if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહર્ષિનો ૭૧મો જન્મદિવસ એમની એ વ્યાધિગ્રસ્ત અસ્વસ્થ દશા દરમિયાન જ આવી પહોંચ્યો. ભક્તોએ એનો એમની સંનિધિમાં જ ઈ.સ. ૧૯૫૦ના જાન્યુઆરીની પાંચમી તારીખે ભારે શ્રદ્ધાભક્તિપૂર્વક ઉત્સવ કર્યો. એ દરમિયાન મહર્ષિ ભક્તો ને ભાવિકોને દર્શન આપતા સવારે ને સાંજે લાંબા વખત લગી બેસી રહ્યા. ભક્તોએ રચેલાં એમના પ્રેમયુક્ત પ્રશસ્તિગીતોને એમણે શાંતિથી સાંભળ્યાં ને વાંચ્યાં. એ દિવસે અરૂણાચલ મંદિરના હાથીએ અરૂણાચલેશ્વર ભગવાનના પાર્ષદ તરીકે એમની પાસે પહોંચીને પ્રણામ કર્યા. થોડીવાર એ એમની આગળ ઊભો રહીને એમને અવલોકી રહ્યો. એ અવસર પર આશ્રમમાં આવેલી ઉત્તર ભારતની રાણીએ એ પ્રસંગનું ચલચિત્ર ઉતાર્યું. એ ઉત્સવ એવી રીતે અતિશય આનંદપૂર્વક ઊજવવામાં આવ્યો. એના આયોજકોને અને એમાં ભાગ લેનારા ભાવિક ભક્તોને શી ખબર કે મહર્ષિના જીવનનો એમની ઉપસ્થિતિમાં ઊજવાયલો એ છેલ્લો જ જન્મોત્સવ હતો અને આગામી જન્મોત્સવના શુભ અવસર પર એ એમની સાથે નહિ હોય ? એ દિવસની નોંધ કરતાં એમના શ્રદ્ધાળુ ભક્ત શ્રી એસ. એસ. કોહેન એમના ‘ગુરૂ રમણ’ નામના પુસ્તકમાં જણાવે છે :

 ‘એવી વાત વહેતી થયેલી કે ભક્તોના વિશાળ સમુદાયને લીધે સર્વાધિકારી મહર્ષિને ઉત્સવ અને આરતી માટે મોટા હોલમાં જવાની વિનંતિ કરવાના છે. એ સાંભળીને એમને ચિંતા થયેલી. અમને ભય લાગ્યો કે દાક્તરોના ના પાડ્યા છતાં એ બહાર નીકળવા જશે તો કદાચ મોટી મુસીબતમાં પડી જશે. પરંતુ એમને રોજના માર્ગમાં બેસીને આજે સવારે સૌને દર્શન આપતા જોયા ત્યારે અમને શાંતિ થઈ. આરતી વખતે એ નવથી સાડાદસ સુધી બેસી રહ્યા. એ એક જ દિવસ એવો હતો કે મહર્ષિએ ભક્તોની સાથે બેસીને એમના જન્મોત્સવને દિવસે ભોજન ના લીધું. એમના સખત ઘૂંટણને લીધે એ જમીન પર બેસી શકે તેમ ન હતા અને એમનો ખોરાક પણ જુદી જાતનો હતો. લાંબું અંતર કાપીને આવેલા સાધકોને નિરાશ ના કરવાને માટે બપોર પછી એ ત્રણથી છ વાગ્યા સુધી એટલે કે રોજના કરતાં બે કલાક વધારે બેઠા.’

