનો જન્માંતરનો સંબંધ છે.

સાચું છે. કોઈક વાર અપરિચિત વ્યક્તિને વિલોકીને, કોઈક અજ્ઞાત સ્થાનને નિહાળીને, અંતરમાં એકાએક અદમ્ય આકર્ષણનો આરંભ થાય છે. કોઈક વાર અનુરાગ ઉત્પન્ન થાય છે તો કોઈ વાર ઉદાસીનતા. જ્ઞાનીઓ અથવા અનુભવીઓ એને જન્માંતર સંસ્કારની જાગૃતિ કહે છે અને એના કારણરૂપે જન્માંતર સંસ્કારને જ કહી બતાવે છે. વેંકટરામનને પણ પળવારને માટે તો લાગ્યું જ કે તિરૂવણ્ણામલૈ અને અરૂણાચલની સાથે પોતાનો પૂર્વ સંબંધ છે. એ સંબંધની વિસ્મૃતિ થઈ ગઈ છે એટલું જ. આ વયોવૃદ્ધ અનુભવપૂર્ણ પ્રવાસીએ એની સ્મૃતિ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. પોતાનો એ પૂર્વ સંબંધ કેવા પ્રકારનો અને કેટલા પ્રમાણનો છે એની સમજ એમને ના પડી; પરંતુ એ સંબંધ વિશે કોઈ પ્રકારની શંકા તો ના જ રહી.

એ પ્રસંગે એમના જીવનપ્રવાહને પલટાવવામાં ને પુષ્ટ કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કર્યો. એ દિવસથી એમને અવારનવાર અરૂણાચલનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. અંતર એની પ્રત્યે આકર્ષાવા માંડ્યું. પોતાનું ચિરકાળથી છૂટું પડેલું કોઈક સ્વજન પોતાને ફરી પાછું બોલાવી રહ્યું હોય એવો અસાધારણ અનુભવ એમને થવા લાગ્યો.

એ દિવસોમાં એમના હાથમાં પેરિય પુરાણમ્ પુસ્તક આવ્યું. પેરિય પુરાણ ભક્તિરસથી ભરેલો સુંદર ધર્મગ્રંથ છે. ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા તથા નાભાજીના સુપ્રસિદ્ધ ગ્રંથ ભક્તમાળની શ્રેણીના એ સરસ ધર્મગ્રંથમાં ભગવાન શંકરના અનન્ય ને આજન્મ ત્રેસઠ ઉપાસકોની જીવનકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દ્રાવિડ દેશમાં જન્મેલા એ એકનિષ્ઠ ઉપાસકો શંકરની પ્રેમભક્તિ દ્વારા જીવનને કૃતાર્થ કરી ગયા. શંકરની એકનિષ્ઠ આરાધનામાં ઓતપ્રોત થઈને એમના અસાધારણ અનુગ્રહરૂપે એમણે મંગલ, રસમય, પ્રેરક ભક્તિગીતોની રચના પણ કરેલી.

પ્રેમભક્તિની ભવ્ય જીવનકથાઓથી ભરેલા એ પેરિય પુરાણના પ્રસિદ્ધ પુસ્તકે બીજા અનેકની પેઠે એમને પણ પ્રેરણા પૂરી પાડી. એનું અધ્યન એમને માટે પ્રેમભક્તિના પવિત્ર પ્રવાહોને પ્રકટાવનારૂં થઈ પડ્યું. એને વાંચતાં એ તલ્લીન બની ગયા. એમના નેત્રોમાંથી આનંદનાં અશ્રુ વહેવા લાગ્યાં. એ શિવભક્તોનાં જીવન એમને ધન્ય લાગ્યાં. એમને થયું કે એમનાં જ જીવન સાચા અર્થમાં સફળ છે - એ પ્રાતઃસ્મરણીય કૃતકામ મહાપુરૂષોનાં, જેમના જીવનમાં ઈશ્વર વિના કોઈ પ્રેય, શ્રેય કે ઉપાસ્ય નહોતું,  જેમના હૃદય અને રોમ રોમની રસમય વીણા પર ઈશ્વરના રાગની જ રાગરાગિણીઓ વાગ્યા કરતી, જેમણે પોતાના તનમન પર વિજય મેળવીને આત્માનુસંધાન સાધીને ઈશ્વરના અખંડ અસાધારણ અનુગ્રહની ઉપલબ્ધિ કરેલી, એમનાં જ જીવન સાર્થક હતાં. એમને પગલે ચાલીને જીવનને ધન્ય કરવું જોઈએ. જીવનનો સાચો ને વધારે સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે ?

