Sat, Jan 23, 2021

પવિત્રતાની પ્રાર્થના

‘મારી ઉપર અલૌકિક અમૃતનું અભિવર્ષણ કર,
હું નિર્મળ થઉં;
મારી ઉપર સંજીવનપ્રદાયક સલિલનું સીંચન કર,
હું બરફ કરતાં પણ વધારે ધવલ બની જઉં.’

 

ભારતના આ પ્રશાંત અને પ્રખ્યાત પ્રદેશમાં રહીને રમણ મહર્ષિએ ત્રીસ વર્ષ સુધી, પોતે જે પરમ સત્યનો સર્વોત્તમ આશ્ચર્યકારક રીતે સાક્ષાત્કાર કરેલો તે પરમ સત્ય પર ઉપદેશ આપીને કે પ્રવચનો કરીને નહિ પરંતુ એમની પોતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી એમનું પવિત્ર જીવનકાર્ય પૂરું કર્યું. કોઈક સમુદ્રમાં સફર કરનારાં વહાણોને દોરવણી આપતી ઉચ્ચ દીવાદાંડીની જેમ, જેમને સંસારની મહાસફરમાં આગળ વધવાની ઈચ્છા હતી તેમને, ભારતના એ દિવ્ય તથા મહાન ઋષિનો પાવન પ્રકાશ પ્રાપ્ત થયો. જેમને જોવાની આંખ હતી અને સાંભળવાના કાન હતા એમને એમનો લાભ મળ્યો, આજે પણ મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે.

દિવસ પછી દિવસ, વરસ પછી વરસ, એ આશ્રમમાં જ રહ્યા. દિવસના મોટા ભાગના સમય દરમિયાન, શાંતિ તથા નીરવતાથી ભરેલા વાયુમંડળમાં, ઉત્તમ પ્રકારના આધ્યાત્મિક વિકાસથી સંપન્ન મહામાનવો એમની પાસે સહેલાઈથી પહોંચી શકતા તેમ છેક જ સામાન્ય કક્ષાના માનવો પણ એમની પાસે પહોંચીને એમનો લાભ લઈ શકતા.

એવા એવા વિચારો દૂરની પર્વતમાળાઓના કોઈક અજ્ઞાત ઉદભવસ્થાનમાંથી નીકળીને મારા મનમાં પાણીના પ્રવાહની પેઠે ફરી વળવા લાગ્યા. એ ઉદભવસ્થાનની શોધ કરવાનો પ્રયત્ન મેં થોડાક વખત પહેલાં કદાચ કર્યો હોત, પરંતુ હવે, આટલા વખત પછી એની શોધ કરવાનું મન ના થયું.

માનવે પ્રકાશના પ્રાદુર્ભાવસ્થાનની પાસે બેસીને પ્રકાશની શોધ શા માટે કરવી જોઈએ ? એ પ્રકાશ આપણા વ્યક્તિત્વની આરપાર પ્રવેશીને આપણને આપણી ભૂલોને જોવાની, આપણા અહંકારને એની અપૂર્ણતાઓની સાથે ઓળખી લેવાની, અને આપણા ક્ષુલ્લક વ્યક્તિત્વનો તાગ કાઢવાની અંતર્દષ્ટિ આપે છે. પ્રકાશના પ્રાદુર્ભાવસ્થાનને લીધે પ્રકાશનાં કિરણો આપણી અંદર નૈસર્ગિક રીતે અને અત્યંત અસરકારક રીતે બહારથી નહિ પરંતુ અંદરથી જ પડવા માંડે છે. એટલે બહારથી કોઈ વસ્તુ લદાતી હોય એવો કે કોઈ બાહ્ય સૂચનનો ભય નથી રહેતો. એની આશંકા નથી થતી. વખતના વીતવાની સાથે આપણી સમક્ષ જે જીવંત મહાપુરુષ હોય છે એમના ચિંતનમનનથી એ પછી જીવનની વિશુદ્ધિની મંદ છતાં નક્કર પ્રક્રિયાનો પ્રારંભ થાય છે.

મારા પૂર્વજીવન દરમિયાન જડ ઘાલીને બેઠેલાં મારાં કેટલાક પાપોનો અને મારી કેટલીક ભયંકર ક્ષતિઓનો અંત આવ્યો. એમની કેવળ સ્મૃતિ જ શેષ રહી. મારી અંદર અગાઉ અવારનવાર પેદા થતી અને હદ બહારના સંઘર્ષને ને કષ્ટને પેદા કરતી મનોવૃત્તિઓ દૂરના ધુમ્મસની પેઠે વિખરાઈ ગઈ, અને અનેક પ્રકારના સિદ્ધાંતો, ધાર્મિક ક્રિયાકલાપો અને સામાન્ય બુદ્ધિના માનવો દ્વારા ચલાવતી સંસ્થાઓએ ઊભી કરેલી અનિશ્ચિતતાનો કાયમને માટે અંત આવ્યો. એવી અનિશ્ચિતતા માનવને જન્મથી માંડીને મૃત્યુપર્યંત ઘેરી વળે છે. મારા જીવનમાં પ્રગતિનું નવું પ્રભાત પ્રકટ થયું.

રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં દરરોજ વધારે ને વધારે વખત સુધી બેસવાથી મારા વ્યક્તિત્વમાં થતા ક્રમિક ફેરફારોનું પૃથક્કરણ કરવાનું કાર્ય મારે માટે શક્ય ના રહ્યું. મને ખબર હતી કે જે કાંઈ થઈ રહ્યું છે તે તેવી રીતે જ થવું જોઈએ. મને એ પણ ખબર હતી કે મને વિપથગામી કરવા અને મારા મૂકી દીધેલા માર્ગે બળજબરીથી ફરી વાર વાળવા માટે અનિત્ય જગત દ્વારા ઊભા કરાતા અનેકવિધ અંતરાયોની સામે મારે ઝઝૂવાનું છે. પરંતુ એ બધાનો કોઈ અર્થ ના લાગ્યો. એક વાર આપણને ખબર પડી જાય છે કે એ બધા આડમાર્ગો છે તો પછી એ માર્ગો પર પાછા ફરવાનું નથી રહેતું. એ પરિસ્થિતિમાં મારું વ્યક્તિત્વ એટલું બધું સુખી નહોતું લાગતું. કારણ કે પહેલાનું રોકટોક વગરનું સર્વસત્તાધીશ વ્યક્તિત્વ એ વખતે ઈચ્છાએ અથવા અનિચ્છાએ શાંત બનીને બેસી રહેલું.

મુક્તિનો વિચાર પોતાના સ્વર્ગની લાલસા રાખનારા સ્વાર્થી માનવોની દૃષ્ટિને વધારે આકર્ષે છે, પરંતુ એ મને આકર્ષક નહોતો લાગતો. કારણ કે હું માનતો કે વાસ્તવિક મુક્તિ તો ત્યારે જ મળે છે જ્યારે મુક્તિની શોધ કરનારી અથવા ઈચ્છા રાખનારી વસ્તુ જ અદૃશ્ય થાય છે.

મનની એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી કરનારી વૃત્તિ પણ ક્રમેક્રમે લુપ્ત થવા લાગી. આદિકાળથી માંડીને અત્યાર સુધી થયેલા માનવજાતિના મહાન ઉપદેશકોના જુદાજુદા યુગોમાં જુદીજુદી રીતે રજૂઆત પામેલા ઉપદેશોનો સાચો ભાવાર્થ મારી આગળ સ્પષ્ટ થવા લાગ્યો. મને થયું કે જગત જો એમના ઉપદેશોની સારવાતને સમજી લે અને એમના શબ્દોનું સંકુચિત, પોતાના જ હેતુને અનુકૂળ થાય એવું અર્થઘટન ના કરે તો કેટલું સારું ?  એથી એને કેટલો બધો લાભ થાય ?

એક વાર મહર્ષિને કોઈએ પૂછયું કે દુનિયાના મહાન ધર્મોમાંના એક ધર્મમાં કહ્યા પ્રમાણે મોટામાં મોટું પાપકર્મ કયું છે, તો એમણે ઉત્તર આપ્યો કે, ‘પોતાની જાતના અસ્તિત્વને અલગ માનવું તે.’

વિચાર કરતાં લાગ્યું કે એ બધી જ ભૂલો અને આફતોનું મૂળ કારણ છે. સ્વાર્થી સંકુચિત વ્યક્તિગત જીવનના નાના કુંડાળામાં પોતાની જાતને કેદ કરવાથી શું મળી શકે ? એથી તો માનવ પોતાની મેળે જ પોતાનો નાશ નોંતરે.

મારી ધ્યાનવસ્થામાં મને પ્રાપ્ત થયેલાં એ વિચારરત્નો ઘણા થોડા સમયમાં પ્રાપ્ત થયાં હોવા છતાં, એમના અક્ષરદેહના આલેખન માટે ઘણો વધારે વખત લાગ્યો. કોઈક ફિલ્મને કચકડામાં તૈયાર કરતાં કેટલોય વખત લાગે છે પરંતુ એને અવલોકવા માટે વિશેષ વખત નથી લાગતો તેવું જ એને માટે પણ સમજી લેવાનું છે.

સાંજે ધ્યાનનો કાર્યક્રમ પૂરો કરીને હૉલમાંથી બહાર નીકળ્યા પછી હું આશ્રમનાં કંપાઉન્ડની બહારના રાજમાર્ગ તરફ દૃષ્ટિપાત કરતો મંદિરના પગથિયા પર ઊભો રહ્યો. તારામંડળથી ભરેલા અનંત આકાશમાં અસંખ્ય સૃષ્ટિઓ ફેલાયેલી. દુરસુદૂર સુધી વિસ્તરેલી એ સૃષ્ટિઓ જાણે કે છેક જ સમીપ દેખાવા લાગી. એમના અસ્તિત્વની યથાર્થતાને હું માનતો ત્યારે મને જે શૂન્યતાની લાગણી થતી તેવી લાગણી હવે ના થઈ. આપણા અશાશ્વત પરિવર્તનશીલ સ્વરૂપની સીમિત દૃષ્ટિથી જે દેખાય છે તે સદા ભ્રામક અને અવાસ્તવિક હોય છે. એથી ઊલટું, આપણા શરીરની નિત્યતાની ભાવનાનો નાશ થાય છે ત્યારે બ્રહ્માંડની સમસ્ત ફિલ્મ મૂળભૂત રીતે જેવી છે તેવી જ દેખાય છે – તેજ તથા છાયાના એક અભિનય જેવી. એથી અધિક બીજું કાંઈ જ નથી દેખાતું.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.