if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વેંકટરામનના જીવનમાં પરિવર્તનનો જે નવો પ્રવાહ પેદા થયો એણે એમના જીવનને જુદું જ બનાવી દીધું. સગાંસંબંધી તથા મિત્રમંડળમાંથી એમનું મન ઉપરામ થવા લાગ્યું. રમતગમત બંધ થઈ.

અભ્યાસ પણ ઉત્તરોત્તર નીરસ લાગવા માંડ્યો. એમના સ્વભાવમાં પણ ફેરફાર થયો. એમને હવે કોઈની સાથે વાત કરવાનું પણ ના ગમતું. એમનો સ્વભાવ સરળ ને શાંત બની ગયો. કોઈ મિત્રો એમની મશ્કરી કરતા કે એમને એક અથવા બીજી રીતે પજવતા કે હેરાન કરતા તોપણ એ શાંત જ રહેતા. એમણે અધિકાઅધિક એકાંતસેવન કરવા માંડ્યું.

એ દિવસોમાં એમણે પરમાત્માને માટેના પરમપ્રેમથી પ્રેરાઈને નિયમિત રીતે મંદિરમાં જવાનું શરૂ કર્યું. દક્ષિણ ભારતનો પુણ્યપ્રદેશ પોતાના ઉત્તુંગ ગગનચુંબી શિખરોવાળાં શિલ્પકળાથી સુશોભિત મંદિરોને માટે જાણીતો છે. એ મંગલમય મંદિરના દર્શનથી કૃતાર્થ થવાની અભિલાષાથી પ્રેરાઈને દર વરસે હજારો લાખો ભાવિકો એ પ્રદેશની યાત્રા કરે છે. એ પ્રદેશમાં માનવમનને મોહિત કે મંત્રમુગ્ધ કરનારા જુદાં જુદાં મંદિરોમાં મીનાક્ષી મંદિર મહત્વનું સ્થાન ધરાવે છે. એની બરાબરી બીજું કોઈ મંદિર નથી કરી શકે તેમ. મીનાક્ષી દેવી પાંડ્યોના કુળમાં જન્મેલી. એણે સુંદરેશ્વર સાથે સ્નેહસંબંધ બાંધ્યો અને પોતાની અનુપમ એકનિષ્ઠ શ્રદ્ધાભક્તિના બળથી એમની પરમ પ્રસન્નતાની પ્રાપ્તિ કરી. પોતાના અસાધારણ ઉત્કટ અનુરાગના ફળરૂપે એ સુંદરેશ્વરની અર્ધાંગિની બની ગઈ. પાંડ્યોએ એને કુલદેવતાપદે સ્થાપીને એની સ્મૃતિમાં, એના અદ્ ભુત અનુગ્રહની અમર અંજલિરૂપે એક સુંદર મંદિર કરાવ્યું. અસંખ્ય પ્રવાસીઓના પ્રાણને પ્રેરણા પાતું એ અમૂલખ મંદિર ભારતનાં સર્વોત્તમ મનાતાં મંદિરોમાંનું એક બની રહ્યું. જેમણે એ મધુમય મંદિરની મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હશે એ એની અસાધારણતાથી અવશ્ય મંત્રમુગ્ધ થયા હશે, એ એની આહલાકદતાને આજે પણ નહિ ભૂલ્યા હોય. એનો સહસ્ત્ર સ્થંભવાળો મંડપ એમની આંખ આગળ રમતો હશે. એની અસંખ્ય કળાત્મક મૂર્તિઓ એમના મનમાં એવી જ મઢાઈ ગઈ હશે. જે પરમાત્મપ્રેમી નહિ હોય કિન્તુ કેવળ કળારસિક હશે એ પણ એના કળાદર્શનથી ડોલી ઊઠ્યા હશે. એમના કાળજાને પણ એણે પૂરેપૂરૂં કામણ કર્યું હશે.

