અરૂણાચલના પાવન પ્રદેશમાં મહર્ષિ પ્રશાંતિનો અનુભવ કરતા રહેવા લાગ્યા પરંતુ એમનો એ અજ્ઞાતવાસ લાંબા વખત લગી એમનાં પૂર્વાશ્રમનાં સ્વજનોથી અજ્ઞાત ના રહી શક્યો. એ ઘેરથી નીકળી તો ગયા પરંતુ એ પછી એમના ઘરમાં શું થયું તે સંક્ષેપમાં વિહંગદૃષ્ટિથી જોઈ જઈએ.
વેંકટરામન તે વિલક્ષણ દિવસે સ્કૂલમાં જવાનુ કહીને બહાર નીકળ્યા તો ખરા, પરંતુ એ પછી મોડે સુધી ઘેર ના આવ્યા એટલે ઘરમાં સૌને સ્વાભાવિક રીતે જ ચિંતા થઈ. સંધ્યાસમય થઈ ગયો ને રાત્રીના ગાઢ અંધકારને થોડો જ સમય શેષ રહ્યો તોપણ એ ના આવ્યા એટલે એમની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એ સ્કૂલમાં ગયા જ નથી. આ સમાચાર એકદમ અણધાર્યા ને નવા હતા. તો પછી એમનું શું થયું ? એ ક્યાં ગયા ? સ્કૂલમાં જવાને બદલે એ સ્કૂલના અભ્યાસથી કંટાળીને ક્યાંક બીજે જતા રહ્યા કે શું ? પરંતુ બીજે જાય પણ ક્યાં ?
નાગસ્વામી અને સુબ્બય્યરને એકાએક વિચાર આવ્યો કે વેંકટરામન કદાચ માનામદુરામાં પોતાના દિયર નેલ્લિયપ્પય્યરને ત્યાં રહેવા ગયેલી માતા અલઘમ્માને મળવા ના ગયા હોય. એમણે માનામદુરા ખાસ સંદેશવાહક મોકલ્યો.
સંદેશવાહક પાસેથી સઘળા સમચાર સાંભળીને માતા અલઘમ્માના વિષાદનો પાર ના રહ્યો. એનું હૃદય રડવા મંડ્યું. વેંકટરામન ક્યાં ગયો હશે ? પોતાના પતિના સ્વર્ગવાસના કરુણાતિકરુણ પ્રસંગને હજુ પૂરાં પાંચ વરસ પણ નહોતાં થયાં ત્યાં આ કેવો દારૂણ દુઃખપ્રસંગ ઉપસ્થિત થયો ?
બનતી બધી જ તપાસ કરવા છતાં પણ વેંકટરામનના કોઈ ચોક્કસ સમાચાર ના મળ્યા. પ્રતીક્ષા નકામી ગઈ. આશા નિરાશામાં પરિણમી. કાયમને માટે અજ્ઞાત રીતે ગૃહત્યાગ કરી ગયેલા વેંકટરામન પાછા ફર્યા જ નહિ. એ પાછા ફરવા માટે ગયેલા જ ક્યાં ? ઘરનાં માણસો એમના ઐતિહાસિક લોકોત્તર મહાભિનિષ્ક્રમણથી એકદમ અજ્ઞાત હતાં. એમને એની કલ્પના જ ન હતી. એટલે એમને ઠેકઠેકાણે શોધતાં જ રહ્યાં અને આખરે એ ના શોધાયા ત્યારે એમની પીડાનો પાર ના રહ્યો.
