if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અરૂણાચલેશ્વરના મંદિરના પરમપવિત્ર પ્રદેશમાં રમણ મહર્ષિની તપશ્ચર્યા અથવા આત્મારાધના અબાધિત રીતે આગળ ચાલતી’તી તોપણ ત્યાંનુ વાતાવરણ સર્વથા અનુકૂળ તો નહોતું જ એ આપણે આગળ પર જોઈ ગયા. એને લીધે જ એમને થયું કે આ વાતાવરણને બદલીને કોઈક બીજા વાતાવરણમાં તપશ્ચર્યા કરવા માટે જવાનું થાય તો સારું. ત્યાં સાધના તદ્દન વિક્ષેપરહિત દશામાં કરી શકાય. એમના જીવનની ગતિવિધિ ભગવાન અરૂણાચલેશ્વરના અનુગ્રહાનુસાર ચાલ્યા કરતી. અરૂણાચલને માટે એમને અસાધારણ આદરભાવ હતો. એ આદરભાવની અસરકારક અભિવ્યક્તિ એમના અરૂણાચલસ્તોત્રમાં સ્વાભાવિક રીતે જ થયેલી છે.

એટલો બધો અસાધારણ આદરભાવ હોવા છતાં અરૂણાચલેશ્વરના મંદિરનું સ્થાન એમને પોતાની સાધના માટે સલામત ના લાગ્યું. એમને ત્યાંના વિક્ષેપકારક વાતાવરણને લીધે સ્વાભાવિક રીતે જ સ્થાનપરિવર્તનની ઈચ્છા થઈ. એ ઈચ્છાની પાછળ ભગવાન અરૂણાચલેશ્વરની જ પ્રેરણા કામ કરી રહી છે અને એમની સુનિશ્ચિત પૂર્વનિર્ધારિત યોજનાનુસાર એ ઈચ્છાની સંતોષકારક પૂર્તિ થઈ રહેશે એવો એમને વિશ્વાસ હતો.

ભગવાન અરૂણાચલે એમની અહેતુકી અનુકંપાથી પ્રેરાઈને એ ઈચ્છાની પૂર્તિ માટે એક પ્રસંગ યોજ્યો. ઈશ્વરની મંગલમયી ઈચ્છા અથવા પરમકૃપા કેવી અદ્ ભુત રીતે કાર્ય કરે છે એની પ્રતીતિ એ પ્રસંગ પરથી સહેલાઈથી થઈ રહે છે.

અરૂણાચલમાં પુરાતન કાળમાં એક શિવમાર્ગી સાધુઓનો મઠ હતો એવું કહેવાય છે. પોતાના સંપ્રદાયની પ્રણાલિકાને અનુસરીને એને એમણે અધીનમ્ નામ આપેલું. વરસો પહેલાં એ મઠને બદલીને કૂન્નુ કુડિમાં લઈ જવામાં આવેલો. એ મઠના નિવાસીઓમાંનો એક શ્રી અન્નાયેલ તંબિરાન કોઈક કારણ ઉપસ્થિત થવાથી એ મઠનો ત્યાગ કરીને અરૂણાચલ પહોંચી ગયેલો. અરૂણાચલમાં રહીને પણ એ પોતાના પંથની પરિપાટી પ્રમાણે પૂજા કરતો. તિરુવણ્ણામલૈ શહેરના એક વિભાગમાં ‘કીલનાતૂર’ ની નજદીકના બગીચામાં એના સંપ્રદાયના એક આદિ ગુરૂની સમાધિ હોવાથી એ બગીચો ગુરૂમૂર્તમને નામે ઓળખાતો. તંબિરાન ત્યાં રહીને ગુરૂની સેવાપૂજા અને આત્મવિકાસની સાધના કરતો. બાકીના સમયમાં એ પોતાના સંપ્રદાયના લોકોનો સંપર્ક સાધીને જીવનોપયોગી સત્સંગ કરતો. અપ્પર, સુંદરમૂર્તિ અને જ્ઞાનસંબંધરસમાં સત્પુરૂષોનાં રચેલાં સુંદર સુધાસભર ભક્તિભાવ ભરપૂર શૈવ ગીતો––જેમને તેવારો કહેવામાં આવે છે તે–નું ગાન ગાતો, ભિક્ષા માગવા નીકળતો, અને સંતસમાગમનો આસ્વાદ લેતો. ભિક્ષામાં એને જે કાંઈ પ્રાપ્ત થતું તેનો ઉપયોગ ગરીબોને ખવડાવવાના શુભ કાર્યમાં પણ કરતો રહેતો. સાચા સંતોને માટે એને અસાધારણ અનુરાગ અને આદરભાવ હતો.

