if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા મૌનના સમયના અંતે, આશ્રમમાં દીર્ઘકાળપર્યંત રહ્યા પછી, મને ઈશ્વરવિષયક વિચારો આવવા લાગ્યા.

અમારી ઉપર લાદવામાં આવેલી અને બાલ્યાવસ્થાની જ અમારી અંદર ભળી ગયેલી એક સર્વોત્તમ વ્યક્તિરુપે ઈશ્વરને માનવાની ભાવનાને તથા બીજી કેટલીક પશ્ચિમી માન્યતાઓને મારાથી સહેલાઈથી સત્વર બદલીને વધારે વિશાળ, ઊંડી, સ્વાનુભવથી ભરેલી ભાવનાઓ તથા માન્યતાઓને અપનાવી ના શકાઈ. મારા ભારત-પ્રવેશનાં થોડાંક વર્ષો પહેલાં ધાર્મિક પૂર્વગ્રહોમાંથી અને કેટલીક સ્થૂળ અંધ માન્યતાઓમાંથી મેં મુક્તિ મેળવેલી ખરી, પરંતુ રમણ મહર્ષિની સંનિધિમાં આવવાથી સમજાયું કે એ મુક્તિ હજુ અધુરી છે. એમની સંનિધિમાં ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ થતો. એને માટે કોઈ દાખલા-દલીલો કે પુરાવાઓને ટાંકવાની આવશ્યકતા નહોતી રહેતી. મન જેને નહોતું સમજી શકતું તેને શબ્દોમાં મૂર્ત કરવાનું કાર્ય અતિશય અઘરું હતું. મહર્ષિ અવારનવાર પુનરાવર્તન કરતા કહેતાં કે ઈશ્વરને કેવળ વ્યક્તિગત રીતે જ જાણી શકાય છે, આપણાથી બહાર નથી જાણી શકાતા, પરંતુ આપણા પોતાના મૂળ સ્વરૂપ તરીકે, આપણા જીવન અથવા અંતરના અંતરતમમાં રહેલા આત્મા તરીકે અનુભવી શકાય છે.

એક વાર એ મહાપુરુષની સંનિધિમાં હું સુખપૂર્વક ધ્યાન કરી રહેલો ત્યારે, વિચારોને શાંત કરવા માટે મનનાં દ્વારોને બંધ કરવાનો પ્રયાસ કરતાં પહેલાં મને એમના શબ્દોનું સ્મરણ થયું : ‘સર્વ પ્રકારની ધાર્મિક તથા તત્વજ્ઞાનવિષયક પદ્ધતિઓ માનવને અમુક એકસરખી ચોક્કસ ભૂમિકા સુધી લઈ જાય છે - ઈશ્વરની લાગણીપ્રધાન માનસિક માન્યતાની ભૂમિકા સુધી. પરંતુ વધારે મહત્વની વસ્તુ તો એથી આગળ વધીને કરવામાં આવતો આત્મસાક્ષાત્કાર છે. એને જ પ્રાપ્તિ તરીકે ઓળખાવી શકાય.’

એનો અર્થ એ થયો કે ઈશ્વરને આપણે ક્યાંક સ્વર્ગમાં બેઠેલી કે રહેતી કોઈ સર્વોપરી વ્યક્તિ તરીકે નથી માનતા, સૌની ઉત્પત્તિના મૂળ કારણ અથવા આદિ તરીકે પણ નથી ગણતા; એમને માટેની કોઈ માનસિક કલ્પનાનો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે સ્વીકાર પણ નથી કરતા. કારણ કે કોઈ પણ વિચારસરણી સત્યની પાસે નથી પહોંચાડી શકતી.

‘આપણે ઈશ્વરનો અનુભવ પ્રતિદિન, પ્રતિપળ, પ્રતિક્ષણ વધારે વાસ્તવિક રીતે કરવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે એ પરમ સત્યમાં પ્રતિષ્ઠિત થવું જોઈએ. એ એક જ સત્ય છે. આપણે જે કાંઈ જોઈએ છીએ અને અનુભવીએ છીએ એ સૌના એ મૂળભૂત નિયામક છે.’

- રમણ મહર્ષિનાં વચનામૃતમાંથી

ઈશ્વર સાચેસાચ સર્વત્ર સઘળી વસ્તુઓમાં છે અને કોઈ અમુક પસંદ કરેલાં રૂપોમાં કે ભૌતિક, માનસિક, લાગણીપ્રધાન આદર્શમાં કે સિદ્ધાંતમાં કેદ નથી થયા, એ સાદાસીધા સત્યને સમજવાનું કાર્ય મનને માટે મુશ્કેલ લાગે છે. હૉલમાં બેઠેલા વિપરીત વિચારસરણીવાળા પ્રત્યેક ગ્રામવાસીમાં, બાજુમાં બેસીને ધ્યાનસાધનામાં લીન બનેલા પંડિતમાં તથા મહર્ષિમાં પણ એ જ વિરાજે છે. એ સાંજના પ્રસન્ન-મધુર પવનમાં ને મને મંદિરના હૉલમાં ઉત્તેજિત કરનારા મચ્છરોમાં પણ વસે છે. સમુદ્રમાં વસનારાં કે વિચરનારાં એકમેકનો ભયંકરતાપૂર્વક નિષ્ઠુર રીતે નાશ નોતરનારાં પ્રાણીઓ અને મહર્ષિની સુખદ સંનિધિમાં બેસીને પ્રેમપૂર્ણ પ્રાર્થના કરીને પ્રેરણા પામનારા ભક્તો, સૌ એક જ પરમાત્માની પ્રેરણાને પ્રાપ્ત કરે છે, અને પરમાત્માની પરાત્પર પરમચેતનાથી બહાર કશું જ નથી દેખાતું. એટલે જે કાંઈ છે તે બધું જેવું હોવું જોઈએ તેવું જ છે. પરમાત્માની ઈચ્છા વિરુદ્ધ કશું નથી થતું અથવા એમના વિના અને એમની બહાર કશું જ નથી બનતું કે રહેતું.

