પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ભારતના એ મહાન મહર્ષિ એમની મુલાકાત લેવા માગતા સૌ કોઈને માટે સુલભ હતા. એમની ઉપસ્થિતિમાં ભારતમાં જેનું ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે છે તે જ્ઞાતિવાદને લેશ પણ અગત્ય નહોતી આપવામાં આવતી. બ્રાહ્મણો, હરિજનો, મુસલમાનો, પરદેશીઓ સાથે બેસતા. એ મહાત્મા પુરુષની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અશાંત દુન્યવી આત્માઓને એમનાં ચરણો પાસે સર્વ પ્રકારના ભેદભાવને ભુલાવીને એકઠા કરતી. એ માનવસમાજની સઘળી કક્ષાઓથી પર અને સર્વોત્તમ હતા. એમની સંનિધિમાં પેદા થનારું વિશદ વાયુમંડળ જે આત્મિક સુખશાંતિની સૃષ્ટિ કરતું તે સઘળી શંકા-કુશંકાઓનો સહજ રીતે જ અંત આણતું.
આ લેખકને એમના સ્થૂળ જીવનના અંતિમ સમય દરમિયાન એમનો સંસર્ગ સાંપડી શક્યો. એ સઘળો સમય એના જીવનનો સ્વર્ણસમય હતો. અસ્તાચળ પર પહોંચતી વખતે સૂર્ય પ્રખર પ્રકાશના વર્તુળથી વીંટળાઈ વળે છે તેમ, મહર્ષિના જીવનનાં છેવટનાં વરસો એમના વ્યક્તિત્વના અવર્ણનીય મહિમાથી મંડિત લાગતાં.
પ્રકૃતિ પર પ્રભુત્વ પ્રસ્થાપી ચૂકેલા મહાપુરુષ તરીકે મેં એમનું દર્શન કર્યું. એમને એક વરસ કરતાં પણ વધારે વખત સુધી જે શારીરિક કષ્ટ ભોગવવું પડ્યુ એ મારી દૃષ્ટિએ એક પ્રકારનું બલિદાન હતું. એમની માંદગી ખૂબ જ ભયંકર હોવા છતાં એ હોસ્પિટલમાં દાખલ નહોતા થયા. એ દર્શનાર્થીઓને દરરોજ દર્શન આપતા, એમની આગળ વિરાજતા, અને એમના હાવભાવ કે શબ્દો પરથી એમની પીડાનો અલ્પ પણ અણસાર નહોતો મેળવી શકાતો. એ કોઈ ઔષધિ નહોતા લેતા કે કોઈ ઉપચારની આકાંક્ષા નહોતા રાખતા. પોતાના પાર્થિવ પંચમહાભૂતાત્મક શરીર વિશે સંપૂર્ણપણે સુમાહિતગાર હોવા છતાં, એમની પાસે દુઃખ નિવારણ માટે પહોંચનારને એ સહાનુભૂતિ તથા શાંતિપૂર્વક સાંભળતા અને આશીર્વાદ આપવાની આનાકાની ના કરતા. એમની અમોઘ આધ્યાત્મિક શક્તિ અમારાં ભૌતિકવાદી જડ-કઠોર હૃદયોને પવિત્ર તથા ઉદાત્ત બનાવવા માટેનો મહત્વનો ફાળો પ્રદાન કરતી.
એમની અલૌકિક ઉત્સાહવર્ધક ઉપસ્થિતિમાં અમે અમારા આત્માના વિસ્મૃત વારસાને અને આત્મકલ્યાણને યાદ કરતાં અને આત્મિક જગતમાં જીવતાં શીખ્યા. એમની અંદરથી પ્રવાહિત થનારા પાવન પ્રકાશનાં અદૃષ્ટ કિરણોની અસરોને અનુભવતાં હું એમની આગળ બેસીને વિચારતો કે મારા આત્મિક આનંદનો બદલો કોને ને ક્યારે વાળી શકીશ ? એમણે કદી કોઈ કુકર્મ કર્યું નહોતું. એમને કોઈ પાપ અડ્યું નહોતું. પરંતુ એમની આગળ એકઠા થયેલા મારા જેવા અન્ય અનેકનું શું ? એમણે કોઈ પાપકર્મ નહોતું કર્યું તો પણ એ શારીરિક કષ્ટનો અનુભવ કરી રહેલા, અને ભૂલોનો ભોગ બનવા છતાં અમે તંદુરસ્ત હતા.
કોઈક રહસ્યમય ગેબી સ્વરે પૂછયું : ‘તમે તેને માટેની જવાબદારી સ્વીકારવા તૈયાર છો ?’
એનો નીરવ ઉત્તર સંભળાયો: ‘હા. જો તમે સદાને માટે મારી સાથે રહેવાના હો તો.’
મને મારી અંદરથી પ્રતીતિ થઈ કે એ છે અને સદાને માટે રહેવાના છે.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')