if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ દિવસોમાં એમના જીવનમાં એક નાનકડી ઘટના બની. એ એમના જીવનપ્રવાહને પલટાવવામાં મદદરૂપ થઈ પડી.

એ ઉલ્લેખનીય દિવસ ઈ.સ. ૧૮૯૬ના ઑગસ્ટની ૨૯મી તારીખ ને શનિવારનો હતો.

એ દિવસ એમને માટે યાદગાર બની ગયો. એમનું અંગ્રેજી વ્યાકરણ કાચું નીકળવાથી સ્કૂલના શિક્ષકે એ વ્યાકરણનો એક પાઠ ત્રણ વાર લખી લાવવાની એમને આજ્ઞા કરી. એને અનુસરીને, ઘેર આવીને એમણે પાઠ લખવાનો પ્રારંભ કર્યો. બે વાર એ પાઠ લખ્યો પણ ખરો. ત્યાં તો એમના મનમાં પ્રશ્ન પેદા થયો કે મારે આવી રીતે અંગ્રેજી વ્યાકરણનો પાઠ શા માટે લખવો જોઈએ ? હું કોઈ વિવેકરહિત જડ યંત્ર છું કે કોઈપણ પ્રકારના પ્રયોજન, પ્રેમ કે રસ વગર આવું કર્મ કરતો રહું ?

એમની કલમ બંધ પડી. અંગ્રેજી વ્યાકરણનું પુસ્તક હાથમાંથી સરકીને નીચે પડી ગયું.

લેખનકાર્ય એકાએક અટકી પડ્યું અને એને બદલે વેંકટરામને આસન વાળીને ધ્યાન કરવા માંડ્યું.

એમના મોટા ભાઈ નાગસ્વામી થોડેક દૂર બેસીને એ બધું જોઈ રહેલા.

એમનાથી બોલ્યા વિના ના રહી શકાયું :

 ‘આવા છોકરાને વળી અભ્યાસ સાથે શું લાગેવળગે ? એણે વળી અભ્યાસ કરવો જ શા માટે જોઈએ ?’

કોના અંતરને કયા શબ્દો અસર કરશે તે કેમ કહી શકાય ?

કોના જીવન-પરિવર્તનમાં કઈ ઘટના ભાગ ભજવશે એ કોનાથી નિશ્ચિત કરી શકાય ? ઘ્રુવના જીવનપ્રવાહમાં એની વિમાતા સુરૂચિના શબ્દોએ પરિવર્તન કર્યું : તુલસીદાસના જીવનમાં રત્નાવલીના શબ્દોએ : રત્નાકરના જીવનમાં દેવર્ષિ નારદના થોડાક શબ્દોએ ક્રાંતિ કરી : સમર્થ રામદાસના જીવનપ્રવાહને સાવધાન શબ્દે પલટાવી દીધો. શબ્દની શક્તિ એવી અદ્દભૂત, અસાધારણ, અનંત છે ! વેંકટરામનને પણ એ શક્તિનો અનુભવ થયો. એ શક્તિ એમને માટે મારક નહિ, તારક થઈ પડી. મોટાભાઈના કઠોર ને કટુ શબ્દો એમના હૃદયસોંસરા ઊતરી ગયા. એ શબ્દોએ એમના કુસુમકોમળ કાળજાને કોરી નાખ્યું. એવાં વ્યંગાત્મક વચનો એમણે એ પહેલાં કેટલીય વાર સાંભળેલાં; પરંતુ એ વચનોએ જુદી જ અસર પહોંચાડી. એમને થયું કે મોટા ભાઈની વાત બરાબર છે. અભ્યાસ તરફ મારું જરાપણ ધ્યાન નથી. મને સ્કૂલના અભ્યાસમાં રસ જ નથી પડતો. ઘર તથા કુટુંબના સ્નેહસંબંધો પણ સહેજ પણ નથી આકર્ષી શકતા. તો પછી અહીં રહેવાનો ને આ જાતનું જીવન જીવવાનો શો અર્થ છે ? મારે માટે ઘરત્યાગ કરીને કોઈક સુંદર શાંત એકાંત સ્થળમાં જઈને રહેવાનું ને સાધનાપરાયણ જીવન જીવવાનું જ શેષ રહે છે. એ જ મારે માટે શ્રેયસ્કર થશે.