મહર્ષિની અચળ અખંડ શાંતિનું મુખ્ય કારણ અથવા રહસ્ય એ તથ્યોનું અનુભવપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન હતું એમાં શંકા નહોતી.

એ જ્ઞાન સાચું હોય તો મારે કહેવું જોઈએ કે આ જગતમાં મારાથી કોઈ અલગ થઈ શકતું નથી, અને હું કદી એકલો પડી શકતો નથી. માનવો મોટે ભાગે એકલતાથી ગભરાય છે.

ધ્યાનવસ્થામાં અનુભવાતા અદભૂત અસાધારણ આનંદનું અને ચેતનામાં મંદ ગતિએ, અજ્ઞાત રીતે, ક્રમશઃ અને એકધારી ચોક્કસતાથી પ્રાદુર્ભાવ પામતા અમરતાના ભાવનું સ્પષ્ટીકરણ મને પ્રાપ્ત થયું. જો હું જે કાંઈ ખરેખર છે તે જ હોઉં તો સૌના મૂલાધાર જેવા જીવન તત્વનો ત્યાગ મારાથી કેવી રીતે થઈ શકે ?

મારા મનમાં વીજળી જેવી ઝડપથી પેદા થતા એ બધા વિચારો છેવટે મને કંટાળો આપવા લાગ્યા. મારે મારી જાતને એ સંજોગોમાં સર્વ પ્રકારની શંકાઓમાંથી મુક્ત રાખવાની આવશ્યકતા હતી. મારે પૂર્ણ જીવનને જીવવાની આકાક્ષાં હતી. મહર્ષિ નિશ્ચયાત્મક રીતે ભારપૂર્વક કહેતા કે, ‘બધાં રૂપોથી અલગ થવામાં આવે છે. બધા વિચારોથી ઉપર ઉઠાય છે, અને એક આત્મા જ શેષ રહે છે ત્યારે સાચું જીવન શરૂ થાય છે.’

એ આત્માને સ્થૂલ ભૂમિકા પર કાર્ય કરનારા પેલા અહંકાર સાથે કોઈ ખાસ સંબંધ નથી. પ્રાણના પ્રવાહને જ્યારે આત્મા તરફ વાળવામાં આવે છે ત્યારે એ માયાવી અહંકાર મંદ પડે છે અને છેવટે શાંત બને છે. સ્વરૂપ અથવા આત્મા એના કરતાં મહાન છે, વધારે સૂક્ષ્મ છે અને સ્વતંત્ર છે. એ સૌમાં છે અને એની અંદર સર્વ છે. એ ઈશ્વર છે.

એટલું સમજવાથી સહેલાઈથી સમજાય છે કે પ્રત્યેક વ્યક્તિ જ્ઞાત અથવા અજ્ઞાત રીતે પોતાના સર્વોત્તમ મૂળભૂત ઉદભવસ્થાનની શોધ કરે છે. એ પછી આપણી દૃષ્ટિ સમક્ષ અનેક મહાન કવિઓ અને દાર્શનિકોના પ્રેરણાસભર શબ્દોના સાચા અર્થો પ્રકટ થાય છે અને સમજાય છે કે એમની ભાવના સદાય અંતમુર્ખ બનવાની તથા સંસારના એકમાત્ર ઉદભવસ્થાનને શોધી કાઢવાની છે.

એટલું સમજાતાં પરમશ્રેષ્ઠ પરમાત્માને માટેના પ્રેમનો અને ભક્તિભાવનો આવિર્ભાવ આપોઆપ થાય છે. એની આડે કોઈ અંતરાયો નથી આવતા. એને માટે કોઈ પ્રશ્નો પેદા નથી થતા કે શંકાઓ પણ નથી સતાવતી. પરમાત્માની સત્યપ્રિયતાનું ને ન્યાયકારકતાનું સર્વત્ર દર્શન થાય છે ને જે થાય છે તે બધું મંગલ જ થાય છે એવો વિશ્વાસ જાગે છે. એવો સ્વાનુભવ ના સાંપડતો હોય તો તેમાં દોષ આપણો જ છે. કોઈક અંધ પુરુષને સૂર્યકિરણોને અવલોકવાનો આસ્વાદ ના મળતો હોય તો એને માટે દોષપાત્ર કોણ છે ? કિરણો નથી પરંતુ અંધ પુરુષ પોતે જ છે. સૂર્યને નિહાળવાની યોગ્યતા મગજમાં નથી ઉદભવતી પરંતુ હૃદયમાં પેદા થતી હોય છે. એ નિહાળવાનું કોઈ સામાન્ય નિહાળવાનું નથી હોતું. સામાન્ય રીતે કરવામાં આવતું દુન્યવી નિરીક્ષણ ધ્યાનના આગળના અભ્યાસમાં અંતરારૂપ હોય છે. એમાંથી મુક્તિ મેળવી, આગળ વધીને, સ્થૂળ અહંને તિલાંજલિ આપીને, આપણે પરમ પ્રકાશમાં પ્રવેશવું પડે છે.

