માનવના વ્યક્તિત્વને સ્પર્શનારી ભૂતકાળની ઘટનાઓને તાજી કરવાની યોજના સામાન્ય રીતે ખરાબ યોજના કે ખરાબ પ્રક્રિયા કહેવાય છે; તોપણ મારી વર્તમાન રોજનિશીને વાંચતાં-વિચારતાં મારી સમક્ષ પ્રશ્ન પેદા થયો કે ‘મહર્ષિને મળતાં પહેલાં મને મારા આધ્યાત્મિકતાના બધા જ પૂર્વ-અનુભવો શા માટે નકામા લાગ્યા ?’
હું પચીસ વરસની ઉંમરે પહોંચ્યો ત્યારે મારું ધ્યાન થિયોસોફી તરફ આકર્ષાયું. મિસિસ બેસન્ટ અને મિસ્ટર લીડબીટરની ક્ષતિરહિત શૈલીની પેઠે એના સરળ અને બુદ્ધિગમ્ય સિદ્ધાંતોએ મારી તર્કશક્તિને સંતોષી. એ પછી થિયોસોફીકલ સોસાયટીના પ્રથમ પ્રમુખ કર્નલ ઓલકોટની પ્રામાણિકતા તથા આદર્શપ્રિયતાને અને મૅડમ બ્લેવેટસ્કીના રહસ્યમય શક્તિશાળી વ્યક્તિત્વને પણ મારાથી લક્ષમાં લીધા વિના ના રહેવાયું. કેવળ સિદ્ધાંતો ઉપરાંત માનવની અંદર સુષુપ્ત રીતે રહેલી આધ્યાત્મિક વૃત્તિઓને વિકસાવવાની સૂચનાઓનું શિક્ષણ પણ ત્યાં મળી રહેતું. એ વખતે અર્નેસ્ટ વુડના નવા જ પ્રસિદ્ધ થયેલા પુસ્તકને અનુસરીને મેં ધારણા તથા ધ્યાનનો અભ્યાસ કરવા માંડ્યો. કેટલાંક વરસોના નિષ્ફળ પ્રયત્નો પછી મારો ઉત્સાહ ઓસરવા લાગ્યો. એમાં દર્શાવાયેલો અભ્યાસક્રમ એટલો બધો અસરકારક સાબિત ના થયો. પ્રકાશિત થયેલાં પુસ્તકોની ઉપર ઊઠીને માર્ગદર્શન આપી શકનારા સ્વાનુભવસંપન્ન માનવો મને થિયોસોફીસ્ટોમાંય ના દેખાયા. એમના ગુરુદેવો પાસે પહોંચી શકાય તેમ નહોતું. એ મોટે ભાગે કાલ્પનિક જ દેખાતા. મૅડમ બ્લેવેટસ્કી તથા કર્નલ ઓલકોટ સિવાય કોઈ બીજું એમને સ્થૂળ રીતે મળવાનો અધિકાર ધરાવતું હોય એવું ના લાગતું. ઈ.સ. ૧૯૨૬ના અંતમાં મારી જિજ્ઞાસાના જવાબમાં શ્રીમતી બેસન્ટે મને જણાવ્યું : ‘એ સાચું છે કે ઈ. સ. ૧૯૦૭માં થયેલ કર્નલ ઓલકોટના સ્વર્ગવાસ પછી ગુરુદેવોએ થિયોસોફીકલ સોસાયટીને પ્રત્યક્ષ પથપ્રદર્શન કરવાનું છોડી દીધેલું, પરંતુ ૧૯૨૫માં એમણે પોતાના પથપ્રદર્શનનો પ્રારંભ કર્યો છે.’
આત્મિક વૃત્તિઓના વિકાસે મને આરંભમાં રસ પૂરો પાડયો. એથી મારી ઉત્સુક્તા વધી થઈ. પાછળથી મને સમજાયું કે શરીરની અવસ્થા એકસરખી ના રહેતી હોવાથી એ વિકાસ મનના ને તનના પરિવર્તનશીલ પ્રવાહો પર નિર્ભર હોવાથી, જીવનના ઉચ્ચોઉચ્ચ ધ્યેયથી દૂર છે.