વેંકટરામને ઘેરથી વિદાય થતી વખતે લખેલી નાનકડી ચિઠ્ઠી એમના હાથમાં આવી પરંતુ એણે એમના વિષાદમાં ઘટાડો કરવાને બદલે વધારો કર્યો. એ મિતાક્ષરી ચિઠ્ઠીના રહસ્યનો ઉકેલ કરવાનું કાર્ય એમને માટે ખૂબ જ કઠિન અથવા એમની શક્તિની મર્યાદાથી પર હતું. વેંકટરામનને પરમપિતાની શોધ કરવાની આટલી નાની ઉંમરમાં શી આવશ્યકતા હતી ? આવી રીતે ઘરનો અકાળે ત્યાગ કરવાથી એ શોધમાં સહાયતા સાંપડે કે એવી શોધ સફળ થઈ શકે ખરી ? વેંકટરામનની બુદ્ધિ તેમ જ શક્તિ એવી શોધ કરવા જેટલી સુવિકસિત કે પરિપકવ ક્યાં છે ? એને કોઈનો કુસંગ થઈ ગયો હશે અથવા કોઈએ એના મગજને ભ્રમિત કર્યું લાગે છે એટલે જ એ વિદ્યાભ્યાસનો સાનુકૂળ સમય હતો ત્યારે આવું દુઃસાહસ કરી બેઠા. પોતાના એ ભયંકર દુઃસાહસને માટે પાછળથી એ જરૂર પસ્તાશે ને બુદ્ધિ ઠેકાણે આવતાં ઘેર પાછો ફરશે એ વખતે એની દશા કેટલી બધી દયાનીય હશે ? એ વખતે એનું જીવન બધી રીતે બરબાદ બની ચૂક્યું હશે.
સ્વજનો કે સંબંધીઓ પોતપોતાની સીમિત બુદ્ધિને અનુસરીને એવા એવા વિપરીત વિચારો કરવા લાગ્યા.
માનવની એ કરૂણતા છે કે એ પોતાની ભૂમિકાથી આગળની ભૂમિકાને નથી જોઈ શકતો કે નથી સમજી શકતો. એને મૂલવવા જેટલું સામર્થ્ય તો એનામાં હોય જ ક્યાંથી ? એવી અપેક્ષા પણ એની પાસેથી શી રીતે રાખી શકાય ?
કેટલાકે કહ્યું કે વેંકટરામન જઈ જઈને બીજે ક્યાં જશે ? એ ત્રણ રૂપિયા જ લઈ ગયો છે એટલે એમને ઈચ્છાનુસાર વાપરશે ને વહેલા મોડો પોતાની મેળે જ ઘેર પાછો ફરશે. એને માટે વધારે તપાસ કરવાની આવશ્યકતા જ ક્યાં છે ?
વખત વીતવા લાગ્યો પણ વેંકટરામન ઘેર પાછા ના ફર્યા અને એમના સંબંધી સુનિશ્ચિત સમાચાર પણ ના મળ્યા ત્યારે એમનાં સ્વજનોને નિરાશા થઈ. લગભગ એકાદ મહિના બાદ કોઈએ સમાચાર પહોંચાડ્યા કે તિરુવનંતપુરમાં વેંકટરામને કોઈક નાટક કંપનીના મેમ્બર થઈને થોડોક વખત વસવાટ કરેલો. એ સમાચારના આધાર પર તિરુવનંતપુરમાં તપાસ કરવામાં આવી પરંતુ એ તપાસ વ્યર્થ ગઈ. એથી ધારેલો હેતુ ના સર્યો.
માતા અલઘમ્માએ નિષ્ફળતાથી નિરાશ થયા સિવાય વેંકટરામનની શોધ ચાલુ રાખી. પોતાના દિયર નેલિયપ્પય્યર સાથે એ ત્રિવેન્દ્રમ તરફ ચાલી નીકળ્યાં.
ત્રિવેન્દ્રમમાં એમની દૃષ્ટિ વેંકટરામનને બધી રીતે મળતા એક છોકરા પર પડી. એનું કદ વેંકટરામનના કદ જેટલું જ હતું. માથા પર વેંકટરામન જેવા કાળા કેશ હતા. એને દેખીને અલઘમ્માનું માતૃ હૃદય ઊછળી પડ્યું. એને મળવા આતુર બન્યું. પરંતુ એટલામાં તો એ છોકરો પીઠ ફેરવીને, પાસે આવ્યા વગર, દૂરથી જ ચાલી નીકળ્યો ને ભીડમાં અદ્રશ્ય થયો. આશા પાછી નિરાશામાં ફેરવાઈ ગઈ.
ત્રિવેન્દ્રમથી બધાં ઉદાસ ચિત્તે પાછાં ફર્યા.
વખત વીતતો ગયો તેમ તેમ વેંકટરામનને મેળવવાની આશા મંદ પડતી ગઈ.