એમના જીવનની પેલી મૃત્યુ જેવી અવસ્થાની અનુભૂતિ એમને ફરી થવા માંડી. ભગવાન અરૂણાચલની મધુમય મૂર્તિ એમની મનની આંખ આગળ ઊભી રહીને એમના અંતરને આકર્ષવા લાગી. એમણે અરૂણાચલનું શરણ લેવાનો સંકલ્પ કર્યો. એ દિવસની ઘટના એવી રીતે એમના જીવનની મહાપરિવર્તનકારી ઘટના બની રહી.

ધ્યાનમાંથી ઊઠીને એમણે પોતાના મોટાભાઈને જણાવ્યું :

 ‘હું સ્કૂલમાં જવાની તૈયારી કરૂં છું.’

 ‘આજે સ્કૂલમાં જવું છે ?’ ભાઈએ પુછ્યું : ‘કે પછી યોગસાધના કરવી છે ?’

 ‘યોગસાધના નથી કરવી, સ્કૂલમાં જવું છે.’

 ‘તારૂં મન તો યોગસાધના તરફ લાગેલું છે, અભ્યાસમાં કે સ્કૂલમાં નથી લાગ્યું.’

 ‘તો પણ મારે સ્કૂલમાં જવું પડશે. આજે બાર વાગે એક સ્પેશિયલ કલાસ છે.?’

 ‘તો પછી મારું એક કામ કરજે. નીચે પેટીમાં પાંચ રૂપિયા છે. તે લઈને મારી ફી ભરી દેજે. તારી સ્કૂલની બાજુમાં જ મારી કૉલેજ હોવાથી તને કશી મુશ્કેલી નહિ પડે.’

વેંકટરામનના મનમાં પેદા થયેલા વિચાર પ્રવાહોની તેમને ખબર ના પડી. એમણે વેંકટરામનના શબ્દોને સાચા માની લીધા. વેંકટરામને લીધેલા ગૃહત્યાગના નિર્ણયની એ કલ્પના પણ ના કરી શક્યા. વેંકટરામને વિચાર્યું કે ઈશ્વર સાચેસાચ અનુકૂળ છે ને મારી ઉપર પોતાના અનુગ્રહની વર્ષા વરસાવી રહ્યા છે. મારે કોઈ દુન્યવી સ્કૂલમાં નહિ પરંતુ ઈશ્વરની સ્કૂલમાં જવાનું છે. ઈશ્વરે મારે માટે એક સ્પેશિયલ ક્લાસનું આયોજન કર્યું લાગે છે, ને મારે એની ઈચ્છા કે યોજનાનુસાર જીવનનું ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક શિક્ષણ મેળવવા માટે આગળ વધવાનું છે.

નીચે ઉતરીને એમણે ભોજન કર્યું ને પછી વડીલબંધુની સૂચનાનુસાર પાંચ રૂપિયા લઈ લીધા.

એ વખતે એમની નજર એક પુરાતન નક્શાપોથી પર પડી. એ દિવસોમાં તિરુવણ્ણામલૈ પહોંચવા માટે મદુરાથી ટ્રેનમાં વિલુપુરમ્ જવું પડતું. ત્યાંથી બીજી નાની ટ્રેનમાં આગળ વધવું પડતું. વિલુપુરમ્ કાટપાડી જતી એ લાઈનનું નિર્માણ લાંબા વખતથી કરવામાં આવેલું હોવા છતાં જુની નક્શાપોથીમાં એનો નિર્દેશ નહોતો કરવામાં આવ્યો. એમાં જોવાથી એવું લાગતું કે અરૂણાચલ મદ્રાસ તથા વિલુપુરમની વચ્ચેના તિંડીવનની પાસે છે. એ રીતે જોતાં ત્યાં પહોંચવાના માર્ગવ્યયના ત્રણ રૂપિયા પૂરતા થઈ પડે તેમ હોવાથી, એમણે વધારાના બે રૂપિયા પેટીમાં પાછા મૂકી દીધા. એ ઉપરાંત એમણે એક ચિઠ્ઠી લખીને એની સાથે જ મૂકી દીધી. અને એવી રીતે એ બધી પ્રારંભિક તૈયારી કરીને એ બહાર નીકળ્યા.

