અરૂણાચલના મંદિરનું સુંદર શાંત સ્થાન હૃદયગ્રંથિને તોડવાની તપશ્ચર્યાના અનુષ્ઠાનને માટે એમને અત્યંત અનુકૂળ લાગ્યું.
વૈરાગ્ય ને પ્રેમભક્તિના વિભિન્ન વિચારો ને ભાવોમાં એમનું વિવેકજ્યોતિથી પ્રજ્વલિત મંગલમય મન દિનપ્રતિદિન સ્નાન કરવા માંડ્યું. ત્યાગના અસિધારાવ્રતનું પાલન એ પૂરીપૂરી જાગૃતિ અથવા સાવધાનીપૂર્વક કરી રહેલા. એને લીધે એમનો અંતરાત્મા પ્રસન્નતાની અનુભૂતિ કર્યા કરતો.
એમણે પોતાની તપશ્ચર્યાને માટે અરૂણાચલ મંદિરના એક શાંત ઓટલાને પસંદ કર્યો. એ ઓટલાનું સ્થાન નોંધપાત્ર ને વિલક્ષણ હતું. અરૂણાચલેશ્વરના મધુમય મંગલ મંદિરની મુલાકાત લેનારે એમાં આવેલો પેલો સુવિખ્યાત સહસ્ત્ર સ્તંભવાળો મંડપ તો જોયો જ હશે. એની જમીનનો એક ભાગ આજે પણ અવ્યવસ્થિત જેવી અવસ્થામાં પડેલો છે. જમીન પર પાથરેલા પથ્થર એકસરખા નથી. એ સહસ્ત્ર સ્તંભવાળા સુંદર મંડપના મધ્યભાગમાં પથ્થરનો ઓટલો છે. એની દક્ષિણ––પશ્ચિમ દિશામાં એક ભોંયરૂ છે. એમાં ભગવાન શંકરનું એક લિંગ છે. એ વખતે એ શિવલિંગની પૂજાસેવા તરફ કોઈનું ધ્યાન ન હતું. એની આજુબાજુ અંધકાર છવાયેલો રહેતો. એમાં પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા પણ ન હતી. સહસ્ત્ર સ્તંભવાળા મંડપને જ પર્યાપ્ત પ્રમાણમાં સ્વચ્છ નહોતો રખાતો તો આવા સ્થાનની સ્વચ્છતાની દરકાર કોણ રાખે ? એ નિતાંત એકાંત સ્થાનનું નામ પાતાળલિંગ રાખવામાં આવેલું. એ એના વાતાવરણને વિચારતાં યોગ્ય જ હતું.
હવે એ વેંકટરામન નહોતા રહ્યા; પરંતુ ત્યાગી, વિરક્ત, મહાત્મા કે શ્રેયાર્થી થયેલા. રમણ મહર્ષિના નવા નામકરણને હજુ વાર હતી : હજુ તો એની પૂર્ભૂમિકા જ રચાઈ રહેલી. એમણે પોતે કોઈ નામ ધારણ નહોતું કર્યું. તોપણ એમના અવલોકનથી દર્શકોના મનમાં એક પ્રકારનો પ્રખર આદરભાવાત્મક પ્રતિધ્વનિ પડતો. એ એક અંકુરાવસ્થામાં રહેલા ઈશ્વરાનુરાગી સાચા સંત છે એવું એમને લાગી આવતું.
