if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અંધકારના ઓળા આજુબાજુ બધે જ ઊતરવા માંડ્યા. ટ્રેન ચોક્કસ ગતિએ તિરુચિનાપલ્લીની દિશામાં આગળ વધી રહેલી. એમના ડબામાં કોઈક મૌલવી બેઠેલા. એ સંતમહાત્માઓના જીવનની વાતો સંભળાવી રહેલા ને ડબામાં બેઠેલા લોકો એ વાતોને ભારે સાવધાની ને રસપૂર્વક સાંભળી રહેલા. વેંકટરામનને એવી વાતો સાંભળવાની રુચિ બિલકુલ ના હોવાથી એ ધ્યાનમગ્ન દશામાં બેસી રહેલા.

મૌલવીનું ધ્યાન એમની તરફ સ્વાભાવિક રીતે જ દોરાયું.

એમનામાં એમને કાંઈક વિલક્ષણતા દેખાઈ.

બીજા યુવકો અને એમની વચ્ચેના ભેદને એ પ્રથમ દૃષ્ટિએ જ પારખી ગયા.

વેંકટરામનનો શાંત એકાંતપ્રિય સ્વભાવ એમને અધિકાધિક આકર્ષક લાગવા માંડ્યો.

એમણે એમને એકાએક પ્રેમપૂર્વક પૂછ્યું:

‘તમે ક્યાં જઈ રહ્યા છો ?’

‘તિરુવણ્ણામલૈ.’ વેંકટરામને ધીમેથી ઉત્તર આપ્યો.

 ‘તિરુવણ્ણામલૈ ?’

‘હા.’

‘હું પણ ત્યાં જ જઈ રહ્યો છું.’

‘એમ? તમે ત્યાં જ જાવ છો ?’

‘ખાસ તિરુવણ્ણામલૈ નહિ પરંતુ એની પાસેના સ્ટેશન સુધી.’

‘કયા સ્ટેશન સુધી ? ’

‘તિરુક્કોઈલૂર.’

વેંકટરામનના મુખમાંથી આશ્ચર્યયોદ્ ગાર નીકળી પડ્યા : ‘તિરુક્કોઈલૂર ? તો ટ્રેન તિરુવણ્ણામલૈ જાય છે કે નહિ ?’

મૌલવીએ કહ્યું : ‘તમે પણ ભારે વિચિત્ર છો. તમે કયા સ્ટેશનની ટિકિટ લીધી છે ?’

‘તિંડીવનમની.’

‘તિંડીવનમની ટિકિટ લીધી હશે તો તમારે વિલુપુરમ્ ઊતરવું પડશે. ત્યાંથી તિરુક્કોઈલૂર અને તિરુવણ્ણામલૈ બંને તરફ જુદી જુદી ટ્રેન જાય છે.’

વેંકટરામન આંખ મીંચીને પુનઃ ધ્યાનમગ્ન બની ગયા એટલે એ વાર્તાલાપનો ત્યાં જ અંત આવ્યો.

તિરુચિનાપલ્લી સ્ટેશને એમણે આંખ ઉઘાડી. એમને ક્ષુધા લાગી હોવાથી સ્ટેશન પરથી એમણે બે ફળો ખરીદ્યાં.

ફળ ખાવાથી ક્ષુધાની સહેજ શાંતિ થઈ.

ગાડી ફરી પાછી આગળ વધી.

સવારે વિલુપુરમ્ આવી પહોંચ્યું.

વેંકટરામન સહજ સંકોંચને લીધે કોઈને તિરુવણ્ણામલૈ વિશે કશું પૂછી શક્યા નહિ.

આમ તેમ ફરીને એ પોતાનો સમય પસાર કરવા લાગ્યા.

લાંબા વખતે એમને ભૂખ લાગી એટલે એક હોટલમાં જઈને એમણે ખાવાનું માગ્યું.

હોટેલવાળાએ બપોર સુધી રોકાવાનું કહ્યું.

વેંકટરામન ત્યાં બેસીને ધ્યાનમગ્ન બની ગયા.

હોટલના માલિકને એ જોઈને અતિશય આશ્ચર્ય થયું. વેંકટરામન યોગમુદ્રામાં ઘણા સુંદર દેખાતા. એમની મુખાકૃતિ મધુર, નિર્મળ ને નમ્ર હતી. આંખ નિષ્પાપ અને ઓજસ્વી કાયા સુકોમળ અને કાંતિવાળી તથા કાળા ભમ્મર કેશ. હોટેલવાળાને થયું કે આવો સુંદર છોકરો કોનો હશે ને આટલી નાની ઉમરમાં ઘર છોડીને શા માટે ફરતો હશે ? એનું ઘર ક્યાં હશે ? એણે ત્યાગી તરીકેના જીવનનો આશ્રય લીધો હશે તો શા માટે ? આટલી નાની ઉમરમાં એને કાંઈ દુઃખ હશે ? ગમે તેમ, એનાં લક્ષણો પરથી એ કોઈ ઉત્તમ શ્રેણીનો આત્મા હોય એવું લાગ્યા વિના નથી રહેતું. એના પૂર્વસંસ્કારો ખૂબ જ પ્રબળ હશે તો જ એ આવી રીતે શાંતિપૂર્વક ધ્યાનાવસ્થામાં બેસી રહ્યો છે. પ્રહ્ લાદ, જડભરત, અષ્ટાવક્ર, શંકારાચાર્ય અને શુકદેવ પણ આવા નાના જ હતા ને ? છતાં પણ એમના આત્મા અસાધારણ અથવા મહાન હતા.