એમણે ઘર પર છેલ્લી નજર નાખી લીધી. એ વખતે એમના અંતરમાં અજબ પ્રકારનું, અસાધારણ, સંવેદન જાગી ઊઠ્યું. જીવનની એ એક વિરલ ક્ષણ હતી––એક અતિઅગત્યની વિરલ ક્ષણ. સંસારના આધ્યાત્મિક ઈતિહાસમાં એવી ક્ષણો મોટા મોટા સાધકો ને મહાપુરૂષોના જીવનમાં આવી છે. બુદ્ધ, ને મહાવીર, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થ રામદાસ, તુલસીદાસ ને દયાનંદ, તથા મીરાંના જીવનપ્રવાહો એની સાક્ષી પૂરે છે. એ પળોના પરિણામરૂપે જગતને મહાન સિદ્ધિપ્રાપ્ત, પ્રાતઃસ્મરણીય, પ્રકાશદાયક, મહાત્મા પુરૂષોની પ્રાપ્તિ થઈ છે. વેંકટરામનના જીવનમાં પણ એ ઈતિહાસ પરંપરાનું––એ અસાધારણ ઐતિહાસિક ક્રમનું પુનરાવર્તન થઈ રહ્યું. એ વખતે એમનું હૈયું હાલી ઊઠ્યું. એમને થયું કે હું એક મંગલમય મહાયાત્રાનો આરંભ કરી રહ્યો છું. એ યાત્રાની સફળતા મને જરૂર સાંપડશે. મારું જીવન એને માટે જ નિર્મિત થયું હોય એવું મને લાગ્યા કરે છે. એ લાગણી સહેતુક છે, અને એ હેતુની સિદ્ધિને માટે હું ક્રમશઃ આગળ વધી રહ્યો છું.

ચિઠ્ઠીમાં એમણે એમની લાક્ષણિક શૈલીમાં, સરળ સચોટ સંક્ષિપ્ત સારગર્ભિત શબ્દોમાં લખેલું :

 ‘હું મારા પિતાની શોધમાં એમની આજ્ઞાનુસાર અહીંથી પ્રયાણ કરું છું. આ એક સત્કાર્યને માટે નીકળી રહ્યો છે માટે એને માટે કોઈ ચિંતા ના કરે. એને શોધવા માટે લેશ પણ ખર્ચ ના કરે.

સૂચના: તમારી ફી નથી ભરી શક્યો. બે રૂપિયા આની સાથે જ મૂકેલા છે. તમારો...’

