આજે રમણ મહર્ષિના કૉચની સામેની ખાલી જગ્યામાં રંગીન ભારતીય કામળાઓથી ઢંકાયેલી એ લાકડાંની પેટીઓ જોઈ. એ પેટીઓની બાજુમાં ઉત્તર ભારતીય પોશાક પહેરીને બે માણસો બેઠેલા. રમણાશ્રમના લાઈબ્રેરિયન સાથે લાઈબ્રેરીમાં મારે કલાકો સુધી જે વાતચીત થતી તે દરમિયાન એમણે મને એક વાર જણાવ્યું કે રમણ મહર્ષિની સંનિધિમાં બપોર પછી ધાર્મિક સંગીતનો અથવા સંકીર્તનનો સમારોહ થવાનો છે અને નવાગંતુકો પ્રખ્યાત કલાકારો હોઈને એમના હારમોનિયમ પર સંગીત સંભળાવવા માટે એકઠા થયા છે. એ દિવસે બપોરે કોઈક અપવાદરૂપ વિરલ સંજોગોમાં બનતું તેમ, મંદિરનો હોલ એકદમ ભરાઈ ગયેલો. સંગીતકારોએ મહર્ષિને પૂજ્યભાવે રાબેતા મુજબ પ્રણામ કર્યા પછી પોતાનો કાર્યક્રમ શરૂ કર્યો. કલાકારે મોટું હારમોનિયમ વગાડીને સુસંવાદી સ્વરો કાઢવા માંડ્યાં અને બીજાએ એમાં સાથ આપ્યો. એ સ્વરો શુદ્ધ શાસ્ત્રીય સંગીત તથા લોકસંગીતમાં સંમિશ્રણ સમાન હતા અને મહર્ષિના શિષ્યો દ્વારા રાતના સત્સંગ વખતે ગવાતાં જુદાં જુદાં ગીતોને મળતા આવતા.
એ સંગીતસમારોહ વખતે મહર્ષિ કોઈક દૂરના અનંત પદાર્થનું ધ્યાન કરતા હોય એવી રીતે દરરોજની જેમ ઊંડી એકાગ્રાવસ્થામાં બેઠેલા દેખાયા. એ સંગીતને ધ્યાનપૂર્વક સાંભળતા કે માણતા હોય એવું ના લાગ્યું. સંગીતકારોએ એકાદ કલાક પછી એમના સમારોહની સમાપ્તિ કરીને મહર્ષિને ફરી વાર પ્રણામ કર્યા અને બીજા ભક્તોની સાથે શાંતિપૂર્વક બેસી ગયા. એમની હાર્મોનિયમ વગાડવાની પદ્ધતિ મને ખૂબ જ ગમી અને રસમય લાગી. બંને કલાકારોની આંગળી હાર્મોનિયમ પર એવી તો ત્વરિત ને કળાત્મક રીતે ફરતી હતી કે એમને અવલોકનારને એવું લાગતું કે એ જાણે હાર્મોનિયમને અડતી જ નથી અને એમની સપાટી પરથી જ પસાર થઈ રહી છે. મેં એક વાર એવા ઈલેક્ટ્રિક હાર્મોનિયમ વિશે સાંભળેલું જે કલાકારની અંગુલિ એની પાસે પહોંચતાંવેંત આપોઆપ વાગી ઊઠતું. કલાકારની અંગુલિ અમુક ચોક્કસ અંતર પરથી હાલતી અને એ અંતર સંગીતસ્વરોની સૃષ્ટિમાં નિર્ણાયક બનતું. એ ભારતીય કલાકારોએ એવા વાજિંત્રોનો ઉપયોગ કર્યો હશે ? પરંતુ એમની પેટીઓ સાથે હોલની વીજળી સાથે જોડાયેલા કોઈ વાયરનો સંબંધ સાધવામાં આવ્યો હોય એવું મને ના દેખાયું. એટલે મારી શંકા નિરાધાર લાગી. સાચી વાત તો એ હતી કે એમની અસાધારણ લોકોત્તર કલાશક્તિને લીધે સામાન્ય હાર્મોનિયમ એમને માટે અસામાન્ય બની ગયેલા.
રાતના ધ્યાનના કાર્યક્રમ પછી એક પરિચારકે મને હોલના દ્વાર પાસે મળીને જણાવ્યું કે બધા જમીને પરવારશે પછી સિનેમા શો થવાનો છે. એમણે મને આશ્રમમાં અને આશ્રમની આજુબાજુ રહેતા કેટલાક યુરોપિયનોને અને અમેરિકનોને આમંત્રણ આપવા માટે જણાવ્યું. રાતે લગભગ આઠેક વાગે હોલ પ્રવૃતિથી ભરપૂર બની ગયો. એક ખૂણામાં પડદો ગોઠવવામાં આવ્યો. બીજા ખૂણામાં નાનું પ્રોજેકટર મૂકવામાં આવ્યું અને થોડાક ટેક્નિશિયનો કામે લાગી ગયા.
મારા પશ્ચિમી મિત્રો થોડાક વહેલા આવ્યા. મેં અને જેની સાથે મારે આશ્રમમાં અવારનવાર અનેકવિધ વાતો થતી તે મુંબઈથી આવેલી મારી મિત્ર નલિનીએ બારી પાસે બેઠક લીધી. કલકત્તાના એક ધનાઢ્યની પંદરથી સોળ વરસની યુવાન કન્યાએ પણ અમારી પાસે જ બેસવાનું પસંદ કર્યું.
દર્શનાર્થીઓમાં ખાખી યુનિફોર્મમાં સજ્જ, તિરુવણ્ણામલૈ શહેરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર, કેટલાક વકીલો અને સ્થાનિક કોર્ટના ન્યાયધીશો હતા.
કેટલીક જરૂરી વ્યવસ્થા પછી સિનેમા શોની શરૂઆત થઈ. સિનેમાની ફિલ્મનો સંબંધ મહર્ષિના જીવન સાથે હતો. એમાં મહર્ષિનું વ્યક્તિત્વ જુદીજુદી રીતે જોવા મળ્યું. એ અરુણાચલના પવિત્ર પર્વત પર ચઢતા દેખાયા, આશ્રમના આંગણામાં ફરતા જોવા મળ્યા, અને આશ્રમના જુદાજુદા ઉત્સવોમાં ભાગ લેતા જોઈ શકાયા. મોટા ભાગની ફિલ્મ રંગીન, સરસ અને મહર્ષિની આકૃતિને નૈસર્ગિક અને વિવિધ સ્વરૂપમાં રજૂ કરનારી હતી. એમની આજુબાજુની વ્યક્તિઓ સહેલાઈથી ઓળખી શકાઇ. મહર્ષિની સંનિધિમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, આશ્રમના સેવકો અને કેટલાક સ્કાઉટો દેખાયા. મહર્ષિની પાછળ એમની એકનિષ્ઠ ભક્ત એક અમેરિકન સ્ત્રી ધીમેધીમે ચાલતી દેખાઈ.
મહર્ષિ એ આખીય ફિલ્મને એમની નૈસર્ગિક, સહજ, અલિપ્ત, તટસ્થ દૃષ્ટિથી જોઈ રહેલા. એ ફિલ્મને નિહાળીને મને લાગ્યું કે ભવિષ્યની પેઢીઓને માટે મહર્ષિની આકૃતિને અમર બનાવવામાં આવી છે. પરંતુ કચકડાની એ આવૃતિ એમના અમોલ અલૌકિક આશીર્વાદ જેવા પ્રત્યક્ષ જીવનની બરાબરી કરી શકે તેમ નહોતી, એ ચોક્કસ હતું.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)