હૉલમાં દર્શનના સમય દરમિયાન સામાન્ય રીતે મારી અને મહર્ષિના કૉચની વચ્ચે બીજું કોઈ જ નહોતું રહેતું. એને લીધે હું રમણ મહર્ષિની આંખનું કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના સારી પેઠે નિરીક્ષણ કરી શકતો. એમની દૃષ્ટિ મોટે ભાગે મારી દિશામાં અને ઉપર જોયા કરતી. પહેલાં તો એ સંતપુરુષની મુખાકૃતિ તરફ સ્થિર દૃષ્ટિથી એકાગ્રતાપૂર્વક અવલોકવાની હિંમત મારામાં ન હતી. મારો એ સંકોચ મારી સાંસારિક આદતોની અંતિમ નિશાનીરૂપ હતો એવું પણ બની શકે, કારણ કે એ આદતોના એક અંશ તરીકે એક શિષ્ટ કોટિના સદગૃહસ્થ બીજાની આંખને ધારીધારીને કે તાકીતાકીને નથી જોતા. મારા સંકોચનું એક બીજું કારણ પણ હોઈ શકે. મારી અંતઃપ્રેરણા મને હંમેશા કહ્યા કરતી કે એ આંખ સામાન્ય માનવીય આંખ કરતાં ઘણું વધારે અને આગળનું જુએ છે એટલે એમની આગળ મારું સમગ્ર વ્યક્તિત્વ ઉઘાડું છે. મારી એ સંકોચવૃત્તિને દૂર કરવા માટે થોડાક સમયની પ્રતીક્ષાની આવશ્યકતા હતી. એવી સંકોચવૃત્તિને લીધે રોમન કૅથોલીક જગતમાં કેટલાક લોકો ધર્મગુરુની આગળ પોતાના અપરાધોનો એકરાર સહેલાઈથી નથી કરી શકતા.
મારા એ શરૂઆતના સંકોચને દૂર કરવાનો મેં પ્રયત્ન કર્યો. એ પ્રયત્નના પરિણામે થોડાંક અઠવાડિયાં પછી બધા જ અંતરાયો દૂર થયા અને મારા મહર્ષિ સાથેના અંતરંગ સંબંધ દરમિયાન હું રોજરોજ મારી જાતને, ત્રુટિઓને તથા બદીઓને સ્વાભાવિક રીતે અને અત્યંત અસરકારક રીતે રજૂ કરવા લાગ્યો. મારે સંપૂર્ણ રીતે સરળ અથવા નિખાલસ બનવાની આવશ્યકતા હતી, કારણ કે એ અગત્યના લક્ષણ વિના સદગુરુની સાથે કોઈ સીધો અગત્યનો આધ્યાત્મિક સંબંધ નથી થઈ શકતો.
મહર્ષિની આંખ સદાને સારુ એકસરખી દેખાતી. વિચારો કે ભાવોને લીધે એમની અંદર કોઈ પ્રકારના વિકારો કે ભાવતરંગો નહોતા પેદા થતા. પરંતુ એનો અર્થ એવો નહોતો કે એમની અંદર જીવનજ્યોતિનો અલ્પ પણ અભાવ દેખાતો. એથી ઊલટું, જેમણે એમનું અવલોકન ના કર્યું હોય તેમનાથી કલ્પી પણ ના શકાય એવા ઊંડાણનું અને ગૌરવનું એમાં અહર્નિશ દર્શન થતું. એમની કાળી વિશાળ તેજસ્વી પૂતળીઓ પ્રખરતમ પ્રકાશથી પુલકિત રહેતી. એમનાથી એકદમ અપરિચિત હોય એવો કોઈ માનવ પણ એમની તસવીરને નિહાળે તો એમાં દેખાતી એમની આંખના ઊંડા પ્રખર પ્રકાશને આશ્ચર્યચકિત થયા વિના નહિ રહે.