સહસ્ત્રસ્તંભવાળા મંડપના એ અવ્યવસ્થિત ઓટલાને સાધનાના અધિષ્ઠાન તરીકે સાનુકૂળ સમજીને એમણે એની ઉપર બેસીને શાંતિપૂર્વક ધ્યાન કરવા માંડ્યુ. એમના સાધનામાર્ગનું મુખ્ય આલંબન અથવા માધ્યમ ધ્યાન જ હતું. એની દ્વારા ઉત્તરોત્તર આગળ વધીને આત્માના ઊંડાણમાં ઊતરીને સ્વરૂપનો અપરોક્ષ અનુભવ સહજ રીતે જ કરી શકાશે એ સંબંધી એમને તલમાત્ર શંકા ન હતી. સાધના ને સાધ્યવિષયક જે નાનીમોટી પ્રચ્છન્ન કે પ્રકટ ભ્રાંતિઓ સામાન્ય સાધકોના આત્મવિકાસમાં અવરોધક બને છે તે ભ્રાંતિઓથી એ સર્વાંશે મુક્ત હતા. એટલે એમનો સાધનામાર્ગ ધાર્યા કરતાં વધારે સરળ હતો. એને અનંત ઉત્સાહનું કે પ્રામાણિક પ્રખર પુરૂષાર્થનું પીઠબળ પણ સાંપડેલું. માટે તો એમની સાધનાત્મક સંસિદ્ધિમાં સંદેહ ન હતો.
બેસવાની જમીન સુંવાળી છે કે કઠોર, ને સાફ છે કે પથરીલી એ સમસ્યા આગળ વધેલા આદર્શ શ્રેયાર્થીને ભાગ્યે જ સતાવે છે. એ જ્યાં બેસે છે ત્યાં પોતાના મનને સ્થિર, સ્વસ્થ, સંવાદી ને શાંત કરી શકે છે. એની પુરસ્કૃત આત્મવૃતિ અભ્યાસના અનવરત અનુસંધાનને લીધે અલ્પ વખતમાં જ આગળ વધીને આત્મામાં અવગાહન કરતી એકરૂપ બની જાય છે. મહર્ષિની એકાગ્રતા ઘણી આગળ વધેલી હોવાથી બહારનું વાતાવરણ એમને માટે વિક્ષેપકારક ના બન્યું.
એ ઈચ્છાનુસાર ઓટલા પર બેસતા, ધ્યાન કરતા, આત્મચિંતનમાં ડૂબી જતા, તો કોઈવાર મંડપમાં કે મંદિરમાં મંડપની બહાર આંટા મારતા. પોતાના જીવનનિર્વાહને માટે સહજ રીતે આપોઆપ પ્રાપ્ત થતી ભિક્ષાની ઉપર આધાર રાખતા. બીજાની પાસે ભિક્ષાન્ન માગવા જવાનું એમને જરા પણ પસંદ ના પડતું.
ઈ.સ. ૧૮૯૬ના શિયાળાનો સમય શરૂ થયો. ઠંડી ખૂબ જ વધવા માંડી. તોપણ એ કૌપીનધારી રહીને પૂર્વની પેઠે જ રહેવા લાગ્યા. મન અને ઈન્દ્રિયોનો સંયમ સિદ્ધ કર્યો હોવાથી એ શાંતિપૂર્વક સાધનાપરાયણ બનીને પોતાનો અમૂલખ સમય નિર્ગમન કરતા રહ્યા.