ભક્તો એ સુંદર, આધ્યાત્મિક વાયુમંડળથી વીંટળાયેલા મંગલ મંદિરમાં પ્રવેશીને પ્રેમયુક્ત ને ભાવવિભોર બની જાય છે. દુન્યવી ચિંતાઓમાંથી મુક્તિ મેળવીને એ ત્યાંના પરમપ્રસન્ન વાતાવરણનો લાભ લે છે. કોઈ સંકીર્તન કરે છે, નામ જપે છે, કે ધ્યાનમાર્ગનો આધાર લઈને અંતરમાં અવગાહન કરે છે. કેટલાય પ્રવાસીઓ ત્યાંના પવિત્ર પરમાણુથી પ્રભાવિત થઈ ને નવા વધારે સારા જીવનને જીવવાનો સંકલ્પ કરે છે ને આદર્શ જીવનવ્યવહારની યોજના ઘડે છે. મંદિરમાં જ્યારે પૂજા અને આરતી થાય છે ત્યારે હજારો હૈયાં હસી, હાલી ને નાચી ઊઠે છે. એ એમના આરાધ્યદેવની પ્રશસ્તિ તેમ જ પ્રાર્થના કરે છે. મીનાક્ષી દેવીનું એ મંગલ મંદિર એવી રીતે માનવ મનને મધુમય ને મંગલ કરે છે ને જીવનોપયોગી પ્રેરણાથી ભરે છે ! કેટલું સુંદર જીવનપ્રેરક મંદિર !

વેંકટરામને એ સુંદર મધુમય મંદિરની નિયમિત રીતે મુલાકાત લેવા માંડી. એ અનુપમ સૌન્દર્યસભર સજીવ મંદિરે એમના અંતરનું ઊંડું આકર્ષણ કર્યું. ત્યાંથી એમને પ્રેરણા મળવા માંડી. એમનો પ્રાણ પ્રજ્ઞાના પાવન પ્રકાશથી પુલક્તિ થવા લાગ્યો.

મીનાક્ષી મંદિર એમનું પરમ પ્રેરણાસ્થાન થઈ પડ્યું. ત્યાંના સરસ શાંત વિશાળ મંડપમાં બેસીને એ ભક્તિભાવયુક્ત હૃદયે ઈશ્વરને અંતરના અંતરતમમાંથી પ્રાર્થના કરતાં કહેતા કે પ્રભુ, મારા પર કૃપા કરો ને મને તમારી વિશુદ્ધ ભક્તિનું દાન દો. હું તમારાં શ્રીચરણોમાં મસ્તક નમાવીને એ જ ભિક્ષાની યાચના કરૂં છું. તમારા અનુગ્રહ પ્રાપ્ત અનેક શરણાગતોની શ્રેણીમાં મને પણ સ્થાન આપો. નાયનારોના જીવનમાં પ્રકટેલા ભક્તિપ્રવાહ જેવો જ ઉત્તમ આદર્શ ભક્તિપ્રવાહ મારા જીવનમાં પ્રકટ હો !

એવી પ્રાર્થના કરતી વખતે એમના હૃદયના સમસ્ત તાર રણકી ઊઠતા. એમનું રોમેરોમ રાગે રંગાઈ જતું. એ પ્રાર્થના મુખમાંથી નહોતી નીકળતી પણ પ્રાણમાંથી પ્રકટતી. એનું ઉદ્ ભવસ્થાન આત્મા હોવાથી એ અતિશય અસરકારક થઈ પડતી. એ વખતે એમની આંખમાંથી અશ્રુ ટપકતાં, એમને રોમાંચ થતાં ને હૃદય રાગમય બની જતું. પ્રાર્થના જ્યારે કોઈ પરિપાટીનું પાલન કરવા માટે નહિ પરંતુ જીવનની એક અનિવાર્ય આવશ્યકતારૂપે થતી હોય છે ત્યારે અત્યંત આનંદદાયક, પ્રેરક ને શ્રેયસ્કર થઈ પડે છે. એમની પ્રાર્થનાના સંબંધમાં પણ એવું જ બન્યું. એ એક પ્રકારની આત્મિક સાધના અથવા આરાધના બની ગઈ. એમને એનાથી અનંત આનંદ મળવા માંડ્યો. એમના આતુર અંતરને ખૂબ ખૂબ રાહત મળી. એ એમના આત્મનિવેદનનું એક અસરકારક અમોઘ સાધન થયું.

આધ્યાત્મિક પ્રગતિપંથના પ્રવાસીઓના જીવનનું નિરીક્ષણ કરતાં જણાય છે કે એમણે આરંભના અને પાછળના સમગ્ર સમયમાં પોતાની પ્રગતિને માટે પરમાત્માની પ્રાર્થનાનો આધાર લીધેલો. પ્રાર્થના એમની સહચરી બનેલી અને એમના અંધકારાવૃત્ત જીવનપથને પ્રકાશિત કરનારી થયેલી. વેંકટરામનનું પ્રારંભિક જીવન પણ એ સનાતન સત્યની સાક્ષી પૂરે છે.

