if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મંદિરના હોલમાં રમણ મહર્ષિ ઉપસ્થિત નહોતા રહેતા ત્યારે તે સમયનો અમુક અંશ હું આજુબાજુનાં પવિત્ર સ્થળોની મુલાકાત લેવામાં પસાર કરતો. મેં પ્રથમ મુલાકાત અરુણાચલના પવિત્ર પર્વતની લીધી. અરુણાચલ પર્વતની પવિત્ર પંક્તિ જાણે કે સ્વર્ગના પ્રદેશ તરફ અંગુલિનિર્દેશ કરતી હોય તેમ આશ્રમથી ઉપર ઊઠેલી દેખાતી. રમણ મહર્ષિ પોતાની યુવાવસ્થા દરમ્યાન જે જે ગુફાઓમાં રહ્યા હતા, તે બધી જ ગુફાઓની મેં મુલાકાત લીધી. એ ગુફાઓમાંની એક ખૂબ જ પ્રખ્યાત ગુફા વિરુપાક્ષી હતી. એ ગુફામાં યુવાન સ્વામી રમણે ધ્યાન તથા બીજી આત્મવિકાસની આધ્યાત્મિક સાધનામાં અનેક વર્ષા વીતાવેલાં. પ્રાચીન સમયમાં એ સ્થળમાં એક મહાન યોગીએ સમાધિ લીધેલી એવું કહેવાતું.

એ ગુફા પાસે પહોંચવાની નાનીસરખી પગદંડીનો મેં આધાર લીધો. ગુફા પાસે પહોંચ્યો ત્યારે મને એક પર્વતમાંથી કોરી કાઢેલો મોટો પથ્થર દેખાયો. એની નીચે નાનીસરખી પાકી પડસાળ હતી. એ પડસાળની ચારેતરફ લોખંડનો કઠેરો અને પાછળના ભાગમાં નાના દરવાજા હતા. એ દરવાજા પર જૂનુંપુરાણું, લાંબા વખતથી કામે લાગતું, તાળું મારેલું. ગુફામાં કોઈ રહેતું હોય એવું નહોતું દેખાતું. મેં ગુફાની આજુબાજુ વિહાર કર્યો, થોડાંક લાલ ફૂલોને ચૂંટ્યા અને એક વિશાળ પ્રચંડ પથ્થર પર શાંતિપૂર્વક વિશ્રામ કર્યો. હું પાછા ફરવાનો વિચાર કરી રહેલો ત્યારે એક કૃશકાય યુવાન હિંદુ પર્વત પરથી નીચે ઊતરીને ગુફા પાસે આવી પહોંચ્યો. એણે મને હિંદુ વિધિ પ્રમાણે પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. મેં પણ બે હાથ જોડીને એ જ પ્રમાણે એનો ઉત્તર વાળ્યો. એ યુવાને લોખંડનો નાનો દરવાજો ઉઘાડીને ગુફામાં પ્રવેશ કર્યો અને મને એનું અનુસરણ કરવા માટે સ્મિતપૂર્વક સંકેત કરીને આમંત્રણ આપ્યું. ગુફાના નીચા સાંકડા દરવાજામાંથી પ્રવેશતી વખતે મારે ખૂબ જ નીચા નમવું પડ્યું. ગુફાની અંદરના ભાગમાં પર્વતની શિલાની નીચે નવ ફૂટ જેટલા સ્થાનમાં લગભગ પાંચ ફૂટ ઊંચો ઓટલો હતો. એના ઉપર પીળાં ફૂલોની માળાઓ પડેલી. મધ્ય ભાગમાં વાદળી જેવાં પુષ્પો પાથરવામાં આવેલાં. એની પાસે એક દીપક પ્રકાશી રહેલો. પર્વતમાંથી કોરી કાઢેલા એક તાકામાં માટીનો ઘડો જોવા મળતો. મારા નવા સંન્યાસી મિત્રે એની સમીપમાં પોતાની સાથે આણેલા ભોજનનું નાનકડું પાત્ર મૂક્યું. ગુફામાં બીજું કશું જ દેખાતું ન હતું. હું સ્વચ્છ પડસાળ પર શાંતિપૂર્વક બેઠો. પેલા યુવાન સંન્યાસીએ પણ એ જ રીતે બેઠક લીધી. એકમેકને સમજવા માટે અમને શબ્દોની આવશ્યકતા ન લાગી. એને મારી મુલાકાતના પ્રયોજનની માહિતી હતી અને એ એકાન્ત, શાંત તપોભૂમિને માટે એના અંતરમાં કેટલો બધો આદરભાવ હતો તેની મને પણ માહિતી હતી.

બપોરે મેં અરુણાચલ પર્વતના ઉપરના ભાગમાં આવેલી એક બીજી ગુફાની મુલાકાત લીધી. એનું નામ સ્કંદાશ્રમ હતું. પોતાના વર્તમાન આશ્રમમાં પ્રવેશતાં પહેલાં રમણ મહર્ષિ એ સ્થાનમાં પણ રહેલા. એમની માતાની સમાધિ, માતૃમંદિર અને આશ્રમનાં બીજા બધાં મકાનો જે ભૂમિમાં જોવા મળે છે, તે ભૂમિની પસંદગી તો પાછળથી થયેલી.

