જીવનના અંતિમ આદર્શની ઉપલબ્ધિ કરવાનું અને એને માટેના ચોક્કસ સાધનામાર્ગનું સમ્યક્ જ્ઞાન નહિ હોવાથી મોટા ભાગના માનવોને સંશયાત્મક તથા ભ્રાંતિપૂર્વક માર્ગનું અનુકરણ કરવું પડે છે તેની મને માહિતી છે. એ અર્થમાં કેટલેક અંશે આપણે સ્વીકારી શકીએ કે બધા માર્ગો એક જ ધ્યેય તરફ લઈ જાય છે. કાળ પોતે પણ અનંતકાળથી વહેતો આવે છે.
આપણી પાસે ઝડપી મોટર હોય તો તિરુવણ્ણામલૈમાં રોજરોજ જોવા મળતી બળદગાડીમાં બેસવાનું પસંદ કરીએ એ આપણે માટે શક્ય નથી લાગતું. અને તો પણ એવા બળદગાડીના જૂના-પુરાણા સાધનનો ઉપયોગ એ સ્થળમાં હજારો વરસોથી થતો રહ્યો છે અને આજે પણ ગ્રામજનોની સેવા કરે છે. એટલે કાળની દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી.
હવે તો વખત બદલાયો છે. રમણ મહર્ષિની સંનિધિમાં મને દૈવી દીક્ષા મળતી દેખાતી હોવાથી પુસ્તકની આવશ્યકતા નહોતી. એવી અનોખી અવસ્થાની અનુભૂતિ ઘણા જ ઓછા સાધકોને થતી હોય છે. મને માહિતી હતી કે એ અવસ્થાની અનુભૂતિ ઘણા જ ઓછા સાધકોને થતી હોય છે. મને માહિતી હતી કે એ અવસ્થા અલ્પ સમયને માટે જ રહેનારી છે, તો પણ સાચા સદગુરુના સુરદુર્લભ સાક્ષાત્કારના અનિર્વચનીય આનંદનો અંત આણે એવી શક્તિ સંસારમાં બીજી કોઈ જ નથી હોતી એવો અદમ્ય વિશ્વાસ પણ મારા મનમાં કામ કરી રહેલો.
એક બીજા સમર્થ સદગુરુના શબ્દો મારા અંતરમાં ગુંજ્યા કરતા : ‘હું સાધના છું, જીવન છું. મારા સિવાય કોઈને સ્વતંત્ર રીતે પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકતી.’
મહર્ષિની સુખદ સંનિધિમાં એ ઉદગારો સાચા લાગતા અને સ્પષ્ટ રીતે અનુભવાતા. એમની ઉલ્લાસપ્રેરક ઉપસ્થિતિમાં મારી પહેલાં જેમ કેટલાક બીજાએ અનુભવેલું તેમ મેં પણ અનુભવ્યું કે એ જ પથ, પ્રાપ્તિ અથવા પરમ પ્રાપ્તવ્ય છે.
સીધો સાધનામાર્ગ ભગવાન બુદ્ધના ઉપદેશોના સુખદ ઉપસંહાર જેવો લાગતો. એ ઉપદેશ આ પ્રમાણે હતો : ‘ભ્રાંતિનો નાશ એને ઠેકાણે બીજી નવી ભ્રાંતિને પેદા કરીને ના કરી શકાય.’ મારી સામેના કૉચ પર બેઠેલા રમણ મહર્ષિ સર્વ પ્રકારની ભ્રાંતિઓનો અને અવિદ્યાનો અંત આણનારા સાચા સદગુરુ હતા.
જેણે પરમાત્માના પરમ પવિત્ર પ્રકાશનો સાક્ષાત્કાર કર્યો છે તે કોઈ પણ પ્રકારના સંજોગોમાં, મહર્ષિ જેને ફકત મનમાં જ રહેલું માનતા તે, વ્યકત છતાં પણ અનિત્ય અથવા અસત્ય જગતની માયામાં માની ના શકે. એ પછી ઉપર્યુક્ત સત્યના સિદ્ધાંતિક સ્વીકારની અને એના વ્યાવહારિક સ્વીકારની વચ્ચે જે વિરોધાભાસ દેખાય છે એનો કાયમને માટે અંત આવી જાય છે અને એમની વચ્ચે સુસંવાદિતાની સ્થાપના થાય છે.
એ વિચારણા કરતી વખતે એચ. પી. બ્લેવેટસ્કીના પુસ્તક ‘ધી વોઈસ ઑફ ધી સાઈલેન્સ’ ના પેલાં વાક્યોનું સ્મરણ થાય છે : ‘પ્રકૃતિ અને પુરુષના આત્માનું સંમિલન કદાપિ નથી થઈ શકતું. એ બંનેમાંથી એકે અદૃશ્ય થવું જ જોઈએ. એ બંનેને માટે એક સાથે રહેવાનો અવકાશ નથી હોતો.’ મહર્ષિનો સીધો સાધનામાર્ગ એ વાતને માન્ય રાખે છે.