* * *          * * *          * * *          * * *

મહર્ષિના સ્વાસ્થ્યલાભ માટે આશ્રમની બહાર ભક્તો તેમ જ પ્રશંસકો પ્રેમપૂર્વક પ્રાર્થના, પૂજા તથા આરાધના કરવા લાગ્યા. એમને માટે એમ કરવાનું સ્વાભાવિક હતું. કોઈએ એકવાર મહર્ષિને એમની અસરકારકતા વિશે પ્રશ્ન પૂછ્યો તો એમણે સસ્મિત ઉત્તર આપ્યો :

 ‘શુભ પ્રવૃત્તિઓમાં લાગ્યા રહેવાનું હંમેશાં ઈચ્છવા યોગ્ય છે. એ પ્રવૃત્તિઓ ભલે ચાલ્યા કરતી. યોગ્ય સમયે બધું બરાબર થઈ રહેશે. ’

પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરનારા કોઈક શ્રદ્ધાળુ સેવકને ઉદ્દેશીને એમણે સરળ દ્દષ્ટાંતથી ભરેલી ભાવમય ભાષામાં કહ્યું :

 ‘જ્યારે ભોજન પૂરું કરી લેવામાં આવે છે ત્યારે જેનો ઉપયોગ કરીને જમવામાં આવે છે તે પતરાળીને રાખી મૂકીએ છીએ ?’

એ પ્રસંગ પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે મહર્ષિ એમના અંતકાળને પહેલેથી જ જાણી ચૂકેલા. પોતાના શરીરત્યાગનો સમય સમીપ આવ્યો છે એ સંબંધી એમને સહેજ પણ શંકા નહોતી રહી. એમના વર્તમાન જીવન પર કાળનો જે પડદો પડવાનો હતો એ એમની અજ્ઞાતાવસ્થામાં નહોતો પડવાનો પરંતુ એમની ઈચ્છાનુસાર જ પડવાનો હતો.

ભાવિક ભક્તોને માટે એ સંકેત પૂરતો હતો. એ સમજી ગયા કે મહર્ષિની મહાસમાધિનો સમય હવે પાસે છે.

એક શોકાતુર ભક્તને સાંત્વન આપતાં એમણે જણાવ્યું :

 ‘આ શરીરને ભગવાનનું સમજીને એમને દુઃખ થઈ રહ્યું છે એવું એ બધા માની રહ્યા છે. કેટલું બધું દયાજનક છે ! એ શોક કરે છે કે ભગવાન એમને છોડીને જતા રહેશે. પરંતુ એ ક્યાં ને કેવી રીતે જઈ શકે ?’

એમના એ રહસ્યમય જ્ઞાનયુક્ત શબ્દો વાતાવરણમાં આજે પણ એટલી જ અસરકારક રીતે ગુંજી રહ્યા છે.

* * *          * * *          * * *          * * *

મહર્ષિનું સ્વાસ્થ્ય દિનપ્રતિદિન વધારે ને વધારે કથળવા લાગ્યું. એથી ચિંતિત થઈને ભારત અને ભારતની બહારના જુદા જુદા ભાગોમાંથી ભાવિક ભક્તો તથા પ્રશંસકો એમના દર્શન માટે આવવા લાગ્યા. તિરુવણ્ણામલૈમાં મોટો માનવમેળો ભરાયો.

એમની મહાસમાધિના બે દિવસ પહેલાં એમણે પોતાની પાસેથી પસાર થનારા ભક્તો પર વિશેષ પ્રેમપૂર્વકની કૃપાદૃષ્ટિ કરી. એ કૃપાદૃષ્ટિ એમની અંતિમ દૃષ્ટિ હતી. એ પછી એમની અશક્તિ એકદમ વધી ગઈ અને બાહ્ય પ્રવૃત્તિ લગભગ બંધ પડી.

શ્રી કોહેન એમના ‘ગુરૂ રમણ’ નામના પુસ્તકમાં એ દિવસોની નોંધપોથી રજૂ કરતાં લખે છે :

 ‘એવું લાગે છે કે પ્રલયનો દિવસ હવે પાસે આવી પહોંચ્યો. એ દિવસ કે જ્યારે અમારા જીવનનું સર્વસ્વ, જીવવા જેવું બધું જ જતું રહેવાનું છે : અમારો આધાર, અમારી આશાઓ, અમારી સર્વોત્તમ સંપત્તિ : અમારા ગુરૂદેવનું અમૂલખ જીવન.

