if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એમના અંગેઅંગમાં મહોત્સવ થવા માંડ્યો.

ઘરમાંથી એક અથવા બીજા નિમિત્તે બહાર કાઢીને પોતાનો અમૃતમય અદ્ ભૂત આશ્રય આપવા માટે એમણે ઈશ્વરનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.

એમનું હૃદય ગદ્ ગદ બની ગયું.

લોચનમાં હાસ્યનૃત્ય કરતાં આનંદાશ્રુ ઊમટી પડ્યાં.

કર્મોનો અજ્ઞાત રહસ્યમય પરિપાક એમને અવનવા માર્ગે દોરી રહ્યો.

ઉતાવળા પગલે આગળ વધતા એ આખરે ટ્રેન પકડવાની ઇચ્છાથી પ્રેરાઈને સ્ટેશને આવી પહોંચ્યા

ત્યારે ફરી વાર ખબર પડી કે ભાગ્ય એમને અનુકૂળ છે. ટ્રેન જો નિશ્ચિત સમયે આવી પહોંચી હોત તો પોતે એ નિર્ધારિત સમય કરતાં મોડા પડ્યા હોવાથી એમને એ ના મળત, પરંતુ એ દિવસે ટ્રેન મોડી હતી. ઈશ્વરે એમને એ દિવસે એમના ગંતવ્યસ્થાન તરફ લઈ જવા ધારેલું. એટલે એકાદ માઈલનું અંતર પગપાળા કાપ્યા પછી પણ એકાદ કલાક પછીથી એમને ટ્રેન મળી શકી. એમના અંતરમાં આખા રસ્તે એક જ ધ્વનિ ઊઠી રહેલો : અરૂણાચલ અથવા તિરુવણ્ણામલૈ. એ શબ્દોએ એમની ઉપર પ્રભુત્વ જમાવેલું, જાદુ કરેલું, અથવા એમને કામણ કરેલું. એમનું સમગ્ર ધ્યાન એની ઉપર કેન્દ્રિત થયેલું. ચિત્તની સમસ્ત વૃત્તિઓ એના નિનાદે જાગી ને ગાજી ઊઠેલી. અરૂણાચલ શબ્દ કેટલો બધો રસમય, સુખસભર, શાંતિકારક અને આનંદદાયક લાગે છે ? એમાં કેટલી બધી અસાધારણતા છે ! એની પ્રત્યે અંતર કોણ જાણે આટલું બધું કેમ આકર્ષાય છે ? કોઈ પૂર્વજન્મના સંસ્કારો કદાચ એને આવી રીતે આકર્ષી રહ્યા હશે. એ સ્થળમાં અથવા એની આજુબાજુ રહીને કરેલી છતાં અધૂરી રહેલી સાધના કદાચ એની અંદર સ્નેહ તથા સંવેદનનાં સુમધુર સુખદ સ્પંદનો જગાવી રહી હશે. ગમે તેમ હોય પણ આ આકર્ષણ આત્મિક અને અદ્દભુત છે. વરસો પછી જાણે પોતાના સ્વગૃહની અથવા તો અસલ ગૃહની સ્મૃતિ થઈ હોય ને ત્યાં જવાનું સૌભાગ્ય સાંપડ્યું હોય એવી સુખાનુભૂતિપૂર્ણ વૃત્તિ આપોઆપ પેદા થાય છે ને બળવાન બનતી જાય છે. આત્માની આ અનંતકાળથી આરંભાયેલી અનેરી મહાયાત્રા છે. એ યાત્રા દરમ્યાન એણે ક્યારે, ક્યાં, કેટલા પડાવ નાખ્યા તેની કોને ખબર છે ? અહંતા તથા મમતાથી યુક્ત થઈને એણે કેટલાં નવાં ઘરો બાંધ્યા ને કેટલા નવા સંસારોનું નિર્માણ કર્યું તે કોણ કહી શકે છે ? વિવિધ વાતાવરણમાં કર્મોના કેવા કેવા નૂતન ભંડારો ભેગા કર્યા તે કોણ જાણે છે ? છતાં પણ એટલું તે નિર્વિવાદ રીતે સાચું છે કે આ યાત્રા પૂર્વયાત્રાઓની પરંપરાના સહજ અનુસંધાનરૂપે, એમના જ ચોક્કસ પરિપાકરૂપે પ્રાપ્ત  થયેલી છે. એટલે અરૂણાચલ સાથેનો કોઈ જુનો સંબંધ જરૂર હશે.