રમણ મહર્ષિ આત્માને અથવા પરમાત્માને માનનારા અદ્વૈત વેદાંતના એકમાત્ર સિદ્ધાંતમાં વિશ્વાસ રાખતા. આદ્ય શંકરાચાર્યે એમના વિવેકચૂડામણિ નામના સુપ્રસિદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે મન તથા વાણી દ્વારા અનુભવાતું અખિલ જગત આત્મા જ છે. એ દાર્શનિક વિચારધારાના મૂળ સુધી પહોંચવાથી સમજાતું કે માનવના ક્ષણભંગુર પાર્થિવ સ્થૂળ શરીરનું જાણે કે અસ્તિત્વ જ નથી. એ ઉપરાંત ‘ધી વૉઈસ ઑફ ધી સાઈલેન્સ’ પુસ્તકના પેલા અભિપ્રાય કરતાં અદ્વૈત ખૂબ જ આગળ લાગે છે. કારણ કે શરીર તથા પ્રકૃતિ અનિત્ય અને એકદમ મિથ્યા છે એવું એમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
મારા મનમાં એકઠી થયેલી અનેકવિધ માન્યતાઓમાંથી મુક્તિ મેળવીને મેં એક આત્મામાં જ વિશ્વાસ રાખવા માંડ્યો. એને લીધે મારી સઘળી સમસ્યાઓનું સુખદ સમાધાન થયું અને મારા પ્રશ્નો શાંત થયા. એવી રીતે મને મારી ચિર-અભિલાષિત માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ. મારા પહેલાંના વૈચારિક તથા સિદ્ધાંતિક સંઘર્ષનો વિચાર કરતાં એની સરખામણીમાં મારો સાધનામાર્ગ કેટલો બધો નિરાળો લાગ્યો !
જ્યારે આપણને સુખદ પ્રસન્નતાપૂર્ણ પ્રતીતિ થાય છે કે જીવનના અંતિમ આદર્શ પર પહોંચવા માટેનો એક ચોક્કસ સાધના માર્ગ છે ત્યારે એ પ્રતીતિજન્ય જ્ઞાનનો આનંદ અસાધારણ હોય છે. એ એક એવું પ્રાણી હોય છે જે માનવીય તૃષાને તૃપ્ત કરે છે. માનવજાતિને એની અનેકવિધ અગ્નિપરીક્ષાઓ અને ભ્રાંતિઓમાંથી બહાર કાઢનારા ઉપાયોનો નિતાંત અભાવ કોઈ કાળે નહોતો. જે શોધે છે કે માગે છે, તેમને મળે છે. પરંતુ શોધ સંસારના ક્ષણભંગુર ભ્રાંતિમય પદાર્થોને માટે ના હોવી જોઈએ, પણ ઉત્તમોત્તમ વસ્તુઓ માટે જ કરાવી જોઇએ. એવી શોધમાં સદ્દસદ વિવેકનો ગુણ ઘણો મોટો ને મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે સીધો સાધનામાર્ગ દૃષ્ટિગોચર થાય છે ત્યારે બીજા માર્ગો જાણે કે કદી હોય જ નહિ એવી રીતે અદૃશ્ય બની જાય છે. શિષ્યને અથવા એ માર્ગના મુસાફરને એ માર્ગોનો ઈન્કાર કે અસ્વીકાર કરવાનું નથી રહેતું. જે ભૂલવા જેવું હોય છે એને એ કેવળ ભૂલી જાય છે અને જે યાદ રાખવા લાયક હોય છે એને જ યાદ રાખે છે.
આપણા અંતરના ઊંડાણમાં મહર્ષિ અવારનવાર જેનો ઉલ્લેખ કરતા તે સૌના આદિતત્વનો વાસ છે. એ આદિતત્વની સરખામણી કોઈક વર્તુળના મધ્યબિંદુ સાથે કરી શકાય જ્યાંથી બધી જ દિશાઓમાં દેખી શકાય અને જેના સિવાય બીજા કોઈ સ્થળેથી એવું સૌને સાંધનારું મધ્યબિંદુ ના મળી શકે. હવે મને સંપૂર્ણપણે સમજાયું કે મહર્ષિના સાધનામાર્ગને આત્મિક મૌન અથવા અંતરંગ શાંતિના માર્ગ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે. જે એકમાત્ર દ્રષ્ટા છે તે બીજા કોને જુએ અને કોની સાથે વાત કરે ?
