if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગોપુર સુબ્રહ્મણ્ય સ્વામીના મંદિરમાં એ વખતે એક મૌની સ્વામી પણ વાસ કરતા. એમણે મહર્ષિની બે મહિના સુધી સ્નેહપૂર્વક સંભાળ રાખી. એ સ્વામી બિલ્વફળ ખાતા તથા ઉમાદેવીના અભિષેક પછી બચેલા દૂધનો ઉપભોગ કરતા. મહર્ષિની અંતરંગ યોગ્યતાને એ પ્રથમ દૃષ્ટિએ જ સમજી ચૂકેલા. એ એમને આદરભાવથી ભારે આત્મીયતાપૂર્વક જોતા ને પોતાના ભોજનમાંથી એમને પણ જમાડતા. એમ કરવામાં એમનો અંતરાત્મા અજબ આનંદનો અનુભવ કરતો.

ઉમાદેવીના અભિષેકના પ્રસાદમાં દૂધ, પાણી, હળદર, સાકર, ફળ, કાચાં કેળાં જેવા પૃથકપૃથક પદાર્થોનો સમાવેશ થતો.

મહર્ષિ એ અમૃતમય પ્રસાદથી પરિતૃપ્તિ પામતા.

કોઈ કોઈવાર તો એ એટલા બધા ધ્યાનમગ્ન બની જતા કે એમની આંખ દિવસો સુધી ઊઘડતી નહિ. એવે વખતે કદી કદી લોકો એમને બળજબરીથી જગાડીને એમને પ્રસાદ અપાવતા. હવે એમની લોકોત્તરતાનો ખ્યાલ લગભગ સૌને આવવા લાગ્યો.

એક દિવસ મંદિરના એક પૂજારીને એમની વિલક્ષણતા ને વિશેષતા જોઈને એમના પ્રત્યે ઊંડો પ્રેમભાવ પેદા થયો. એ એમને પૂજ્યભાવથી જોવા લાગ્યો. એણે બીજા બધા પૂજારીને સૂચના આપી કે મૂર્તિના અભિષેક પહેલાં જ રમણ મહર્ષિ તથા મૌની સ્વામી બંનેને દૂધ પહોંચાડી દેવું. એ પ્રમાણે એમને દૂધ પહોંચાડવામાં આવતું. એ અમૃતમય દૂધના સેવનથી એ બંને સંતોને સંતોષ વળતો. દૂધ પહોંચાડવામાં કોઈ વાર કોઈ કારણે વિલંબ થતો તો મંદિરની બાજુમાં રહેતા બ્રાહ્મણોના ઘરોમાં સૂચના આપવામાં આવતી. એના પરિણામે એમને ત્યાંથી ભિક્ષાન્નનો પ્રબંધ કરવામા આવતો.

અરૂણાચલ મંદિરની પૂર્વદક્ષિણ દિશામાં આવેલી ફૂલવાડીનાં ઊંચા વૃક્ષો નીચે બેસીને મહર્ષિ અવારનવાર ધ્યાન કરતા. એ વખતે એ દેહાભિમાનથી એકદમ મુક્ત બની જતા. વચ્ચે કેટલીકવાર એમણે નગ્ન રહેવાનું પણ શરૂ કરેલું પરંતુ પૂજારીઓની પ્રાર્થનાને લક્ષમાં લઈને એ પુનઃ કૌપીન પહેરવા લાગ્યા. એ પછી એ વાહન મંડપમાં રહેવા લાગ્યા. તોફાની છોકરાઓએ ત્યાં પણ એમને પજવવાનું ચાલુ રાખેલું. ત્ચાંથી કેટલાક કાળ લગી એ શિવગંગાતીર્થમાં એક બિલ્વવૃક્ષની નીચે તથા મધૂક વૃક્ષની નીચે રહીને સાધના કરવા લાગ્યા. પાછળથી થોડોક વખત એમણે મંગૈપિલ્લયારના મંદિરમાં તપશ્ચર્યા કરતાં વિતાવ્યો. અરૂણાચલ મંદિરનું વાતાવરણ પરમપવિત્ર હોવા છતાં, એમના નિવાસથી વધારે પવિત્ર બન્યું. એમની ઉપસ્થિતિ મંદિરના પ્રત્યક્ષ દેવતાની સ્મૃતિ કરાવી રહી. માનવોને તપશ્ચર્યાનો મંગલ મહામૂલ્યવાન મહિમા બતાવવા માટે ભગવાન અરૂણાચલેશ્વર પોતે જ એમના સ્વરૂપે પ્રકટ બનીને, સજીવ થઈને, વિભિન્ન પ્રકારની સાધનાનો આશ્રય લેતા હોય એવું લાગવા માંડ્યું. અરૂણાચલના મંદિરનો મહિમા એમને લીધે વધી ગયો, એને આજે પણ વધેલો જ લાગે છે. એ મહાપુરૂષની સાધનાની સુખદ સ્મૃતિ મંદિરની મુલાકાત લેતાં આજે પણ તાજી થાય છે. ત્યાંના પરમાણુઓમાં એમનાં તપઃપૂત પ્રાણપરમાણુઓ ભળી ગયેલાં લાગે છે. આજે પણ એમની કાંતિમયી નાનકડી મૂર્તિ ત્યાં તપ કરતી ને હરતીફરતી ભાસે છે––અલબત્ત, સ્થૂલ રૂપે નહિ પણ સૂક્ષ્મ રૂપે. એની પ્રેરણા એવી જ અખંડ અને અનંત છે.

