if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લોકોને અત્યાર સુધી સહેજ પણ ખબર નહોતી કે મહર્ષિ કોણ છે. એ હજુ મહર્ષિના મીઠા ને મોટા નામથી વિખ્યાત નહોતા થયા. એ બ્રાહ્મણ સ્વામી, ગુરૂમૂર્તમ સ્વામી, જેવા નામે ઓળખાતા. એ નિરક્ષર ન હતા એ હકીકત તો તંબિરાનના પેલા પ્રસંગ પરથી જ સ્પષ્ટ થઈ ચૂકેલી. રહી એમના પૂર્વાશ્રમની વાત. તે અત્યાર સુધી ગુપ્ત હતી પરંતુ થોડા જ વખતમાં બનેલા પ્રસંગ પરથી એમના પૂર્વાશ્રમ અથવા પૂર્વજીવનનું રહસ્ય પ્રકટ થઈ ગયું. વાત એમ બની કે એ તાલુકાના શિરસ્તેદાર વેંકટરામય્યર એમની ઉપર ખૂબ શ્રદ્ધાભક્તિ રાખતા. એ એમની અવારનવાર મુલાકાત લેતા. એમના શાંત, સ્વર્ગીય, સુખદ સાંનિધ્યમાં એમને શાંતિ મળતી. એ કશું બોલતા નહિ તોપણ એમની અમૃતમય આકૃતિ અને દૃષ્ટિ એમને માટે પ્રેરક થતી. એમણે એક વાર એમની મુલાકાત લઈને એમના પૂર્વજીવન વિશે માહિતી મેળવવાની ઈચ્છા પ્રકટ કરી પરંતુ એ ઈચ્છા પરિપૂર્ણ ના થઈ ત્યારે એમણે ઉપરાઉપરી આગ્રહ કર્યો.

મહર્ષિ એમના આગ્રહને વશ ના થયા ત્યારે એમણે કહ્યુ : ‘મારી નોકરી છૂટી જાય કે ગમે તે થાય ને મારે ગમે તેવો નાનો કે મોટો ભોગ આપવો પડે તોપણ તમારા સંબંધી સ્પષ્ટ માહિતી નહિ મળે ત્યાં સુધી અહીંથી પાછો નહિ ફરું. મારી માગણી બહુ મોટી નથી. હું તો તમારા વિશે ચોક્કસ જાણવા માગું છું. તમે મારી ઈચ્છા પૂરી કરો એવી મારી પ્રાર્થના છે.’

એમની શ્રદ્ધાભક્તિની ધારેલી અસર થઈ ખરી. મહર્ષિનું હૃદય છેવટે પીગળ્યું. એમણે એમની ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને શાંતિથી લખી જણાવ્યું ‘વેંકટરામન, તિરુચ્ચુલી.’

મહર્ષિએ પોતાના નામનો ને ગામનો સંક્ષિપ્ત પરિચય એવી રીતે આપ્યો તો ખરો પરંતુ વેંકટરામય્યર તિરુચ્ચુલીથી અનભિજ્ઞ હોવાથી એને સંપૂર્ણપણે સમજ્યા નહિ.

પેરિય પુરાણ ગ્રંથનો આધાર લેવાથી એ તિરુચ્ચુલીની માહિતી મેળવી શક્યા ત્યારે એમને નિરાંત વળી.

એ પ્રસંગને દોઢેક વરસ જેટલો વખત વીતી ગયો.

ગુરૂમૂર્તમનું સ્થાન ખુલ્લી જગ્યામાં હોવાથી ત્યાં મહર્ષિના દર્શન માટે માણસો કોઈપણ પ્રકારની રોકટોક વગર આવતા રહેતા. એથી તપશ્ચર્યામાં વિક્ષેપ પડવાનો સંભવ હતો. એવા વિક્ષેપનો વિચાર કરીને એ સ્થાનની બાજુમાં આવેલા આમ્રવૃક્ષોના બગીચાના માલિક શ્રી વેંકટરામ નાયકરે મહર્ષિ પાસે પહોંચીને એક વાર પ્રાર્થના કરી :

‘આ સ્થળમાં રહેવાને બદલે મારા વિશાળ બગીચામાં આવીને રહેવાની કૃપા કરો. એ સ્થળ સર્વપ્રકારે અનુકૂળ હોવાથી તમને વધારે ગમશે. ત્યાં રહીને કોઈ પણ પ્રકારના બાહ્ય વિક્ષેપ વિના તમે શાંતિપૂર્વક તપશ્ચર્યા કરી શકશો.’