એ સમયની એમની આંતરઅવસ્થાના સંબંધમાં એમના જ ઉદ્દગારોને ધ્યાનપૂર્વક શ્રવણ કરીએ તો ઘણું જાણવાનું મળે છે. આ રહ્યા એમના એ વખતની મનોદશાનો પરિચય આપતા ઉદ્દગાર :

 ‘એ વખતની મારી દશા કેવી હતી ? તેનું થોડુંક સ્પષ્ટીકરણ કરી લઉં. બૌદ્ધાની પેઠે હું દુઃખવાદમાં વિશ્વાસ નહોતો રાખતો. હું દુઃખી કે દુઃખવાદી ન હતો. એ વખતે મને સંસારનો અનુભવ જ ન હતો અથવા હતો તો ઘણો ઓછો અથવા અપરિપકવ હતો. એટલે દુનિયા દુઃખમય છે એવો અનુભવ મને ક્યાંથી થઈ શકે ? મને બંધનનું જ્ઞાન નહિ હોવાથી હું મોક્ષાર્થી હતો ને મોક્ષને  માટે ઉપાસના કરતો એવું પણ ના કહી શકું. મોક્ષને માટે કે બંધનની નિવૃત્તિને માટે પ્રાર્થવાનું મારા સ્વભાવમાં જ ન હતું. જન્મમરણના ચક્રમાંથી છૂટવાની આકાંક્ષાનો ઉદય મારા મનમાં હજુ નહોતો થયો. એ વખતે મારું ધર્મગ્રંથોનું જ્ઞાન પણ ઘણું મર્યાદિત હતું. બાઈબલ, પેરિય પુરાણ અને કેટલાંક ભક્તિ ગીતોને બાદ કરતાં ધાર્મિક સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં મેં ચંચુપાત પણ નહોતો કર્યો. બીજા કોઈ ધર્મગ્રંથના નામની પણ મને ખબર ન હતી તો પછી એમાં સમાયેલા જ્ઞાનપ્રકાશના સંબંધમાં તો પૂછવું જ શું ? મને જે ધર્મપુસ્તકોના પરિચયમાં આવવાનું સૌભાગ્ય સાંપડેલું તેમાં સગુણ ઈશ્વરનું પ્રતિપાદન તથા સ્તવન આવતું. નિર્ગુણ બ્રહ્મના સંબંધમાં તેમાં પ્રર્યાપ્ત  પ્રકાશ નહોતો દેખાતો. મારી એ નાની ઉંમરમાં, અપરિપકવ અવસ્થામાં મને આત્માનુભૂતિના વિજ્ઞાનની ને સ્વરૂપની માહિતી ન હતી. તેના જુદા જુદા પ્રકારોથી પણ હું અજ્ઞાત હતો. એ દિવસો દરમિયાન મારા અંતરમાં એક પ્રકારની અનિર્વચનીય, અવર્ણનીય, અગાધ વેદના જરૂર પેદા થતી; પરંતુ એ કયા કારણે ને કયા વિશેષ પ્રયોજનથી પ્રેરાઈને પેદા થતી તેનો નિર્ણય નહોતો કરી શકતો. એ નિર્ણય કરવાની સમજ, સૂઝ કે શક્તિનો મારામાં અભાવ હતો. હા, એક વાત નિર્વિવાદ છે કે ધ્યાનમાં બેસીને આંખ મીંચતાંવેંત જ હું સર્વ પ્રકારના સંતાપથી મુક્ત થઈ જતો. મને અભૂતપૂર્વ શાંતિ મળતી. પરંતુ બીજા જાગૃતિદશાના સમય દરમિયાન મારું મન એક પ્રકારની અતૃપ્તિ અથવા એક જાતના સંતાપનો અનુભવ કર્યા કરતું. એનું સાંગોપાંગ સંપૂર્ણ વર્ણન નથી કરી શકાય તેમ. એ વાણીનો નહિ, સ્વાનુભવનો જ વિષય લાગે છે.’ 