સંવત ૧૮૯૬ના માગશર મહિનામાં ઉદ્દંડી નાયનાર નામના શિવભક્તને એમનો પરિચય થયો. નાયનાર તિરૂમણિ નામના ગામનો નિવાસી હતો. એ પંડિત હોવા છતાં એને માનસિક શાંતિ નહોતી મળી. જ્ઞાનના સારરૂપ આત્માનુભૂતિ એનાથી દૂર હતી. મહર્ષિના દર્શનમાત્રથી જ એને શાંતિ લાગી ને થયું કે આ જ તપ છે, આ જ અનુભૂતિ છે. આ મહાપુરૂષે શાસ્ત્રોના સારને ને સાધનાના નિષ્કર્ષને પ્રાપ્ત કર્યો છે. આવા સ્વાનુભવ સંપન્ન સત્પુરૂષની સેવાના પરિણામે શાંતિ અવશ્ય મળી શકે ને જીવનનું કલ્યાણ થાય.

મહર્ષિની સંનિધિની ભાવનાથી પ્રેરાઈને એ વરસના શિયાળાનો સઘળો સમય એણે ત્યાં જ પસાર કર્યો.

મહર્ષિ જેવા મહાપુરૂષને બીજી કઈ સેવાની ભૂખ હોય ? એમનું જીવન છેક જ સાદું અને એમની આવશ્યકતાઓ અલ્પ હતી. એમની આજુબાજુ એકઠી થતી દર્શનાર્થીઓની ભીડને કાબૂમાં રાખવાનું કાર્ય એણે પ્રેમપૂર્વક ઉપાડી લીધું. એમની શાંત સાધનામાં લોકોનાં ટોળાંને લીધે ને તોફાની છોકરાઓના નિમિત્તે કોઈ પ્રકારનો વિક્ષેપ ના પડે એનું એ ખાસ ધ્યાન રાખતો. એ કાર્ય ધાર્યા જેટલું સહેલું તો નહોતું જ. એના ભોજનનો સમય થતો ત્યારે એકલા પડેલા મહર્ષિ પર તોફાની છોકરાઓ તૂટી પડતા. એ એમને અનેક રીતે સતાવતા અને એમની આસપાસ અશાંતિ ઊભી કરતા. એક દિવસ કોઈ અવિચારી છોકરાએ એમની પીઠ પર પેશાબ કર્યો. એમાં એને મોટું પરાક્રમ લાગ્યું. એ જ્યારે યોગનિદ્રાથી––સમાધિદશામાંથી જાગ્યા ત્યારે એમને એ વાતની જાણ થઈ ત્યારે પણ જરા દુઃખ ના થયું. એ એક આદર્શ સંત હતા એટલે એવી સાધારણ અજ્ઞાનમૂલક વાતનું દુઃખ એમને કેવી રીતે થઈ શકે ? એ માન અને અપમાન ઉભયને પચાવી ચૂકેલા. સાચા સંતો તો ગુરૂ નાનકદેવની ભાષામાં કહીએ તો ‘સુખ દુઃખ દોનોં સમ કરી જાને ઔર માન અપમાના’ની ભૂમિકામાં રમતા હોય છે.

નાયનારની ઈચ્છા મહર્ષિના શ્રીમુખથી સદુપદેશ પ્રાપ્ત કરવાની હતી. એ માટે ઉત્સુક થઈને એ એમની પાસે બેસી રહેતો પણ ખરો. પરંતુ એની એ ઈચ્છા પરિપૂર્ણ ના થઈ. મહર્ષિને ઉપદેશ આપવાની ઈચ્છા જ ના થઈ. એ હમેશાં ધ્યાનાવસ્થામાં ડૂબેલા અને અને આત્મરત, આત્મક્રીડ તેમ જ આત્મનિષ્ઠ રહેતા. સાધનાના અજ્ઞાત અથવા અલ્પજ્ઞાત પ્રદેશમાં અધિક ને આગળ વધવાની અભીપ્સા સિવાય એમના જીવનમાં બીજી એકે અભિલાષા અવશિષ્ટ નહોતી રહી. એમનું સમગ્ર ધ્યાન સાધનામાં જ કેન્દ્રિત બનેલું.

એ વખતની એમની સાધનાત્મક અંતરંગ અનુભૂતિઓનો ખ્યાલ કોને આવી શકે ? એમના આત્મિક અનુભવ ભંડારનો પરિપૂર્ણ ચિતાર કોણ પૂરો પાડી શકે ? એ વિષય વ્યક્તિગત હોવાથી બીજાએ તો એનું અનુમાન કરીને જ સંતોષ મેળવવો રહ્યો. છતાં પણ એટલું તો સ્પષ્ટ હતું કે ગૃહત્યાગ પછીનો અરૂણાચલ નિવાસનો સઘળો સમય એમણે સાધનામાં વિતાવેલો. એને લીધે એમની મુખકાંતિ ને શાંતિ વધેલી. પોતાના ઈપ્સિત ધ્યેયમાર્ગે એ ક્રમેક્રમે આગળ વધી રહેલા. અંદરના ને બહારનાં કોઈપણ પ્રકારનાં પ્રલોભનોને વશ થયા વગર એમણે સાધનાસફર ચાલુ રાખેલી. એમના સરખા સુસંસ્કારી શક્તિશાળી સાધક સિવાય બીજા કોઈથી એવી રીતે અવિરામ રીતે આગળ વધવાનું કામ કઠિન હતું. બીજા સામાન્ય સાધકો પર પરિસ્થિતિનો પ્રભાવ પડતો હોય છે પરંતુ મહર્ષિ પરિસ્થિતિને પ્રભાવિત કરી શકે એવી સર્વોત્કૃષ્ટ શક્તિવાળા હોવાથી પરિસ્થિતિની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં પણ આત્મવિકાસની સાધનાને વળગી જ રહ્યા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.