મહર્ષિ તથા પલનિ સ્વામીએ - બંનેએ નાયકરના પ્રસ્તાવને માન્ય રાખ્યો.

નાયકરને એથી આનંદ થયો.

આમ્રવૃક્ષોની અત્યંત આહલાદક શીતળ છાયામાં નાયનારના એકાંત શાંત સુંદર આશ્રયમાં બ્રહ્મા તથા વિષ્ણુની જુગજૂની જોડી જેવા એ બંને સંતપુરૂષો રહેવા લાગ્યા.

એમનો લગભગ સઘળો સમય તપશ્ચર્યામાં વ્યતીત થતો.

જે આમ્રવૃક્ષની શીતળ છાયામાં એ વાસ કરતા એ એમના ભાવિ જીવનનું પરિચાયક હતું. એમનું સમસ્ત જીવન એ વૃક્ષની પેઠે વિશાળ થવા સરજાયેલું. એ જીવનને આમ્રવૃક્ષની પેઠે મધુરતાની મંજરીઓ ફૂટેલી. એમાંથી અભિનવ અમૃતમય ફળની સુખદ સૃષ્ટિ થવાની હતી. એ ફળનો રસાસ્વાદ પામીને મહાભાગ માનવોના આત્મા ધન્યતાનો અનુભવ કરવાના હતા. એમના આશ્રયે આવીને અસંખ્ય તાપતપ્ત અકળાયેલા આત્માઓ અસાધારણ આરામ અને શાંતિ મેળવવાના હતા. એમનું અત્યારનું જીવન એ વિરાટ ભાવિ જીવનની પૂર્વતૈયારીરૂપ હતું. એ ઉત્તમ ઉજ્જ્વળ જીવનની અસાધારણ જેવી ઝાંખી અત્યારથી જ થઈ શકતી.

એમની એ યોગમુદ્રામાં મગ્ન, મંગલ મૂર્તિની કલ્પના તો કરી જુઓ. આમ્રવૃક્ષની શીતળ છાયામાં એ આત્મલીન બનીને પદ્માસન વાળીને બેસી રહ્યા છે. એમની આંખ બંધ છે. મુખાકૃતિ શાંત, તેજોમય, ઉત્સાહયુક્ત ને પ્રસન્ન છે. શરીર તપશ્ચર્યાથી અત્યંત કમજોર ને કૃશ બની ગયું છે. મસ્તક પર જટા છે. હાથના નખ આવશ્યકતાનો અતિરેક કરીને આગળ વધ્યા છે. મન પંચમહાભૂતાત્મક બાહ્ય જગતના પરિવર્તનશીલ પદાર્થોમાંથી પરાઙમુખ બનીને અંતર્મુખ વૃત્તિથી અલંકૃત અને આત્મકેન્દ્રિત થયું છે. એવું અદભુત, સુંદર છે એમનું સ્વરૂપ. એના અવલોકનમાત્રથી જ અંતર આનંદથી ઊભરાઈ ઊઠે છે ને પ્રેરણાથી પરિપ્લાવિત બને છે. એવું ધન્ય દર્શન કોઈ ધન્ય કાળે, ધન્ય સમયે, ધન્ય સ્થળે જ થતું હોય છે.

મહર્ષિની સાધના વિલક્ષણ હતી. હવે એમને સમાધિદશાની અનુભૂતિ માટે આંખ બંધ કરવી નહોતી પડતી. દીર્ઘકાળના એકધારા અનવરત અભ્યાસના પરિણામરૂપે એ ઉઘાડી આંખે જ સમાધિમગ્ન દશામાં બેસી રહેતા. આંખ ઉઘાડી હોવા છતાં એમનું મન આત્મલીન અથવા સમાધિમગ્ન જ રહેતું. એવી અસાધારણ અવસ્થા ઉત્તમ કક્ષાના સાધકોને પણ સહેલાઈથી નથી સાંપડતી. એની સિદ્ધિને માટે પ્રામાણિકપણે પ્રખર પુરૂષાર્થ કરવો પડે છે. યોગમાર્ગનું પ્રતિપાદન કરનારા ગ્રંથોમાં એવી ઉત્તમોત્તમ અવસ્થાનું વર્ણન સુચારુરૂપે કરવામાં આવ્યું છે. શાંભવી મુદ્રાનો અભ્યાસ એવી અંતરંગ અતીન્દ્રિય અવસ્થાની અનુભૂતિ માટે જ કરવામાં આવે છે.