એ જ અરસામાં, એકાદ વરસ પછી, ઈ.સ. ૧૮૯૬ના ઑગસ્ટમાં એમને આગળ વર્ણવ્યા પ્રમાણે મૃત્યુનો અનુભવ થયો. એની પ્રતિક્રિયા એમની ઉપર ઘણી પ્રબળ પડી. જડ શરીરમાં વિરાજનારી, જડ શરીરથી અલગ, પોતાના મૂળભૂત સ્વરૂપ જેવી આત્મસત્તાની અપરોક્ષ અનુભૂતિ મૃત્યુના એ આકસ્મિક અનુભવ દરમિયાન થયા પછી એમને એ સત્તાનો ખ્યાલ નિરંતર રહેવા માંડ્યો. શરીરથી સ્વતંત્ર આત્મતત્વનું સ્ફુરણ એમને આપોઆપ અને અનાયાસે જ થવા લાગ્યું. એમના એકનિષ્ઠ પ્રિય શિષ્ય ગણપતિ મુનીંદ્રે એ સંબંધી ઉલ્લેખ કરતાં કહ્યું છે :

त्वं तु सत्पदरो वर्षे बाल्य एव महायशाः ।
लब्धवानसि विज्ञानं योगिनामपिदुर्लभम्  ॥

સત્તર વરસની નાની વયમાં યોગીઓને પણ દુર્લભ પરમજ્ઞાનની પ્રાપ્તિ રમણ મહર્ષિને થઈ !

સામાન્ય માનવોને એ જાણીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે; પરંતુ વિવેકી જનોને એથી જરાય આશ્ચર્ય નહિ થાય. શરીર સત્તર વરસનું પરંતુ આત્મા તો પુરાતન છે. એની ઉંમરનું અનુમાન કોણ કરી શકે તેમ છે ? એની સફર સંસારમાં ક્યારથી શરૂ થઈ હશે તેની કલ્પના કોણ કરી શકે ? વેંકટરામનનાં સંચિત સત્કર્મોનો પરિપાક જ એ પ્રજ્ઞાના રૂપમાં પ્રકટ થયો. એ સાચા અર્થમાં દ્વિજ બન્યા. એમને સમજ, સંસ્કાર અને સદ્ ભાવની દ્દષ્ટિએ નવો જન્મ મળ્યો. શરીરથી વિભિન્ન કર્મો કરાતાં હોવા છતાં એમનું મન એથી પર આત્મામાં ઓતપ્રોત રહેવા લાગ્યું. જીવનના આધ્યાત્મિક વિકાસના સૂર્યોદયની પહેલાંના ઉષઃકાલનો એવી રીતે આરંભ થયો. જે અવસ્થા મોટે ભાગે રમતગમતની અને અજ્ઞતાની હોય છે એ અવસ્થામાં એમને શાસ્ત્રવચનોના નિષ્કર્ષરૂપ આત્મપ્રકાશની પ્રાપ્તિ થઈ એથી અધિક ઉત્તમ સદ્ ભાગ્ય બીજું કયું હોઈ શકે ?

એવા અનેરા અનુભવથી એમના અંતરની વીણા વાગી ઊઠી. એમાંથી સુધાસભર સુમધુર સ્વરો છૂટવા લાગ્યા. એમના જીવનમાં નવો પ્રકાશ પથરાયો. જે વસ્તુથી પોતે અત્યાર સુધી અનભિજ્ઞ હતા એ આત્મવસ્તુને અનુભવીને એ આનંદવિભોર બની રહ્યા. આત્મતત્વમાં એમની તલ્લીનતા ને દૃઢતા દિનપ્રતિદિન વધવા લાગી. એના અનુસંધાનની આગળ એમને સંસારના બીજા બધા જ વિષયો સૂકા કે ફીકા લાગવા માંડ્યા. એ આત્મપ્રદેશમાં અધિક ને અધિક ડૂબવાની એમને આકાંક્ષા થઈ. એમનું મન બાહ્ય વ્યવહારોમાંથી આપોઆપ ઉપરામ થવા માંડ્યુ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.