એમની આંખમાંથી પરમ શાંતિનો પ્રખર છતાં પણ મધુર પ્રવાહ વહ્યા કરતો. એમને અવલોકનારની બધી જ નિર્બળતાઓ, ત્રુટિઓ તથા માનસિક મુશ્કેલીઓની સંપૂર્ણ સમજ સાથે એ આંખ પ્રકાશી રહેતી. વ્યક્તિગત રીતે કહું તો કહી શકાય કે એ આંખમાં મને એમની આજુબાજુના વાતાવરણને માટે તથા એમની આગળ એકઠા થયેલા માયામાં પડેલા માનવોને માટે એક પ્રકારનું સ્વલ્પ અવજ્ઞાસૂચક સ્મિત દેખાતું. અને જ્યારે હું હૉલમાં બેઠેલા કેટલાક દર્શનાર્થીઓની આંખને જોતો ત્યારે એમની આંખમાં મહર્ષિની આંખમાંથી પ્રતિબિંબિત થતા પ્રકાશનો એક સાધારણ અંશ પણ નહોતો દેખાતો. મહર્ષિની આંખ સાથે સરખાવતાં એ આંખો મોટે ભાગે નિર્જીવ લાગતી. જો કે એ પ્રકારની સરખામણી કરવાનું ઉચિત નહોતું તોપણ મારાથી એવી સરખામણી થઈ જતી. એવી સરખામણી કર્યા સિવાય મારાથી ના રહેવાતું. આપણામાંના પ્રત્યેકની અંદરનું જીવન સરખું છે અને પ્રત્યેકનો વિકાસ એના વ્યક્તિત્વને અનુસરીને, એને અનુરૂપ થતો હોય છે. એક આદર્શ અથવા સિદ્ધાંત તરીકે એ વસ્તુને સમજતો હોવા છતાં રમણ મહર્ષિની અને બીજાની આંખની સરખામણી મારાથી સ્વાભાવિક રીતે જ થઈ જતી, અને એવી સરખામણીને લીધે એ બંનેની વચ્ચેનો તફાવત પણ જણાઈ આવતો. તફાવતનો એ વિચાર હું આત્મવિચારનો આધાર લેતો ત્યારે જ શાંત બનતો.
સર્વોચ્ચ પરમાત્મા સર્વે જીવોમાં ને પદાર્થોમાં, પછી તે ગમે તેટલા નાના કે મોટા હોય તો પણ, પ્રગટ બન્યા છે. એ છોડમાં, જંતુમાં, સાપમાં, માનવમાં ને પશુમાં વિદ્યમાન છે. જે ભેદ દેખાય છે તે ભેદ એમના પ્રાગટ્યની પૂર્ણતાનો અને આંશિકતાનો છે. પરમાત્માના વ્યક્ત થયેલા સ્વરૂપના એક સાધારણ અંશનો જ આપણે તો અનુભવ કરીએ છીએ. એમની અભિવ્યક્તિનાં વધારે ઉચ્ચ સ્વરૂપોનો અનુભવ આપણી સીમિત ચેતનાની બહારનો વિષય છે. તો પણ આપણી અનુભૂતિની અંતિમ અવસ્થા પર કાંઈક એવું અવશ્ય છે જેને લીધે આપણે સર્વ પ્રકારની સંપૂર્ણતામાં પરમાત્માની ઝાંખી કરી શકીએ છીએ.
મારી ચેતનામાં એક વિચિત્ર, અવનવો, અભિનવ, શક્તિશાળી, પ્રવાહ પેદા થયો. એની સાથે એવી અપેક્ષા હતી કે મારા મનને હું બદલાતા વિચારથી મુક્ત કરી રહ્યો છું. મને કોઈએ જાણે કે કાનમાં કહ્યું : ‘પ્રયત્ન કરતા રહો અને તમને પ્રત્યુત્તર મળી રહેશે. સમાધાન સાંપડશે.’ અચાનક મને પ્રોજ્જવલ પ્રકાશની પ્રાપ્તિ થઈ. જે વાસ્તવિકતાનું દર્શન થયું તેથી હું ગભરાઈ ગયો, ભયભીત બન્યો, મંત્રમુગ્ધ થયો.
મારી એ અનુભૂતિને શબ્દો દ્વારા બીજાની આગળ વ્યક્ત કરવાની મને આકાંક્ષા નહોતી. પરંતુ પાછળથી હું કહી શક્યો કે ‘હું જાણું છું કે મહર્ષિની આંખમાંથી કોણ જુએ છે. એમની આંખમાંથી અવલોકનારી ચેતના અથવા આભા કઈ છે.’
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)