છતાં પણ એમનો સાધનાપથ તદ્દન સરળ હતો એવું નથી માનવાનું. સાધનાના અનુષ્ઠાન દરમિયાન આવનારા વિક્ષેપો બાહ્ય અને આંતર બંને પ્રકારના હોય છે. આંતર વિક્ષેપો તો મહર્ષિનું મનોબળ મક્કમ અને મજબૂત હોવાથી એમને માટે અસંભવ હતા, પરંતુ બાહ્ય વિક્ષેપો પર એમનું પૂરેપૂરૂ નિયંત્રણ ન હતું, અને ક્યાંથી હોઈ શકે ? એ બાહ્ય વિક્ષેપયુક્ત વાતાવરણ સાધારણ હોવા છતાં હતું એની ના નહિ. એક તો એકદમ નાની ઉંમર, ત્યાગી તથા તપસ્વીનો વેશ, મોટા ભાગનું અખંડ મૌનવ્રત, એકાંતસેવન, અનાસક્ત અસાધારણ જીવનવ્યવહાર ને મુખમંડળની અદ્ ભુત કમનીયતા ને કાંતિ, એ સૌને લીધે એમના પ્રત્યે કેટલાકને આકર્ષણ થવા માંડ્યું : કેટલાક એમની સાથે પ્રેમમય વ્યવહાર કરવા લાગ્યા, તો બીજા કેટલાકે એમની અયોગ્ય આલોચના, નિંદા તેમ જ મશ્કરી કરવાનું શરૂ કર્યું. સાચું કહીએ તો બીજા વર્ગના લોકોની સંખ્યા વિશેષ હતી. દૈવી સંપત્તિની સરખામણીમાં આસુરી સંપત્તિનો વિસ્તાર વધારે દેખાય છે ને તિરુવણ્ણામલૈ પણ એના અપવાદરૂપ ન હતું. મહર્ષિનો આદર કરનારા ઓછા હતાં; એમની અવહેલનામાં આનંદ માનનારા વધારે. એમને મિત્રભાવે નીરખવા કરતાં અમિત્રભાવે અથવા દ્વેષ દૃષ્ટિએ દેખનારાની સંખ્યા વિશેષ હતી. એમાં એમને દોષ દેવા જેવું પણ કશું નથી લાગતું. એ એમની પાશવી પ્રકૃતિથી પરવશ હતા. એમની પોતાની ભૂમિકા ઘણી નીચી કક્ષાની હોવાથી, આધ્યાત્મિક અભ્યુત્થાનના જે અલૌકિક આકાશની અંદર મહર્ષિ ઉડ્ડયન કરી રહેલા એનું અનુમાન પણ એમનાથી નહોતું થઈ શકે તેમ. એમની પૂર્વગ્રહયુક્ત પામર દૃષ્ટિ આધ્યાત્મિક સમુન્નતિનાં ક્ષિતિજોને પાર કરીને મહર્ષિએ જેમાં સ્થિતિ કરેલી એ આત્માના અક્ષય આલોકને નહોતી ઓળખી શકે તેમ. મહર્ષિની અસાધારણતાનો અંદાજ એમને ના આવી શક્યો. અને.... જે હકીકત રમણ મહર્ષિના સંબંધમાં લાગુ પડે છે તે શું અધ્યાત્મપથના બીજા પ્રવાસીઓને લાગુ નથી પડતી ? સંસારના મોટા ભાગના સંતો અથવા સાધકો કે શ્રેયાર્થીઓના સંબંધમાં એવું જ બન્યું છે. આરંભમાં અને કેટલાક સંજોગોમાં તો અંતકાળ સુધી એમની નિંદા કરવામાં આવી, એમને ત્રાસ આપવામાં આવ્યો અને એમની અનેકવિધ અવજ્ઞા થઈ. પ્રશસ્તિ, પૂજા અને પ્રતિષ્ઠાનો પુરસ્કાર તો પાછળથી મળ્યો––ખૂબ જ પાછળથી, ને કેટલીકવાર તો શરીર શાંત થયા પછીથી. પોતાના જીવનકાળ દરમિયાન જ અને એ પણ આરંભથી તે અંત લગી જેમને સમાજના સેવાભાવ, સત્કાર તેમ જ સન્માનનું સૌભાગ્ય સાંપડ્યું હોય એવા સંતો કે સત્પુરૂષો આંગળીને વેઢે ગણી શકાય એટલા કે એના કરતાં પણ ઘણા ઓછા હશે. માનવ ને માનવસમાજ જ્યાં સુધી સદ્ બુદ્ધિ સંપન્ન, સાત્વિક, શીલવાન ને સંસ્કારી ના બને અને આધ્યાત્મિક વિકાસમૂલ્યોને ઓળખતાં ના શીખે ત્યાં સુધી પરિસ્થિતિ એવી જ પ્રતિકૂળ કે કરૂણ રહેવાની.