                * * *          * * *          * * *          * * *

તંબિરાને મધૂક વૃક્ષની નીચે બેઠેલા રમણ મહર્ષિની તપમગ્ન મૂર્તિનું દર્શન કર્યું ત્યારથી જ એનું મન મંત્રમુગ્ધ બની ગયું. મહર્ષિનું સ્વરૂપ અતિશય આકર્ષક હતું. એ બાહ્યજ્ઞાનશૂન્ય બનીને અતીન્દ્રિય અવસ્થામાં ડૂબી ગયેલા. એમનું તન ને મન અચળ હતું. મુખમંડળ પર ઊંડી શાંતિ, કાંતિ તથા સૌમ્યતા ફરી વળેલી. યોગસાધના ને યોગારૂઢ દશાની સજીવ મૂર્તિ જ પોતાની આગળ બેઠી હોય એવું એને ભાન થયું. યોગસાધનાનાં સર્વોત્તમ સિદ્ધિશિખરોને સર કરી ચૂકેલા એવા આત્મલીન પ્રશાંતિપ્રાપ્ત પ્રતાપી મહાપુરૂષનાં દર્શનનો એ વિરલ અવસર એના જીવનમાં એ પહેલો જ હતો. એને લીધે એણે પોતાના જીવનને કૃતાર્થ માન્યું. પરમાત્માની પરિપૂર્ણ પરમકૃપા વિના એવા સ્વાનુભવ સંપન્ન સમાધિમગ્ન મહાપુરૂષનું દર્શન કોને ને કેવી રીતે મળે ? દર્શનનો એ દૈવી પ્રસંગ એના જીવનમાં કાયમને કાજે કોતરાઈ રહ્યો. મહર્ષિના વ્યક્તિત્વમાં એને એવી આકર્ષકતા, મનમોહકતા અને જાદુઈ શક્તિ લાગી કે પ્રથમ દર્શને જ એ એમનો ભક્ત બની ગયો. એના રસભરપૂર હૃદયને એમણે પોતાના પાવન પ્રભાવથી જીતી લીધું.

જીવનમાં અનેરી ક્રાંતિ કરનારા એ પ્રથમવારનાં ધન્ય દર્શન પછી એ એમની પાસે અવારનવાર આવવા માંડ્યો. મહર્ષિના પ્રભાવોત્પાદક પ્રશાંત વ્યક્તિત્વની છાયામાં એને શાંતિ સાંપડતી ને પ્રેરણા મળતી. એની સુષુપ્ત અથવા અર્ધવિકસિત સંસ્કારસંપત્તિ જાગૃત થતી ને અધિક બળવાન બનતી.

એક દિવસ તંબિરાન ઉદ્દંડી નાયનારને લઈને મહર્ષિ પાસે પહોંચી ગયો ને એમની જાગૃતિદશાનો લાભ લઈને બોલ્યો : ‘ગુરૂમૂર્તમનું સ્થાન ખૂબ જ સાનુકૂળ ને સુંદર છે. ત્યાં શાંતિપૂવર્ક સાધના કરી શકાય તેમ છે. આ સ્થાન કરતાં એ સ્થાન વધારે શાંતિમય અને એકાંત છે. તમે ત્યાં જ રહીને તપશ્ચર્યા કરો તો સારું. એ સુંદર સ્થળ તમારા પવિત્ર પદસ્પર્શથી પાવન બનશે ને મહિમા ધરશે. તમે મારું આમંત્રણ સ્વીકારીને ત્યાં પધારવાની કૃપા કરો એવી મારી પ્રાર્થના છે.’

ઉદ્દંડિ નાયનારે તંબિરાનની વાતનું સમર્થન કર્યું.

નાયનારે પોતે જ પહેલાં તંબિરાનની સૂચનાથી મહર્ષિની આગળ એ સ્થાન પરિવર્તનનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી બતાવેલી પરંતુ મહર્ષિ મોટે ભાગે ધ્યાનમગ્ન ને શાંત રહેતા હોવાથી એમની સાથે વાત કરવાનો પૂરા એક મહિના સુધી પ્રસંગ જ પ્રાપ્ત નહોતો થયો. એટલે આખરે તંબિરાને જ એ વાતનો આરંભ કર્યો.