મહર્ષિનું સાધનાત્મક જીવન એમના ગૃહત્યાગ પછી પ્રતિદિન પ્રગતિ કરતું ને પરિપુષ્ટ બનતું એવી રીતે આગળ વધતું ગયું. એમના જીવનની કિશોરાવસ્થામાં આત્મસાધનાના મંગલમય મંદિરનો જે પાયો નંખાયલો તે બળવત્તર બનતો ગયો અને એની ઉપર જોતજોતામાં તો મધુમય ઓજસ્વી ઐતિહાસિક     અદ્ ભુત ઈમારતની રચના થઈ. એ યોગાનુયોગની પાછળ એમના પૂર્વજન્મના પરિપકવ સંસ્કારો અને વર્તમાન જન્મના પુરૂષાર્થપોષિત ભાવો કામ કરી રહેલા એમાં શંકા નથી. એને લીધે જ એ સહજ સમાધિની ભૂમિકા સુધી પહોંચી શકેલા.

એ અલૌકિક સિદ્ધાવસ્થાની પ્રાપ્તિની પાછળ જે મુખ્ય મહાન પરમપ્રેરક બળ કામ કરી રહેલું એનો ઈન્કાર પણ કેવી રીતે કરી શકાય ? એ બળ ભગવાન અરૂણાચલનું હતું. મહર્ષિ વેંકટરામનના રૂપમાં વરસો પહેલાં એમને જ શરણે આવેલા, એમને જ એક માત્ર ગુરૂ તરીકે સ્વીકારી ચૂકેલા અને એમના પરમાનુગ્રહથી જ પ્રેરણા ને પ્રકાશ પામેલા. એમના અસંતોષ અને એમની શંકાઓનું નિવારણ એમને લીધે જ થયેલું. મમતાળુ માતા પોતાના બાળકને આંગળી પકડીને સહીસલામત આગળ વધારે ને સર્વ પ્રકારના ભયસ્થાનો ને પ્રલોભનોથી પાર કરે તેવી રીતે એમને આગળ વધારીને એમના પથને એમણે સરળ કરેલો. એમના એ અમૂલખ અહેસાનને એ કેવી રીતે ભૂલી શકે ?

મહર્ષિની અનવરત અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરાયેલી એ આત્મિક અવસ્થા કેટલી બધી અનેરી અથવા ઉત્તમ હતી ? સામાન્ય રીતે સાધનામાં અંતરંગ વિકાસની પાંચ અવસ્થાઓ આવતી હોય છે. પ્રથમ અવસ્થાને વિક્ષિપ્ત અવસ્થા અથવા એકાગ્રતારહિત અવસ્થા કહી શકાય. એ અવસ્થામાં મન ધ્યાન અથવા ઈશ્વરસ્મરણમાં લાગે છે ખરું, પરંતુ બરાબર નથી લાગતું. એની એકાગ્રતાના અવરોધક વિક્ષેપો અથવા અંતરાયો અવારનવાર આવ્યા કરે છે. એ ઘડીમાં બાહ્ય વિષયોમાં વહી જાય છે તો ઘડીમાં આત્માભિમુખ બને છે તોપણ મોટે ભાગે તો બહિર્મુખ વૃત્તિ જ ધારણ કરે છે.

એ આરંભની અવસ્થામાંથી પસાર થયા પછી મન એકાગ્રતાની અવસ્થામાં પ્રવેશે છે. એ વખતે વિક્ષેપો એને વિચલિત નથી કરતા.

એકાગ્રતાની એ અવસ્થા અતિશય આનંદદાયક તથા શાંતિપ્રદાયક હોય છે. એની પરિપકવતા થતાં તલ્લીનતાની અનેરી અવસ્થાનો આવિર્ભાવ થાય છે. એ અવસ્થાને લીધે સાધકનું મન બાહ્ય વિષયોમાંથી મુક્તિ મેળવીને અંદર આત્મામાં અથવા ધ્યેય પદાર્થમાં તલ્લીન બની જાય છે.