હોટલના માલિકના મનમાં મહર્ષિને જોઈને પ્રેમ પ્રકટ્યો.

એની પ્રકૃતિ ધાર્મિક હોવાથી એને એમના પ્રત્યે આકર્ષણ પેદા થયું. એ આકર્ષણ આદરભાવમાં પરિણમ્યું.

લાંબા વખત લગી એ નવયુવાન તપસ્વીને ભારે કુતૂહલપૂર્વક નિહાળી રહ્યો.

છેવટે ભોજનનો સુયોગ્ય સમય થતાં એણે શાંત સાધનામગ્ન નવયુવાન તપસ્વીને ધ્યાનાવસ્થામાંથી જગાડીને ભોજનને માટે આમંત્ર્યા.

વેંકટરામને શાંતિપૂર્વક ભાવથી ભોજન કરીને પૈસા ચૂકવવાની તૈયારી કરી તો એણે પ્રેમપૂર્વક પૂછ્યું : ‘ તારી પાસે કેટલા પૈસા છે ?’

વેંકટરામને કહ્યું : ‘અઢી આના.’

 ‘તેં ઘરનો ત્યાગ કર્યો છે ?’

 ‘હા.’

 ‘કોઈ કલેશને લીધે ?’

 ‘ના.’

 ‘દુઃખ કે દીનતા અથવા ચિંતાને લીધે ?’

 ‘ના.’

 ‘તો પછી ?’

વેંકટરામન મૂક રહ્યા. એમને વધારે બોલવું ઉચિત ના લાગ્યું. વધારે વાર્તાલાપમાં ઊતરવાથી કોઈ હેતુ સિદ્ધ થવાની સંભાવના ન હતી. ઊલટું કેટલાક ગુપ્ત રહસ્યનું અકાળે ઉદ્દઘાટન થઈ જાય તેમ હતું. એટલે એમને થયું કે અત્યારના સંજોગોમાં  मौनं सर्वार्थ साधकम् ની નીતિ જ સર્વોપયોગી તેમ જ શ્રેયસ્કાર છે.

એ સાવધાન બનીને એમના માર્ગે આગળ વધ્યા. જે જમાનામાં એમના એ પરિવ્રાજક જીવનનો આરંભ થયેલો એ જમાનામાં ચીજવસ્તુ ખૂબ જ સસ્તી હોવાથી અઢી આનાની ને રૂપિયાની કિંમત ઘણી મોટી હતી. મોંઘવારી ને કારમી મોંઘવારીની ભીંસમાં પ્રજા આટલી બધી કરુણ ને પરવશ બનીને બંધાઈ ન હતી. રેલ્વેની સફર પ્રમાણમાં સસ્તી હતી. સ્ટેશન પર પહોંચીને પોતાની પાસે બચેલા અઢી આનામાંથી વેંકટરામને માંબલંપટ્ટુ સુધીની ટિકિટ કઢાવી. એમનું ગંતવ્યસ્થાન અરૂણાચલ હજુ દૂર હતું. એનું આકર્ષણ એમના અંતરને આકૃષ્ટ કરી રહેલું. એનો સુમધુર સ્વરગુંજાર એમના મનમાં અનવરત, અબાધિત રીતે ચાલી રહેલો. અરૂણાચલના દર્શનાનંદને અનુભવવાની આકાંક્ષા એમના અંતરમાં ઉત્પન્ન થયેલી ને નિત્યનિરંતર વધતી જતી. અરૂણાચલ....કેટલું સુંદર, સરસ,સુખમય, શ્રવણમંગલ નામ ! એ નામ કેટલું   બધું મીઠું ને પ્યારું લાગે છે ! એની સાથે કેવા અદ્ ભુત અસાધારણ સંદેશા સંકળાયેલા છે ! ચિરપરિચિત લાગતું એ નામ કોણ જાણે કેમ આટલું બધું આનંદકારક, રસપ્રદાયક, પ્રેરક અને કામણગારું લાગે છે ! એના પવિત્ર પ્રદેશમાં પહોંચી જવાની અદમ્ય અભિલાષા થઈ આવે છે પરંતુ એ પ્રદેશ હજુ કોને ખબર કેટલો બધો દૂર છે ને ત્યાં કોણ જાણે ક્યારે પહોંચાશે ! પંખીની પેઠે જો પાંખ હોત તો પળવારમાં જ ત્યાં પહોંચી જાત ને પરમપિતા પરમાત્માના સાક્ષાત્કારને માટે સમાધિલીન થાત; પરંતુ હવે ધીરજ રાખવી રહી. બીજો કોઈ વિકલ્પ નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.