રમણ મહર્ષિએ રેલેલો અદૃષ્ટ છતાં પણ અત્યંત અસરકારક અલૌકિક પ્રકાશ દુન્યવી જીવનનાં બધાં જ મૂલ્યોના વિચાર અને અભિપ્રાય અથવા દૃષ્ટિકોણમાં સંપૂર્ણ અને આમૂલ પરિવર્તન લાવનારો હતો. એમના આશ્રમમાં આરંભના કેટલાંક અઠવાડિયાં પસાર કર્યા પછી મને કેટલાક લોકોના અંદરના પોકળપણાનો તથા બહારના સ્થૂળ સિદ્ધાંતવાદનો સારી રીતે ખ્યાલ આવ્યો. મેં અનેક માનવને એમના જીવનના ધ્યેય વિશે પૂછી જોયેલું. મોટા ભાગના માનવોના જવાબો એક જ જાતના-લગભગ સર્વ સામાન્ય જેવા દેખાતા. એમનો સાર ઓછેવત્તે અંશે સંક્ષેપમાં આવો હતો : ‘મારા જીવનનું મુખ્ય ધ્યેય મારા દેશની સેવા છે. માનવજાતિના વિકાસ માટે મદદરૂપ બનવું તે છે. મારા જમાનાની ઉત્ક્રાંતિમાં તથા સાંસ્કૃતિક અભ્યુત્થાનમાં સહાયતા પહોંચાડવાનું છે. મારાં બાળકોને સર્વોત્તમ શિક્ષણ આપવાનું અને સર્વશ્રેષ્ઠ સંસ્કારોથી સંપન્ન કરવાનું છે.’ હું સરળ, નિખાલસ, વધારે સ્પષ્ટ, ઉત્તરને પસંદ કરતો : ‘મારા જીવનનું ધ્યેય આનંદ અથવા આમોદપ્રમોદ છે. જેટલો પણ વખત મળ્યો છે તે વખત દરમિયાન હું જીવનનો પૂર્ણપણે ઉપભોગ કરવા માગું છું.’
હવે મને સમજાયું કે પોતાના વાસ્તવિક સત્યસ્વરૂપને ના જાણનારા માનવમાં સદ્દસદ્ વિવેક નથી હોતો અને એના વ્યક્તિત્વથી પરની વિશિષ્ટ વસ્તુઓનો એ વિચાર પણ નથી કરી શકતો. એ જ્યાં સુધી આત્મદર્શનથી અલંકૃત નથી બનતો ત્યાં સુધી જીવન નામની સ્વાભાવિક પ્રક્રિયામાંથી પસાર થતો રહે છે. એમાં કશો વિશિષ્ટ અપવાદ નથી હોતો. એ જીવનના અલ્પજીવી સર્વ સામાન્ય ક્ષુલ્લક ધ્યેયોને માટે મહેનત કરે છે ને સંસારચક્ર ફરતો રહે છે.
પોતાના રાજ્ય કે રાષ્ટ્રને સુસમૃદ્ધ કરવા માટે પ્રખર પરિશ્રમ કરનારો રાજનીતિજ્ઞ ભાગ્યે જ વિચારે છે કે એના એક રાજ્ય કે રાષ્ટ્રનું અસ્તિત્વ સમસ્ત વિશ્વની સુખાકારી માટે આવશ્યક અને અનિવાર્ય છે કે કેમ, અને થોડાક વખત પછી એ નષ્ટ થશે કે નહિ થાય. એ સમજતો નથી કે આપણી આખી પૃથ્વી વિનાશશીલ છે અને માનવસંસ્કૃતિ કે સાંસારિક સુધારણાના નામે એની ઉપર જે કાંઈ થયું છે કે થઈ રહ્યું છે તે માટીમાં મળવાનું છે. ચંદ્રમાં કાંઈ પણ સાંસ્કૃતિક જીવનચિહ્ન બાકી નથી રહ્યું તેવી રીતે એની ઉપર પણ કશું બાકી નહિ રહે.
