Sun, Jan 17, 2021

અહંવૃત્તિનો પ્રવાહ

રમણ મહર્ષિની વાતને બાજુ પર રાખીએ તો પણ તટસ્થ રીતે કહી શકાય કે એમણે ઉદ્દેશેલો સિદ્ધાંત ખૂબ જ રહસ્યમય લાગે છે. એ સિદ્ધાંતને સામાન્ય ભાષામાં સમજાવવાનું કાર્ય કઠિન છે. જો આપણે એવું સ્વીકારીએ કે કુદરતની પાસે શક્તિનો અભાવ નથી તો એવી પ્રતીતિ કરી શકીએ કે સદગુરુની સમાધિ અથવા એમના ધ્યાનના પરિણામે પેદા થયેલા અલૌકિક શક્તિપ્રવાહો દ્વારા આત્મશક્તિનો ભંડાર પેદા થતો હોય છે. મહર્ષિના અંતરંગ શિષ્યોને ત્રીસેક વર્ષ પહેલાં એ તથ્યની માહિતી હતી. એ શક્તિને એ બધા અહંવૃત્તિના પ્રવાહ તરીકે ઓળખતા. એ અલૌકિક આધ્યાત્મિક શક્તિને લીધે આશ્રમના વાયુમંડળમાં વિવિધ પરિવર્તનો આવતાં, વ્યાધિનું અનાયાસે સત્વર નિવારણ થઈ જતું તથા આશ્રમવાસીઓના જીવનમાં આત્મપ્રકાશનું પ્રાકટ્ય થતાં ઝડપી ફેરફારો થયા કરતા. મહર્ષિ પોતે પોતાના શિષ્યો દ્વારા વ્યક્ત કરાતા સિદ્ધાંતો વિશે ભાગ્યે જ કશું બોલી બતાવતા. એ એમની વાતોની ઉપેક્ષા કરતા દેખાતા. રમણ મહર્ષિ જેવા મહાન સંતપુરુષે પેદા કરેલી અસરો - એમની યથાર્થ અભિવ્યક્તિ કરવામાં આવે તો - આશ્ચર્યકારક રીતે કાર્ય કરી શકે છે એવું કુદરતના કાનૂનથી સમજી શકાય છે.

આત્મવિચારનો આધાર લીધા સિવાય મારા સત્ય સ્વરૂપની સાથે સંવાદ સાધી શકાય એવી સાધનાપદ્ધતિની મેં એક દિવસ શોધ કરવા માંડી. એ વખતે મારા મનના વિચારો તથા ભાવોને લીધે હું મારા મનને સંપૂર્ણ શાંત કરી શક્યો નહિ. ત્યારે મને વિચાર આવ્યો કે મારે પેલા શક્તિપ્રવાહનો લાભ કેમ ન લેવો. પરંતુ એ લાભ કેવી રીતે લેવો એ સમસ્યાની ઉપર મારા સમસ્ત ધ્યાનને કેન્દ્રિત કરીને હું અંતઃપ્રેરણાથી પ્રેરાઈને કોઈ મંત્રની પેઠે અવારનવાર રટવા લાગ્યો, અહંવૃત્તિનો પ્રવાહ-અહંવૃત્તિનો પ્રવાહ. મને સમજ ન પડી કે મેં એવું કેમ કર્યું. પરંતુ મારા શરીરમાં તરત જ એક શક્તિપ્રવાહ પેદા થયો. એને લીધે મેં જેની ઈચ્છા રાખેલી એ આવશ્યકતાની પૂર્તિ થઈ. મારામાં પરિવર્તન આવ્યું. મનનો પ્રતિકાર દૂર થયો. મારી આગળથી ધુમ્મસના ગોટાની પેઠે ભૌતિક જગત દૂર થવા લાગ્યું. એ પછી મને જાગૃતિ-અવસ્થાની પ્રાપ્તિ થઈ.

વખતના વીતવાની સાથે મને સમજાયું કે આત્મશક્તિના એ રહસ્યમય પ્રવાહનો ઉપયોગ કેવળ એટલા માટે જ નથી કરવાનો. બીજી નાની વાતોને માટે પણ એનો ઉપયોગ કરી શકાય તેમ હતો. એ શક્તિની મદદથી મનની પ્રત્યેક પ્રકારની અસ્વસ્થતાને શાંત કરી શકાતી અલબત્ત, મને અંતઃપ્રેરણા દ્વારા સમજાયું અને સાવધાન કરવામાં આવ્યો કે શક્તિના એ ભંડારનો ઉપયોગ અવારનવાર અને સમજ્યા વગર કરવાનો નથી હોતો.

શક્તિના એ પ્રવાહના સંસર્ગમાં આવવા માટે કેટલીક આવશ્યક શરતો જાણવા જેવી છે. પ્રથમ તો એ શક્તિપ્રવાહના અસ્તિત્વમાં વિશ્વાસ, પછી સદગુરુ દ્વારા થતી પ્રવૃત્તિની અસરકારકતામાં અટલ શ્રદ્ધા અને છેવટે એની મદદથી કોઈ સુયોગ્ય હેતુને સિદ્ધ કરવાની અભિલાષા. મેં મારા ગુરુદેવને એ વિશે કદી પણ ના પૂછયું. એમનું કાર્ય હંમેશાં ઉચ્ચતર ભૂમિકા પર થયા કરતું હોવાથી એના વિશે વાતચીત કરવાનું ખૂબ જ ક્ષુલ્લક લાગતું. તો પણ અમારી પહેલાં આશ્રમમાં જઈને પોતાના કાર્યો સફળ કરી ચૂકેલા સાધકોની સાધનાપદ્ધતિ પર એનાથી સારો પ્રકાશ પડી શકતો.

આત્મશક્તિનો એ પ્રવાહ અસ્તિત્વ ધરાવે છે. એ પ્રવાહ એવી અસાધારણ શક્તિથી સંપન્ન છે કે જેની દ્વારા આપણે આપણા યોગ્ય હેતુઓની સિદ્ધિ કરી શકીએ. માનવજાતિના એક મહાન સન્મિત્રે આપણા માટે એ ધન્ય વારસાને મૂકેલો છે.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.