વરસો પહેલાં, યુરોપના દૂરના દેશના આસમાન નીચે, પ્રથમ વિશ્વયુદ્ધની મહાભયંકર પ્રલયંકર વિનાશજ્વાળાની વચ્ચે, સૈનિક ગણવેશમાં સજ્જ એક નવયુવક એક નાના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની પ્રતીક્ષા કરતો બેઠેલો. એ ટ્રેન એને યુદ્ધના મોરચા પર લઈ જવાની હતી-એવા ભીષણ મોરચા પર જયાં અગ્નિની જ્વાળાઓ સળગતી અને જેમાંથી અનેક સૈનિકો કદી પાછા નહોતા ફરતા. યુદ્ધના વાવંટોળની અસર નીચે આવીને પોતાના પરિવારનો અને અભ્યાસનો ત્યાગ કરવા માટે વિવશ બનેલો એ નવયુવક થોડા દિવસોમાં પોતાને જેના ભોગ બનવાનું હતું તે કિસ્મતનો વિચાર કરતો બેસી રહેલો.
એ શરદઋતુનો શરુઆતનો સમય હતો. એ સમય દરમિયાન ઘેરા અંધારા આકાશમાંથી પ્રસંગોપાત ખરતા તારાઓ દેખાતા. એમને અવલોકીને એને પેલી પરંપરાગત માન્યતાનું સ્મરણ થતું કે તારાના ખરતી વખતે જે ઈચ્છા સ્વાભાવિક રીતે જ પેદા થાય છે એ અવશ્ય પૂરી થાય છે.
એ આકાશ તરફ અજ્ઞાત રીતે અવનવી આકાંક્ષા સાથે જોઈ રહેલો. એટલામાં તો ટમટમતા તારક મંડળની વચ્ચે તેજસ્વી લાલ રેખા દેખાઈ. એ જોઈને નવયુવકે ધીમેથી ઉદગાર કાઢ્યો : ‘પ્રેમ’.
એ પછી વરસો વીતી ગયાં. ખરતા તારાની પેલી પળ એની સ્મૃતિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઈ ગઈ. દુન્યવી જીવનના કોલાહલમાં ને નશામાં અંતરની પેલી અનોખી ઊંડી ઈચ્છા પણ ભૂલાઈ ગઈ. એ સ્વપ્નદ્રષ્ટા નવયુવક મોટો થવાની સાથે જીવનના સઘળા સામાન્ય અનુભવોમાંથી પસાર થયો. એ મિત્રોવાળો બન્યો. પોતાની માન્યતા મુજબ સ્ત્રીઓને પ્રેમ કરતો થયો. જેમને પોતાના કરતાં શ્રેષ્ઠ સમજતો'તો તેમને સન્માનતો રહ્યો. પરંતુ પ્રત્યેક અનુભવને પરિણામે એને નિરાશા સાંપડી. પ્રત્યેક અનુભવના અંતે એને સમજાયું કે હજુ એને એ પ્રેમની પ્રાપ્તિ નથી થઈ જેને એ અજ્ઞાત રીતે જીવનની પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે ઝંખી રહ્યો છે. પ્રત્યેક પ્રેમપ્રસંગમાં એને એક અથવા બીજી જાતની નીરસતા, ગુપ્ત શંકા તથા ક્ષતિ દેખાઈ. એટલા માટે જેના કરતાં વધારે ઊંડા, સાચા ને ઉત્તમ પ્રેમની કલ્પના ના કરી શકાય અથવા આશા ના રાખી શકાય તે પ્રેમ અને લાગણીનું પ્રદાન એ અંતરના ઉમળકાથી પરિપૂર્ણપણે કોઈને પણ નહોતો કરી શક્યો.
એના અંતરાત્મામાંથી સદાય એક શાંત છતાં પણ શક્તિશાળી અવાજ ઊઠ્યા કરતો : ‘જેને હું શોધું છું કે ઝંખુ છું એ આ નથી, એ પણ નથી.’ પરંતુ એની સાથેસાથે, શાંતિની કોઈ ધન્ય ક્ષણોમાં, એને નિશ્ચયાત્મક રીતે સમજાતું કે ઉત્તુંગ તરંગોવાળા સમુદ્રની ને વાદળથી વીંટળાયેલા વ્યોમની પેલી તરફ કોઈક એવો રહસ્યમય દેશ અસ્તિત્વ ધરાવે છે જેમાં શ્રેયનો સૂર્ય કદાપિ અસ્ત નથી પામતો, અને જ્યાં પૂર્ણતાના પ્રદેશના તટ પર સાર્થકતાનાં સનાતન સમુદ્ર તરંગો અચળ રીતે ઉછાળ્યા કરે છે.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')