એવા એવા ભાવો ને વિચારો એમના મનને ઘેરી વળ્યા.

એમણે વિચાર્યું કે અરૂણાચલની સાથેનો પોતાનો પૂર્વસંબંધ હોય કે ના હોય ને ગમે તેવો હોય તોપણ પોતાનું વર્તમાન લક્ષ્યસ્થાન એ જ છે એમાં કોઈ શંકા નથી. ત્યાં જઈને, ત્યાંના સુંદર, શાંત, નીરવ વાતાવરણમાં રહીને, ખૂબ જ પ્રેમથી નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાભક્તિ યુક્ત સાધનાનું અનુષ્ઠાન કરવું જોઈએ ને આત્માનુભૂતિ અથવા સત્યના સાક્ષાત્કારનો આનંદ મેળવવો જોઈએ. જે પરમપિતાની ખોજ કરવાની આકાંક્ષાનો અંતરમાં ઉદય થયો છે તે પરમપિતાનો મંગલમય મધુર મેળાપ અવશ્ય થઈ રહેશે. અરૂણાચલ જીવનમાં એને માટેના અમૂલખ આશીર્વાદરૂપ ઠરશે. સાધનાત્મક જીવનનું મહાન સંસિદ્ધિસ્થાન થઈ પડશે.

એમણે કોઈને પૂછ્યા વિના કે કોઈની પાસેથી જરૂરી માહિતી મેળવ્યા વિના જ, પોતાની મેળે જ તિંડીવનમ્ ની ટિકિટ લઈ લીધી. એટલામાં તો ટ્રેન આવી પહોંચી. એમણે એમાં પ્રવેશીને પોતાની બેઠક મેળવી લીધી ને ટ્રેન ઊપડી એટલે મનની વૃત્તિને ધ્યાનમાં લગાડી દીધી. એમના અંતરમાં પોતાના ઘર તરફ ગતિ કરવાનો ઉત્સાહયુક્ત ઉમળકો હતો.

દક્ષિણ ભારતના અસાધારણ નૈસર્ગિક સૌંદર્યસંપન્ન પ્રદેશમાંથી ટ્રેન ધીમે ધીમે છતાં મક્કમ ગતિએ આગળ વધવા લાગી. કેટલો બધો આકર્ષક અને આહ્ લાદક છે એ પ્રદેશ ? એનું નિરીક્ષણ કરનાર એની અદભુતતાને ઓછાવત્તા પ્રમાણમાં જાણે છે. લીલાંછમ સુંદર ખેતરો, સરસ સંગીતસ્વરોને છોડતાં સર્યે જતી સુમધુર સરિતાઓ, જુદા જુદા જળપ્રવાહો ને નગરો, ગામો, ટેકરીઓ અને અરણ્યોમાંથી દોડ્યે જતી ટ્રેન પ્રવાસીની સમી લાગતી’તી. આજુબાજુનાં દૃશ્યો અદ્ ભુત હતાં, પરંતુ એમના તરફ વેંકટરામનનું ધ્યાન જ ન હતું. પ્રકૃતિની પૃથક્ પૃથક્ રાસલીલાને બદલે પરમાત્માના પરમ રસ પ્રતિ એમનું મન આકર્ષાઈ રહેલું. એટલે તો ટ્રેન ઊપડી કે તરત જ એમણે આંખ મીંચી દીધેલી અને ચિત્તની સમસ્ત વૃત્તિઓને આત્મકેન્દ્રિત કરવા માંડેલી.

એમની પાસે બીજો કોઈ સરસામાન હતો જ નહિ એટલે આંખને ઉઘાડી રાખીને એની ચોકી કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. ભગવાન અરૂણાચલનાં ચારૂ ચરણોમાં એમણે એમનું સર્વસ્વ સમર્પિત કરેલું. અરૂણાચલ એમના જીવનનું સારસર્વસ્વ હતા. એમના સિવાય એમને બીજા પર પ્રીતિ કે મમતા ન હતી. એ એમનું સફળ પથપ્રદર્શન ને રક્ષણ કરી રહ્યા છે એવો એમને વિશ્વાસ હતો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.