 ‘આજે એ સોફા પર લાંબા થઈને સૂતા છે. એમની આંખ ઊંડી ઊતરી ગઈ છે, ચામડી ફીકી તથા જીવનરહિત બની ગઈ છે અને એમના ગાલ બેસી ગયા છે. ત્રણ સેવકો એમના પગ દાબી રહ્યા છે. એમના શરીરનો ઉપલો અડધો ભાગ એવો તો દર્દીલો બની ગયો છે કે એને અડતાંવેંત જ એમને પીડા થાય છે. સવારના નવ વાગ્યાના અડધા કલાકના ઉપલક દર્શન દરમિયાન એમણે એકાદ બે વાર દર્શનાર્થીઓ તરફ દૃષ્ટિપાત કર્યો એટલું જ, બાકી મોટે ભાગે એ આત્મલીન અને ચેતનારહિત બની ગયા છે. દાક્તરોએ એમને તપાસવાનું છોડી દીધું છે અને એમની પાસે જવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. બધાએ એમના જીવનની આશા મૂકી દીધી છે.

 ‘સ્ત્રીઓ રડી રહી છે. પુરૂષો શોકમગ્ન બન્યા છે ને ઊંડી વેદનામાં ડૂબી ગયા છે, કારણ કે સૌને લાગે છે કે આજનો દિવસ છેલ્લો જ છે. મહર્ષિ હજુ ભાનમાં છે ને કોઈવાર બોલે છે પણ ખરા. પરંતુ છેલ્લી ઘડી સુધી કશું નથી માગતા. એમને માટે શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ એ વિશે કશો જ અભિપ્રાય નથી આપતા, ને કોઈ જાતની પીડાની ફરિયાદ પણ નથી કરતા. ફક્ત કોઈવાર દર્દવાળા અંગને અડવામાં આવે છે ત્યારે બીજાને માહિતી આપતા હોય તેમ બોલી ઊઠે છે : ‘એવી એક પણ જગ્યા નથી જ્યાં સ્પર્શ કરવાથી પીડા ના પહોંચે.’

એ નોંધ તારીખ ૧૨મી એપ્રિલ ૧૯૫૦ની છે. એ જ દિવસે એમને ઔષધ આપવા આવેલા કવિરાજને ઉદ્દેશીને એમણે જણાવ્યું :

 ‘શરૂઆતથી જ હું કહી રહ્યો છું કે આવી બધી વસ્તુઓની જરૂર નથી; પરંતુ મારું કોણ સાંભળે છે ? હવે મારું પેટ એટલું બધું બગડી ગયું છે કે એ કશું પચાવી નથી શકતું. મને કોઈ પદાર્થની ઈચ્છા કે ભૂખ પણ નથી રહી. મારો સ્વાદ બગડી ગયો છે, મારી જીભ રસ વગરની બની ગઈ છે, તો પણ મને ખાવાપીવા માટે દબાણ કરવામાં આવે છે. મારાથી કેવી રીતે ખાઈ પી શકાય ? ’

ચૌદમી એપ્રિલ ૧૯૫૦નો દિવસ એ મહાપુરૂષની પાર્થિવ જીવનલીલાનો અંતિમ દિવસ થઈ પડ્યો. એ દિવસે એમણે મહાસમાધિ લઈ લીધી ને પોતાના અસલ વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ કર્યો. એ દિવસે સવારે એમની સ્થિતિ ઘણી નાજુક બની ગઈ. એ જોઈને આશ્રમવાસીઓ અને ભક્તો ખૂબ ખૂબ ચિંતામાં પડી ગયા. સાંજના દર્શન પછી તો સૌને લાગ્યું કે આ દિવસ એમના જીવનનો છેલ્લો દિવસ છે. મહર્ષિ તકિયાઓની વચ્ચે બેઠા. એમનું મુખ ઉઘાડું ને મસ્તક પાછળ લાગેલું હતું. બે પરિચારકો એમને શ્વાસ લેવામાં મદદ મળે એ માટે ધીમે ધીમે પંખો કરવા લાગ્યાં. સાંજે સાતેક વાગે ઓકસીજન આપવામાં આવ્યો પણ એથી કશી રાહત ના મળવાથી એમણે એને બંધ કરવાની સૂચના આપી.