 ‘આજે પણ મને નથી સમજાતું કે એ વખતે મારા પ્રાણમાં પ્રેમનાં એવાં પાર વિનાનાં પ્રખર પરમાણુઓ કેમ પ્રકટેલાં. એનાં સ્પંદનો એટલા બધાં શક્તિશાળી કેમ હતાં એનો ઉત્તર મારાથી નથી આપી શકાતો. અને એનો ઉત્તર આપવાની આવશ્યકતા પણ કયાં છે ? એ વખત પાણીના પળે પળે આગળ ગતિ કરતા પુનિત પ્રવાહની પેઠે હવે વહી ગયો છે. છતાં પણ એટલું સાચું કે એ સમયનું મહત્વ ઘણું મોટું હતું અને એ અત્યંત મૂલ્યવાન હતો. એની અસર મારા સમસ્ત જીવન પર અને ખૂબ જ શકવર્તી પડી. એ દિવસોનું સ્મરણ કરીને આજે પણ મારું અંતર અવનવા ગૂઢ ભાવનો અનુભવ કરે છે. એ અનુભૂતિ કેટલી બધી અદ્ ભુત, અનેરી અને આશીર્વાદરૂપ છે ? મીનાક્ષી મંદિરમાં પ્રવેશ કરતો ત્યારે મીનાક્ષી, સુંદરેશ્વર અને ઈશ્વરના અપાર અનુરાગથી આપ્લાવિત અંતરોવાળા નાયનાર ભક્તોની મધુમય મૂર્તિઓનું દર્શન કરતાં મારા પ્રાણમાં પ્રેમનો પ્રવાહ ફૂટી નીકળતો, રોમેરોમમાં રસના ફુવારા ફૂટતાં, આંખમાં અલૌકિક આનંદ અંજાતો ને હૃદય અવનવો ઉત્સવ કરતું હોય તેમ ઊછળવા માંડતું. અંતરમાં પ્રકટેલા ભાવસમુદ્રના પ્રશાંત તરંગો સ્નેહનું સુમધુર સંવાદી સંગીત છોડતાં વિહરવા લાગતાં.’

 ‘એ અવસ્થાને ગમે તે નામે ઓળખવામાં આવે પણ એ અવસ્થા પરમપવિત્ર પ્રેમની હતી એ નિર્વિવાદ છે. મારું પ્રેમપરિપ્લાવિત હૃદય મીનાક્ષી દેવી સાથે વાતો કરવા માંડતું. એ વાતો પ્રેમોદ્રેકની અથવા ભાવદશાની હતી. મારું અંતર ઈશ્વરના એ સાધારણ અનુરાગથી અલંકૃત બનીને એમનું સ્તવન કરતું ને ઊંડા સુખમાં ડૂબી જતું. એ વખતની મારી દશા ખરેખર અદ્દભુત હતી. એ વખતના દિવસો ઝડપથી પસાર થઈ જતા ને ખૂબ જ મીઠા લાગતા. પરમાત્માના પ્રામાણિક પ્રેમીઓની દશા એવીજ હોય છે એવું અનુમાન હું સહેજે કરી શકતો.’

એ ઉદ્ ગારો એમની કિશોરાવસ્થાના સૂચક છે. એમના જાગૃતિ દશાના મનોભાવોનો એથી પરિચય મળે છે. એ વખતે પણ સહેજ એકાંત મળતાં એ આસન પર બેસી જતા ને ધ્યાનમાં આજુબાજુના વાતાવરણનું ને દેહનું ભાન ભૂલીને લીન બનતા. એમની આત્મભાવના સદા જાગૃત રહેતી. એ ઉત્તમ ભાવનામાં એ પોતાના પ્રાણને પરોવી દેતા. એમની વૃત્તિઓ ગૂંથાઈને એક થતી કે સંવાદ સાધતી. એમને માટે એ આત્મભાવના જ સર્વ કાંઈ હતી. એમાં જોડાયલું એમનું મન એકાગ્રતાની અનુભૂતિ દ્વારા બાહ્યવ્યાપારશૂન્ય બની જતું. એ સ્થિતિની અનુભૂતિ પૂર્વના કોઈક અદૃષ્ટ અસાધારણ સાધના સંસ્કારોને લીધે એમને સહજ લાગતી. જે સ્થિતિની પ્રાપ્તિ એકાંતવાસી, અપરિગ્રહી, સંયમી, સાધનાપરાયણ યોગીઓને દીર્ઘકાળની ઉત્સાહયુક્ત તપશ્ચર્યા પછી જ થાય તે સ્થિતિ એમને સારૂ કિશોરાવસ્થામાં જ સ્વાભાવિક બની એ ઓછું આશ્ચર્યકારક ન હતું. પરંતુ એવા તો અસંખ્ય આશ્ચર્યો આ અવનીમાં બનતાં હશે. તે સૌના તરફ માનવનું ધ્યાન જાય છે એવું થોડું છે ? કદીક જાય છે તોપણ, એમના કાર્યકારણભાવને ના સમજવાથી માનવ એમને ગદ્દગદ્દ ભાવે મંત્રમુગ્ધ થઈને નિહાળી રહે છે. એવા જ્ઞાનની અપેક્ષા પણ એની પાસેથી શી રીતે રાખી શકાય ?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.