આ પત્ર મહત્વનો છે. રમણ મહર્ષિના (તે વખતના વેંકટરામનના) જીવનનો એ એક વિશેષ નોંધપાત્ર, ઐતિહાસિક, એમના વિકાસક્રમના અધ્યયન માટેના મહામૂલ્યવાન દસ્તાવેજી પુરાવારૂપ પત્ર કહી શકાય. પત્ર આમ તો સાવ ટૂંકો ને સાધારણ છે તો પણ અસાધારણતાની અસરથી એકદમ અલિપ્ત નથી જ. પત્રની પ્રથમ પંક્તિમાં એમણે પોતાના ત્યાગનો એના હેતુ સાથે નિર્દેશ કર્યો છે. પોતાને બાહ્ય ત્યાગનો આશ્રય લેવો પડ્યો છે તે ત્યાગ કેવળ ત્યાગને ખાતર નથી કરાયો પરંતુ પરમપિતા પરમાત્માના સાક્ષાત્કાર સારુ થયેલો છે એનું એમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ‘પિતા’ શબ્દનો પ્રયોગ એમના એ વખતના બાઈબલ પાઠના સ્વાભાવિક પરિણામરૂપ હોય એવું લાગે છે. પ્રથમ પંક્તિમાં એ ‘હું’ શબ્દપ્રયોગ કરીને બીજી પંક્તિમાં દ્રષ્ટાભાવમાં પ્રતિષ્ઠિત થઈને લખતા હોય તેમ, પોતાના વ્યક્તિત્વથી અલિપ્ત રહીને ‘આ એક સત્યકાર્યને માટે નીકળી રહ્યો છે’ એવું લખે છે : અને એ પંક્તિમાં પોતાના વિયોગને લીધે થનારા દુઃખને હળવું કરવા માટે આશ્વાસન પણ પૂરૂં પાડે છે ને એમાં ગર્ભિત સૂચન કરે છે કે એ પ્રયાણ ઉત્તમોત્તમ પ્રયોજનથી પ્રેરાયેલું હોઈને શોક કરવાયોગ્ય નથી, પરંતુ પ્રસન્નતાપ્રદાયક, પ્રશસ્ય અથવા અભિનંદનીય છે. છેલ્લી ત્રીજી પંક્તિમાં એમના દૃઢ નિશ્ચય ને મક્કમ મનોબળનો પડઘો પડે છે. ત્યાગનો એમનો સંકલ્પ અતિશય મજબૂત છે અને કોઈ કારણે ચળે તેમ નથી, માટે એમાંથી ચળાવવાનો પ્રયત્ન કોઈએ ભૂલેચૂકે પણ ના કરવો એવો સ્પષ્ટ સંકેત એમાંથી મળી રહે છે. રમણ મહર્ષિનાં લખાણોમાં એ પત્રનું સ્થાન એટલા માટે જ અજોડ છે. પોતે પોતાના મોટા ભાઈના આદેશાનુસાર ફી નથી ભરી ને આવશ્યકતાથી વધારે પૈસા પેટીમાં જ રહેવા દીધા છે એ વિષે પણ કોઈને અંધારામાં નથી રહેવા દેતા. પત્રની પરિસમાપ્તિમાં એ પોતાની સહી નથી કરી શક્યા. જે આત્મસત્તાને એ અનુભવતા’તા એની અભિવ્યક્તિ શબ્દોમાં કેવી રીતે કરી શકે ? એ તત્વ તો મન, બુદ્ધિ ને વાણીથી અતીત, કેવળ અનુભવગમ્ય છે.

        * * *          * * *          * * *          * * *

વેંકટરામન ઘર છોડીને પરમ પિતાની શોધમાં ચાલી નીકળ્યા.

ગૃહત્યાગ કરીને અરૂણાચલની દિશામાં ચાલતી વખતે એમના ઉરમાં કેવા અલૌકિક આનંદમય ભાવો ઉછળવા લાગ્યા ? પીંજરામાં પડેલા પંખીને બંધનમુક્ત બનીને બહાર ઊડવાનો અવસર મળે અને એ જેટલું આનંદમગ્ન બની જાય, એથી અધિક આનંદમગ્ન બનીને એ આગળ ને આગળ ચાલવા માંડ્યા. એમનું હૃદય ને રોમેરોમ રસમય બની ગયું. હવે એમનો શાંત જીવનપ્રવાહ જુદે જ માર્ગે ચાલવા લાગ્યો. એમની એ વખતની આંતર અવસ્થા સંત શિરોમણિ કબીરના પેલા અમર ઉદ્દગારોની સ્મૃતિ કરાવનારી છે :

મન લાગો મેરો યાર ફકીરી મેં.
જો સુખ પાયો રામભજન મેં
સો સુખ નાહિ અમીરીમેં ... મન લાગો મેરો..

વેંકટરામનને હજુ સુદીર્ઘકાળની અનવરત પરમોત્સાહપૂર્વકની કઠોર સાધનાને પરિણામે સાહિબ અથવા પરમાત્માનો સુખદ સાક્ષાત્કાર કરવાને વાર હતી : એમના હાથમાં કમંડલ ન હતું ને બગલમાં લાકડી કે દંડ રાખીને પણ એ નહોતા નીકળ્યા, તોપણ એમના બીજા મનોભાવો કબીરના મનોભાવોને મળતા જ હતાં. એમાં અવગાહન કરતાં વેંકટરામન સત્યની શોધ માટે સર્વનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. એને એમના જીવનનું આધ્યાત્મિક મહાભિનિષ્ક્રમણ કહી શકાય.