શ્રી કોહેન એનો ઉલ્લેખ કરતાં નોંધે છે :

 ‘પરિસ્થિતિ ભારે કટોકટીભરી છે. એ ગંભીર કરુણ અંતિમ ક્ષણની શોકિત હૃદયે રાહ જોતા લગભગ પાંચસો ભક્તો બહાર ઊભા છે. એમના પૂર્વસંબંધીઓ, આશ્રમના કાર્યકર્તાઓ, કેટલાક જૂના શિષ્યો અને થોડાક નવા સાધકો એમનાં અંતિમ દર્શનની અભિલાષાથી વારાફરતી અંદર જવા માંડ્યા. અંતકાળને એકદમ નજીક જાણીને સમસ્ત જનસમુદાય મહર્ષિએ ભગવાન અરૂણાચલની પ્રશસ્તિમાં કરેલી રચનાને એકસ્વરે ગાવા લાગ્યો. રાતના ૮ ને ૪૭ સુધી એ ક્રમ ચાલુ રહ્યો. ’

મહર્ષિએ પોતાની જીવનલીલા સંકેલી લીધી.

ભક્તોને માટે એ સમાચાર ભારે શોકજનક અથવા અસહ્ય થઈ પડ્યા. આખુંય વાતાવરણ રુદન, ક્રંદન અને કરુણ ચિત્કારોથી ભરાઈ ગયું.

 ‘ભક્તોએ પોતાના મન પરનો કાબૂ ખોઈ નાખ્યો. એ મહર્ષિની પાસે એમનું સ્થૂલ શરીર પડી રહેલું ત્યાં નાના ખંડમાં દોડવા માંડ્યા.પરંતુ પોલીસ અમલદારોએ એ સ્થળને ઘેરી લીધું ને મહર્ષિના શરીરને મોટા દર્શન હોલમાં લાવીને યોગાસનની સ્થિતિમાં જનતા પોતાની અંજલિ આપી શકે એ માટે મૂક્યું. એ સમાચાર શહેરમાં અને આજુબાજુના પ્રદેશોમાં પ્રબળ પાવકની પેઠે ફરી વળ્યા ને લોકોનાં ટોળેટોળાં આવવા માંડ્યાં.

 ‘મહર્ષિના સોફાની આસપાસ થોડાક ભક્તો ને શિષ્યો બેઠેલા. કેટલાક મહર્ષિનાં રચેલાં સ્તોત્રો ગાવા લાગ્યા, કેટલાક ભક્તિના ગીતો બોલવા માંડ્યા, તો બીજા કેટલાક શાંત ચિંતનમનનમાં બેસી રહ્યા.’

મહર્ષિના મહાપ્રયાણ વખતે તિરુવણ્ણામલૈમાં છેલ્લા પંદરેક દિવસથી રહેતા એક ફ્રેંચ ફોટોગ્રાફરને અવનવો અનુભવ મળેલો. એનો ઉલ્લેખ કરતાં એમણે રાતે નવેક વાગે કહેલું : ‘એ અનુભવ અત્યંત આશ્ચર્યકારક છે. હું મારા મકાનની બહાર ખુલ્લી જગ્યામાં હતો ત્યારે મારા મિત્રોએ મારું ધ્યાન આકાશ તરફ ખેંચ્યું. મેં ત્યાં એક અત્યંત પ્રકાશિત, તેજસ્વી પ્રકાશરેખાવાળો તારો જોયો. એવો ખરતો તારો મેં પહેલાં કદાપિ નહોતો જોયો. એ દક્ષિણ તરફથી આવી, આકાશ પરથી ધીમેથી પસાર થઈ, અરૂણાચલ પર્વતના શિખર પર પહોંચીને એની પાછળ અદૃશ્ય થઈ ગયો. એના સૂચિતાર્થને અમે બધા તરત સમજી ગયા. અમે ઘડિયાળમાં જોયું તો બરાબર આઠ ને સુડતાળીસ મિનિટ થઈ હતી. અમે સત્વર આશ્રમની દિશામાં રવાના થયા અને સખેદ જોયું કે એ સંકેત સાચો પડેલો. ગુરૂદેવ એ જ વખતે મહાનિર્વાણમાં પહોંચી ગયેલા,’