મહર્ષિએ અરૂણાચલની અલૌકિક ઈચ્છા માનીને તંબિરાનની પ્રાર્થનાનો કોઈપણ પ્રકારના વિલંબ કે સંકોચ સિવાય સહર્ષ સ્વીકાર કર્યો. એથી તંબિરાન તથા નાયનારનની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમને સંપૂર્ણ સંતોષ થયો. મહર્ષિ જેવા લોકોત્તર મહાપુરૂષની સેવાનો સુઅવસર સાંપડશે એ કલ્પનાથી તંબિરાનનું અંતર ઊછળવા લાગ્યું. એ પોતાની જાતને પરમ ધન્ય કે કૃતકૃત્ય માનવા માંડ્યો.

ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરી મહિનામાં એક ધન્ય ઘડીએ ને ધન્ય પળે મહર્ષિએ તંબિરાન તથા નાયનાર જેવા એકનિષ્ઠ પ્રેમી ભક્તો સાથે ગુરૂમૂર્તમના સરસ શાંત સ્થળમાં પ્રવેશ કર્યો. તિરુવણ્ણામલૈનાં ભિન્ન ભિન્ન સ્થળોને કૃતાર્થ કરવા ને પોતાની આત્મસિદ્ધિની સર્વોત્તમ સાધનાથી વધારે મહિમાન્વિત બનાવવા માટે જ એમણે એની ભૂમિમાં પદાર્પણ કર્યું હોય એવું લાગવા માંડ્યું. એમની પવિત્ર પદરજથી એ પવિત્ર ભૂમિ વધારે ને વધારે પાવન બનવા સરજાયલી. મહાત્મા પુરૂષોનાં જીવન પોતાના જીવનથી બીજાને જ્યોતિર્મય કરવા ને મહિમામય બનાવવા માટે જ હોય છે. કહ્યું પણ છે કે ‘સરવર તરવર સંતજન ચોથા વરસે મેહ, પરમારથ કે કારણે ચારો ધરિયા દેહ.’ એમના સંબંધમાં પણ એ સુપ્રસિદ્ધ લોકોક્તિ કેમ ખોટી પડી શકે ?

* * *          * * *          * * *          * * *

મહર્ષિની તપશ્ચર્યા ગુરૂમૂર્તમના નૂતન સ્થળમાં અબાધિત રીતે ચાલવા માંડી. એમની લગની અદ્ ભુત હતી. એમની આંતરિક આતુરતાને અંત ન હતો. એમની અભીપ્સાએ માઝા મૂકેલી. એમનું રોમેરોમ સંસિદ્ધિનાં સર્વોત્તમ શિખરોને સર કરવા તલસી રહેલું. એમના અણુએ અણુમાં આગળ વધવાનો અદમ્ય અસાધારણ અનવરત ઉત્સાહ હતો. સાધકની સાધના એવી સુયોગ્યતા સિવાય સફળમનોરથ નથી થઈ શકતી. આત્મિક સાધનાનાં સર્વોચ્ચ સુમેરુ શિખરોને સર કરવા માટે એવી અંતરંગ યોગ્યતાની આવશ્યકતા હોય છે. એ શ્રેયસ્કર સાધનાપથ પર પ્રયાણ કરનારા સાધકોમાં અધિકાંશ સાધકો એટલા માટે સફળ નથી થઈ શક્તા કે એમની અંદર એવી અનિવાર્ય યોગ્યતાનો અભાવ હોય છે. ત્યાગ અને બાહ્ય ત્યાગ હોય પણ જરૂરી વૈરાગ્યનું પીઠબળ ના હોય : ત્યાગ તથા વૈરાગ્ય બંને હોય પરંતુ એમના પૂરક બળ જેવી જીવનની વિશુદ્ધિ ના હોય : ત્યાગ, વૈરાગ્ય ને વિશુદ્ધિ ત્રણેનો સુભગ સંગમ હોય પણ સાધનાની રૂચિ કે સાધના ના હોય : અને સાધના હોય પરંતુ સમજપૂર્વકની, સુદીર્ઘકાળની, ઉત્સાહયુક્ત ના હોય - એવાં બધાં કારણોને લીધે સાધનાના અનુષ્ઠાનનું અમૂલખ બીજ અંકુરિત ને નવપલ્લવિત નથી થઈ શકતું. એ એવું ને એવું જ નિષ્પ્રાણ રહી જાય છે. સામાન્ય શ્રેણીના શ્રેયાર્થીઓની એવી અયોગ્યતાથી મહર્ષિ શરૂઆતથી જ સર્વાંશે મુક્ત હોવાથી પોતાના જીવનને સાચા અર્થમાં સાધનાત્મક ને જ્યોતિર્મય બનાવી શક્યા. એ એમની વિશેષતા હતી.