મારા પૂર્વજીવનમાં મેં ગુપ્તવિદ્યાઓના ભાતભાતના અભ્યાસક્રમો આદરેલા અને અનેક પ્રકારના અવનવીન અનુભવો કરેલા. એમાંનો એક અનુભવ વર્ણવવા જેવો છે. અમારા નગરમાં એક ધર્મગુરુ રહેતા. તેમને લોકો સંત તરીકે ઓળખતા. એ એક સાચા યોગી હતા. બધા ધર્મોના અનુયાયીઓ એમના અક્સીર મનાતા આશીર્વાદને મેળવવા એમની પાસે એકઠા થતા. મારી ઓગણીસ વરસની ઉંમરે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન યુનિવર્સિટીના અભ્યાસને છોડીને મારે લશ્કરમાં નામ નોંધાવવું પડેલું. મારી માતા કટ્ટર થિયોસોફીસ્ટ હતી અને ઘર્મની સુંદર લાગણી ધરાવતી. મારી ઉંમર માટે સ્વાભાવિક હોય છે તેમ, મને અભ્યાસમાં અને રમગમતમાં જ વિશેષ રસ હતો. એક દિવસ મને મારી માતાએ કહ્યું, ‘તું યુદ્ધમાં જઈ રહ્યો છે. મને ખબર નથી કે ઈશ્વરની કૃપાથી હું તને ફરી વાર મળી શકીશ કે નહિ. આવતી કાલે હું તને લઈને આપણા સંત જેવા ધર્મગુરુ પાસે જઈશ. એ તને પોતાના પવિત્ર આશીર્વાદ આપશે.’
એ સાંભળીને મને એટલી બધી પ્રસન્નતા તો ના થઈ, પરંતુ મારી માતાની ઈચ્છાનો મારાથી અનાદર ના થઈ શક્યો. એટલે બીજે દિવસે બપોર પછી એક ધર્મગુરુની સાથે અને એક સાદા ખંડમાં પ્રવેશ્યાં. એ ખંડમાં થોડીક લાકડાની ખુરસીઓ હતી અને દીવાલ પર ક્રાઈસ્ટની વધસ્થંભ સાથેની આકૃતિ. મુખ્ય પાદરીએ ખંડમાં પ્રવેશ કર્યો. મેં ચાલીસીની અંદરના એક કૃશકાય પુરુષને સાધુના પહેરવેશમાં જોયા. એમના હાથ એમની છાતી પર જોડી રાખેલા અને એમનું મસ્તક થોડુંક નીચું નમેલું. એમની મીણબત્તી જેવા રંગની પાતળી અનોખી મુખાકૃતિ પીઠ પરના કાળા ભમ્મર લાંબા વાળને લીધે ઓપી ઊઠતી. એ પાસે આવ્યા ત્યારે હું જોઈ શક્યો કે એમની આંખ અવનવા શાંત દૈવી પ્રકાશથી ભરેલી છે. એ સામાન્ય માનવીની આંખ કરતાં જુદી જ તરી આવતી. એની અંદરથી અજબ રીતે આવિર્ભાવ પામતી શાંતિ, શક્તિ તથા ડહાપણવૃત્તિથી હું ખૂબ જ પ્રભાવિત થયો. સદભાગ્યે હું કોઈ પણ પ્રકારના પરંપરાગત અભિવાદનથી દૂર રહ્યો. હું જાણે કે અવાક્ બની ગયો. પરંતુ પાદરીએ સ્મિત કરીને મંદ સ્વરે જણાવ્યું : ‘યુવક, તું અહીં આવ્યો તે સારું થયું.’
પોતાના હાથને મારા મસ્તક પર ઊંચા કરીને એમણે ક્રોસની મુદ્રા કરી. મેં એમના નાનાસરખા મસ્તક પર ચુંબન કર્યુ. એટલું પૂરતું હતું. ઓરડામાંથી બહાર નીકળ્યા પછી એમની પાસે ઊભેલી મારી માતાને એમણે જે શબ્દો કહ્યા તેમને મેં સાંભળ્યા :
‘શાંતિપૂર્વક વિદાય થાવ. છોકારનું જે પણ થશે તે સારું જ થશે.’