પાછળથી માહિતી મળી કે એ તારાને આશ્રમના ને આશ્રમની બહારના બીજા કેટલાક ભક્તોએ પણ જોયો હતો.

ગમે તેમ પણ મહર્ષિના મંગલમય મહામહિમામય ભૌતિક જીવનનો એ રીતે અંત આવ્યો. ભારતવર્ષની જ નહિ પરંતુ સમસ્ત સંસારની એ મહાન વર્તમાન કાળની વિભૂતિએ આખરે વિદાય લીધી. એ સર્વકાળના સર્વશ્રેષ્ઠ સંતશિરોમણિ પોતાની પરમપાવન જાજ્વલ્યમાન જીવનલીલાને સંકેલીને ચાલી નીકળ્યા. ભક્તોને, જીજ્ઞાસુઓને, ધર્મ તથા સંસ્કૃતિને, ભારતને તેમ જ સંસારને, કદી પણ ના પુરાય તેવી મોટી ખોટ પડી.

રાતભર જાગતા રહીને ભક્તોએ એમના સુપવિત્ર શરીરની સંભાળ રાખી.

વેદના ધ્વની સવારે ૧૧।। વાગ્યા સુધી ચાલુ રહ્યા.

તે પછી એ શરીરને દક્ષિણની ઓસરીમાં પૂજા અને અભિષેક માટે રાખવામાં આવ્યું. દૂધ, દહીં, નારંગીના રસ, ગુલાબજલ તથા બીજાં સુગંધિત દ્રવ્યોથી એને સ્નાન કરાવવામાં આવ્યું. તાજાં ગુલાબની માળાથી મંડિત કરાયેલા એ શરીરને શાસ્ત્રીય વિધિપૂર્વક સમાધિ માટે તૈયાર કરાયું.

સમાધિસ્થાનમાં ૧૦।। ફીટનો લાંબોપહોળો તથા ૭ ફીટનો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. એના મધ્યમાં ૪।। ફીટની લાંબીપહોળી જગ્યા અલગ કરવામાં આવી. એને આજુબાજુથી ચણી લેવામાં આવી. બાકીની જગ્યામાં ગંગા તથા નર્મદાના તટપ્રદેશની પવિત્ર, ખાસ મંગાવવામાં આવેલી, રેતી ભરવામાં આવી.

સાંજે ૬।। વાગે શરીરને સમાધિ માટે લઈ જવામાં આવ્યું ત્યાં સુધી આશરે ચાલીસ હજાર લોકોએ એનાં દર્શનનો લાભ લીધો. શરીરને સરસ ખાદીના ઘરમાં મૂકીને સમાધિસ્થળમાં પધરાવાયું, અને એની આજુબાજુ કપૂર ભરવામાં આવ્યું. પછી ખાડાને પણ કપૂર, નમક ને પવિત્ર ભસ્મથી ભરી દેવામાં આવ્યો. એ બધી પ્રક્રિયા પૂરી થયા પછી સમાધિને ચણીને બંધ કરવામાં આવી.

એક સર્વકાળના સર્વશ્રેષ્ઠ સત્પુરૂષનું એ રીતે સ્મારક બન્યું અને એ એક સ્મૃતિનો વિષય બની રહ્યા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.