એના પરિણામે ચોથી સમાધિની દશાની પ્રાપ્તિ થાય છે. તે દશામાં અંદર રહેલી પરમચેતનાનો સ્વાનુભવ સહજ બને છે.

અને પાંચમી અંતિમ અવસ્થાની પ્રાપ્તિ એ પછી થતી હોવા છતાં પણ કોઈક બડભાગીને જ થાય છે. એ અવસ્થામાં પરમ ચેતનાનો સંપર્ક સતત, સહજ ને ચોવીસે કલાકનો બને છે. એ સંપર્કને માટે સમાધિની આવશ્યકતા  નથી લાગતી. એવો સંપર્ક જાગૃતિમાં પણ સ્વાભાવિક બને છે. ઉત્તમોત્તમ અવસ્થાએ પહોંચનારા  સાધકો કે સંતો વિરલ જ નહિ, અતિવિરલ હોય છે.

પ્રત્યેક સાધકે ક્રમેક્રમે આગળ વધવું પડે છે. મહર્ષિએ પોતાના પૂર્વજીવનમાં કરેલી કડીબંધ કઠોર સાધનાને પરિણામે વર્તમાન જીવનમાં એમને કેટલાક સંસ્કારો વારસામાં જ મળેલા. એ વારસામાં ત્વરિત ગતિએ અભિવૃદ્ધિ થતી ગઈ અને એને લીધે એમને એવી અસાધારણ અવસ્થાની પ્રાપ્તિ થઈ. સંસારના આધ્યાત્મિક ઈતિહાસમાં એટલી નાની ઉમરમાં અને એટલા અલ્પકાળના ગાળામાં એવી સાધનાત્મક સિદ્ધિ અતિવિરલ સાધકોને જ પ્રાપ્ત થઈ છે. એવા અતિવિરલ સિદ્ધિપ્રાપ્ત સાચા સાધકોમાં મહર્ષિનું સ્થાન ખૂબ જ ઉલ્લેખનીય અને આગળ પડતું છે. ધન્ય અરૂણાચલ ! તમારા આશ્રયે આવેલા સંસ્કારસંપન્ન સુયોગ્ય સાધકને તમારી સુધામય સ્વર્ગીય છત્રછાયાનું દાન કરીને તમે પ્રેરણાનું પીયૂષપાન પાયું અને તમારા સંસર્ગરૂપી પારસસ્પર્શથી એમની કાયાપલટ કરીને તમારા જેવી જ શાંતિ પૂરી પાડી, તમારા જેવા જ ગૌરવનું દાન કર્યું અને તમારા સદૃશ મહિમા પ્રદાન કર્યો. તમે જાણે કે એમના રૂપમાં અવતાર લીધો. તમારું સ્નેહપૂર્વકનું સાચું શરણ કદી નિરર્થક થાય છે ખરું ? તમારી અનુરાગપૂર્વકની અનવરત આરાધના કદી નિષ્ફળ જાય છે ખરી ? તમારું શિષ્યત્વ અને સમજપૂર્વકનું શિષ્યત્વ સ્વીકાર્યા પછી કોઈ મૂંઝવણ, વેદના, ચિંતા, ભીતિ કે ગ્રંથિ રહે છે ખરી ? ના. તમારો પ્રભાવ જ એવો ભારે છે કે કોઈનાય જીવનપર એ કાયમી અસર કરી જાય છે. મહર્ષિ જેવા મહામાનવના જીવન પર એની અસર વિશેષ રૂપે થઈ હોય તો એમાં શું આશ્ચર્ય છે ? એમાં તમારો અહેતુક અનુગ્રહ જ રહેલો છે. મહર્ષિ આ શરીરે નાના હોવા છતાં એમનો આત્મા ઘણો મોટો હતો, અને પૂર્વજીવનમાં એ તમારી સાથે કેટલા બધા લાંબા સમયથી સંકળાયેલા હશે એની ખબર કોને ને કેવી રીતે પડી શકે ? એ તો તમે જ જાણો છો. સુયોગ્ય સમયે તમે એ પૂર્વકાલીન સનાતન સંબંધને ફરી શરૂ કર્યો ને સુદૃઢ બનાવ્યો. જય અરૂણાચલ ! ધન્ય અરૂણાચલ !

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.