તમારું અંતર મૌનનું અથવા શાંતિનું આધ્યાત્મિક કેન્દ્ર છે. એ પરમસત્યના આદિસ્થાન અથવા મૂલાધાર જેવા સ્થાન-વિશેષનો સીધો સંપર્ક સાધો. કારણ કે બે બિંદુઓની વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી રેખાને જ કહેવામાં આવે છે. એવા ભૂમિતિના સિદ્ધાંતની પાછળ આધ્યાત્મિક સત્ય છુપાયેલું છે. એ સત્યને સ્વીકારો એટલે સીધા સાધનામાર્ગનું રહસ્ય તમને આપોઆપ સમજાઈ જશે. એને બીજે ક્યાંય શોધવાની આવશ્યક્તા નહિ રહે. ‘એક પગલું હજારો માઈલની મુસાફરીના મંગલ આરંભરૂપ હોય છે.’ પરંતુ એ પહેલું પગલું ભરાય જ નહીં તો મુસાફર જ્યાંથી મુસાફરીનો શુભારંભ કરવાનો છે ત્યાં જ રહી જશે.
આપણા વાસ્તવિક સ્વરૂપના સ્વાનુભવજન્ય જ્ઞાન વિના આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી શકીશું નહીં. વહેલા કે મોડા આપણે સાચી દિશામાં શરૂઆત કરીને આપણી ભૂતકાળની સઘળી ભ્રાંતિઓની સ્મૃતિમાંથી મુક્તિ મેળવવી પડશે.
સીધા સાધનામાર્ગની સરખામણી નિવાર્ણ, બ્રહ્મ, સ્વર્ગના સામ્રાજ્ય અથવા માનવજીવનના અંતિમ અને સનાતન ધ્યેય તરફ શાંતિપૂર્વક છતાં ભવ્ય રીતે વહી જનારી શક્તિશાળી સરિતા સાથે કરી શકાય. યોગો, ધર્મો, સંપ્રદાયો, તત્વજ્ઞાનવિષયક વિચારસરણીઓ, ગૂઢ કે ગેબી વિદ્યાઓની સંસ્થાઓ, એ સુંદર મહાન શાશ્વત સરિતામાં વહેતાં ઝરણાં કહી શકાય. એ બધાં એમાંથી જ પ્રેરણા મેળવીને આગળ વધે છે અને એના જ પવિત્ર પાણીથી પુષ્ટિ પામે છે. તો પણ એ બધાં એમના અલગ અસ્તિત્વને છોડીને મૂળ પાણી-પ્રવાહને પહોંચતાં નથી ત્યાં સુધી કોઈને પણ એમનો લાભ લેવા છતાં પણ પરમ ધ્યેય પર નથી પહોંચાડી શકતાં. મુખ્ય સરિતાને પહોંચતાં પહેલાં એ જળપ્રવાહો કે ઝરણાં, ધોધો, ખડકો, રણપ્રદેશો અને અન્ય અંતરાયો એમના વહેણના માર્ગને બદલી શકે છે. એટલા માટે એમની અંદરથી તરવાનું કે સફર કરવાનું થાય ત્યારે એમની પાછળના પેલા વિશિષ્ટ પ્રવાહને અથવા સરિતાને જોવાનું શક્ય નથી બનતું. તો પણ પ્રત્યેક પળ પેલા સનાતન સુંદર તટપ્રદેશની તથા બીજા દૂરના વળાંકોની વધારે ને વધારે પ્રમાણમાં ઝાંખી કરાવે છે. પ્રત્યેક પદાર્થ પરિવર્તનશીલ અને નાશવંત છે એ વાતને ભૂલી જઈને, એ આપણા જીવનનું પરમ પ્રાપ્તવ્ય છે એવું સમજીને આપણે ભળતા માર્ગે ચઢી જઈએ છીએ. પરંતુ જેને સીધા ગુપ્ત સાધનામાર્ગની માહિતી છે તે તો આડમાર્ગે અટવાઈને વખતને નહીં વેડફી નાખે. એ પોતાના ધ્યાનને એક જ વિચાર પર કેન્દ્રિત કરશે કે ‘સાગર તરફ સીધા જ વહેતા મહામૂલ્યવાન પ્રવાહમાં કેવી રીતે પ્રવેશી શકાશે ?’
એવા સાધકોએ સંભવ છે કે પોતાના પૂર્વજન્મોમાં બીજા ભળતા માર્ગોનો અનુભવ કર્યો હોય અને હવે એમનો એ અનુભવ એમને એમના ધ્યેય તરફ લઈ જતો હોય. બીજા સામાન્ય પ્રવાહોનું મહત્વ એમના જીવનમાં એટલે જ નથી જણાતું. સદગુરુ એમની જીવનનૌકાને પ્રસંગોપાત્ત સાધનાની મહાન સરિતામાં આગળ હંકારે છે અને બીજા ધ્યેય તરફ જઈ રહેલા સાધકોના દર્શનનું સૌભાગ્ય પણ એને સાંપડતું રહે છે. એમનામાંથી સુયોગ્યને પસંદ કરીને એ પરમાત્માની દિશામાં આગળ વધે છે.
એ અદૃષ્ટ નૌકા આપણે માટે આજે પણ આગળ વધી રહી છે. એના સદગુરુ રૂપી નાવિક આપણને એમની સાથે લઈ જવા માગે છે. આપણે એને માટે તૈયાર થવાનું, એમનું શરણું લેવાનું તેમ જ માર્ગદર્શન મેળવવાનું છે.