ગુરૂમૂર્તમના સુંદર, શાંત અને એકાંત સ્થળમાં મહર્ષિની સાધના સુચારુરૂપે સંતોષકારક રીતે ચાલવા માંડી ત્યારે પણ એમનો લગભગ સઘળો સમય મૌનાવસ્થામાં જ પસાર થતો. એમને મૌનવ્રત જેવું કોઈ વિશેષ વ્રત નહોતું લેવું પડ્યું, પણ મૌન એમને માટે સ્વાભાવિક, એમના સ્વભાવના એક અગત્યના અવિભાજ્ય અંગરૂપ બની ગયેલું. સાધનામાં જે સાચા ને સંપૂર્ણ મૌનની સુભગ શરૂઆત થાય છે તે મૌન વાણીનું જ નથી હોતું, મનનું હોય છે. સત્યના સાક્ષાત્કારની દિશામાં ઉત્તરોત્તર આગળ વધવાથી અથવા પરમપ્રકાશની પ્રાપ્તિ થવાથી ઈન્દ્રિયો પોતપોતાના પ્રિય પદાર્થો કે વિષયોમાંથી પરાઙમુખ બનીને આત્માભિમુખ વૃત્તિને ધારણ કરે છે. પછી એ વૃત્તિનો પણ લય થતાં સર્વ પ્રકારના સંકલ્પ-વિકલ્પની નિવૃત્તિ થવાથી આત્મસ્વરૂપની સ્વાનુભૂતિ જ શેષ રહે છે. એ દશામાં મૌન નૈસર્ગિક બને છે. એ દશાવિશેષનો ઉલ્લેખ કરીને જ બૃહદારણ્યક ઉપનિષદનાં પેલાં પ્રસિદ્ધ વચનોમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે દ્વૈતભાવ હોય છે ત્યારે જ એક દ્દષ્ટા બને છે ને બીજું દ્રશ્ય, એક શ્રોતા બને છે ને બીજું શ્રવણ, એક વક્તા બને છે ને વાણીનો વ્યાપાર શક્ય બને છે : એક બીજાને સૂંઘે છે ને જાણે છે : પરંતુ સઘળું જ્યારે એક થઈ જાય છે ને માનવ અદ્વૈતભાવમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારે કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને સૂંઘે, કોણ કોને જાણે, અરે જે વિજ્ઞાતા––સૌનો સાક્ષી કે દ્દષ્ટા છે તેને કોણ જાણે ?

મહર્ષિની અવસ્થા પણ એવી જ અલૌકિક હતી. સાધનાના પરમપવિત્ર પ્રદેશનો એમનો પુણ્યપ્રવાસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ એમના આત્મબળની અભિવૃદ્ધિ થતી ગઈ ને મૌન એમને માટે સ્વભાવસહજ બની ગયું. જે પરમપિતાને એ શોધવા નીકળેલા એમના સાક્ષાત્કારના માર્ગનું મોટા ભાગનું મહામૂલ્યવાન અંતર એમણે કાપી નાખેલું ને થોડું ઘણું શેષ હતું તેને કાપી નાખવાની એમને હોંશ તથા શ્રદ્ધા હતી. પોતાના મનરૂપી રાજહંસને એ આત્માના અમર અમૃતમય માનસરોવરમાં પહોંચાડી ચૂકેલા હોવાથી જ એમની વાણી એની સ્થૂલ પ્રતિક્રિયારૂપે વિરામ પામેલી. એમના મૌનનું રહસ્ય એમાં જ સમાયલું : એ અખંડ અભંગ આત્માનુભૂતિમાં.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.