મહર્ષિના આશ્રમમાં મારા આગમન પછી તરત જ મારે મારા જીવનમાં સૌથી પ્રથમ વખત મહર્ષિના પવિત્ર ચરણોની આગળ બેસવાનું થયું ત્યારે, એ પ્રસંગ મારા માનસપટ પર તાજો થયો. મને સ્વપ્નની વાતની પેઠે એ પણ યાદ આવ્યું કે ધર્મગુરુનું ખ્રિસ્તી નામ વરસો પછી મેં જેમને પેરિસમાં મળવાનો પ્રયત્ન કરેલો તે અજ્ઞાત ગુરુના નામને મળતું આવતું.
મારી ફ્રાન્સની તથા મારા પરિવારની મુલાકાત પછી અને પાછળથી થયેલા બીજા વિશ્વયુદ્ધ પછી મારા જીવનમાં અંધકારનો તબક્કો આરંભાયો. મને મારા પહેલાંના પ્રયત્નોનું વિસ્મરણ થયું. ઈ.સ. ૧૯૪૫ની વસંતઋતુ દરમિયાન, મારે જેની સાથે કોઈ કોઈ વાર થિયોસોફી વિશે વાર્તાલાપ થતો તે મારાથી મોટી ઉંમરની સન્નારીએ મને પોલ બ્રન્ટનનું ‘એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા’ નામનું પુસ્તક આપ્યું. મારામાં એ પુસ્તકને વાંચવાની ઉત્સુક્તા ન હતી એટલે સન્નારીએ મને એને લેવા માટે બાધ્ય બનાવ્યો એવું કહીએ તો ચાલે. એ પુસ્તકનાં જે છેલ્લાં બે પ્રકરણોમાં લેખકે પોતાની મહર્ષિની મધુર મુલાકાતનું વર્ણન કર્યુ છે એ પ્રકરણો નિર્ણાયાત્મક થઈ પડયાં. હું જેમની વરસોથી રાહ જોતો તો તે મારા સાચા સદગુરુ છેવટે મને મળી ગયા.
મારી અંદર એવી નિશ્ચયાત્મિકા વૃત્તિનો ઉદય સ્વાભાવિક રીતે જ થયો. એ સંબંધી કશી શંકા ના રહી. મને ત્યારે જ સમજાયું કે મારી પહેલાંની શોધ શા માટે નિષ્ફળ ગયેલી. પહેલાં મેં જે જાતની શક્તિપ્રાપ્તિની સાધનાનો આધાર લીધેલો તે સાધના મને ભ્રાંતિમાં સપડાવનારી સાબિત થયેલી. એને લીધે મને થોડીક મદદ મળેલી ખરી, પરંતુ મારા વાસ્તવિક ધ્યેયની ઝાંખી નહોતી થઇ શકી. એટલા માટે એ સાધના અનાવશ્યક લાગેલી. એ સાધનાત્મક પ્રક્રિયાઓના પ્રયોગો, પ્રાણાયામો તથા ત્રાટકોથી સમય અને શક્તિનો વ્યય થયેલો. એમના કેફમાં પડવાથી મને મારા સાચા સાધનાત્મક આદર્શનું દર્શન નહોતું થઇ શક્યું.
મહર્ષિએ દર્શાવેલા માર્ગ પ્રમાણે જીવનના વાસ્તવિક ધ્યેયનું પ્રથમ પગલે જ દર્શન થયું. એ ધ્યેય માનવનું આધ્યાત્મિક રૂપાંતર અથવા આધ્યાત્મિક નવનિર્માણ હતું. આત્માનું સામર્થ્ય અસીમ કહેવાય છે. મહર્ષિને મળ્યા પછી મને સારી પેઠે સમજાયું કે વખતને વેડફી નાખનારી સૂક્ષ્મ માનસિક શક્તિપ્રાપ્તિની સાધનાને બદલે આત્મવિચારની સરસ સાધનાનો લાભ શા માટે લેવો જોઈએ. પાકી ગયેલું ફળ જેમ વૃક્ષ પરથી આપોઆપ અનાયાસે જ નીચે પડે તેમ, જેમને હું પહેલાં પ્રયત્નો કરી રહેલો તે ધારણા, ધ્યાન, પ્રાણાયામ, શરીર પરનો કાબૂ, સત્યની સ્પષ્ટ સમજ, આત્મશાંતિ અને આત્મકલ્યાણ, સર્વ કાંઈ સ્વંયભૂપણે જ પ્રકટવા માંડ્યું.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')