વિરુપાક્ષી ગુફાની પેઠે સ્કંદાશ્રમના સ્થાનમાં પથ્થરની પડસાળને લાકડાની દીવાલથી જોડી દેવામાં આવેલી અને તાડવૃક્ષોના સમૂહને તથા નાનકડા બાગને વટાવીને થોડાંક પગલાં આગળ વધવાથી એક મોટી ઓશરી આવતી. એની અંદરના ભાગમાં થોડાક ઓરડા પણ દેખાતા. એ દિવસ કોઇક પવિત્ર તહેવારનો દિવસ હોવાથી કેટલાક કિંમતી કપડામાં સજ્જ યુવાનો તથા યુવતીઓ તાડવૃક્ષની શીતળ પ્રસન્નતા-પ્રદાયક છાયામાં એકઠાં થયેલાં. એક બુદ્ધિશાળી દેખાતા માયાળુ અભિનયવાળા યુવકે મારી પાસે પહોંચીને મને અંદર જવાનો નાનકડો દરવાજો બતાવ્યો. એ ગુફા પહેલાંની ગુફાને મળતી લાગી તો પણ પહેલાંની ગુફા કરતાં વધારે દેખાવડી હતી. એના મધ્યભાગમાં એક વિલક્ષણ, સુમનોથી સુશોભિત, નાનીસરખી વેદી જોવા મળી. એના ઉપર એક દીપક પ્રકાશી રહેલો અને લગભગ ચાળીશ વર્ષ પહેલાં લીધેલો મહર્ષિનો ધ્યાનાવસ્થાનો પ્રાચીન ફોટો મૂકવામાં આવેલો. જમીન પર રંગબેરંગી ચટાપટાવાળી જાજમો બીછાવવામાં આવેલી.

એ યુવાન સાધુએ મહર્ષિના ફોટાને બે હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. મહર્ષિ વર્ષો પહેલાં એ જ ઓરડામાં રહેતા હતા કે કેમ તે જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને મેં કેટલાક પ્રશ્નો પૂછયા. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે મને જણાયું કે મહર્ષિ ત્યાં જ રહેલા. થોડા વખત પછી એ યુવાન સાધુ બહાર જઈને તાજી ભસ્મ તથા કુમકુમના નાનકડા પાત્ર સાથે પાછો ફર્યો. હિન્દુ વિધિ પ્રમાણે કરવામાં આવતી પૂજામાં એ બન્નેનો ઉપયોગ થતો હોય છે. કુમકુમની મદદથી કપાળે ચાંલ્લો કરવામાં આવે છે અને પછી પવિત્ર ભસ્મની મદદથી કપાળે ત્રણ રેખાઓ દોરવામાં આવે છે. કપાળે ચાંલ્લો કરવાનું કામ તો કઠિન ન લાગ્યું પરંતુ ભસ્મલેપન કરવાનું કાર્ય ધાર્યા જેટલું સહેલું ન હતું. કારણ કે એમાં ભૂલ થવાનો સંભવ હતો. યુવાન સાધુએ મારા સંકોચને અને મારી મુશ્કેલીને સમજી જઈને પોતાની ત્રણ આંગળીની મદદથી કપાળે ભસ્મલેપન કેવી રીતે કરવું, તેની વિધિ બતાવી. મેં એ વિધિનું અનુસરણ કર્યુ અને એને પતાવ્યા પછી ઓશરીના એક ખૂણામાં શાંતિપૂર્વક બેસીને મારા મનને બહારના બધા જ પદાર્થો તથા વિષયોમાંથી ઉપરામ કરવા માંડ્યું. એના માર્ગની પ્રત્યેક વસ્તુને મેં હઠાવવા માંડી. સૌથી પ્રથમ મારી સામે બેઠેલી સન્નારીઓની રંગીન સાડીઓ અદૃશ્ય થઈ અને પછી મારી સમીપમાં બેસીને મંત્રજપ કરનારા શ્વેત દાઢીવાળા વૃદ્ધ સાધકના સ્વરને પણ હું ન સાંભળી શક્યો.

જ્યારે મને ભૌતિક જગતનું ભાન આવ્યું ત્યારે સમજાયું કે આશ્રમમાં સાંજના ભોજન માટે બોલાવવામાં આવે છે. સાંજના શાંત વાયુમંડળમાં કેટલાય માઈલોના ઘેરાવામાં શબ્દો સુસ્પષ્ટ રીતે સાંભળી શકાતા. સ્કંદાશ્રમના સાધકોની શાંતિપૂર્વક અનુજ્ઞા લઈને મેં પથ્થરની પગદંડી પરથી નીચે ઉતરવા માંડ્યું. એવી રીતે મારા જીવનમાં સૌથી પ્રથમ એ સાંજે હું એક હિન્દુ સાધુનાં લક્ષણો સાથે આધ્યાત્મિક જીવન માટે સમર્પિત થયેલી વ્યક્તિ તરીકે મારી ઓળખાણ આપતાં આશ્રમમાં ભોજન કરવા માટે બેઠો. મહર્ષિનું સ્થાન ખાલી હતું.

પરંતુ મારી સામેના ભાગમાં એક મહારાજાનું તાજેતરમાં આવેલું કુટુંબ બેઠેલું. એમના પરિવારમાં એમની ધર્મપત્ની, એમનો પુત્ર અને એમની યુવાન પુત્રી હતાં. એમની ડાબી તરફ યોગી રામૈયાનું સ્થાન હતું અને જમણી તરફ મોટી ઉંમરના ભક્તો અને આશ્રમના સાધકો બેઠેલા. મને એવું લાગ્યું કે મહારાજા સાહેબના પરિવારના સભ્યો મારા ચમચા તરફ કાંઈક ઈર્ષાભરી નજરે નિહાળતા. પ્રવાહી પદાર્થોનો ઉપયોગ કરતી વખતે એ ચમચો ખૂબ જ સાનુકૂળ અને સુખદ થઈ પડતો. એ સભ્યોએ પોતાના ઘરમાં દીર્ઘ સમય પહેલાં જે ટેવને ત્યજી દીધેલી તે હાથથી ખાવાની ટેવનો એમને કેવળ શિષ્ટાચારને ખાતર આધાર લેવો પડતો.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.