સાચું જોતાં એવી સમજણ સદા સર્વ કાળને માટે મેં જણાવ્યું છે તેવા સ્વરૂપમાં નથી પ્રવર્તતી. આત્માની અક્ષરાતીત અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરવાની મારામાં શક્તિ નથી. એ અનુભૂતિને શબ્દોના વાહન દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન નકામો જ જવાનો. સફળ નહિ ઠરવાનો.
અત્યાર સુધીની સઘળી માનવપ્રવૃત્તિઓના મૂળમાં માનવનું વ્યક્તિત્વ અથવા એની અહંવૃતિ રહેલી છે. આપણે જાણીએ છીએ કે અભિનેતા અને અભિનય બંને મિથ્યા છે અને ભૌતિક શરીરનાં ત્રણસો જેટલાં વરસો પૂરતું જ એમનું અસ્તિત્વ છે. એ સત્યને સુચારુરૂપે સમજી લઈએ તો આપણા વ્યક્તિત્વના મૂળમાં રહેલી આપણી સધળી પ્રવૃત્તિઓને ને પ્રાપ્તિઓને ભૌતિક રીતે મિથ્યા માની શકીએ. જે માનવ પોતાના વ્યક્તિત્વનું સત્યને માટે સમર્પણ કરે છે તે પોતાની ભ્રાંતિઓનો ગુલામ બનતો નથી અને છાયા સ્થૂળ શરીરથી અલગ સ્વતંત્ર રીતે રહી શકતી નથી તેવી રીતે એ પરતંત્ર છે અને અનાવશ્યક છે એવું અનુભવે છે.
‘ધી ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ નામના સુપ્રસિદ્ધ પુસ્તકના કર્તાએ એવું જ કહ્યું છે. બધા જ રસ્તાઓ રોમ તરફ લઈ જાય છે એ ઉક્તિને થોડાક સુધારાવધારા સાથે કહીએ તો કહી શકાય કે આધ્યાત્મિક જગતના સર્વે પ્રયત્નો છેવટે સ્વરૂપના સાક્ષાત્કારના પરમ ધ્યેય તરફ લઈ જાય છે. પાંચેક વરસ પહેલાં મને સૌથી પ્રથમ મહર્ષિના સદુપદેશનો પરિચય થયો ત્યારે એમની થોમસ એ કેમ્પીસના સદુપદેશ સાથેની સમતાથી મને આશ્ચર્ય થયું.
પાંચેક વરસ પહેલાં મને મહર્ષિના સદુપદેશને સમજવાનો સુ-અવસર સાંપડ્યો ત્યારે મારા વરસોના જાણીતા અને માનીતા થોમસ એ કેમ્પીસના સદુપદેશોની સાથેની એમની સમાનતાથી હું વિસ્મય પામ્યો. હવે મને પ્રત્યક્ષ પ્રકાશની પ્રાપ્તિ થઈ ત્યારે જગતના સઘળા ધર્મગુરુઓ તથા સદુપદેશકોની પાયાની અંતરંગ એકતાને વધારે સારી રીતે સમજી શક્યો. એમનામાં કોઈ મૂળભુત ભિન્નતા નથી દેખાતી પરંતુ સિદ્ધાંતો અને જડ ઉપદેશોની ઈન્દ્રજાળમાં પડીને, એમને આવશ્યકતાથી અધિક મહત્વ પ્રદાન કરીને, સામાન્ય માનવો એમના આદેશો અને ઉપદેશોને બહારથી પકડી બેઠા હોવા છતાં એમને આચરણમાં ઉતારવાનું ભૂલી ગયા છે.
જે માનવને પરમ જ્ઞાની સદગુરુનાં શ્રીચરણોમાં બેસવાનું સૌભાગ્ય સાંપડે છે તેને માટે કોઈ ધર્મ મોટો અને કોઈ નાનો અથવા કોઈ ઉત્તમ અને કોઈ અધમ એવો ભેદભાવ નથી રહેતો. રમણ મહર્ષિ જે પરમ સનાતન સત્યની વાત કરતા તે સત્ય સર્વ પ્રકારના સંપ્રદાયોથી અતીત છે એટલું જ નહિ પણ એનો સાક્ષાત્કાર કોઈક જ વિરલ પુરુષો કરી શકે છે.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)