મહર્ષિ પોતે એકાંતપ્રિય હોવા છતાં લોકો એમને આખો વખત એકાંતમાં નહોતા રહેવા દેતા. ભગવાન અરૂણાચલનાં શ્રી ચરણોમાં સર્વસમર્પણ કરીને તપમાં લીન થવાનો નિશ્ચય કરી ચૂકેલા મહર્ષિને કેટલાંક આસુરી પ્રકૃતિનાં તોફાની તત્વો હેરાન કરવા લાગ્યાં. એમને રંજાડવામાં એમને આનંદ આવવા લાગ્યો. એમને થયું કે ચાર પાંચ વરસ પહેલાં તિરુવણ્ણામલૈમાં આવેલા પાગલ શેષાદ્રિ સ્વામીની પેઠે રમણ મહર્ષિ પણ પાગલ છે : એમના મગજનું ઠેકાણું નથી લાગતું.
મહર્ષિ પાગલ હતા એ સાચું, પરંતુ એમનું પાગલપન જરા જુદી જાતનું હતું. એ પરમાત્માના પ્રેમમાં પાગલ હતા. પોતાના પરમપિતાનો સાક્ષાત્કાર કરીને એમની સાથેના અનવરત અખંડ અનુસંધાનને સિદ્ધ કરવા તત્પર થયેલા. વૈરાગ્યશતકમાં મહાયોગી ભર્તુહરિ જગતના મોટા ભાગના માનવોને મોહમદિરાનું આકંઠ પાન કરીને ઉન્મત્ત બનેલા ને સારાસારનું ભાન ભૂલેલા કહે છે તેમ, મહર્ષિની તપઃપૂત નેહયુક્ત નજરમાં મોટા ભાગના માનવો ઉન્મત્ત કે પાગલ લાગતા અને એવા મનુષ્યોને આટલી નાની સંસારના વિવિધ પ્રકારના ભોગોને ભોગવવાની ઉંમરમાં વિષયરસ પ્રત્યે ઉદાસીન બનેલા મહર્ષિ પાગલ દેખાતા. બંનેની દૃષ્ટિ જુદી જુદી હોવાથી એમનું દર્શન પણ અલગ અલગ હતું.
નાના છોકરાઓ પાગલ શેષાદ્રિ પ્રત્યે જેવું વર્તન કરતા તેવું જ ઉદ્ધત વર્તન નવાગંતુક રમણ મહર્ષિ સાથે કરવા લાગ્યા. એમની ઉપર માટી, કાંકરા ને પથ્થર ફેંકવા માંડ્યા. સદ્ ભાગ્યે એવા બધા આક્રમણથી એમને કશી શારીરિક ઈજા ના થઈ, પરંતુ એમની શાંત એકાંત એકધારી તપશ્ચર્યામાં ભંગ પડ્યો. એમને થયું કે આવા વિકૃત વાતાવરણમાં મન લગાડીને સુચારુરૂપે સ્થિરતાપૂર્વક સાધના કરવાનું કામ કઠિન છે. સાધના કરવી જ હોય, અને એને કર્યા સિવાય છૂટકો જ નથી, તો કોઈક બીજું નિરાપદ શાંત સ્થાન શોધી કાઢવું જોઈએ, જયાં મોટી ઉંમરના માણસો કે છોકરાઓ પહોંચીને પોતાના ધ્યાનમાં ભંગ ના પાડી શકે ને કોઈ પણ પ્રકારના બાહ્ય વિક્ષેપ વિના કલાકો સુધી એકધારી આત્મસાધનામાં રત રહી શકાય.
પરંતુ એવું નિતાંત એકાંત, ઉપાધિરહિત, શાંત સ્થાન ક્યાં મળે ? એમને પાતાળલિંગના સ્થાનની સ્મૃતિ થઈ. એ સ્થાન વર્તમાન સંજોગોમાં સઘળી રીતે અનુકૂળ હોવાથી એમને પસંદ પડ્યું. ત્યાં રહીને લાંબા વખત સુધી સાધના કરવાનું સરળ લાગવાથી, કોઈને પૂર્વમાહિતી આપ્યા વગર જ, એક ધન્ય દિવસે ધન્ય ઘડીએ એમણે એમાં પ્રવેશ કર્યો.