દુનિયામાં કદાચ એક ભારત વર્ષ જ એવો દેશ છે જ્યાં સાધનાને માટે સર્વસ્વનું સમર્પણ કરનારા કે ફકીરી લેનારા માણસો આટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે. વેંકટરામન પણ એવી રીતે સર્વસંગ પરિત્યાગી થઈને ફકીરી લઈને ચાલી નીકળ્યા. એ ક્ષણ એમના જીવનની પાવન ને ધન્ય ક્ષણ બની ગઈ. ભવિષ્યમાં કઠોર એકનિષ્ઠ સાધનાનો આશ્રય લઈને વૈદિક ઋષિઓના પરંપરાગત અક્ષય વિપુલ વારસાને એમણે શોભાવવાનો હતો. પોતાની સતત સાધના દ્વારા આત્મવિકાસના સુમેરૂ શિખર પર આસીન થઈને દેશના દીર્ઘકાળથી વિસ્મૃતિ પામેલા ને ગૌણ બનેલા દક્ષિણ પ્રદેશના માહાત્મ્યમાં અભિવૃદ્ધિ કરીને એની તરફ સમસ્ત દેશનું ને વિદેશોનું ધ્યાન આકૃષ્ટ કે કેન્દ્રિત કરીને ભારતની સાંસ્કૃતિક શાનને વધારવાની હતી, અનેક અધ્યાત્મપરાયણ જીવોની અંતરંગ અભીપ્સાઓને પોષવાની હતી. એ વિરાટ લોકોપયોગી કર્તવ્યયજ્ઞની અત્યારે એમને કલ્પના પણ ન હતી. અત્યારે તો એ ત્યાગના પરમપાવન પથના પ્રાથમિક પંથે થઈને આગળ વધ્યા.

આત્મોન્નતિના સર્વોચ્ચ શિખર પર પહોંચવા માટે સૌને માટે એવો બાહ્ય ત્યાગ કરવાનું આવશ્યક છે ? સર્વસંગ પરિત્યાગ કરીને પરિવ્રાજક બન્યા સિવાય સનાતન સત્યનો સાક્ષાત્કાર થઈ જ ના શકે એ શું સાચું છે ? બાહ્ય ત્યાગનું સ્થાન જીવનમાં સત્યના સઘળા સંશોધકો કે સાધકોને માટે અનિવાર્ય છે ? એના વિના આગેકૂચ કરાય જ નહિ એ યથાર્થ છે ? ના. જીવનના આત્મિક વિકાસ કે અભ્યુત્થાનને માટે સર્વસંગ પરિત્યાગ અથવા બાહ્ય ત્યાગ એક અનિવાર્ય આવશ્યક્તા નથી. સૌ કોઈને એની આવશ્યક્તા છે એવું નથી. જીવનમાં એક તબક્કો એવો આવી શકે જ્યારે સાધનાપ્રિય સાધકને સાધનાવિષયક સાનુકૂળતા સારૂ એનું આલંબન લેવું પડે; એવા સાધકો એનો આધાર લઈ શકે છે. પરંતુ સાથે સાથે એ પણ એટલુ જ સાચું છે કે પૂર્ણતાના મોટા ભાગના પ્રવાસીઓ સાંસારિક કર્તવ્યોને તિલાંજલિ આપી શકે તેમ ના હોવાથી, ને તેવી તિલાંજલિ એકંદરે ઈચ્છનીય અને અભિનંદનીય પણ ના હોવાથી, સાંસારિક કર્મો, સંજોગો તેમ જ વાતાવરણની વચ્ચે વસીને જ આગળ વધી શકશે. એવી રીતે આગળ વધવાનું કામ કઠિન લાગે, પરંતુ અશક્ય નથી. બાહ્ય ત્યાગને સસ્તો બનાવી દેવાથી ત્યાગીઓના સત્વમાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે એ વાસ્તવિકતા પ્રત્યે આંખ મીંચામણાં નથી કરી શકાય તેમ. બાહ્ય ત્યાગ ફેશન, શોખ, રૂઢિ કે પરંપરા બનવાને બદલે સાધનાત્મક જીવનની એક સહજ અનિવાર્ય આવશ્યકતા થાય તો જ શોભે, શોભાવે, ફળપ્રદાન કરી શકે. બાકી માણસ જ્યાં છે ત્યાં રહીને પણ વૃત્તિ, દૃષ્ટિ ને પ્રવૃત્તિને પરિવર્તિત કરીને આગળ વધી શકે છે. બહુજન સમાજે એ રીતે જ આગળ વધવું રહેશે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.