ઈશ્વરને માટેની આપણી શોધનાં સોપાનો વિશે સંપૂર્ણપણે કાંઈ પણ કહેવું હોય તો શાંતિ કે મૌન શબ્દ દ્વારા કહી શકાય. શાંતિ અથવા મૌનની ભૂમિકા સાધનાની સર્વોચ્ચ અને છેવટની ભૂમિકા છે. એ ભૂમિકાના આધાર પર અન્ય અનેક કલ્પનાઓ તથા વ્યાખ્યાઓ ઊભી કરી શકાય તો પણ એ અધૂરી જ રહેવાની. એમની મદદથી સાચી વસ્તુ નહિ સમજાવાની. શાંતિની સાધનાને ઓછાવત્તા પ્રમાણમાં સમજનારા ને એના વિશે સંપૂર્ણ સ્વાનુભવ સિવાયના ઉપલક વિચારોને રજૂ કરનારા માનવોના વિચારોને લક્ષમાં લેવા કરતાં આપણે પોતે જ શાંતિના સનાતન સાગરમાં સ્નાન કરવાની આવશ્યકતા છે. ઈશ્વર આપણી સાથે શાંતિમાં વાત કરવા તૈયાર હોય છે, પરંતુ આપણે એ શાંતિને આવવા દેતા નથી અને ઈશ્વરની વાતને સાંભળતા નથી. આપણી અજ્ઞતાને લીધે આપણે મોટે ભાગે મૌનને કે શાંતિને પસંદ કરતા નથી. વિચાર વગરના જીવનની કલ્પના પણ આપણે નથી કરી શકતા. પરંતુ એ ભ્રામક અસ્તિત્વને જીવનનું અભિધાન ના આપી શકાય. વૃક્ષ પરથી તોડવામાં આવેલું પાંદડું વૃક્ષ પર પાછું ના પહોંચી શકે તેવી રીતે આપણું નાશવંત રૂપ આપણા સત્ય સ્વરૂપની અભિવ્યક્તિ કદી નહિ કરી શકે.

એક મહાપુરુષે સ્પષ્ટ રીતે કહ્યું છે : એક વ્યક્તિ ઈશ્વરની ને શેતાનની બંનેની સેવા એક સાથે નહિ કરી શકે.

ધ્યાન દ્વારા અનુભવવા મળે છે કે ઈશ્વર આપણને આપણા રોજના જીવનમાં મદદ કરે છે. જે વસ્તુઓ પહેલાં અજ્ઞાત હોય છે તે જ્ઞાત થાય છે. આપણા અંતર અમાપ અગાધ પ્રેમ, ભક્તિ તેમજ કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે. છેવટે મહર્ષિએ જે ભૂમિકાને ઈશ્વર સાથેના રોજના અનુસંધાનની ભૂમિકા કહી છે તે ભૂમિકાએ પહોંચી શકાય છે. એ ધ્યેય અને સાધનાનું ગુરુશિખર છે.

આપણા નજીકના ભવિષ્યમાં આપણે કદાચ ઈશ્વર સાથે સનાતન સંબંધ બાંધવાને બદલે અવારનવાર થોડાંક પ્રકાશબિંદુઓને જ પામી શકીશું. મેં સંપૂર્ણપણે સંશયરહિત રીતે અનુભવ્યું કે મારી સન્મુખ બેઠેલા સંતપુરુષ પ્રકાશના પૂંજની વચ્ચે વિરાજે છે અને એ પણ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, અખંડ રીતે. એ પ્રકાશ સર્વ પ્રકારના ભૌતિક કે પાર્થિવ પ્રકાશ કરતાં જુદો હતો. એ બંધ નેત્રોની પાંપણો પરથી પણ પ્રસર્યા કરતો.

જે શરીરને અતિક્રમીને મેં ધ્યાનમાં ડૂબકી મારેલી તે શરીર મંદિરના પ્રાંગણમાં પડી રહેલું. એની બંધ આંખ ખરેખર કાંઈ જ નહોતી જોઈ શકતી. એ શબ્દરહિત અને શબની પેઠે મૂંગું કે જડ હતું.

પરંતુ પુનરાવતારની પ્રસન્નાતાપ્રદાયક આશા પ્રકટેલી.

દૂરથી મને આશ્રમના ઘંટનો શબ્દ સંભળાયો.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.